આલિયા ભટ્ટને થયેલી બીમારી એડીડી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્નેહા
- પદ, બીબીસી સંવાદદાતા
ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમને ઍટેન્શન ડેફિસિટ ડિસૉર્ડર એટલે કે એડીડી છે.
તેમના આ કબૂલાત બાદ આ ડિસૉર્ડર ઘણો ચર્ચામાં છે.
આલિયાએ એક અમેરિકન પત્રિકા અલ્યોર સાથેની વાતચીતમાં પોતાનાં લગ્નના મેકઅપ અંગે વાત કરતાં કહ્યું હતું કે તેમના મેકઅપ આર્ટિસ્ટે તેમને તૈયાર કરવા માટે બે કલાકનો સમય માગ્યો હતો, પરંતુ તેમણે સમય આપવાની ના પાડી દીધી હતી.
તેમનું કહેવું હતું કે તેઓ 45 મિનિટ કરતાં વધુ સમય સુધી મેકઅપ ચૅર પર બેસી નથી શકતાં.
આવો જાણીએ શું છે આ ઍટેન્શન ડેફિસિટ ડિસૉર્ડર.
એડીડી શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
એડીડી એટલે કે ઍટેન્શન ડેફિસિટ ડિસૉર્ડર. ઍટેન્શન ડેફિસિટનો અર્થ છે ધ્યાન કેન્દ્રિત રાખવાની ક્ષમતામાં કમીની સ્થિતિ. આ સ્થિતિમાં ધ્યાન કેન્દ્રિત રાખવામાં મુશ્કેલી થાય છે.
વિશેષજ્ઞોનુ પ્રમાણે જન્મજાત તકલીફ છે. આ એક એવો ડિસૉર્ડર નથી, જે ગમે ત્યારે થઈ શકે. તેમજ તેને ખરાબ વ્યવહાર સાથે સાંકળીને ન જોવો જોઈએ.
એડીડી સામાન્યપણે બાળકોમાં જોવા મળે છે, પરંતુ કેટલાક લોકો પુખ્ત વય બાદ પણ તેનો સામનો કરતા હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ ડૉક્ટર પૂજાશિવમ જેટલી કહે છે કે, "જ્યારે આપણે કોઈ એક વાત પર ધ્યાન આપીએ છીએ તો તેના આપણા મગજમાં રાખીએ છીએ. આ બાબત ઍટેન્શન ડેફિસિટવાળા લોકોમાં જોવા મળતી નથી. કારણ કે આવી વ્યક્તિમાં હોલ્ડ કરવાની ક્ષમતા જ નથી હોતી. કેટલીક બાબતો તેમના મગજમાં રહે છે તો કેટલીક નથી રહેતી."
સાઇકોલૉજિસ્ટ પૂજાશિવમ જેટલી કહે છે કે આ ડિસૉર્ડરવાળા લોકોમાં અલગ પ્રકારનાં ન્યૂરોલૉજિકલ કનેક્શન હોય છે. એડીડીમાં 1987માં 'એચ' શબ્દ એટલે કે 'હાઇપર ઍક્ટિવ' પણ જોડવામાં આવ્યો હતો. આજકાલ આ અવસ્થાને એડીએચડી એટલે કે ઍટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસૉર્ડર પણ કહેવામાં આવે છે.
વર્લ્ડ ફેડરેશન ઑફ એડીએચડી પ્રમાણે, 2.5 ટકા પુખ્ત વયના લોકોમાં આ ડિસૉર્ડર જોવા મળે છે.
એડીએચડીનાં ત્રણ સ્વરૂપ હોય છે.
ધ્યાન ન આપવું - ભૂલી જવું, ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, પોતાની જાતને વ્યવસ્થિત રાખવામાં સમસ્યા.
અતિ સક્રિયતા અથવા આવેગ - આ ડિસૉર્ડરવાળા લોકોને સ્થિર રહેવામાં તકલીફ પડે છે, તેઓ વાતચીત દરમિયાન લોકોને વારંવાર ટોકે છે, ખતરા પ્રત્યે સાવચેત રહી શકતા નથી.
સંયુક્ત - આવી વ્યક્તિમાં ઉપરોક્ત બંને પ્રકારનાં લક્ષણો હોઈ શકે છે.
ડૉક્ટર પૂજાશિવમ જેટલી જણાવે છે કે આ ડિસૉર્ડરનો સામનો કરી રહેલા કેટલાક લોકોમાં એવું પણ જોવા મળ્યું છે કે તેમને યોગ્ય રીતે સમયનું પણ ધ્યાન રહેતું નથી. ખાસ કરીને બાળકોમાં આ અવસ્થા વધુ જોવા મળે છે.
તેઓ કહે છે કે, "આવાં બાળકોને માતાપિતા ચંચળ ગણાવી દે છે. તેઓ કહે છે કે એ ધ્યાન નથી આપી શકતું, બેદરકાર છે. ભારતમાં હજુ સુધી આ મુદ્દા પર વાતચીત નથી થતી અને જો બાળક ખરેખર આ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હોય તો પણ લોકો તેની વાત નથી સમજી શકતા."
એડીડીનાં નિદાન અને ઓળખ કેવી રીતે કરી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ પૂજાશિવમ જેટલી જણાવે છે કે જો કોઈને એવું લાગતું હોય કે તેઓ બાળપણથી જ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, તો તેમણે તાલીમબદ્ધ સાઇકોલૉજિસ્ટની મદદ લેવી જોઈએ.
તેઓ કહે છે કે આ સ્થિતિ માટે દવા પણ ઉપલબ્ધ છે, પરંતુ તેમાં સૌથી મોટો પડકાર આ સમસ્યાનો સ્વીકાર કરવાનો હોય છે
મનોચિકિત્સક આગળ જણાવે છે કે આવા લોકોને પોતાના કામકાજની જગ્યાએ પણ પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ મનોચિકિત્સકની મદદથી આવા લોકો સારી રીતે પ્લાનિંગ કરી શકે છે. જેથી આ સ્થિતિ અસર તેના સામાજિક અને વ્યક્તિગત જીવન પર ઓછી પડે.
આલિયા ભટ્ટે પોતાનાં લગ્નના મેકઅપ અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI/BBC
આલિયા ભટ્ટે અમેરિકન પત્રિકા અલ્યોરને ઇન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમણે પોતાના બાળપણથી માંડીને કરિયર સુધીની સફર પર વાત કરી છે.
આ ઇન્ટરવ્યૂમાં તેમણે મેકઅપ અને બ્યૂટી પર વાતચીત દરમિયાન કહ્યું કે મેકઅપ અંગે તેઓ માને છે કે એ જેટલી જલદી થઈ જાય છે એ સારું. એટલે કે તેઓ તેના માટે વધુ સમય આપવા નથી માગતાં.
આ વાતચીત દરમિયાન જ તેઓ કહે છે કે, "મને એડીડી છે. મેકઅપમાં વધુ સમય આપવામાં મને કોઈ રસ નથી. જે કાંઈ પણ કરવાની જરૂર હોય, બસ એ જલદી થઈ જાય."
એ બાદ તેમણે કહ્યું કે, "મારાં લગ્નના દિવસે મારા મેકઅપ આર્ટિસ્ટ પુનીતે મને કહ્યું હતું કે આલિયા આજે તમારે મને બે કલાકનો સમય આપવો પડશે. મેં એમને કહી દીધું કે એ સંભવ નથી. ખાસ કરીને મારાં લગ્નના દિવસે હું તમને બે કલાકનો સમય નહીં આપી શકું, કારણ કે મારે ચિલ કરવું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












