ડેન્ગ્યુ થયો હોય એ કેમ ખબર પડે અને કયાં લક્ષણો દેખાય તો હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાતમાં હાલના સમયમાં અમદાવાદ સહિત અનેક શહેરોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. ચોમાસા દરમિયાન ખાસ કરીને બાળકોમાં તાવનું પ્રમાણ વધી જતું હોય છે.
ભારતમાં દર વર્ષે ગુજરાત, દિલ્હી, પંજાબ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં વાઇરસજન્ય તાવ ડેન્ગ્યુ દેખા દે છે.
ડેન્ગ્યુના તાવમાં શરીરના સાંધા અને હાડકાં એટલા દુખે છે કે દર્દી માટે દુખાવો અસહ્ય બની જતો હોય છે. આથી તેને લોકભોગ્ય ભાષામાં 'હાડકાંતોડ' તાવ પણ કહે છે.
કેટલાક કિસ્સામાં તે જીવલેણ પણ હોય છે. 2012માં ફિલ્મ ડિરેક્ટર યશ ચોપરાને ડેન્ગ્યુ થયા પછી સારવાર માટે લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં મલ્ટી ઑર્ગન ફેલ્યોરને કારણે તેમનું 21 ઑક્ટોબરે તેમનું અવસાન થયું હતું.
આવામાં ડેન્ગ્યુનો તાવ આવે ત્યારે તો કાળજી રાખવાની જરૂર હોય જ છે પણ ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી પણ ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. તેમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું?
ડેન્ગ્યુનો તાવ કેમ આવે છે? તેનાં લક્ષણો શું હોય છે? તેની સારવાર કેવી રીતે થાય છે? આ તમામ બાબતો વિશે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત તબીબ પાસેથી જાણકારી મેળવી છે.
ડેન્ગ્યુ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ગ્યુ એ વાઇરસજન્ય રોગ છે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે તે DENV 1, DENV 2, DENV 3 કે DENV 4 આ ચાર પ્રકારના વાઇરસમાંથી કોઈ પણ એકનો ચેપ લાગવાથી થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાઇરસનો ચેપ એડીસ એજીપ્ટી નામના માદા મચ્છરના ડંખથી માણસોને લાગે છે.
એડીસ એજીપ્ટી જ્યાં ભરાયેલું હોય તેવું પણ સ્વચ્છ પાણી એટલે કે સ્થિર હોય તેવા ચોખ્ખાં પાણીમાં થાય છે.
ભારતમાં દર વર્ષે 16મી મેના દિવસે 'નેશનલ ડેન્ગ્યુ ડે' ઉજવવામાં આવે છે. નેશનલ વૅક્ટર બૉર્ન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તેને અટકાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તારણ પ્રમાણે અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા તથા અમેરિકાના 100 જેટલા દેશોમાં તે જોવા મળે છે.
ડેન્ગ્યુ માદા મચ્છરના કરડવાથી જ થાય?

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ગ્યુ વાઇરસ ફેલાવતું એડીસ એજીપ્ટી મચ્છર એક ખાસ પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. જે છે તેના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટા. આથી તેને ‘ટાઇગર મચ્છર’ પણ કહેવાય છે.
આ માદા મચ્છર સ્વચ્છ અને સ્થિર પાણીમાં ઈંડાં મૂકે છે. જો ડેન્ગ્યુ વાઇરસનો ચેપ ધરાવતી માદા મચ્છર ઈંડાં મૂકે તો તે ઈંડાં પણ વાઇરસગ્રસ્ત હોય છે. આમ ડેન્ગ્યુ વાઇરસ વધુ પ્રમાણમાં ફેલાય છે.
ઘણીવાર ડેન્ગ્યુ વાઇરસનો ચેપ ધરાવતી વ્યક્તિને કરડ્યાના સાત દિવસ બાદ મચ્છર ચેપી બને છે અને એક વખત ચેપ લાગ્યા બાદ મચ્છર આજીવન ચેપી રહે છે તથા અન્ય વ્યક્તિઓમાં પણ તે વાઇરસ ફેલાવે છે.
એડીસ એજીપ્ટી મચ્છરનું સરેરાશ આયુષ્ય 14 દિવસનું હોય છે.
તે જીવનકાળ દરમિયાન ત્રણવાર ઈંડાં આપે છે અને દરવખતે લગભગ 100 ઈંડાં આપે છે.
માત્ર માદા મચ્છર જ માણસોને કરડે છે કારણ કે તેને ઈંડાંના વિકાસ માટે માણસોના લોહીની જરૂર હોય છે. તે દિવસ દરમિયાન જ વધુ પ્રમાણમાં કરડે છે. તેમાં પણ વહેલી પરોઢ અને સમી સાંજના સમયે તે વધારે પ્રમાણમાં સક્રિય હોય છે.
ડેન્ગ્યુ તાવનાં લક્ષણો કયાં છે?
ચેપી મચ્છર માણસને કરડે તેના પછીના પાંચથી છ દિવસમાં માણસોમાં ડેન્ગ્યુ વાઇરસનાં લક્ષણો દેખાવાનું શરૂ થાય છે.
છ થી સાત દિવસ સુધી સતત તાવ આવે છે, સતત માથું દુખે, શરીર તૂટે એટલે કે ખૂબ દુખાવો અનુભવાય, સાંધા દુખે અને જો ડેન્ગ્યુને કારણે શરીરમાં આંતરિક હાનિ પહોંચવાનું શરૂ થાય ત્યારે ઝાડાં ઊલટી શરૂ થાય છે. અને તે કાબુમાં નથી આવતા. કેટલાક કિસ્સામાં આંતરિક રક્તસ્ત્રાવને કારણે શરીર પર લાલ ચાઠાં પડે અને ખંજવાળ આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ગ્યુનાં લક્ષણો
- છ થી સાત દિવસ સુધી સતત તાવ
- માથું દુખવું
- શરીર તૂટવું
- સાંધા દુખવા
- ઝાડાં ઊલટી
- શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવે
કયાં લક્ષણો દેખાય તો હૉસ્પિટલમાં દાખલ થવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદમાં ફિઝિશિયન તરીકે કાર્યરત ડૉ. યોગેશ ગુપ્તા જણાવે છે,"ડાયાબિટીસ, હૃદયની સમસ્યા હોય, કિડનીની સમસ્યા હોય તો એવા કિસ્સામાં ત્રાકકણ અને શ્વેતકણ ઘટતા સ્થિતિ જીવલેણ બની શકે છે."
" ડેન્ગ્યુ સમયે ડૉક્ટરના સંપર્કમાં રહો અને જો ડૉક્ટર કહે કે નિરીક્ષણ માટે દાખલ થવું પડશે તો દાખલ થવું જોઈએ. એનાથી કદાચ કોઈ રક્તસ્ત્રાવ થાય તો તાત્કાલિક ઇલાજ કરી શકાય."
"જેમનો ખોરાક અતિશય ઓછો છે અને જેઓ ખોરાક પાણી કે અન્ય પ્રવાહી ના લઈ શકે તેમણે, જેમને પેશાબ એકદમ પીળા રંગનો થાય કે જેમનો પેશાબ લાલ રંગનો થાય તો હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે."
તેઓ ડેગ્યુના દર્દીનાં લક્ષણો અંગે વધુ જણાવે છે, "જેમને ઊલટીઓ ખૂબ થઈ રહી હોય તેમને જેમને ઝાડા ખૂબ થઈ રહ્યા છે તેમના શરીરમાં પાણી ઘટી જતું હોય છે. આવા કિસ્સામાં હૉસ્પિટલમાં દાખલ થવું પડે છે."
"ઝાડામાં, પેશાબમાં કે નાકમાંથી લોહી નીકળતું હોય તો તે આંતરિક રક્તસ્ત્રાવનું સૂચક છે. આથી સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ થવું પડે."
આ સમયે કેટલીક બાબતોનું ધ્યાન પણ રાખવાનું હોય છે. આ વિશે વાત કરતા ડૉ. યોગેશ કહે છે, "એવા દર્દીઓ જેમને લોહી પાતળું કરવાની દવા લેવી પડતી હોય, હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યું હોય કે બાયપાસ સર્જરી કરેલી હોય તેવા કિસ્સામાં દર્દીને જો ડેન્ગ્યુ થાય તો તેમને ક્યારેક બેક્ટેરિયલ ઇન્ફેક્શન થઈ જતું હોય છે. જેને આપણે સામાન્ય ભાષામાં મગજમાં તાવ ચડી જવો એવું કહીએ છીએ. કેટલીક વાર લીવર કે કિડનીને પણ નુકસાન થતું હોય છે. જોકે કોઈ પણ સ્થિતિમાં ક્યારેય પ્લેટલેટ માગવાની વાત નથી કરવાની."
પ્લેટલેટ માગવાની જરૂર કેમ નથી?

ઇમેજ સ્રોત, Getty Images
પ્લેટલેટ કેમ નથી માગવાના તે બાબત સમજાવતા ડૉ. યોગેશ કહે છે, "ડેન્ગ્યુમાં જો આંતરિક રક્તસ્ત્રાવ શરૂ થાય તો રોકાય નહીં પણ મોટા ભાગના કેસમાં આવું થતું જોવા નથી મળતું. અને જ્યારે પ્લેટલેટ કાઉન્ટ ઘટે અને આંતરિક રક્તસ્ત્રાવ ના થાય ત્યારે માનવું કે ત્રાકકણો વધારવા તમારું શરીર સક્ષમ છે. એના માટેની કોઈ દવા નથી."
ડૉક્ટર વધુમાં જણાવે છે કે પાંચ-છ દિવસ પછી જ્યારે ડેન્ગ્યુનું સંક્રમણ તેનાં લક્ષણો બતાવવા લાગે ત્યારથી સાત દિવસ સુધી ત્રાકકણોની સંખ્યા ઘટે જ છે. બસ આ સાત દિવસ સુધી તે ઘટ્યા પછી ત્રાકકણો વધવાનું આપોઆપ શરૂ થાય છે.
"ઘરગથ્થુ ઉપચારો જેવાં કે કેરી કે પપૈયાની છાલનો રસ પીવાના ઉપાયોથી ત્રાકકણો વધતા નથી." આ સ્પષ્ટતા પણ ડૉક્ટર યોગેશે ભારપૂર્વક કરી છે.
વધુમાં તેઓ કહે છે, "શ્વેતકણોની સંખ્યા ખૂબ જ મહત્ત્વની હોય છે. શ્વેતકણો જ્યારે વધવાના શરૂ થાય ઘટી ગયા પછી ત્યારે દર્દીને ડેન્ગ્યુ મટી ગયો છે તેમ સમજવું."
ડેન્ગ્યુ થાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર્સ ડેન્ગ્યુમાં ખૂબ આરામ કરવાની અને ખૂબ પ્રમાણમાં પ્રવાહી લેવાની સલાહ આપતા હોય છે.
ડૉ. યોગેશ ગુપ્તા અનુસાર "ડેન્ગ્યુ થયા પછી તેમાંથી સાજા થવાનો એક જ ઈલાજ છે આરામ અને પાણી."
તેઓ વધુમાં કહે છે, "એવા લોકો જેઓ શરીરના વજનના અનુપાતમાં સાડા ત્રણથી ચાર લીટર પ્રવાહી શરીરમાં જાય તેવો પ્રયાસ કરવો જોઈએ. જેમાં સંતરા મોસંબીનો જ્યુસ, નાળિયેર પાણી, પીવાનું પાણી સહિતનાં પ્રવાહી લેવાં જોઈએ."
સાથે જ તેઓ ખાસ સૂચના આપે છે, "નુસખાઓ કરવાનું ટાળો. જેમ કે કોઈ ઉકાળા, દ્રવ્યો વગેરે ના લેવા. કોઈ ઍન્ટિબાયોટિક પણ નથી લેવાની."
ડેન્ગ્યુ કયા કિસ્સામાં જોખમી બની શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો જેને ડેન્ગ્યુ થયો હોય તેવા દર્દીઓ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી જાણકારી મુજબ એક થી બે અઠવાડિયાના સમયગાળામાં સાજા થઈ જતા હોય છે.
છતાં કેટલીક વાર ત્રાકકણો(પ્લેટલેટ) એટલા ઘટે કે લીવરને નુકસાન કરી જાય લોહી એટલું પાતળું થઈ જાય કે એ બધેથી રિસવા લાગે તો તેને ડેન્ગ્યુ હૅમરેજીક ફીવર કહેવાય. ડેન્ગ્યુની આવી અસરોમાંથી પસાર થયા પછી દર્દી જ્યારે ઘરે હોય ત્યારે પણ ખાન-પાનથી લઈ ઘણી બાબતોની કાળજી રાખવી જરૂરી હોય છે.
આની સાથે કેટલાકને ડેન્ગ્યુ શૉક થતો હોય છે. તેમાં દર્દીના શરીરમાંથી ઘણું લોહી વહી જાય છે.
દર્દીનું બીપી ડાઉન થવા લાગે છે. આ સમયે દર્દીની તબીબી દેખરેખની જરૂર પડતી હોય છે.
આવા સમયે ડૉક્ટર દર બેથી ત્રણ કલાકે દર્દીની સ્થિતિની તપાસ કરતા રહે છે અને સારવાર કરતા હોય છે.
ડેન્ગ્યુનું પરીક્ષણ (નિદાન) કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ગ્યુનાં લક્ષણો લાગે તો તબીબ લોહીના પરીક્ષણની સલાહ આપે છે.
તેનાં પરિણામોમાં જો પ્લેટલેટમાં ઘટાડો અથવા હેમેટોક્રિટમાં વધારો થતો હોય તો ડેન્ગ્યુ હોવાની સંભાવના વધારે છે.
પ્લેટલેટ શરીરમાં રક્તસ્ત્રાવ થતો અટકાવે છે. જ્યારે હેમેટોક્રિટ લોહીનું પાતળાપણુું અથવા ઘટ્ટતા દર્શાવે છે.
ડેન્ગ્યુ માટેના લેબોરેટરી પરીક્ષણ કરવાથી ડેન્ગ્યુ વાઇરસ છે કે કેમ તેનું નિદાન થઈ શકે છે.
આમ ડેન્ગ્યુના નિદાન માટેના ચોક્કસ પરીક્ષણો વિશે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે બે પ્રકારની પરીક્ષણ પદ્ધતિ છે.
- એક છે રોગનાં લક્ષણો જોવાં મળ્યાંના પાંચ દિવસની અંદર ડેન્ગ્યુ ઍન્ટીજન શોધવા માટેનું પરીક્ષણ છે NS1
- પાંચ દિવસના સમયગાળા પછી ડેન્ગ્યુ ઍન્ટીબૉડી શોધવા માટેનું પરીક્ષણ IGM
ડેન્ગ્યુ મટી ગયા પછી શું ધ્યાન રાખવું?
ડેન્ગ્યુમાંથી સાજા થયા પછી દર્દીને ઘણી નબળાઈ રહી જતી હોય છે.
આવા સમયે તેમને થાક ખૂબ લાગતો હોય છે. આ બધી બાબતો વિશે વાત કરતા ડૉ. યોગેશ ગુપ્તા કહે છે, "તમારા તબીબના સંપર્કમાં રહો અને જો થાક કે નબળાઈની સમસ્યા વધારે હોય તો ડૉક્ટરના માર્ગદર્શન મુજબ દવા લો. જાતે જ પેઇનકિલર કે શક્તિની દવાઓ ના લેવી."
બીજી એક સામાન્ય સમસ્યા વિશે જણાવતા ડૉ. યોગેશ કહે છે, "વાળ ઊતરવાની સમસ્યા સામાન્ય રીતે આ પ્રકારના ભારે તાવ પછી ઘણા દર્દીઓને થતી હોય છે. આવા સમયે વાળ ખરતા રોકાય નહીં તો ડૉક્ટરને બતાવી દવા શરૂ કરો."
ડૉ. યોગેશ કહે છે કે આવી સમસ્યા ના થાય એ માટે પાણી પૂરતા પ્રમાણમાં પીવો, બહારનો ખોરાક ના ખાવ.
ડેન્ગ્યુના મચ્છરના 'ડંખ'થી બચાવ

ઇમેજ સ્રોત, Getty Images
ડેન્ગ્યુ વાઇરસના ચેપથી બચવા માટે મચ્છર ના કરડે તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.
ડેન્ગ્યુના મચ્છરનો કરડવાનો સમય મુખ્યત્વે સૂર્યોદય પછીના બે કલાક તથા સૂર્યાસ્ત પહેલાંના બે કલાકનો છે. આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખો.
લાંબી બાંયના કપડાં પહેરો તથા શૉર્ટ્સ પહેરવાનું ટાળો.
ઘરના કોઈ ખૂણામાં, પાત્ર કે કૂંડામાં પાણી એકઠું થતું હોય તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત પાણી દૂર કરો.
રાત્રે ઊંઘતી વખતે તથા દિવસ દરમિયાન મચ્છરની કોઇલનો ઉપયોગ કરો. આ સિવાય મચ્છરના નાશ માટે સ્પ્રેનો ઉપયોગ કરી શકાય છે.
આ સિવાય સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાની ભલામણ પણ કરવામાં આવે છે.
જેને ડેન્ગ્યુ થયો હોય, તેને મચ્છર ના કરડે તે પણ જોવું ઘટે, જેથી કરીને તેના મારફત રોગનો પ્રસાર અટકે.













