ભારતે બનાવેલો વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ જમ્મુ કાશ્મીરના લોકોનાં જીવન કેવી રીતે બદલી નાખશે?

ચિનાબ નદી પર બનેલો બ્રિજ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચિનાબ નદી પર બનેલા બ્રિજની ઊંચાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતા પણ 35 મીટર વધારે છે
    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી બિઝનેસ સંવાદદાતા

વિશ્વનો સૌથી ઊંચો સિંગલ આર્ક બ્રિજ જમ્મુ-કાશ્મીરમાં બનીને તૈયાર થઈ ગયો છે. જમ્મુ-કાશ્મીરને આ બ્રિજ થકી દેશના બીજા ભાગો સાથે રેલ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે.

ભારતીય રેલવેને આ બ્રિજ બનાવવાં માટે 20 વર્ષથી વધારે સમય લાગ્યો છે. આ બ્રિજ જમ્મુના રિયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનાવવામાં આવ્યો છે.

બ્રિજની ઊંચાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતા પણ 35 મીટર વધારે છે. આ બ્રિજ પરથી જલદી જ પહેલી ટ્રેન પસાર થશે, જે બક્કલ અને કૌરી વચ્ચે ચાલશે.

આ બ્રિજ દરેક ઋતુમાં ચાલનારી 272 કિલોમીટર લાંબી રેલવે લાઇનનો ભાગ છે, જે જમ્મુને કાશ્મીર સાથે જોડશે.

જોકે, રેલવે લાઇન માટે કોઈ ટાઇમલાઇન જાહેર કરવામાં આવી નથી.

વર્તમાન સમયમાં શિયાળાના મહિનામાં ભારે બરફવર્ષાને કારણે જમ્મુથી કશ્મીર તરફ જતા રસ્તઓ બંધ થઈ જાય છે.

નિષ્ણાતો પ્રમાણે, નવી રેલવે લાઇન ભારતના બૉર્ડર વિસ્તારમાં દેશને કૂટનીતિક લાભ પણ થશે.

બ્રિજ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે

ચિનાબ નદી પર બનેલા બ્રિજની ઊંચાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતા પણ 35 મીટર વધારે છે

ઇમેજ સ્રોત, AFCONS

ઇમેજ કૅપ્શન, ચિનાબ નદી પર બનેલા બ્રિજની ઊંચાઈ એફિલ ટાવરની ઊંચાઈ કરતા પણ 35 મીટર વધારે છે

જોકે, તેમણે ચિંતા વ્યક્ત કરી કે આ કારણે સરકાર કાશ્મીર પર પોતાનું નિયંત્રણ પણ વધારી શકે છે.

આ રેલવે લાઇન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના 50થી વધારે રાજ્યમાર્ગ, રેલવે અને વીજળી પરિયોજનાઓ સાથે-સાથે એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તારનો ભાગ છે.

નરેન્દ્ર મોદીની સરકારે ઑગસ્ટ 2019માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરીને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કર્યું હતું.

આ નિર્ણય પછી રાજ્યમાં મહિનાઓ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી હતી.

સરકારે ત્યારબાદ કેટલાક વહીવટી ફેરફારો પણ કર્યા. સરકાર આ ફેરફારોને કાશ્મીરને ભારતના બીજા ભાગો સાથે વધારે નજીકથી એકીકૃત કરવાના પ્રયત્નો તરીકે જુએ છે.

વ્યૂહાત્મક મામલાનાં નિષ્ણાત શ્રુતિ પાંડલાઈએ કહ્યું, "આ વિસ્તારમાં ભારતની યોજનાઓ સ્વાભાવિકપણે તેનાં વ્યૂહાત્મક લક્ષ્યોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જોકે, યોજનાઓમાં સ્થાનિક જરૂરિયાતો અને સંદર્ભને પણ ધ્યાનમાં રાખવા જોઈએ."

આ બ્રિજ બનાવવાનો હેતુ કાશ્મીરની બાકીના ભારત સાથે કનેક્ટિવિટી સુધારવાનો છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ બ્રિજ બનાવવાનો હેતુ કાશ્મીરની બાકીના ભારત સાથે કનેક્ટિવિટી સુધારવાનો છે

ચિનાબ નદી પર આ રેલવે બ્રિજ બનાવનારી કંપની ઍફકૉન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેપ્યુટી મૅનેજિંગ ડિરેક્ટર ગિરિધર રાજગોપાલને કહ્યું, "આ બ્રિજની મદદથી આખું વર્ષ સેનાને જરૂરી સામાન બૉર્ડર વિસ્તારોમાં પણ પહોંચાડી શકાશે."

વ્યૂહાત્મક મામલાનાં નિષ્ણાત શ્રુતિ પાંડલાઈએ કહ્યું, "આ કારણે ભારતને પશ્ચિમ અને ઉત્તરની બૉર્ડર પર તનાવપૂર્ણ સંબંધોવાળા દેશ પાકિસ્તાન અને ચીનના કોઈ પણ દુ:સાહસનો સામનો કરવાના વ્યૂહાત્મક લક્ષ્યને હાંસલ કરવામાં મદદ મળશે."

જોકે, ગ્રાઉન્ડ પર આ બ્રિજને લઈને લોકોનો મિશ્ર અભિપ્રાય છે.

નામ ન જણાવવાની શરતે કેટલાક સ્થાનિક લોકોએ કહ્યું કે આ કનેક્ટિવિટીને કારણે નિશ્ચિતપણે પરિવહનમાં સુધારો થશે, જેથી અમને ફાયદો થશે.

બ્રિજને બનાવવામાં 20 વર્ષ કેમ લાગ્યાં?

ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચિનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચિનાબ નદી પર આ પુલ બનાવવા માટે 2003માં મંજૂરી આપવામાં આવી હતી. જોકે, આ ક્ષેત્રની ખતરનાક ભૌગોલિક સંરચના, સુરક્ષા કારણો અને કોર્ટમાં ચાલી રહેલા મામલાને કારણે પુલના નિર્માણમાં નક્કી કરેલી સમયમર્યાદા કરતા વધારે સમય લાગ્યો.

આ પરિયોજના પર કામ કરનાર ઍન્જિનિયરોને નિર્માણના પ્રાથમિક તબક્કામાં ચાલીને અથવા ખચ્ચરની મદદથી દુર્ગમ વિસ્તારોમાં સુધી જવું પડતું.

હિમાલયની ભૌગોલિક તકનીકી લાક્ષણિકતાઓને સંપૂર્ણપણે સમજી શકાઈ નથી. આ ઉપરાંત બ્રિજને ભૂકંપની શક્યતાવાળા વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે.

ભારતીય રેલવેને આ કારણોસર ઘણું સંશોધન કરવું પડ્યું હતું. બ્રિજના આકાર અને અર્ધવર્તુળાકાર ભાગમાં સુધારો કરવો પડ્યો જેથી કરીને આ પુલ 266 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી હવાનો સામનો કરી શકે.

આ બ્રિજ વિશે રાજગોપાલન કહે છે, "સ્થાનની દુર્ગમતા અને સાંકડા રસ્તાને જોતા રસદ એક બીજો મોટો પડકાર હતો. પુલના કેટલાક ભાગોનું નિર્માણ તે સ્થળે જ કરવામાં આવ્યું હતું."

બ્રિજના નિર્માણમાં ઍન્જિનિયરિંગ સાથે જોડાયેલી ગૂંચવણો ઉપરાંત રેલવેને એક બ્લાસ્ટ-પ્રૂફ સંરચના બનાવવી હતી.

નિર્માણ કંપની એફકૉન્સનો દાવો છે કે પુલ 40 કિલોગ્રામ ટીએનટી સુધીના ભારે વિસ્ફોટનો સામનો કરી શકે છે.

વિસ્ફોટમાં ભલે કોઈ નુકસાન થાય કે કોઈ પિલર તૂટી જાય, પરંતુ આ દરમિયાન ટ્રેન ધીમી સ્પીડે ચાલી શકશે.

નિષ્ણાતો કહે છે કે કાશ્મીરમાં દરેક ઋતુમાં કનેક્ટિવિટી જાળવી રાખવાને કારણે ક્ષેત્રની અર્થવ્યવસ્થાને જરૂરી બળ મળશે.

શિયાળાના મહિનાઓમાં ખરાબ કનેક્ટિવિટી કાશ્મીરમાં મોટાપાયે ખેતી પર નિર્ભર વેપારો માટે એક મુખ્ય સમસ્યા છે.

સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂતી મળશે

એક રિપોર્ટ પ્રમાણે, કાશ્મીરમાં 10માંથી સાત વ્યક્તિ ફળોની ખેતી પર નિર્ભર છે
ઇમેજ કૅપ્શન, એક રિપોર્ટ પ્રમાણે, કાશ્મીરમાં 10માંથી સાત વ્યક્તિ ફળોની ખેતી પર નિર્ભર છે

થિન્ક ટૅન્ક ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન પ્રમાણે, 10માંથી સાત કાશ્મીરી ફળોની ખેતી પર નિર્ભર છે.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કાશ્મીરની સૌથી મોટી કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ પૈકીની એકના માલિક ઉબૈર શાહે કહ્યું કે રેલવે લિન્કની "ખૂબ જ મોટી" અસર થશે.

તેમના કોલ્ડ સ્ટોરેજમાં હાલમાં રાખવામાં આવેલા મોટાભાગનાં પ્લમ અને સફરજન હરિયાણા, પંજાબ અને દિલ્હી જેવા ઉત્તર ભારતનાં રાજ્યોનાં બજારોમાં જાય છે.

તેમણે કહ્યું કે નવી રેલવે લાઇન ખેડૂતોને દક્ષિણ ભારત સુધી પહોંચાડી શકશે. જે તેમની આવકમાં વધારે કરવામાં મદદરૂપ બની શકે છે.

જોકે, છેવાડાના વિસ્તાર સુધી સારી કનેક્ટિવિટી વગર રેલવે કાર્ગોમાં તાત્કાલિક ફેરફારની કોઈ આશા નથી.

શાહે કહ્યું, "સૌથી નજીકનું સ્ટેશન 50 કિલોમીટર દૂર છે. અમારે પહેલાં પાકને સ્ટેશન સુધી મોકલવો પડશે. ત્યાંથી તેને ઉતારીને ફરીથી ટ્રેન પર લોડ કરવો પડશે."

"ખૂબ જ સાવચેતીપૂર્વક કરવું પડે તેવું કામ છે. અમારે ખરાબ થઈ જતી વસ્તુઓને કેવી રીતે ઓછું નુકસાન પહોંચે તેના માટે પ્રયત્નો કરવા પડશે."

આ પરિયોજના થકી આ વિસ્તારમાં પ્રવાસન રાજસ્વ વધશે તેવી પણ આશા છે.

કાશ્મીરના કેટલાંક પર્યટનસ્થળો દૂર હોવા છતાં પણ ત્યાં હાલમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે.

જમ્મુ-કાશ્મીરથી શ્રીનગર વચ્ચે સીધી ટ્રેનથી મુસાફરી સસ્તી પણ થશે અને પ્રવાસનો સમય પણ અડધો થઈ જશે. આ કારણે પર્યટનને વધારે બૂસ્ટ મળશે.

આ દરમિયાન ઘણા પડકારો પણ આવશે. કાશ્મીર સતત હિંસાની ઘટનાઓનો સામનો કરી રહ્યું છે.

ચરમપંથી પ્રવૃત્તિઓમાં હાલમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વધારે કાશ્મીરની તુલનામાં શાંત કહેવાતા જમ્મુ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આ ચિંતાનું કારણ છે.

ચરમપંથીઓએ જૂન મહિનામાં રિયાસીમાં (જ્યાં આ બ્રિજ આવેલો છે) એક બસ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ હિંદુ તીર્થયાત્રીઓનાં મોત થયાં હતાં અને ડઝનેક યાત્રીઓ ઘાયલ થયા હતા.

આ હુમલા હાલનાં વર્ષોમાં થયેલા સૌથી ઘાતક ચરમપંથી હુમલાઓ પૈકીનો એક હતો. આ ઉપરાંત સેના અને નાગરિકો પર પણ કેટલાક હુમલાઓ થયા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ ઘટનાઓ અહીં શાંતિની યાદ અપાવે છે. સ્થિરતા વગર કનેક્ટિવિટી યોજનાઓ માત્ર આ વિસ્તારની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવામાં જ સફળ થશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.