અમદાવાદમાં અનુપમ ખેરની તસવીરવાળી નોટો આપીને રૂ. 1.60 કરોડના સોનાની ઠગાઈ

રૂ. 500ની નકલી નોટોની તસવીર

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇમેજ કૅપ્શન, રૂ. 500ની નકલી નોટોની તસવીર

પોતાના શિકારને વિશ્વાસ અપાવવા માટે બનાવટી ઑફિસ, નકલી વેશ, સીલબંધ નોટોના બંડલ, પૈસા ગણવાનું મશીન અને એક કહાણી.

આ બધાની મદદથી બે શખ્સોએ અમદાવાદના વેપારી સાથે બે કિલોગ્રામ સોનાની છેતરપીંડી કરી હતી. તેમણે બે દિવસમાં સોનાનું કામ કરતા વેપારીનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો.

ઠગો દ્વારા સોદાની રકમ પેટે રૂ. 500-500ની નોટો ચૂકવવામાં આવી હતી, જેની ઉપર રાષ્ટ્રીયકૃત બૅન્કના માર્કાવાળા સીલ પણ હતાં, પરંતુ તેને દૂર કરવામાં આવતા નોટો નકલી હોવાનું બહાર આવ્યું હતું.

નોટોની ઉપર ગાંધીજીનાં બદલે ફિલ્મઅભિનેતા અનુપમ ખેરની તસવીરો છે. નોટો ઉપર આરબીઆઈના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ખેરે પણ આ ઘટનાની નોંધ લીધી હતી અને ઍક્સ ઉપર બે પોસ્ટ મૂકી હતી.

પોલીસ ફરિયાદ મુજબ, છેતરપીંડીની રકમ એક કરોડ સાંઇઠ લાખ જેટલી થવા જાય છે. અમદાવાદ પોલીસનું કહેવું છે કે તેણે ટૅક્નિકલ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સને કામે લગાડ્યા છે અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવામાં આવશે.

ગઠિયાઓની માયાજાળ

તપાસ દરમિયાન ટેબલ ઉપર મૂકવામાં આવેલી નોટોની થોકડીની તસવીર

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, પોલીસ તપાસ દરમિયાન ટેબલ ઉપર મૂકવામાં આવેલી નોટોની થોકડીની તસવીર

અમદાવાદના પ્રહ્લાદનગર વિસ્તારમાં રહેતા મેહુલ ઠક્કર છેલ્લાં લગભગ 28 વર્ષથી સોનાના વેપાર સાથે જોડાયેલા છે અને માણેકચોક ખાતે દુકાન ધરાવે છે. જેમનું મુખ્ય કામ મોટાપાયે સોનું ખરીદીને સોનીઓને જરૂરિયાત મુજબ વેચવાનું છે.

મેહુલ ઠક્કરે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, "28 વર્ષ પહેલાં પાટણના નાના ગામમાંથી આવીને અમદાવાદના માણેક ચોકમાં બુલિયન ટ્રૅડિંગનું કામ શરૂ કર્યું હતું. સમય સાથે ધંધો જામી ગયો. અમદાવાદમાં અમારા નક્કી કરેલા સોની દુકાનદારો છે, જે અમારી પાસેથી સોનું ખરીદે છે."

"આવા જ એક લક્ષ્મી જ્વેલર્સ છે. જેમને અમે પંદર વર્ષથી સોનું આપીએ છીએ. તા. 23મીની સાંજે લક્ષ્મી જ્વેલર્સના મૅનેજરનો મારા ઉપર ફોન આવ્યો હતો કે એક ગ્રાહકને બે કિલો 100 ગ્રામ સોનું જોઈએ છે. એ દિવસના ક્લૉઝિંગ ભાવ પ્રમાણે, રૂ. એક કરોડ 60 લાખમાં સોદો નક્કી થયો હતો."

"બીજા દિવસે મૅનેજરનો ફરીથી મારા ઉપર ફોન આવ્યો હતો. જેમણે મને કહ્યું હતું કે સોનું ખરીદનાર બે દિવસમાં આરટીજીએસથી પૅમેન્ટ આપશે. હાલ તે સિક્યૉરિટી માટે આંગડિયાની પેઢી ઉપર રોકડમાં પૈસા આપશે અને ત્યાં જ સોનાની ડિલિવરી કરવાની છે. પાર્ટી આરટીજીએસ કરે એટલે બાનાની રકમ પરત કરવાની હતી."

ઠક્કરના કહેવા પ્રમાણે, સોનીઓ સાથેના આર્થિકવ્યવહાર આરટીજીએસ કે ચૅકથી જ કરે છે.

આરટીજીએસએ (રિયલ ટાઇમ ગ્રૉસ સૅટલમેન્ટ) મોટી રકમના આર્થિકવ્યવહારોની પતાવટ માટે કરવામાં આ છે. આવકવેરાના કાયદાની જોગવાઈઓ પ્રમાણે, કોઈ વ્યક્તિ એક દિવસમાં રૂ. બે લાખથી વધુ રકમના રોકડમાં વ્યવહાર ન કરી શકે તથા એમ કરવાથી તેની સામે દંડનીય કાર્યવાહી થઈ શકે છે.

વિશ્વાસમાં લીધા બાદ વિશ્વાસઘાત

વીડિયો કૅપ્શન, Surendranagar માં પ્રેમસંબંધ બાદ જન્મેલી બાળકીને માતાએ દાટી દીધી, કઈ રીતે ખુલાસો થયો?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મેહુલ ઠક્કરે સોનાની ડિલિવરી આપવા માટે તેમની પેઢીના બે કર્મચારીઓને કથિત આંગડિયા પેઢીના સરનામે મોકલ્યા હતા. સોનું આપવા ગયેલા બે કર્મચારીઓમાંથી એક ભરત જોશીએ ફોન ઉપર પરીખ સાથે વાત કરતા જણાવ્યું, "અમે સોનું આપવા માટે સીજી રોડ ઉપર આવેલી દુકાનમાં ગયા ત્યારે આંગડિયાની પેઢી જેવો જ માહોલ હતો. એક શખ્સ નોટો ગણવાનું મશીન લઈને બેઠો હતો."

"એવામાં શીખવેશે એક ભાઈ આવ્યા હતા, જેમણે કહ્યું હતું કે 'મારા પૈસા આવવાના હતા, એ આવી ગયા?' આંગડિયા પેઢીમાં બેઠેલા માણસે સ્પીકર ફોન ઉપર વાત કરાવી. એસબીઆઈ બૅન્કના લૅબલવાળા પ્લાસ્ટિકમાં વીંટાળેલા રૂ. 500-500ની નોટોના 26 બંડલ તેમણે મારી સામે મૂક્યા. મેં તેમને જણાવ્યું હતું કે રૂ. 30 લાખ ઓછા છે. ત્યારે તેણે મારી વાત લક્ષ્મી જ્વેલર્સના મૅનેજર પ્રશાંતભાઈ સાથે કરાવી હતી."

સમગ્ર ઘટનાક્રમને આગળ વર્ણવતા જોશી કહે છે, "પ્રશાંતભાઈએ મને સોનાની ડિલિવરી આપી દેવા કહ્યું હતું. શીખવેશે આવેલાં શખ્સે મને કહ્યું હતું કે અન્ય એક દુકાનમાં તેના રૂ. 30 લાખ આવ્યા છે, જે લઈને આવે છે. એટલી વારમાં તેણે અમને પૈસા ગણી લેવા કહ્યું. એ આંગડિયા પેઢીનો માણસ ખુલ્લા પગે પાણીની બૉટલ લેવા માટે ગયો હતો."

જોકે, એ પછી જોશી અને તેમના સહકર્મચારી સામે વધુ એક આંચકાજનક ખુલાસો થવાનો હતો.

નકલી નોટો, નકલી પેઢી

એસીપી એચ. એમ. કણસાગરાની તસવીર
ઇમેજ કૅપ્શન, એસીપી એચ. એમ. કણસાગરા

જોશીના કહેવા પ્રમાણે, તેમણે પ્લાસ્ટિક ખોલીને જોયું તો તમામ નોટો નકલી હતી અને તેની ઉપર ગાંધીજીના બદલે અનુપમ ખેરની તસવીરો હતી.

આ સિવાય ભારતની મધ્યસ્થ બૅન્ક આરબીઆઈનું આખું નામ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના બદલે રિસૉલ બૅન્ક ઑફ ઇન્ડિયા લખેલું હતું. દેખીતી રીતે જ તે બાળકોનાં રમવા માટેની નોટો હતી.

આથી જોશીએ ત્યાં નોટો ગણવાના મશીન સાથે રહેલા શખ્સની પૃચ્છા કરતા માલૂમ પડ્યું હતું કે તેઓ આંગડિયા પેઢીના કર્મચારી ન હતા, પરંતુ નોટો ગણવાનું મશીન વેંચનાર સૅલ્સમૅન છે, જેમને મશીનનો ડૅમો આપવા માટે બોલાવવામાં આવ્યા હતા.

આ ઘટના બાદ જોશીએ ફૉન કરીને મેહુલ ઠક્કરને સમગ્ર ઘટનાક્રમ વિશે માહિતી આપી હતી. જ્યારે મેહુલ તથા પ્રશાંતભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ ન હતું. પ્રશાંતભાઈને આપવામાં આવેલો નંબર પણ બંધ આવતો હતો.

બીબીસી ગુજરાતીએ પ્રશાંત પટેલ સાથે સંપર્ક કરીને તેમનો પક્ષ જાણવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે સંપર્ક થઈ શક્યો ન હતો. આ અંગે તેમની પ્રતિક્રિયા મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.

નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઈએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા લક્ષ્મી પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું, "મેહુલ ઠક્કરની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ તપાસ હાથ ધરી છે. તપાસ કરતા બહાર આવ્યું છે કે આંગડિયા પેઢી બે દિવસ પહેલાં જ શરૂ કરવામાં આવી હતી."

સમગ્ર ઘટનાક્રમ સોશિયલ મીડિયા ઉપર પણ વાઇરલ થયો હતો. ફિલ્મ અભિનેતા અનુપમ ખેરે પણ બે ટ્વિટ કરીને નકલી નોટો ઉપર પોતાની તસવીરો અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.

અમદાવાદના એસીપી એચ. એમ. કણસાગરાએ જણાવ્યું હતું, "અમે જ્વેલર્સની દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જે નંબર પરથી જ્વેલર્સનો સંપર્ક કરવામાં આવ્યો તે બંધ થયા પહેલાં ક્યાં-ક્યાં ઍક્ટિવ હતો, તેઓ કયા-કયા વિસ્તારમાં ફર્યા હતા અને રોકાયા હતા વગેરે જેવી બાબતોનું ટૅક્નિકલ સર્વૅલન્સ હાથ ધર્યું છે. જેણે દુકાન ભાડે અપાવી હતી, એ બ્રૉકરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે."

પોલીસનો દાવો છે કે તેને કેટલીક કડીઓ મળી છે, જેના આધારે ટૂંક સમયમાં આરોપીઓને પકડી લેવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.