જમ્મુના સરહદી વિસ્તારોમાં ઉગ્રવાદી હુમલાની નવી પૅટર્ન, હુમલાખોરો પકડાતા નથી : ગ્રાઉન્ડ રિપોર્ટ

સરોજબાલા
ઇમેજ કૅપ્શન, સરોજ બાલા જેમણે 2022માં પોતાના બે જુવાન દીકરા ગુમાવ્યા હતા.
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા, જમ્મુથી પરત ફરીને

જમ્મુમાં તાજેતરમાં થયેલા હુમલા

  • 9 જૂનઃ રિયાસી
  • 11 જૂનઃ કઠુઆ
  • 7 જુલાઈઃ રાજૌરી
  • 8 જુલાઈઃ કઠુઆ
  • 9 જુલાઈઃ ડોડા

આ જમ્મુના એ વિસ્તારો છે, જ્યાં તાજેતરમાં ઉગ્રવાદી હુમલા થયા છે. સપ્ટેમ્બરના અંતમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની તૈયારી કેન્દ્રીય ચૂંટણી પંચ કરી રહ્યું છે ત્યારે હુમલામાં વધારો થયો છે.

જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજ્યપાલ મનોજ સિન્હાએ તાજેતરમાં મીડિયાને આપેલી એક મુલાકાતમાં આશા વ્યક્ત કરી હતી કે આ સમસ્યા પર ટૂંક સમયમાં જ નિયંત્રણ મેળવી લેવામાં આવશે.

કઠુઆના એક અપવાદને બાદ કરતાં આ હુમલા માટે જવાબદાર ઉગ્રવાદીઓને પકડી શકાયા નથી કે તેઓ અથડામણમાં માર્યા પણ ગયા નથી.

જમ્મુમાં છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન થયેલી ઉગ્રવાદી અથડામણોને ધ્યાનથી જોઈએ તો હુમલાખોરોનું ન પકડાવું એક નવી પેટર્ન તરીકે ઊભરી રહ્યું હોય એવું લાગે છે.

આ પેટર્નની શરૂઆત ઑક્ટોબર, 2021માં થઈ હતી. એ વખતે જમ્મુના પુંછ અને મેંઢર વિસ્તારોમાં ઉગ્રવાદીઓ સાથેની અથડામણોમાં કુલ નવ સૈનિકો માર્યા ગયા હતા.

આ બન્ને અથડામણ પછી ભારતીય સૈન્યએ જંગલને ખંખોળવાનું શરૂ કર્યું હતું અને એક મહિનાથી વધુ સમય સુધી એવા સમાચાર આવતા રહ્યા હતા કે સૈન્ય અને ઉગ્રવાદીઓ વચ્ચે ગાઢ જંગલમાં ઍન્કાઉન્ટર ચાલુ છે.

તેને અત્યાર સુધીનું સૌથી લાંબો સમય ચાલેલું ઍન્કાઉન્ટર માનવામાં આવે છે, પરંતુ અનેક સપ્તાહ વીતી જવા છતાં ઉગ્રવાદીઓની કોઈ ભાળ મળી નથી.

વ્યૂહરચનામાં ફેરફાર?

સરોજ બાલાને મળેલી સુરક્ષા
ઇમેજ કૅપ્શન, સરોજ બાલાને મળેલી સુરક્ષા

જમ્મુ-કાશ્મીર પોલીસના ભૂતપૂર્વ ડીજીપી એસ પી વૈદ માને છે કે ઉગ્રવાદીઓની વ્યૂહરચનામાં પરિવર્તન થયું છે.

વૈદ કહે છે, "એક તો આ ઉગ્રવાદીઓને જંગલ વૉરફેર, માઉન્ટન વૉરફેરની તાલીમ આપવામાં આવી છે. આધુનિક હથિયાર આપવામાં આવ્યાં છે અને ઉગ્રવાદીઓ લગભગ સ્નાઇપરની જેમ કામ કરી રહ્યા છે. એ હથિયારોમાં નાઇટ વિઝન છે. તેથી તેનો ઉપયોગ રાતે કરી શકાય છે."

"બીજું, ઉગ્રવાદીઓને જણાવવામાં આવ્યું છે કે સૈન્ય પર નજર રાખો. તેમની હિલચાલ નોંધો, તેમના પર હુમલો કરો અને ભાગી જવાનો પ્રબંધ કરો."

સરહદ નજીક આવેલા રાજૌરી અને પુંછ જેવા વિસ્તારોમાં ઘૂસણખોરી અને હુમલા બહુ સામાન્ય બાબત છે. ફેરફાર એ થયો છે કે હુમલાખોરો કોઈ પુરાવા વિના ગાયબ થઈ રહ્યા છે અને તે સલામતી દળો માટે માથાનો મોટો દુખાવો બનતું જાય છે.

તેનાથી સામાન્ય લોકો પણ ચિંતિત અને ભયભીત છે.

એસ પી વૈદ
વીડિયો કૅપ્શન, Jammu Kashmir માં ચરમપંથી હુમલાઓ કેમ વધી રહ્યા છે?

ડૉ. જમરુદ મુગલ ભારત અને પાકિસ્તાનની સીમા નજીકના પુંછમાં રહે છે.

તેઓ કહે છે, "હુમલાખોરો આવે છે, હુમલા કરે છે અને પછી ગાયબ થઈ જાય છે. ક્યાં ગાયબ થઈ જાય છે? મતલબ કે થોડી મિનિટો કે સેકન્ડોમાં જ તેઓ બૉર્ડર તો ક્રૉસ કરી ન શકે. તેનો અર્થ એ છે કે ઉગ્રવાદીઓ અહીં જ ક્યાંક છે."

"તમે જોયું હશે કે અહીં તો કેટલાં ગાઢ જંગલ અને મોટા-મોટા પહાડ છે. આ બહુ દુર્ગમ વિસ્તાર છે. તેથી આ જે કાર્યવાહી થઈ રહી છે અને ઉગ્રવાદીઓ જમ્મુ ભણી વળ્યા છે તેનું કારણ એ પણ છે કે આ વિસ્તારમાં ઉગ્રવાદીઓને શોધવાનું કાશ્મીરની સરખામણીએ મુશ્કેલ છે."

પુંછમાં જ રહેતા મોહમ્મદ ઝમાન વ્યવસાયે વકીલ છે અને પીર પંજાલમાં હ્યુમન રાઇટ્સ સંગઠનનું સંચાલન કરે છે.

તેઓ કહે છે, "અમને લાગે છે કે સંપૂર્ણ વ્યૂહરચના જ બદલી ગઈ છે. ગોરિલા વૉરની જે વાતો આપણે સાંભળી છે એ રીતે તેઓ આવીને હુમલા કરે છે, વાહનો પર હુમલા કરે છે, સલામતી દળો પર હુમલા કરે છે. એ પછી તેમની ભાળ ન મળવી અને તેમનું જંગલમાં છુપાઈ જવું ચિંતાજનક બાબત છે."

ભયના ઓથાર હેઠળનું જીવન

જમ્મુમાં સુરક્ષાવ્યવસ્થા

જમ્મુમાં તાજેતરમાં થયેલા હુમલાઓ પૈકીના એકમાત્ર હુમલામાં બન્ને ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. એ ઘટના કઠુઆના સુહાલ ગામમાં બે ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે બની હતી.

એ હુમલામાં સામેલ એક હુમલાખોર પોતાનો જ ગ્રેનેડ ફાટવાને કારણે માર્યો ગયો હતો, જ્યારે બીજો સલામતી દળો સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.

એ દિવસે સુહાલ ગામમાં જે થયું હતું તેની વાત કેટલાક સાક્ષીઓએ અમને કરી હતી.

ગામના એક યુવકે કહ્યું, "ઉગ્રવાદીઓએ મને હાક મારી હતી. કહ્યું હતું, પાણી પીવડાવો. મેં કહ્યું, પાણી પીવડાવું છું, પણ તું કોણ છે. તેણે ફરી કહ્યું કે ભાઈ, પહેલાં પાણી પીવડાવ પછી તને કહું છું કે હું કોણ છું. એટલે મેં તેને કહ્યું કે એક કામ કર."

"તું તારું નામ જણાવ અને ક્યાંથી આવ્યો છે તે કહે એટલે હું પાણી લાવું છું. એ સાંભળીને તેણે કહ્યું હતું કે આપણે બેસીને વાત કરીએ. તે ડોગરી-પંજાબીના મિશ્રણ જેવી ભાષા બોલતો હતો."

"હું એક ડગલું આગળ વધ્યો કે તરત જ તેણે તેની પીઠ પરનું હથિયાર હાથમાં લઈ લીધું હતું. હું તેની પાછળ ભાગ્યો. એક મિનિટ પછી તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું."

જ્ઞાની દેવી, ઓંકારનાં માતા
ઇમેજ કૅપ્શન, જ્ઞાની દેવી, ઓંકારનાં માતા

સુહાલના એક વૃદ્ધ દુકાનદારે જણાવ્યું હતું કે બન્ને હુમલાખોરોએ તેમની પાસે પીવા માટે પાણી માંગ્યું હતું. દુકાનદારે કહ્યું હતું, "પાણી પીધા પછી તેમણે હવામાં ચાર-પાંચ ગોળીબાર કર્યા હતા. મેં તરત દુકાનનું શટર બંધ કરી દીધું હતું અને સવાર સુધી અંદર પડ્યો રહ્યો હતો."

આ ગામના એક ઘરની દીવાલ પર અમને ગોળીના નિશાન જોવા મળ્યાં હતાં. હુમલાખોરોએ ઓંકાર નાથના ઘર પર ગોળીબાર કર્યો હતો. તેમાં ઓંકાર નાથના હાથ પર ગોળી વાગી હતી.

તેમના 90 વર્ષનાં માતા જ્ઞાનો દેવીએ કહ્યું, "કહેતા હતા કે ઉગ્રવાદીઓ આવી ગયા છે. તેમણે ગ્રેનેડ ફેંક્યો હતો. ઓંકાર ઘરની બહાર તે જોવા માટે ગયો હતો. તે બહાર ગયો કે તરત ઉગ્રવાદીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો. ચાર ગોળી ચલાવી હતી."

"અમે ડરેલા છીએ. સાંજે છ થતાંની સાથે જ ગામ સૂમસામ થઈ જાય છે. લોકોને ડર છે કે ઉગ્રવાદીઓ ક્યાંય ફરીથી આવી ચડશે."

જ્ઞાનો દેવી

સુહાલ ગામમાં ગોળીબાર કરનાર બન્ને હુમલાખોરો તો માર્યા ગયા હતા, પરંતુ ગામના લોકોની ચિંતા યથાવત છે.

સુહાલ ગામના રહેવાસી રિંકુ શર્માએ કહ્યું, "લોકો ભયભીત છે, કારણ કે લોકોને અત્યારે પણ લાગે છે કે હુમલાખોરો આસપાસ જ છે. ડાબે-જમણે બધો જંગલ વિસ્તાર છે અને જંગલ વિસ્તાર હોવાને કારણે લોકો વધારે ભયભીત છે."

સુહાલ ગામની માફક જમ્મુના ઘણા વિસ્તારો ગાઢ જંગલથી ઘેરાયેલા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય સરહદ આ વિસ્તારોથી લગભગ 20 કિલોમીટર દૂર છે.

સલામતી એજન્સીઓનું કહેવું છે કે ઉગ્રવાદીઓ આ ગાઢ જંગલમાં છુપાઈને જ સીમા પારથી ભારતમાં દાખલ થાય છે.

સુહાલ ગામમાં 11 જૂને બનેલી હિંસક ઘટના બાદ અહીંના લોકોમાં સલામતી સંબંધી ચિંતા વધી ગઈ છે. આ વિસ્તારના લોકો હવે સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

જૂના ઝખમ હજુ પણ તાજા છે

સરોજ બાલા
ઇમેજ કૅપ્શન, સરોજ બાલાએ ઉગ્રવાદીઓના ગોળીબારમાં પોતાનાં સંતાનોને ગુમાવ્યાં હતાં, તેઓ હજુ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમ્મુ વિસ્તારમાં તાજેતરમાં બનેલી ઘટનાઓને કારણે ભયનું વાતાવરણ છે ત્યારે ત્યાં છેલ્લાં બે વર્ષ દરમિયાન થયેલી હિંસાના ઘા હજુ પણ તાજા છે.

રાજૌરીના ઢાંગરી ગામના એક ઘર પાસે કાયમ અર્ધસૈનિક દળનો પહેરો હોય છે.

તે એ જગ્યા છે, જ્યાં 2022ની 31 ડિસેમ્બરની રાતે બે ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો હતો. બીજા જ દિવસે તે ઘર પાસે બૉમ્બ વિસ્ફોટ થયો હતો. એ બન્ને ઘટનામાં કુલ સાત લોકો મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે.

સરોજ બાલાના બે જુવાન દીકરા તે હુમલામાં માર્યા ગયા હતા અને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. સરોજ બાલા આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યાં છે.

સરોજ બાલા કહે છે, "પોતાનાં બાળકોને કોઈ ભૂલી ન શકે. લોકોની મોટરકાર આવે છે તો મને લાગે છે કે મારાં સંતાનો આવી રહ્યાં છે. મને આજે પણ લાગે છે કે મારાં સંતાનો જીવતાં છે."

"મારા ઘરમાં માત્ર ઈંટ અને પથ્થર બચ્યાં છે. મારાં બાળકોનાં મૃત્યુને 18 મહિના થઈ ગયા છે. તેમણે આટલી મોટી મોટી ગુપ્તચર એજન્સીઓને કામે લગાડી છે, પરંતુ તેમને અત્યાર સુધી કશું મળ્યું નથી. અમે પણ તેની આશામાં જ બેઠા છીએ. ભગવાન અમને એક દિવસ ન્યાય જરૂર આપશે."

સરોજ બાલાનું ઘર
ઇમેજ કૅપ્શન, સરોજ બાલાનું ઘર જ્યાં હવે હંમેશાં સુરક્ષા દળોનો પહેરો હોય છે.

સરોજ બાલા એક જ સવાલનો જવાબ માંગી રહ્યાં છે કે તેમના દીકરાઓની હત્યા કોણે કરી હતી અને એ લોકો હજુ સુધી પકડાયા કેમ નથી?

સરોજ બાલા કહે છે, "આટલા બધા લોકો પાકિસ્તાનથી આવ્યા હોય તો આપણી એજન્સીઓ શું કરી રહી છે? તેમની ડ્યુટી શું છે?"

"જુઓ, બૉર્ડર બંધ કરી દેવામાં આવશે તો તેમના આવવાનો કોઈ માર્ગ નહીં હોય. તેમના આવવાનો કોઈને કોઈ રસ્તો હોય તો તેને પણ બંધ કરી શકાય."

સરોજ બાલા એવું પણ માને છે કે સ્થાનિક મદદ વિના આવા હુમલા શક્ય નથી.

તેઓ કહે છે, "સ્થાનિક લોકોનો ટેકો નહીં મળે તો હુમલાખોરો ક્યાં રહેશે, ક્યાં જમશે? તેઓ તેમની સાથે હથિયાર વગેરે જે સામાન લાવે છે તે ક્યાં રાખશે?"

"તેમનો સામાન રાખવા માટે પણ જગ્યા તો જોઈએને. રહેવા માટે જગ્યા પણ જોઈએ. ખાવા-પીવા માટે કશુંક જોઈએ."

"પહેરવા માટે કપડાં જોઈએ. તેમને દરેક ચીજની જરૂર પડે. તેથી તેમને અહીંથી જ સપોર્ટ મળી રહ્યો છે. અહીંથી જ."

સરોજ બાલા

લગભગ આવી જ વાતો અમને રાજૌરીથી લગભગ 90 કિલોમીટર દૂર પુંછમાં સાંભળવા મળી હતી.

પુંછના અજોટ ગામના રહેવાસી મોહમ્મદ રશીદના પુત્ર હવાલદાર અબ્દુલ મજી નવેમ્બર, 2022માં રાજૌરીનાં જંગલોમાં એક શોધ અભિયાન દરમિયાન ઉગ્રવાદીઓના ગોળીબારનો શિકાર બન્યા હતા. તેમને તાજેતરમાં જ મરણોત્તર કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

મોહમ્મદ રશીદ કહે છે, "અમને જે નુકસાન થઈ રહ્યું છે તે મિલીભગત વિના શક્ય નથી. કોઈ અજાણ્યો માણસ મારા ઘરે આવે તો તેને ખબર ન હોય કે ઘરમાં કઈ વ્યક્તિ ક્યાં બેસે છે, ક્યાં સૂવે છે."

"અમારામાંથી જ કોઈ તેમને જણાવે છે ત્યારે જ તો તેઓ હુમલા કરે છે. હું વિચારું છું કે આવા લોકો વચ્ચે છે, જે સૈનિકોને મરાવી રહ્યા છે. સૈનિકો મરી રહ્યા છે, નાગરિકો મરી રહ્યા છે, નાનાં-નાનાં બાળકો મરી રહ્યા છે."

જમ્મુ પર નિશાન શા માટે?

મહમદ રશીદ
ઇમેજ કૅપ્શન, મહમદ રશીદના પુત્ર હવાલદાર અબ્દુલ મજી નવેમ્બર, 2022માં રાજૌરીનાં જંગલોમાં એક શોધ અભિયાન દરમિયાન ઉગ્રવાદીઓના ગોળીબારનો શિકાર બન્યા હતા

તાજેતરના ઘટનાક્રમ પછી મહત્ત્વનો સવાલ એ છે કે જમ્મુ વિસ્તારને જ નિશાન શા માટે બનાવવામાં આવી રહ્યો છે? કાશ્મીરને બદલે જમ્મુને નિશાન બનાવવું તે ઉગ્રવાદીઓની નવી વ્યૂહરચના છે?

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીજીપી એસ પી વૈદ કહે છે, "જમ્મુ પ્રદેશમાં છેલ્લાં 15 વર્ષથી, લગભગ 2007થી આતંકવાદ ખતમ થઈ ગયો હતો. જરૂર મુજબ સલામતી દળો તહેનાત કરવામાં આવતાં હતાં."

"હવે લદ્દાખમાં ભારત-ચીન સરહદે અથડામણ થઈ એટલે સૈન્ય અને રાષ્ટ્રીય રાઇફલ્સની ટુકડીઓને જમ્મુથી ત્યાં મોકલવામાં આવી છે. એવી જ રીતે જમ્મુમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ તહેનાતી ઓછી કરીને તેમને કાશ્મીર મોકલવામાં આવ્યા."

"જમ્મુ-કાશ્મીરમાં પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ પણ ઢીલાં પડી ગયાં છે અને વિલેજ ડિફેન્સ કમિટીઓ નિષ્ક્રિય થઈ ગઈ છે. મને લાગે છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિનો લાભ લઈને જમ્મુના વિસ્તારોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે."

જમ્મુ-કાશ્મીરના લેફટેનન્ટ-ગવર્નર મનોજ સિન્હાના કહેવા મુજબ, પરિસ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તેઓ બહુ ચિંતિત નથી.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસ સાથેની વાતચીતમાં સિન્હાએ કહ્યું હતું, "અમે તેનો અસરકારક રીતે સામનો કરીશું, એવી મને ખાતરી છે. આ પાકિસ્તાનનું કાવતરું પણ છે. સૌથી મોટો પડકાર સ્થાનિક ભરતી છે."

" ઘૂસણખોરીનું ધ્યાન રાખશે. ભરતી લગભગ શૂન્ય છે. આ એક મોટી સિદ્ધિ છે. સૈન્ય અને પોલીસ તેની સાથે કામ પાર પાડી લેશે."

"અમારી પાસે ઇનપુટ છે કે કેટલીક ઘૂસણખોરી થઈ છે. સલામતી દળોએ પોઝિશન લેવાનું શરૂ કરી દીધું છે."

"વ્યૂહરચના તૈયાર છે અને મને ખાતરી છે કે ટૂંક સમયમાં આતંકવાદ વિરોધી ગ્રિડ સ્થાપવામાં આવશે."

"જમ્મુના લોકોએ ઉગ્રવાદનો સામનો કર્યો છે. વિલેજ ડિફેન્સ કમિટીના સભ્યોને ઑટોમેટિક હથિયાર આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન ચાંપતી નજર રાખી રહ્યા છે."

સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી 30 સપ્ટેમ્બર સુધીમાં યોજવાની મુદ્દત કેન્દ્ર સરકારને આપી છે.

ચૂંટણી પંચ પણ તે ડેડલાઇન મુજબ ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.