જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, મતદાન અને પરિણામ ક્યારે?

ઇમેજ સ્રોત, GET
કેન્દ્રીય ચૂંટણીપંચે નવી દિલ્હી ખાતે યોજેલી પત્રકારપરિષદમાં રાજ્યોની વિધાનસભા ચૂંટણીનું એલાન કર્યું છે.
જેમાં જમ્મુ કાશ્મીર તથા હરિયાણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણીપંચે કરેલી જાહેરાત પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાશે.
પહેલા તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બર, બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બર અને ત્રીજા તબક્કાનું મતદાન 1 ઑક્ટોબરે થશે.
4 ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થશે.
હરિયાણામાં 1 ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. ચોથી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીર સાથે જ તેનું પરિણામ જાહેર થશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારની સાથે ચૂંટણી કમિશનર ગ્યાનેશકુમાર તથા એસ.એસ. સંધુ પણ કૉન્ફરન્સમાં હાજર હતા.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું હતું કે, “ચૂંટણીપંચની ટીમોએ જમ્મુ-કાશ્મીર તથા હરિયાણાનો પ્રવાસ કર્યો હતો. તમામ લોકો લોકશાહીમાં ભાગીદારી બનવા માટે ખૂબ ઉત્સાહિત છે. ગત લોકસભામાં આપણે જમ્મુ-કાશ્મીરમાં પણ મતદારોની લાંબી-લાંબી લાઇનો જોઈ હતી. કાશ્મીર ઘાટીની ત્રણ લોકસભા બેઠકોમાં પણ 51 ટકા મતદાન થયું હતું. જમ્મુ-કાશ્મીરના મતદારોએ આગળ આવીને લોકશાહીમાં ભાગીદારી નોંધાવી હતી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અંગે ચૂંટણીપંચે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી પહેલાં એકસાથે યોજાઈ હતી. પણ આ વખતે અમારે જમ્મુ-કાશ્મીરની ચૂંટણી પણ યોજવાની હતી. અને હજુ ઝારખંડ અને આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હીની ચૂંટણી પણ છે. મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે હજુ બીએલઓનું કામ પણ અધૂરું છે. ગણેશ મહોત્સવ, દિવાળી જેવા તહેવારો પણ આવી રહ્યા છે, જેના કારણે હાલમાં ત્યાં ચૂંટણીની જાહેરાત નથી કરી.”
જમ્મુ-કાશ્મીરમાં 3.71 લાખ મતદારો પહેલી વાર મતદાન કરશે. જમ્મુ-કાશ્મીરમાં કુલ 11838 મતદાનકેન્દ્ર બનાવાશે.
નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં હરિયાણા વિધાનસભાની મુદ્દત પૂરી થાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે સપ્ટેમ્બર મહિના અંત સુધીમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણી યોજવી જરૂરી હતી.
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાંચમી ઑગસ્ટ, 2019ના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્ય તરીકે દરજ્જો આપતો અનુચ્છેદ 370 તથા 35-એની જોગવાઈઓને નાબૂદ કરી તેને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દીધો હતો.
આ સિવાય રાજ્યનું વિભાજન કરીને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ઉપરાજ્યપાલને કેન્દ્રના પ્રતિનિધિ બનાવવામાં આવ્યા.
વિશેષ રાજ્યના દરજ્જાની નાબૂદી તથા વિધાનસભાની ચૂંટણી યોજવા મુદ્દે અલગ-અલગ અરજીઓ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરવામાં આવી હતી. ડિસેમ્બર-2023માં બંધારણીય ખંડપીઠે વિશેષ દરજ્જાની નાબૂદીને બહાલ રાખી હતી. આ સિવાય તા. 30 સપ્ટેમ્બર પહેલાં ચૂંટણી યોજવાના આદેશ આપ્યા હતા.
જમ્મુ-કાશ્મીરની બેઠકોનું પુનઃસીમાંકન કરવામાં આવ્યું છે, જેમાં જમ્મુમાં 43 તથા કાશ્મીરમાં 47 સહિત કુલ 90 બેઠક છે. શિડ્યુલ્ડ ટ્રાઇબ્સ માટે જમ્મુમાં છ તથા કાશ્મીરમાં ત્રણ બેઠક અનામત રાખવામાં આવી છે.
લગભગ 10 વર્ષના ગાળા પછી જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી યોજાશે. અહીં છેલ્લે વર્ષ 2014માં ચૂંટણી યોજાઈ હતી, એ પછી ભાજપ તથા પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટીની ગઠબંધન સરકાર બની હતી.
આગામી ચૂંટણીમાં નેશનલ કૉન્ફરન્સ, પીડીપી, ભાજપ તથા કૉંગ્રેસ વચ્ચે મુખ્ય મુકાબલો હશે.
જમ્મુ-કાશ્મીરમાં કુલ 87.09 લાખ મતદારો છે જેમાંથી 20 લાખથી વધુ યુવા મતદારો છે. ચૂંટણીપંચે જણાવ્યું કે 20 ઑગસ્ટે મતદારોની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.
હરિયાણામાં બહુપાંખિયો જંગ ?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટણીપંચ અનુસાર, હરિયાણામાં કુલ 2.01 કરોડ મતદાતાઓ છે જેમાંથી 95 લાખ મહિલા મતદાતાઓ છે.
હરિયાણામાં કુલ 10321 મતદારો સો વર્ષથી વધુ વયના છે. મતદારોની અંતિમ યાદી 27 ઑગસ્ટના રોજ જાહેર થશે.
કુલ 20629 મતદાનમથકો પર હરિયાણામાં ચૂંટણી યોજાશે.
હરિયાણા વિધાનસભાની 90 બેઠક માટે ભાજપ, કૉંગ્રેસ, જનનાયક જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળ વચ્ચે મુકાબલો થશે.
2019માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 90 બેઠકોમાંથી 40 બેઠકો મળી હતી, જ્યારે કૉંગ્રેસને 31 બેઠકો મળી હતી. ભાજપે જેજેપીના ટેકાથી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્ત્વમાં સરકાર રચી હતી.
લોકસભાની ચૂંટણી પહેલાં માર્ચ મહિનામાં ભાજપે તેના મુખ્ય મંત્રી મનહરલાલ ખટ્ટરને હઠાવીને નાયબસિંહ સૈનીને કમાન સોંપી હતી. આ સાથે જેજેપી સાથેના ગઠબંધનને પણ તોડી નાખ્યું હતું.
2019ની લોકસભા ચૂંટણી સમયે ભાજપને તમામ 10 બેઠક મળી હતી, જ્યારે આ વખતે ભાજપને માત્ર પાંચ બેઠક જ મળી હતી.
જાટ મતદાર, મહિલા કુસ્તી ખેલાડીઓ પ્રત્યે સહાનુભૂતિ તથા ખેડૂત આંદોલન જેવા મુદ્દા આગામી હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભૂમિકા ભજવી શકે છે.
લોકસભાના ચૂંટણીપરિણામ પછી ભાજપ બંને રાજ્યોની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા આતુર હશે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન સારું પ્રદર્શન કરીને ભાજપને પાછળ ધકેલવા ઇચ્છશે.
ચૂંટણીપંચે પેટાચૂંટણી અંગે શું કહ્યું?
દેશમાં 46 વિધાનસભાની બેઠકો તથા 1 લોકસભા બેઠકની પેટાચૂંટણી પૅન્ડિંગ છે. તે અંગે મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, “તમામ બેઠકોની પેટાચૂંટણી એકસાથે છ મહિનાની અંદર યોજવામાં આવશે.”
તેમણે કહ્યું હતું કે, “અનેક રાજ્યોમાં કુદરતી આપત્તિ અને ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે. જેના કારણે અમે ત્યાંના લોકોને સમય આપવા માગીએ છીએ.”
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતની વાવ તથા વીસાવદર વિધાનસભામાં પેટાચૂંટણી થવાની બાકી છે.
જ્યારે વાયનાડ લોકસભા બેઠક રાહુલ ગાંધીએ ખાલી કરી હોવાથી ત્યાં પણ પેટાચૂંટણી યોજવાની બાકી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












