ગુજરાત : હાર્ટઍટેક ન આવે તે માટે શું કરવું? એ બાબતો જે હૃદયરોગથી બચાવી શકે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શારદા વી
- પદ, બીબીસી તામિલ
ગુજરાતમાં નવરાત્રિને હવે થોડા દિવસો બાકી રહ્યા છે. ઘણી વાર એવા અહેવાલો આવતા હોય છે કે ગરબા કરતા, કસરત કરતા, ચાલુ શાળાએ અભ્યાસ કરતા કે પછી લગ્નમાં ડાન્સ કરતા 17થી 20 વર્ષના છોકરા-છોકરીઓને હાર્ટ ઍટેક આવી ગયો હોય. શું આ યુવાનોમાં હૃદયરોગ વધવાનો સંકેત છે? આનાથી બચી શકાય ખરું? જાણો નિષ્ણાત પાસેથી.
તેનાં કારણ શું છે અને હૃદય સ્વસ્થ રાખવા માટે આપણે શું કરવું જોઈએ એ બાબતે બીબીસી તમિલે ચેન્નાઈ મેડિકલ કૉલેજના કાર્ડિયોલૉજી વિભાગના ડિરેક્ટર ડૉ. જસ્ટિન પૉલ સાથે વાતચીત કરી હતી.
સવાલઃ તાજેતરનાં વર્ષોમાં યુવાનોમાં હૃદયરોગના હુમલામાં વધારો થતો જોવા મળ્યો છે. તેનું કારણ શું છે?
ડૉ. પૉલઃ આજકાલ તો 17-18 વર્ષની વયના લોકોને પણ હાર્ટ ઍટેક આવે છે. તેનું મુખ્ય કારણ કસરતનો અભાવ છે. શાળાઓમાં રમતનાં મેદાન નથી. યુવા લોકો પુસ્તકો સાથે વધુ સમય પસાર કરે છે. તેઓ રાતે બાર કે એક વાગ્યા સુધી જાગતા હોય છે. શાળાએ કે કામ પર જવાના એક કલાક પહેલાં તેઓ ઊઠે છે અને ભાગે છે. આ બધાં હાર્ટ ઍટેકનાં કારણો છે.
સવાલઃ યુવા લોકોમાં હાર્ટ ઍટેક વધવાનું કારણ તેમની ખાનપાનની વર્તમાન આદતો છે?
ડૉ. પૉલઃ આપણી ખોરાકની કુલ દૈનિક જરૂરિયાતનો 40 ટકા હિસ્સો સવારે, 40 ટકા બપોરે અને 20 ટકા રાત્રે લેવો જોઈએ. સાંજે પાંચ વાગ્યા પછી વધારે પડતું ખાવું ન જોઈએ, પરંતુ યુવા લોકો તેમની દૈનિક જરૂરિયાતનો 50 ટકા ખોરાક રાતે ખાય છે અને તે પણ બિરયાની અને ફાસ્ટ ફૂડ હોય છે.
આપણા આહારમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ 50 ટકા હોવું જોઈએ, પરંતુ લગભગ 90 ટકા ભારતીય ખોરાકમાં સ્ટાર્ચ હોય છે. આપણે પૂરતું પ્રોટીન મળતું નથી. તે સ્થૂળતાનું કારણ બને છે. ખાસ કરીને પેટની આસપાસ ચરબી જમા થાય છે. એ વખતે રક્તવાહિનીઓમાં પણ ચરબી જમા થાય છે. તેને કારણે રક્તવાહિનીઓ બંધ થઈ શકે છે અને હાર્ટ ઍટેક આવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ ઘણા યુવા લોકો રાતે મોડે સુધી જાગતા હોય છે. તેનાથી હૃદયને નુકસાન થાય છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ડૉ. પૉલઃ દિવસ અને રાત દરમિયાન હૃદયના ધબકારા અને શરીરના રાસાયણિક સ્રાવમાં ભિન્નતા હોય છે. 2021માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે હૃદયની સ્વસ્થતા માટે રોજ સાતથી નવ કલાકની ઊંઘ જરૂરી છે. જે લોકો સાત કલાકથી ઓછી અને નવ કલાકથી વધારે ઊંઘ લે છે તેમના હૃદયની કાર્યક્ષમતા ઓછી હોવાનું જાણવા મળ્યું છે.
આખું સપ્તાહ ઊંઘવું અને શનિ તથા રવિવારે વધારે પડતું ઊંઘવું કે વીકઍન્ડ્ઝમાં મોડે સુધી જાગવું એ પણ હૃદય માટે સારું નથી.
સવાલઃ જિમ્નેશિયમમાં વર્ક આઉટ કરતી વખતે હાર્ટ ઍટેક આવવાને કારણે લોકો મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે. વધારે પડતી કસરત કરવાથી હાર્ટ ઍટેક આવી શકે?
ડૉ. પૉલઃ વધારે પડતું અમૃત પણ હિતાવહ નથી. હૃદયને સ્વસ્થ રાખવા માટે વધારે પડતો વ્યાયામ કરવો જરૂરી નથી. માફકસરની કસરત પૂરતી છે. જિમમાં જતા લોકો 50 ટકા કાર્ડિયો ટ્રેનિંગ અને 50 ટકા વેઇટ ટ્રેનિંગ કરી શકે. હેવી વેઈટ ટ્રેનિંગ લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
સવાલઃ કોરોના મહામારી પછી યુવા લોકોમાં હાર્ટ ઍટેકનું પ્રમાણ વધી રહ્યું છે?
ડૉ. પૉલઃ યુવા લોકોને હાર્ટ ઍટેક તો કોરોના પહેલાં પણ આવતા હતા, પરંતુ કોરોના પછી તમામ વયના લોકોમાં હાર્ટ ઍટેકનું પ્રમાણ વધ્યું છે. તેનો અર્થ એ થાય કે એક વર્ષમાં હાર્ટ ઍટેક આવ્યો હોય તેવા લોકોની સંખ્યા સામાન્ય કરતાં થોડી વધી છે. નેચર મેડિકલ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.
કોરોનાથી અસરગ્રસ્ત બે લાખ લોકો અને કોરોનાનો ચેપ ન લાગ્યો હોય તેવા ચાર લાખ લોકો પર એક વર્ષ સુધી મૉનિટરિંગ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું હતું કે કોરોનાથી પ્રભાવિત લોકોમાં હાર્ટ ઍટેક, સ્ટ્રોક્સનું પ્રમાણ અને હૃદયના ધબકારા વગેરેની ગતિ વધારે હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ કોરોના અને હાર્ટ ઍટેક વચ્ચે શું કનેક્શન છે?
ડૉ. પૉલઃ જે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોય તેમાં રક્ત જામી જવાની સંભાવના વધી જાય છે. પરિણામે રક્તવાહિનીઓ અને ધમનીમાં બ્લડ ક્લૉટ સર્જાય છે. આ કારણસર કોરોનાથી પ્રભાવિત લોકોમાં હાર્ટ ઍટેકની શક્યતા વધુ હોય છે. હૃદયના અનિયમિત ધબકારા વધારે સામાન્ય બાબત છે.
સવાલઃ તામિલનાડુમાં એક વિખ્યાત અભિનેતા કોરોના વેક્સિન લીધા પછીના દિવસે જ મૃત્યુ પામ્યા હતા. એ પછી એવી અફવા ફેલાઈ હતી કે કોરોના વૅક્સિન લેવાથી હાર્ટ ઍટેક આવી શકે છે. આ વાત સાચી છે?
ડૉ. પૉલઃ કોરોના વૅક્સિન લેવાથી હાર્ટ ઍટેક આવતો નથી. અનેક અભ્યાસોએ આ વાતની પુષ્ટિ કરી છે. દર વર્ષે સરેરાશ એક લાખ લોકો પૈકીના 800થી 1300 લોકોને હાર્ટ ઍટેક આવે છે. કોરોના ઈન્ફેક્શનનું પ્રમાણ વધારે હતું ત્યારે આપણે બધાએ વૅક્સિન લીધી હતી.
800થી 1300 લોકોને હાર્ટ ઍટેક આવે તે સામાન્ય વાત છે. વૅક્સિનેશનથી એવા લોકોની સંખ્યામાં વધારો થયો નથી. દસ લાખમાંથી કદાચ એકાદ વ્યક્તિને વૅક્સિનેશન પછી હાર્ટ ઍટેક આવવાની શક્યતા હોય છે.
સવાલઃ ડાયાબિટીસ કે હાઈ બ્લડપ્રેશરની તકલીફ ન હોય તેવા લોકોને હાર્ટ ઍટેક આવવાનું કારણ શું?
ડૉ. પૉલઃ ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, ધૂમ્રપાન અને કૉલેસ્ટ્રોલ હાર્ટ ઍટેક માટે મુખ્ય જોખમી પરિબળો છે. તે લોકોને આવી કોઈ તકલીફ કે આદત ન હોય તેમને પણ હાર્ટ એટેક આવી શકે છે. ચેન્નાઈ મેડિકલ કૉલેજમાં 2,500 લોકોને આવરી લેતા ત્રણ વર્ષના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ચારમાંથી એક વ્યક્તિને આ રીતે હાર્ટ ઍટેક આવવાની શક્યતા હોય છે.
બ્લડ શુગર અને બ્લડપ્રેશર માપી શકાય, પરંતુ તેના હાર્ટ ઍટેકના આહાર, નિંદ્રા અને ઓછા વ્યાયામ સહિતના બીજાં અનેક કારણો હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ તણાવ હૃદયરોગનું કારણ બની શકે?
ડૉ. પૉલઃ નિશ્ચિત રીતે. માતા-પિતા અને બાળક વચ્ચે મધુર સંબંધ હોય, પતિ-પત્ની વચ્ચે સુમેળ હોય ત્યારે હાર્ટ ઍટેક આવવાની કે હૃદયરોગની સંભાવના ઓછી હોય છે. ક્રોધ, નારાજગી, કડવાશ અને ક્ષમાભાવનાના અભાવથી હૃદયરોગનું જોખમ વધી જાય છે. તમારા મનમાં કોઈ પ્રત્યે ગુસ્સો હોય તો તમારે જતું કરતાં શીખવું જોઈએ.
સવાલઃ હાર્ટ ઍટેકના સંદર્ભમાં પુરુષો તથા મહિલાઓ વચ્ચે ફરક હોય છે?
ડૉ. પૉલઃ ચેન્નાઈ મેડિકલ કૉલેજમાં 2,500 લોકોને આવરી લેતા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં હાર્ટ એટેકથી મૃત્યુની સંભાવના વધારે હોય છે. તેનું કારણ એ છે કે મોટાભાગની મહિલાઓ લક્ષણ દેખાય કે તરત હૉસ્પિટલમાં સારવાર માટે જતી નથી.
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે મહિલાઓને હાર્ટ ઍટેક આવતો નથી. આ ખોટી વાત છે. રાતે ઘરના પુરુષો તથા બાળકો જમી લે એ પછી જ ઘરની મહિલાઓને જમવાની ફરજ પાડવી ન જોઈએ. પોતાના આહાર અને નિંદ્રાનો ખ્યાલ મહિલાઓએ પોતે જ રાખવો જોઈએ.
સવાલઃ હાર્ટ ઍટેકનાં મુખ્ય લક્ષણો શું છે?
ડૉ. પૉલઃ હાર્ટ ઍટેકનાં લક્ષણોમાં હૃદયમાં અસામાન્ય પીડા, ઝડપથી ચાલીએ ત્યારે છાતીમાં પીડા, વધારે પડતો પરસેવો અને હૃદયના ધબકારાની ગતિમાં અચાનક વધારાનો સમાવેશ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સવાલઃ હાર્ટ ઍટેકનાં લક્ષણો જોવા મળે તો વ્યક્તિ પોતે કાર કે બાઇક જાતે ચલાવીને હૉસ્પિટલે જઈ શકે?
ડૉ. પૉલઃ જેમને હાર્ટ ઍટેક આવ્યો હોય તેવા લોકો હૉસ્પિટલે કેવી રીતે પહોંચે તેનો પણ એક અભ્યાસ થયો હતો. કેટલાક લોકો ઍમ્બ્યુલન્સમાં આવ્યા હતા. કેટલાક અન્ય વાહન મારફત આવ્યા હતા, જ્યારે કેટલાકને તેમના મિત્રો હૉસ્પિટલે લાવ્યા હતા. ઍમ્બ્યુલન્સમાં આવેલા લોકો હૉસ્પિટલે વહેલા પહોંચ્યા હતા અને એ પૈકીના મોટાભાગના લોકો બચી ગયા હતા. તેથી હાર્ટ ઍટેક આવે ત્યારે સૌથી પહેલાં ઍમ્બ્યુલન્સ બોલાવવી જોઈએ.
સવાલઃ કોઈ લક્ષણ વિના પણ હાર્ટ ઍટેક આવી શકે?
ડૉ. પૉલઃ હા. ડાયાબિટીસના દર્દીઓ તથા વૃદ્ધોને કોઈ લક્ષણ વિના હાર્ટ ઍટેક આવી શકે છે. વ્યક્તિની નર્વ્ઝ બરાબર કામ કરતી હોય ત્યારે જ લક્ષણો અનુભવી શકાય. ડાયાબિટીસના દર્દીઓ તથા વૃદ્ધોની નર્વ્ઝ ડૅમેજ્ડ હોવાથી અન્યોની માફક તેઓમાં સમાન લક્ષણ જોવા મળતાં નથી.
સવાલઃ હૃદયરોગથી બચવા માટે બધા લોકોએ શું કરવું જોઈએ?
સ્વસ્થ હૃદય માટે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએઃ આહાર, વ્યાયામ અને આત્મ નિયંત્રણ. આપણા ભોજનમાં પણ 10 ટકા ઘટાડો કરવો જોઈએ. તેનાથી સ્થૂળ લોકોને મહિનામાં એક કિલો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. રોજ 30-40 મિનિટ ચાલવું બધા માટે સારું છે. તમે કોઈનાથી નારાજ હો તો જતું કરવાની આદત કેળવો. તે તમારા હૃદય માટે સારું છે. બધું ડૉક્ટરના હાથમાં નથી હોતું. ઘણું બધું તમારા હાથમાં પણ હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












