ભારતમાં વેચાતી નબળી ગુણવત્તાની દવાઓમાં પેરાસિટામોલ પણ સામેલ, તમારે શું ધ્યાન રાખવું જોઈએ?

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, શારદા વી
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારત આખી દુનિયામાં અગ્રણી દવા ઉત્પાદક દેશ તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે અને કિફાયતી ભાવે દવાઓના ઉત્પાદન માટે જાણીતું છે. પરંતુ તાજેતરમાં દવાઓની ગુણવત્તા વિશે એક આંચકાજનક અહેવાલ આવ્યો છે.

સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ) એ તેની માસિક યાદીમાં જણાવ્યું છે કે ભારતમાં વેચાતી પેરાસિટામોલ, પેન-ડી અને ગ્લાયસિમેટ એસઆર 500 જેવી સામાન્ય વપરાશની દવાઓ સહિત 48 દવાઓ જરૂરી ગુણવત્તાનાં ધોરણો પર ઊણી ઊતરે છે.

સીડીએસસીઓ દર મહિને નબળી ગુણવત્તાની દવાઓની યાદી પ્રકાશિત કરે છે. ઑગસ્ટ મહિનાની યાદીમાં 48 દવાઓનો સમાવેશ થયો છે જેમાં લોકો દ્વારા વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવતી દવાઓ પણ સામેલ છે.

કર્ણાટક એન્ટીબાયોટિક્સ ઍન્ડ ફાર્માસ્યુટિકલ્સ દ્વારા ઉત્પાદિત પેરાસિટામોલ આઈપી 500, અલ્કેમ હેલ્થ સાયન્સ દ્વારા ઉત્પાદિત પેન ડી, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર પ્રા. લિ. દ્વારા ઉત્પાદિત દવા મોનિટેર એલસી કિડ અને સ્કોટ-એડિલ ફાર્માશિયા દ્વારા ઉત્પાદિત ગ્લાયસિમેટ એસઆર 500 જેવી દવાઓનો સમાવેશ એવી 48 દવાઓમાં થાય છે જેને એનએસક્યુ (નૉટ ઑફ સ્ટાન્ડર્ડ ક્વૉલિટી) તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

સન ફાર્મા અને ટૉરેન્ટ ફાર્મા જેવી અગ્રણી દવા ઉત્પાદક કંપનીઓએ કહ્યું છે કે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશનના રિપોર્ટમાં જે દવાઓનો ઉલ્લેખ છે તે 'નકલી ઉત્પાદનો' છે અને તેઓ તેનું ઉત્પાદન નથી કરતી.

'સ્ટાન્ડર્ડ ગુણવત્તા નથી' તેનો અર્થ શું થાય?

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટના સુધારા 2008 હેઠળ નકલી દવાઓનું ઉત્પાદન કરનારા સામે કાર્યવાહી થઈ શકે છે.

કોઈ પણ દવાનું વજન જ્યારે નિર્ધારિત વજન કરતા ઓછું હોય, ભૌતિક દેખાવ, પાણીમાં વિઘટન, વર્ણન પર દર્શાવેલી સામગ્રી વગેરેમાં નક્કી કરેલાં ધોરણોનું પાલન ન કરે ત્યારે તે સ્ટાન્ડર્ડ ગુણવત્તાની નથી તેમ કહેવામાં આવે છે. જે દવાઓ પોતાની અસલી ઓળખ છુપાવે અથવા અન્ય દવાના નામે વેચવામાં આવે તેને નકલી દવા કહેવામાં આવે છે.

હાલમાં જાહેર કરાયેલી યાદીમાં ઍમોક્સિસિલિન ઍન્ડ પોટેશિયમ ક્લેવુલનેટ ટૅબ્લેટ આઈપી (ક્લેવેમ 625), ઍમોક્સિસિલિન ઍન્ડ પોટેશિયમ ક્લેવુલનેટ ટેબ્લેટ (મેક્સક્લેવ 625), પેન્ટોપ્રેઝોલ ગેસ્ટ્રો - રેઝિસ્ટન્ટ અને ડોમ્પેરિડોન પ્રોલોંગ્ડ રિલિઝ કેપ્સ્યુલ્સ આઈપી (પેન-ડી)ને બનાવટી દવા તરીકે ઓળખવામાં આવી છે.

ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટના સુધારા 2008 હેઠળ નકલી દવાઓનું ઉત્પાદન કરનારા સામે કાર્યવાહી થઈ શકે છે. આ કાયદા હેઠળ ઓછાંમાં ઓછાં 10 વર્ષની જેલથી લઈને આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત ઓછામાં ઓછા 10 લાખ રૂપિયા, અથવા જપ્ત કરવામાં આવેલી દવાઓના મૂલ્યના ત્રણ ગણા, બેમાંથી જે વધુ હોય, તેટલો દંડ થઈ શકે છે.

આ યાદીમાં અન્ય દવાઓને તેમની સામગ્રી, વિઘટન (દવા કઈ રીતે ઓગળે છે અને શરીરમાં શોષાય છે), તથા વિવરણ, ભૌતિક દેખાવ જેવા કારણોથી હલકી ગુણવત્તાની દવાઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. ક્વોલિટીની ચકાસણીમાં નિષ્ફળ રહેલી ચોક્કસ બેચની તમામ દવાઓને બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.

જાહેર ચિંતા

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સામાન્ય રીતે વપરાશમાં લેવાતી કેટલીક દવાઓ નબળી ગુણવત્તાની છે તે અહેવાલે લોકોમાં ચિંતા પેદા કરી છે. ચેન્નાઈના કોલાથુરના રહેવાસી, 58 વર્ષના શંકરન કહે છે કે "હું છેલ્લાં 10 વર્ષથી ડાયાબિટીસની દવા ખાઉં છું. મારે આ દવાઓ નિયમિત રીતે લેવી પડે છે. આ દવાઓ એક વખતના ઉપયોગ માટે નથી.

તો પછી મારી પાસે કયો વિકલ્પ છે? મને કઈ રીતે ખબર પડશે કે કઈ દવા સ્ટાન્ડર્ડ ગુણવત્તાની છે? હું આ દવાઓ લાંબા સમય સુધી લઉં તો તેની કેવી અસર થશે? કોઈ આના વિશે જનતાને કેમ નથી જણાવતું? અમને અસ્પષ્ટ માહિતી અને રિપોર્ટ દ્વારા અંધારામાં રાખવામાં આવે છે. "

ચેન્નાઈમાં અરુંબક્કમ સ્થિત 48 વર્ષનાં ઉષારાની કહે છે કે ડૉક્ટરોએ લખી આપેલી દવાઓ પણ સુરક્ષિત ન હોય તો અમારે શું કરવું?"

ગુણવત્તાયુક્ત દવાઓને કેવી રીતે ઓળખવી?

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે નબળી ગુણવત્તાની દવાઓ આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચેન્નાઈના જનરલ ફિજિશિયન ડૉ. ચંદ્રશેખર સારી ગુણવત્તાની દવાની અસરો તથા હલકી દવાઓની ખરીદીથી કેવી રીતે બચવું તેના વિશે મહત્ત્વના મુદ્દા સમજાવે છેઃ

  • આવશ્યક પ્રમાણમાં અને યોગ્ય સામગ્રી વગરની દવા હશે તો તેનાં ઇચ્છનીય પરિણામો નહીં મળે. હલકી ગુણવત્તાની દવા લાંબા ગાળે શરીરના અવયવોને નુકસાન પહોંચાડે છે.
  • કોઈ વ્યક્તિ ડાયાબિટીસ અથવા હાઈ બ્લડપ્રેશરની દવાઓ લેતી હોય તો સમયાંતરે પોતાની દવાઓ ડૉક્ટરને બતાવીને તેને ચેક કરાવવી જરૂરી છે.
  • દુકાનમાંથી દવા ખરીદતી વખતે તેના પેકેજિંગ પર આઈએસઓ (ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ફૉર સ્ટાન્ડર્ડાઇઝેશન) અથવા ડબલ્યુએચઓ-જીએમપી (વિશ્વ આરોગ્ય સંસ્થા ગુડ મૅન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ)નું પ્રમાણપત્ર જુઓ. તે ગુણવત્તાના સૂચક છે.
  • ઍક્સપાયરી ડેટ નજીક આવી ગઈ હોય તેવી દવાઓ ખરીદવાનું ટાળો. કેટલીક દવાઓને યોગ્ય સ્થિતિમાં પૅક ન કરાય અથવા સંગ્રહ કરવામાં ન આવે તો તેની અસર રહેતી નથી.
  • ઇન્જેક્શન અને ઇન્સ્યુલિન જેવાં ઉત્પાદનો માટે દુકાનમાં યોગ્ય રેફ્રિજરેશન સુવિધા છે કે નહીં તે ચકાસો.

ગભરાવાની જરૂર નથી, સાવધાની રાખવાની સલાહ

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ડ્રગ કન્ટ્રોલ ડાયરેક્ટોરેટ અને દવાઓના ડીલર્સ આશ્વસ્ત કરે છે કે ગભરાવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે આ પ્રકારનાં પરીક્ષણો નિયમિત થતાં રહે છે અને તેનાથી જીવનને કોઈ ખતરો નથી હોતો.

તમિલનાડુ કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રેસિડન્ટ એસ. એ. રમેશ જણાવે છે કે, દવાના ઉત્પાદનમાં મામૂલી ખામી રહી જાય તો પણ તેને નબળી દવાની ગુણવત્તામાં વર્ગીકૃત કરી દેવાય છે. આવા સખત પગલાંથી ભારતીય દવાઓની ગુણવત્તા સુધારવામાં મદદ મળે છે.

તેઓ કહે છે,"જો કોઈ દવાને મોઢામાં પાંચ સેકન્ડમાં ઓગળવાનું હોય પરંતુ છ સેકન્ડ લાગે તો તે નબળી ગુણવત્તાની ગણાય છે."

ચેન્નાઈની એક ખાનગી હૉસ્પિટલમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડૉક્ટર અશ્વિન સાવધાની રાખવાની વાત પર ભાર મૂકે છે.

તેઓ કહે છે, "કેટલીક દવાની દુકાનો 80 ટકા સુધી ડિસ્કાઉન્ટ આપે છે. કોઈ વ્યક્તિ 100 રૂપિયાની દવાને 20 રૂપિયામાં કેવી રીતે વેચી શકે? ઘણી જગ્યાએ દવાની ઍક્સપાયરી ડેટને ત્રણ મહિના બાકી હોય ત્યારે જથ્થાબંધ દવાઓ ખરીદવામાં આવે છે અને પછી સસ્તા ભાવે વેચી દેવાય છે."

"દવાઓને યોગ્ય રીતે પેક અથવા સંગ્રહ કરવામાં ન આવે તો ઍક્સપાયરી ડેટ નજીક આવતી જાય તેમ તેની અસરકારકતા ઘટતી જાય છે. કેટલીક વખત આઈવી ડ્રગ્સમાં બેક્ટેરિયા પેદા થાય છે. ઇન્સ્યુલિનનું પરિવહન કરતી વખતે 6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જળવાવું જોઈએ."

"પરંતુ ઘણી જગ્યાએ તેનું પાલન નથી થતું. તેથી દર્દીઓને મારી સલાહ છે કે ઑનલાઇન ઇન્સ્યુલિન ન ખરીદો. નહીંતર તે માત્ર પાણી જેવું હશે."

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચરિંગ ઍસોસિયેશનના તમિલનાડુ, કેરળ, પોંડિચેરી ચેપ્ટરના ચેરમેન જે. જયાસીલન કહે છે કે નબળી ગુણવત્તાની દવાઓ અને નકલી દવાઓ વચ્ચે તફાવત કરવાની જરૂર છે. સ્ટાન્ડર્ડ ગુણવત્તા ન હોય તે ઉત્પાદન પ્રક્રિયાનો હિસ્સો છે, પરંતુ નકલી દવા સામે તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ.

તેઓ કહે છે, "સામાન્ય રીતે પરીક્ષણ કરવામાં આવેલા નમૂનામાંથી 3થી 5 ટકા દવાઓ એનએસક્યુમાં આવી જાય છે અને માત્ર 0.01 ટકા નમૂના નકલી દવા સાબિત થાય છે."

"ચોક્કસ બૅચની એનક્યુએસ દવાઓ તરત પાછી મગાવી લેવાય છે અને આવું અમેરિકા જેવા દેશમાં પણ થાય છે. આ બધા એવા મુદ્દા નથી જેનાથી આરોગ્ય માટે ગંભીર જોખમ પેદા થતા હોય."

તેઓ કહે છે કે, "ઉત્પાદનોની સપ્લાય ચેઈન પર સતત નજર રાખવી જોઈએ. ઉત્પાદકો દ્વારા બનાવાયેલી દવાઓને ફાર્મસીઓમાં નિર્દેશિત તાપમાને સંગ્રહ કરવામાં નથી આવતી. ધારો કે 12 મહિના પછી ઉત્પાદનની ચકાસણી કરવામાં આવે તો તેમાં તે ગુણવત્તાના માપદંડમાં નિષ્ફળ જઈ શકે છે."

"કેન્દ્ર સરકાર યોગ્ય વિતરણ પદ્ધતિ લાગુ કરે, જેમાં સપ્લાય ચેઈનના દરેક હિસ્સેદારની જવાબદારી નક્કી કરવામાં આવે, તો મને આશા છે કે મોનિટરિંગ વધુ ચુસ્ત બનશે."

તેઓ કહે છે કે, "ભારતને વિશ્વની ફાર્મસી તરીકે ઓળખવામાં આવે છે. અમેરિકામાં વપરાતી 40 ટકા દવાઓ અને યુરોપમાં વપરાતી 25 ટકા દવાઓ ભારતમાં ઉત્પાદિત છે. કેટલાક અવિકસીત દેશો દવાઓ માટે ભારત પર નિર્ભર છે."

"દવા ઉદ્યોગ ભારતમાં ચોથા ક્રમે સૌથી વધારે આવક પેદા કરે છે. એનએસક્યુ ઉત્પાદનોને લઈને આટલી મોટી હો હા કરવામાં આવે છે તે કમનસીબ બાબત છે કારણ ઉદ્યોગમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે."

તેઓ કહે છે કે "મેડિકલની દુકાનમાં માત્ર ફાર્માસિસ્ટ પાસેથી લોકોએ દવા લેવી જોઈએ. દવાને ‘વેચવાની’ ન હોય પણ ‘વિતરીત’ કરવાની હોય. માત્ર તાલીમબદ્ધ ફાર્માસિસ્ટ દર્દીને દવા, તેના ડોઝ અને સંભવિત આડઅસરો વિશે જણાવી શકે."

આ વિશે દવા ઉત્પાદક કંપનીઓ શું કહે છે?

ભારત, દવાઓ, પેરાસિટામોલ, તાવ, નબળી ગુણવત્તાની દવાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સન ફાર્મા અને ટોરેન્ટ સહિતની અગ્રણી દવા ઉત્પાદક કંપનીઓએ કહ્યું છે કે સીડીએસસીઓના રિપોર્ટમાં જે દવાઓનો ઉલ્લેખ થયો છે તે “બનાવટી દવાઓ” છે અને તેમનું ઉત્પાદન તેમણે નથી કર્યું.

સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સન ફાર્માના પ્રવક્તાએ કહ્યું કે "અમારી કંપનીએ મામલાની તપાસ કરી તો જાણવા મળ્યું કે પલ્મોસિલ (સિલ્ડેનાફિલ ઇન્જેક્શન), બેચ નંબર KFA0300; પેન્ટોસિડ (પેન્ટોપ્રાઝોલ ટેબ્લેટ્સ આઈપી), બેચ નંબર SID2041A અને ઉર્સોકોલ 300 (ઉર્સોડોક્સિકોલિક એસિડ ટેબ્લેટ આઈપી), બૅચ નંબર GTE1350A નકલી છે.

સન ફાર્માએ એમ પણ જણાવ્યું કે દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેઓ ઘણા પગલાં લઈ રહ્યા છે. કંપનીએ જણાવ્યું કે, "અમારી કેટલીક દવા બ્રાન્ડ્સ પર હવે ક્યુઆર કોડ લેબલ પ્રિન્ટ કરવામાં આવે છે. દર્દીઓ આ કોડને સ્કેન કરીને આસાનીથી તેની ચકાસણી કરી શકે છે."

ધ હિંદુ અખબારના અહેવાલ પ્રમાણે ટોરેન્ટ ફાર્માએ શેલ્કલ 500ના એ જ બેચની ચકાસણી કરી છે જેના નમૂનાની સીડીએસસીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં જાણવા મળ્યું છે કે તે બનાવટી, નકલી દવાઓ હતી.

ટોરેન્ટ ફાર્માએ જણાવ્યું હતું કે નકલી દવાઓ સામેના પગલાં તરીકે તેમણે શેલ્કલ પર ક્યુઆર કોડ લગાવ્યા છે જેનાથી અધિકૃતતાની ચકાસણી થઈ શકે છે. કંપનીએ નોંધ્યું હતું કે સીડીએસસીઓ દ્વારા જપ્ત કરાયેલા નમૂનાઓમાં આ કોડ હાજર ન હતા.

ટોરેન્ટ ફાર્માએ એ પણ જણાવ્યું કે તેમણે મૂલ્યાંકન રિપોર્ટ સાથે એક ઔપચારિક પ્રતિભાવ પહેલેથી જમા કરાવી દીધો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડૉ. જયાલાલ કહે છે કે દવાઓ નબળી ક્વૉલિટીની છે તે ગંભીર ચિંતાનો વિષય છે. આ પ્રશ્નને ઉકેલવા માટે એક નક્કર પ્રયાસની જરૂર છે.

તેમણે કહ્યું, "ઘણા પશ્ચિમી દેશોની જેમ દવાઓ ઉત્પાદકથી લઈને ગ્રાહક સુધી પહોંચે તેના પર નજર રાખવાની જરૂર છે. દવાઓના ઓટીસી (ઓવર ધ કાઉન્ટર) વેચાણને રોકવા માટે પ્રિસ્ક્રિપ્શન ઓડિટ કરવાની જરૂર છે."

"સરકારી એજન્સીઓ એલ1ના આધારે દવાઓ ખરીદે છે (જે સૌથી ઓછી કિંમત જણાવે છે તે દવાઓ સપ્લાય કરવાનો ટેન્ડર મેળવે છે). તેથી સરકારી ક્ષેત્રમાં સપ્લાય ચેઇનમાં નબળી ગુણવત્તાની દવાઓ પ્રવેશવાની શક્યતા વધારે રહે છે."

સરકાર કેવા પગલાં લઈ રહી છે?

તમિલનાડુ ડ્રગ કંટ્રોલના જૉઇન્ટ ડાયરેક્ટર ડૉ. શ્રીધર જણાવે છે કે જ્યારે કોઈ દવા નબળી ગુણવત્તાની હોવાનું જણાય છે, ત્યારે તેના મૂળને શોધવા અને જથ્થાબંધ વેપારી અને ઉત્પાદકને ઓળખવા માટે તરત જ તપાસ શરૂ કરવામાં આવે છે.

તેઓ કહે છે, "તેનાથી પહેલાં આ દવાઓને દુકાનોમાંથી હટાવી લેવાના આદેશો જારી કરવામાં આવે છે. તમામ ફાર્મસીઓમાંથી દવા દૂર કરવામાં આવે છે. ઉત્પાદકની ઓળખ કર્યા પછી અમે નિર્ધારિત કરીએ છીએ કે ઉત્પાદનના કયા તબક્કે ભૂલ આવી હતી. ત્યાર પછી ઉત્પાદકને નોટિસ આપવામાં આવે છે અને તેમનો ખુલાસો માંગવામાં આવે છે."

"જો કોઈ કંપની વારંવાર ભૂલ કરે છે તો તેની સામે ડ્રગ્સ ઍન્ડ કૉસ્મેટિક્સ એક્ટની કલમ 18 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે."

તમિલનાડુ ડ્રગ સેલર્સ એસોસિયેશનના વડા નટરાજ કહે છે કે, ઓનલાઈન દવાઓના વેચાણમાં વધારો થવાના કારણે બજારમાં નબળી ગુણવત્તાની દવાઓનું પ્રમાણ વધ્યું છે.

તેઓ કહે છે, ઓનલાઈન વેચાણ કરતી વખતે કાશ્મીરની કોઈ વ્યક્તિ તમિલનાડુમાં દવા વેચી શકે છે. તે દવા યોગ્ય ઉત્પાદક પાસેથી મળી હતી કે કેમ તેની કોઈ પુષ્ટિ કરી શકતું નથી.

આ માહિતી નકલી દવાઓનો સામનો કરવા માટે સરકારની કાર્યવાહી પર પ્રકાશ નાખે છે તથા ગુણવત્તા નિયંત્રણ જાળવી રાખવામાં ઓનલાઈન દવાઓના વેચાણથી પેદા થયેલા પડકારો વિશે જણાવે છે.

ડૉ. શ્રીધર કહે છે, "તમિલનાડુ ડ્રગ કંટ્રોલ ડિરેક્ટોરેટે તેના મોનિટરિંગ પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યા છે. તેમણે માસિક ધોરણે એકત્ર કરવામાં આવતા દવાના નમૂનાઓની સંખ્યામાં વધારો કરવાની સૂચના આપી છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.