વર્ષે 16 લાખ વખત વીજળી પડે છે એ સ્થળે કેવી રીતે જીવે છે લોકો?

ઇમેજ સ્રોત, Alan Highton
વૅનેઝુએલાના છેવાડે આવેલું ઑલોગા ગામ 'કાટાટુમ્બો કૅમ્પ' તરીકે ઓળખાય છે. કુદરતના કરિશ્માને જોવા માટે દુનિયાભરના લોકો અહીં એકઠા થાય છે. પર્યટકો, ફૉટોગ્રાફરો અને ફિલ્મકારોને પણ આ જગ્યા આકર્ષે છે.
કાટાટુમ્બો નદી અને સરોવરનો સંગમ થાય છે, એ પહેલાં ઑલોગા છેલ્લું ગામ છે. નાસાના મતે, કાટાટુમ્બો વિશ્વનું 'વીજળીક પાટનગર' છે અને તે વર્લ્ડ રેકૉર્ડ પણ છે.
વિશ્વભરમાંથી કાટાટુટમ્બો એવું સ્થળ છે કે જ્યાં ચોક્કસ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અસામાન્ય દરે વીજળી પડવાની ઘટના ઘટે છે.
ઇતિહાસ ઉપર નજર કરતા છેલ્લાં લગભગ બે હજાર વર્ષથી વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે અને સ્થાનિકોની પોતાની માન્યતાઓ પણ જોડાયેલી છે.
'વીજળીના વિસ્તાર'ની વાતો

ઇમેજ સ્રોત, Alan Highton
વૅનેઝુએલાની ઉત્તર-પૂર્વે કાટાટુમ્બો આવેલું છે, જ્યાં પહોંચવા માટે પૉર્ટો કોનચાથી ત્રણ કલાકની બૉટની મુસાફરી કરવી પડે છે. બારી લોકોની ભાષામાં કાટાટુમ્બોનો મતલબ 'વીજળીનું ઘર' એવો થાય છે.
સફર દરમિયાન બૉટ વૅનેઝુએલાના રાષ્ટ્રીય પાર્કમાંથી પસાર થાય છે, જેમાં સાંપ, વાનર અને ચિમ્પાન્ઝી સહિતના પ્રાણીઓ નિવાસ કરે છે.
સ્થાનિક પર્યાવરણવાદી એરિક ઑર્ટેગાના કહેવા પ્રમાણે, "આ વિસ્તારમાં લગભગ બે હજાર વર્ષના ઇતિહાસમાં વીજળી પડવાની વાતો નોંધાઈ છે. વાયુ, યૂપકા અને વારી સમુદાયોમાં વીજળી વિષયક માન્યતાઓ પ્રવર્તમાન છે."
ઑલોગા ગામમાં લોકો પત્તરાંથી બનેલાં ઘરોમાં રહે છે અને પર્યટન તથા માછીમારી તેમના આવકના મુખ્ય સ્રોત છે. વીજળીથી બચવા માટે લોકો પોતાના ઘર ઉપર સળિયા લગાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍલિસા ઍમિલિયાનો ઍટનસિયોના કહેવા પ્રમાણે, 'અહીં વીજળી પડવી એ કુદરત તરફથી સન્માનનું પ્રતીક છે. ઉનાળો હોય કે ચોમાસું વીજળી દેખાય જ છે. તે હંમેશાથી અહીં રહી છે. દ્વીપકલ્પમાં ઊંડે-ઊંડે પણ હંમેશાં વીજળી થતી રહી છે. તે આપણને શક્તિ અને મનોબળ આપે છે. વીજળી થતી રહેશે તો વાદળ આવશે જ.'
બારી લોકો માને છે કે પૂર્વજોની આત્મા અવકાશી આગિયાંનું સ્વરૂપ ધારણ કરે છે, જેના કારણે વીજળીનું સર્જન થાય છે.
વર્ષ 1499માં ઇટાલીના દરિયાઈ સાહસિક અમેરિગો વૅસ્પુચી અહીં પહોંચ્યા ત્યારે સરોવરના મુખ પર વસેલાં આ ઘરોને જોઈને તેમણે 'નાનકડું વૅનિસ' એવું નામ આપ્યું હતું.

વર્ષે સોળ લાખ વીજળી
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉનાળો હોય કે ચોમાસું વર્ષના 140 કે 160 દિવસ અહીં વીજળી પડે છે. વીજળીનું પ્રતિબિંબ સરોવરના પાણીમાં ઝીલાય છે, જે ભયજનક છતાં આકર્ષક દૃશ્ય ઊભું કરે છે.
રાત દરમિયાન સાતથી 10 કલાક વીજળી પડે છે. આમ આ વિસ્તારમાં વર્ષે સોળ લાખ વખત વીજળી પડે છે.
એરિક ઑર્ટેગાના કહેવા પ્રમાણે, નાસાએ અગ્યાર વર્ષ સુધી વીજળી પડવા તથા તેના કારણો વિશે અભ્યાસ કર્યા હતા, એ પછી તેને 'વીજળી પડવાનું પાટનગર' કહ્યું અને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પણ તેને સ્થાન મળ્યું.
વિશ્વભરમાંથી લોકો અહીં એકઠાં થાય છે. વર્ષ દરમિયાન અહીં સરેરાશ 32 ડીગ્રી તાપમાન રહે છે એટલે પર્યટકો દિવસ દરમિયાન સરોવરમાં સ્નાન કરે છે.
આકાશમાં સર્જાતી સફેદ અને નીલવર્ણી પ્રકાશની આકૃતિઓને કૅમેરા અને મનમાં કેદ કરવા માટે રાતઉજાગરા કરે છે. ચમકારા ઘડીભર માટે રાતને દિવસમાં ફેરવી દે એટલી રોશની ઊભી કરે છે.
ઉત્સાહી પર્યટકો સાંજ પડ્યે વીજળીની ગણતરી કે ચમકારો થયે ઉદ્ગાર કરે છે, પરંતુ જેમ-જેમ રાત આગળ વધે છે, એમ-એમ આ દૃશ્ય સામાન્ય બની જાય છે. જાણે કોઈ મ્યુઝિક કૉન્સર્ટ કે પબમાં લૅસર લાઇટોના જાત-જાતના ચમકારા થતાં હોય.
જોકે, કાટાટુમ્બોથી વીજળી પડવાનું સ્થળ દૂર હોવાથી તેનો ગડગડાટ પર્યટકોને સંભળાતો નથી.
કુદરતના કરિશ્માનું કારણ

ઇમેજ સ્રોત, Alan Highton
શા માટે આ વિસ્તારમાં આટલા બધા પ્રમાણમાં વીજળી પડે છે, તે સ્થાનિકો ઉપરાંત વિજ્ઞાનીઓ માટે પણ કૌતુકનો વિષય છે. આ દિશામાં અનેક અભ્યાસ થવા છતાં નક્કર જવાબ નથી મળ્યા.
સ્થાનિક ગાઇડ ઍલન હાઇટનના કહેવા પ્રમાણે, સૅટેલાઇટ દ્વારા મળેલી તસવીરોના અભ્યાસ પરથી નાસાને જાણવા મળ્યું હતું કે આ વિસ્તારમાં પડતી વીજળી માટે બે મુખ્ય ઍપિસેન્ટર છે. એક કાટાટુમ્બો નદીની ઉપર, જે ગોધૂલિ વેળાએ થતી વીજળીઓનાં સર્જનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજું કેન્દ્ર મૅરેકાઇમ્બો સરોવરના દક્ષિણપશ્ચિમે આવેલું છે. આ ઍપિસેન્ટર પહેલા કરતાં મોટું છે તથા તે સાંજે થતી વીજળી માટે નિમિત બને છે.
શા માટે આ વિસ્તારમાં આટલી બધી વીજળી પડે છે, તેનો નક્કર જવાબ કોઈની પાસે નથી. પરંતુ વ્યાપક રીતે સ્વીકૃત થિયરી મુજબ, કૅરેબિયન ટાપુઓ ઉપરથી ગરમ હવા વહે છે, જે ખારું પાણી ધરાવતાં મૅરેકાઇમ્બો સરોવર ઉપર પહોંચે છે.
બીજી બાજુ ઍન્ડિસની પર્વતશ્રૃંખલાનો ઠંડો પવન આ સરોવરની ગરમ હવાને ઠંડી પડે છે. આ વિસ્તારમાં ત્રણ બાજુ પહાડો આવેલા છે. ગરમ અને ભેજવાળી હવા મોટા વાદળોનું ગઠન કરે છે. એ પછી વરસાદી વાદળોની પરસ્પર ટક્કર થવાથી ઇલેક્ટ્રિસિટી સ્વરૂપે ઊર્જા છૂટી પડે છે.
આ સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હૅરિટેજ સાઇટ જાહેર કરવા માટે પણ સ્થાનિકો દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













