પીરપંજાલ : જમ્મુ-કાશ્મીરના આ ક્ષેત્રમાં ફરી કેમ માથું ઊંચકી રહ્યો છે ચરમપંથ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી ગુજરાતી માટે
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરનાં ગીચ જંગલો અને દુર્ગમ પહાડોથી ઘેરાયેલા પુંછ અને રાજૌરી જિલ્લામાં ભારતીય સૈન્ય પર હાલના ચરમપંથી હુમલા પછી આ વિસ્તાર ફરી એક વાર ચર્ચામાં છે.
છેલ્લાં બે વર્ષથી આ વિસ્તાર ચરમપંથી હુમલાઓ અને સુરક્ષા દળો અને ચરમપંથીઓ વચ્ચેના ઍન્કાઉન્ટરને કારણે ચર્ચામાં છે.
આ વર્ષે 21 ડિસેમ્બરે ચરમપંથીઓએ ભારતીય સેનાનાં બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ભારતીય સેનાના ચાર જવાન માર્યા ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા.
વર્ષ 2021થી ચરમપંથીઓએ જમ્મુ ક્ષેત્રના પુંછ-રાજૌરીમાં સેના અને સામાન્ય લોકો પર અનેક હુમલાઓ કર્યા છે.
સૈન્ય પરના હુમલા બાદ પૂછપરછ માટે બોલાવવામાં આવેલા આઠ નાગરિકોમાંથી ત્રણના આર્મી કૅમ્પમાં કથિત ત્રાસ બાદ મોત થયાં હતાં. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આ નાગરિકોના ઘરે જઈ ખેદ વ્યક્ત કર્યો અને સેનાને પ્રોફેશનલ રહેવા પણ કહ્યું છે.
પુંછ – રાજૌરીનો વિસ્તાર

ઇમેજ સ્રોત, Getty Images
પુંછ અને રાજૌરી જમ્મુ ક્ષેત્રના બે અલગ જિલ્લા છે, જેને પીરપંજાલ પણ કહેવામાં આવે છે. આ ગાઢ જંગલોથી ઘેરાયેલો વિસ્તાર છે જ્યાં લોકો દુર્ગમ ઊંચા પર્વતો વચ્ચે રહે છે.
પુંછમાં મુસ્લિમોની વસ્તી લગભગ 90 ટકા છે, જ્યારે રાજૌરીમાં આ સંખ્યા 56 ટકા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંકુશ રેખા પાસેના આ વિસ્તારોમાં સામાન્ય લોકોને હંમેશાં હિંસાનો સામનો કરવો પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
શ્રીનગરથી પુંછનું અંતર આશરે 140 કિલોમીટર છે.
2021 અગાઉ આ વિસ્તારમાં અવારનવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામના ઉલ્લંઘનની ઘટના સામે આવતી રહી છે. બંને દેશ એકબીજાને જવાબદાર પણ ઠેરવતા રહ્યા છે.
ભારત-પાકિસ્તાન સીમા પર થનારા ગોળીબારનો શિકાર ક્યારેક સામાન્ય જનતાને પણ થવું પડતું હતું.
બંને દેશ વચ્ચે જમ્મુ-કાશ્મીર બાબતે બે યુદ્ધ પણ થયાં છે. બંને દેશ આ આખા વિસ્તાર પર પોતાનો દાવો કરે છે પણ અલગ – અલગ ભાગ પર તેઓ નિયંત્રણ ધરાવે છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 2021માં ફરી સંઘર્ષવિરામ થયો હતો અને આ પછી પીરપંજાલ અને જમ્મુ – કાશ્મીરના અન્ય વિસ્તારોની સીમા પર શાંતિ છે. પણ હાલના સમયમાં પીરપંજાલ વિસ્તારમાં ચરમપંથી હુમલાઓ વધી રહ્યા છે.
પુંછ અને રાજૌરીમાં ગુજ્જાર, પહાડી અને બકરવાલ સમુદાયના લોકો રહે છે. આ વિસ્તારમાં રહેનારી વસતી પહાડી ભાષા બોલે છે.
અહીંની વસતી દસ લાખથી વધારે છે. અહીં રહેનારા મોટાભાગના લોકોના સંબંધીઓ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં રહે છે.
ભારત પ્રશાસિત કાશ્મીરના આ વિસ્તારને પીરપંજાલ કહે છે જ્યારે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરવાળા સીમા પારના વિસ્તારને નીલમ ઘાટી કહેવાય છે.
બંને દેશો વચ્ચે 200 કિલોમીટર લાંબી અને 30 કિલોમીટર પહોળી સીમા રેખા છે. તેની ગણતરી દુનિયાની સૌથી જોખમી સીમામાં થાય છે.
પીરપંજાલ વિસ્તારના ઊંચા પહાડો, ગીચ જંગલો અને દુર્ગમ રસ્તાઓ કાશ્મીરના દક્ષિણ વિસ્તારને પરસ્પર જોડે છે.
કેટલાક સુરક્ષા અધિકારીઓનું કહેવું છે કે સીમાની આ બાજુ ઘૂસણખોરી કરનારા ચરમપંથી દક્ષિણ કાશ્મીર અને પીરપંજાલના પહાડોના રસ્તાનો ઉપયોગ સરળતાથી કરી શકે છે અને પીરપંજાલથી દક્ષિણ કાશ્મીર પહોંચી જાય છે.
પીરપંજાલમાં ઇંટેલિજેન્સ ગ્રિડની બેદરકારી છે?

ઇમેજ સ્રોત, Getty Images
પીરપંજાલ વિસ્તારમાં સતત ચરમપંથી ઘટનાઓ બાદ આ વિસ્તારમાં સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતીની ઉપલબ્ધિ વિશે સવાલો ઊભા થઈ રહ્યા છે.
જમ્મુ – કાશ્મીર પોલીસના પૂર્વ મહાનિર્દેશક શેષપાલ વૈદ પીરપંજાલમાં ચરમપંથીઓના વધતા હુમલાઓના સવાલ પર કહે છે કે ખુફિયા માહિતીના નેટવર્કમાં રહેલી નબળાઈ કોઈને કોઈ રીતે નજરે પડી રહી છે. આના કારણે સેના પર આવા હુમલાઓ થઈ રહ્યા છે.
તેઓ કહે છે, "આ વર્ષે સેના પર પીરપંજાલમાં ચાર મોટા હુમલાઓ થયા અને સૈનિકોએ જીવ ગુમાવ્યા. જો આ વિસ્તારમાં ઇન્ટેલિજન્સ ગ્રિડ મજબૂત હોત તો આ પ્રકારના હુમલાઓ ન થયા હોત. જો આ વાત પર ધ્યાન રહેતું કે ઘૂસણખોરી ક્યાંથી થઈ છે તો કદાચ આટલા મોટા હુમલાઓને ટાળી શકાયા હોત અને જવાનોનાં જીવ બચાવી શકાયા હોત. જ્યારે તમારી પાસે અધકચરી માહિતી હોય ત્યારે જ આ પ્રકારની ઘટનાઓ બને છે."
પીરપંજાલ વિસ્તાર ગત 15 વર્ષોમાં લગભગ ચરમપંથમુક્ત બની ગયો હતો.
વર્ષ 1989માં જ્યારે કાશ્મીરમાં ભારત વિરોધી હિંસક ચળવળ શરૂ થઈ હતી ત્યારબાદ તરત જ પીરપંજાલમાં પણ હિંસાની જ્વાળાઓ ફાટી નીકળી હતી. આ વિસ્તાર લાંબા સમય સુધી ચરમપંથનો ભોગ બન્યો.
પરંતુ 2007 સુધીમાં સુરક્ષાદળોએ આ વિસ્તારમાંથી ચરમપંથને ખતમ કરી દીધો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી કેટલીકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘૂસણખોરીની કેટલીક ઘટનાઓ બનતી રહી છે. જોકે સુરક્ષાદળો તેનો સામનો કરતા હતા.
શેષપાલ વૈદ કહે છે કે છેલ્લાં બે વર્ષોમાં આ વિસ્તારમાં 28 ચરમપંથી માર્યા ગયા હતા અને હજુ પણ 20-25 બાકી છે. તો એનો અર્થ છે કે પચાસથી વધુ ચરમપંથી ઘૂસણખોરી કરીને આ બાજુ આવી ગયા હતા. સીમાની પેલી બાજુથી ઘૂસણખોર થઈ ચૂકી છે. જેની જવાબદારી હોવી જોઈએ.
ભારતીય સેનાના નોર્ધન કમાન્ડર ઉપેન્દ્ર દ્વિવેદીએ 24 નવેમ્બર, 2023ના રોજ જણાવ્યું હતું કે જમ્મુના પીરપંજાલ વિસ્તારમાં હજુ પણ 20 થી 25 ચરમપંથીઓ સક્રિય છે.
ભારતીય સેનાના પૂર્વ જનરલ ઑફિસર કમાન્ડિંગ (નોર્ધન કમાન્ડ) દીપેન્દ્રસિંહ હુડ્ડા પણ આ વાતને માને છે કે પીરપંજાલના વિસ્તારની ભૂમિગત સ્થિતિને જોતા ત્યાં વધારે સુરક્ષાદળોને તૈનાત કરવા જોઈએ અને ઇન્ટેલિજન્સ ગ્રિડ મજબૂત કરવી પડશે.
હુડ્ડા એમ પણ કહે છે, "જે રીતે ઘાત લગાવી સેના પર બે વાર હુમલાઓ થયા છે તે ના થવા જોઈએ. આવા હુમલાઓ આપણી નબળાઈઓને છતી કરે છે."
તેઓ જણાવે છે, "ક્યારેક એવું સમજવામાં આવે છે કે અહીં કંઈ જ નથી ઘટી રહ્યું તો તમારા પ્રોટોકૉલ, પ્રોસિજર અને ડ્રિલ્સ નબળા પડી જાય છે. એવું માની લેવાય છે કે કંઈ જ નથી થતું એટલે બધું બરાબર છે. હવે પીરપંજાલમાં ગતિવિધિ વધી છે. હવે અહીં માટે રણનીતિને જોવી પડશે. રોડ ઑપનિંગ પાર્ટીઝને સતેજ બનાવવી પડશે."
જમીન સ્તરે કંઈ કામ નથી થયું?

ઇમેજ સ્રોત, Getty Images
ચરમપંથ સામે કામ કરતા જમ્મુ - કાશ્મીર પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે પીરપંજાલ 15 વર્ષ પહેલાં ચરમપંથ મુક્ત થયો હતો અને હવે ફરીથી આ વિસ્તારમાં ચરમપંથની ઘટનાઓ બની રહી છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે જમીન પર વધુ કામ કરવાની જરૂર છે અને ચરમપંથને ફરી એકવાર ફેલાતો અટકાવવો જોઈએ.
શેષપાલ વૈદ પણ કંઈક આવું જ માને છે. તેમનું કહેવું છે કે પીરપંજાલ વિસ્તાર છેલ્લાં 15 વર્ષમાં હિંસાથી મુક્ત છે પરંતુ હવે ફરી તે જ જોવા મળી રહ્યું છે જે દોઢ દાયકા પહેલા થઈ રહ્યું હતું.
દીપેન્દ્ર સિંહ હુડ્ડા પીરપંજાલના વર્તમાન ચિત્રને આ રીતે વર્ણવે છે, "જમીન પર શું થયું અને કેવી રીતે થયું તે અમે કહી શકતા નથી. પરંતુ જે રીતે અમે અહીં ચરમપંથનો અંત આણ્યો તેમાં સ્થાનિક બકરવાલ અને ગુર્જર સમુદાયની મોટી ભૂમિકા હતી. સહકાર હતો. જો હવે ત્યાં ફરીથી ચરમપંથ વધી રહ્યો છે તો આપણે ફરીથી સ્થાનિક સમુદાયો સુધી પહોંચવા વિશે વિચારવું પડશે."
હુડ્ડાનું માનવું છે કે કાશ્મીરની સરખામણીમાં પીરપંજાલમાં સુરક્ષાદળો અને ગુપ્તચરોની હાજરી ઓછી છે. જેના કારણે ચરમપંથીઓએ તેનો ફાયદો ઉઠાવ્યો અને સેનાને નુકસાન ભોગવવું પડ્યું.
હુડ્ડાએ એમ પણ કહ્યું કે જો આવી ઘટનાઓને રોકવી હોય તો ત્યાંની વિચારસરણીમાં સુધારો કરવો પડશે. અંગ્રેજી વાક્યનો ઉપયોગ કરીને તે કહે છે, આ "ગોઈંગ બૅક ટુ ધ ડ્રૉઇંગ બોર્ડ"નો કેસ છે એટલે કે, "સફળ થવા માટે, તમારે ફરીથી તૈયારી કરવી પડશે."
સુરક્ષાદળો સામે કયા પડકારો છે?

ઇમેજ સ્રોત, Getty Images
હુડ્ડા કહે છે કે કાશ્મીરમાં મેદાની વિસ્તારો છે, પરંતુ કાશ્મીરની સરખામણીમાં પીરપંજાલ વિસ્તાર કઠોર ટેકરીઓ ધરાવતો વિસ્તાર છે. અહીં દરેક વસ્તુની ઍક્સેસ મેળવવી એ સરળ કાર્ય નથી.
તેઓ કહે છે, "પીરપંજાલ એક મુશ્કેલ વિસ્તાર છે, અહીં સુરક્ષા દળોની સંખ્યા પણ ઓછી છે. આ સંજોગોમાં કોઈ માહિતી કાઢવી મુશ્કેલ છે. બધા ગામડાંની મુલાકાત લેવી અને સ્થાનિક લોકોને મળવું સરળ નથી."
કાશ્મીરમાં ચરમપંથ અને હિંસાનું નિરાકરણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
5 ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં ચરમપંથ અને અલગતાવાદ વિરુદ્ધ મોટા પાયે અભિયાન ચાલી રહ્યું છે.
આ અભિયાનથી સુરક્ષાદળોને ચરમપંથને કાબૂમાં લેવામાં ઘણા અંશે સફળતા મળી છે.
કાશ્મીરમાં હાલ જ શાંતિ વર્તાઈ રહી છે તે બાબતે સુરક્ષા એજન્સીઓ પર કડક કાર્યવાહી કરવાનો આરોપ પણ લાગી રહ્યો છે.
જોકે કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની પ્રક્રિયા ચાલુ છે. છેલ્લાં બે મહિનામાં જમ્મુ-કાશ્મીર પોલીસના ત્રણ જવાનોને નિશાન બનાવીને મારી નાખવામાં આવ્યા છે.
ગયા વર્ષે કાશ્મીરમાં કામ કરતા ઘણા કાશ્મીરી પંડિતો, બિન-કાશ્મીરી અને સ્થળાંતર કરી ત્યાં મજૂરી કામે ગયેલા લોકો અને બિન-કાશ્મીરી સરકારી કર્મચારીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
2019માં કલમ 370 નાબૂદ થયા બાદ શરૂ થયેલી પથ્થરબાજી અને હડતાલની ઘટનાઓ બંધ થઈ ગઈ છે અને સુરક્ષાદળો અને ચરમપંથી અથડામણની ઘટનાઓ પણ ઘટી છે.
શેષપાલ વૈદનું કહેવું છે કે કાશ્મીરમાં જે રીતે ચરમપંથને કાબૂમાં લેવામાં આવ્યો છે. તેને જાળવી રાખવા એક દબાણ જાળવવું પડશે. તો જ કાશ્મીરમાં સ્થિતિ નિયંત્રણમાં રહી શકશે.
ઑક્ટોબર 2023માં તત્કાલીન પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું હતું કે 2010ની સરખામણીમાં 2023માં અત્યાર સુધીમાં કાશ્મીરના 10 સ્થાનિક યુવાનો ચરમપંથી જૂથોમાં જોડાયા હતા. જ્યારે વર્ષ 2010માં 210 યુવાનોએ હથિયાર ઉઠાવ્યા હતા.
સરકારનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના ગૃહમંત્રી અમિત શાહે 8 ડિસેમ્બર 2023ના રોજ લોકસભામાં જમ્મુ-કાશ્મીરમાં હિંસાના તાજા આંકડાઓ રજૂ કર્યા હતા.
અમિત શાહે કહ્યું કે તેઓ પહેલાં જ કહી ચૂક્યા છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાથી કાશ્મીરમાં હિંસાની ઘટનાઓમાં ઘટાડો થશે.
ગૃહમંત્રી દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, "2004 થી 2008 દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદની કુલ 40,164 ઘટનાઓ નોંધાઈ હતી. જ્યારે 2008 થી 2014 દરમિયાન 7,217 ઘટનાઓ નોંધાઈ હતી. હવે તે ઘટીને 2,197 થઈ ગઈ છે અને આ ઘટનાઓમાં 70 ટકાનો ઘટાડો થયો છે."
સરકારી આંકડાઓ અનુસાર 2023માં ઘૂસણખોરીની 48 ઘટનાઓ બની છે, જ્યારે 2010માં આ સંખ્યા 489 હતી.
જોકે આ વર્ષે કાશ્મીર ખીણમાં બે મોટા ચરમપંથી હુમલાઓમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક પોલીસ અધિકારી ઉપરાંત ચાર જવાનો શહીદ થયા હતા.
પુંછ અને રાજૌરીની જેમ આ બંને ઘટનાઓ અનંતનાગ અને કુલગામનાં ગાઢ જંગલોમાં બની હતી.
પીરપંજાલમાં ચરમપંથી ઘટનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લાં બે વર્ષમાં પીરપંજાલ વિસ્તારમાં બે ડઝનથી વધુ સુરક્ષાદળોના જવાનો અને લગભગ એક ડઝન નાગરિકોનાં મોત થયા છે.
ઑક્ટોબર 2021માં પીરપંજાલમાં સૌથી લાંબું એન્કાઉન્ટર 17 દિવસ ચાલ્યું હતું. જેમાં નવ ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. લાંબા સમય બાદ પીરપંજાલમાં ચરમપંથની આ સૌથી મોટી ઘટના હતી.
21 ડિસેમ્બર 2023ની ઘટના ઑક્ટોબર 2021ના હુમલા બાદ પીરપંજાલ વિસ્તારમાં બનેલી ચોથી ઘટના છે.
આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ વિસ્તારમાં સેનાના કુલ 19 જવાનો શહીદ થયા છે. છેલ્લાં બે વર્ષમાં પીરપંજાલમાં બે ડઝનથી વધુ સેનાના જવાનો માર્યા ગયા છે.
આ વર્ષે 20 એપ્રિલે પાંચ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય 5 મેના રોજ પાંચ જવાનો, 22 નવેમ્બરના રોજ પાંચ અને 21 ડિસેમ્બરે ચાર જવાનો શહીદ થયા હતા.
સાઉથ એશિયા ટેરરિઝમ પૉર્ટલ અનુસાર 2022ની સરખામણીમાં 2023માં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળોને વધુ નુકસાન થયું છે. દક્ષિણ એશિયા ટેરરિઝમ પૉર્ટલ કાશ્મીરમાં ચરમપંથી ઘટનાઓનો ડેટા એકત્ર કરે છે.
2022માં ઉગ્રવાદી હુમલાઓ અને ચરમપંથ વિરોધી કામગીરીમાં સુરક્ષાદળના કુલ 30 જવાનોનાં મોત થયાં હતાં જ્યારે 2023માં અત્યાર સુધીમાં સુરક્ષાદળના 33 જવાનોએ જીવ ગુમાવ્યા છે.
જોકે 2018માં સુરક્ષાદળના 95 જવાનોએ જીવ ગુમાવ્યો હતો જ્યારે 2019માં 78, 2020માં 56 અને 2021માં 45 જવાનોએ જીવ ગુમાવ્યો હતો.
સાઉથ એશિયા ટેરરિઝમ પૉર્ટલ અનુસાર છેલ્લાં બે વર્ષમાં સુરક્ષાદળો પર હુમલા બાદ ચરપંથીઓ અને સુરક્ષાદળના જવાનોનાં મૃત્યુનો રેશિયો બદલાયો છે.
અગાઉ છ ચરમપંથીઓના મોત સામે પ્રમાણમાં એક સુરક્ષાકર્મીનું મૃત્યું થતું હતું. હવે અઢી ચરમપંથીઓના પ્રમાણમાં માત્ર એક સુરક્ષાકર્મીનો જીવ જાય છે.
નિષ્ણાતો કહે છે, "આનો અર્થ એ થયો કે સુરક્ષાદળો પહેલાં કરતાં વધુ જવાનો ગુમાવી રહ્યા છે."
જોકે અહીં એ સ્પષ્ટતા કરવી પણ જરૂરી છે કે પીરપંજાલની તમામ ઘટનાઓ સેના પર સીધો હુમલો નહોતો પરંતુ સુરક્ષાદળોને અનેક સ્થળોએ ચરમપંથીઓની હાજરીની માહિતી મળ્યા બાદ ચરમપંથી ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષાદળોને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું.
જાન્યુઆરી 2023 થી નવેમ્બર 2023 સુધીમાં સેના અને પોલીસે નિયંત્રણ રેખા પર અને આંતરિક વિસ્તારોમાં 27 ચરમપંથીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન સેનાના 16 જવાનોએ ઍન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો હતો.
જાન્યુઆરી 2023માં ચરમપંથીઓએ રાજૌરીના ડોંગરગાંવમાં સાત નાગરિકોની હત્યા કરી હતી. જેઓ હિન્દુ હતા.
ઘણા હુમલાઓમાં એવું પણ બન્યું હતું કે 21 ડિસેમ્બર 2023ના હુમલાની જેમ હુમલાખોર ચરમપંથીઓનો કોઈ પત્તો મળ્યો ન હતો.
પીપલ્સ ઍન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ (PAPF) એ પીરપંજાલમાં સેના પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે (PAPF) જૈશ-એ-મોહમ્મદ ચરમપંથી સંગઠનનો મોરચો છે.
તે 2019માં પહેલીવાર સામે આવ્યું જ્યારે જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો.
સ્થાનિકોનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પીરપંજાલમાં ચરમપંથની આ ઘટનાઓએ સામાન્ય લોકોમાં એક પ્રકારનો ભય પેદા કર્યો છે. તેઓ સમજી શકતા નથી કે પીરપંજાલમાં અચાનક શું થઈ રહ્યું છે.
પુંછના સ્થાનિક નેતા સફિર સોહરવર્દીએ કહ્યું કે પીરપંજાલમાં જે રીતે ચરમપંથ ફેલાઈ રહ્યો છે, તેનાથી લોકોમાં ભારે ભય ફેલાયો છે.
તેમનું કહેવું છે કે આ વિસ્તાર દોઢ દાયકાથી ચરમપંથ મુક્ત છે અને હવે અચાનક ચરમપંથની વધતી ઘટનાઓએ બધાને ચિંતિત કરી દીધા છે.
તેમણે કહ્યું, "જ્યારે આ વિસ્તારમાં 15 વર્ષ પહેલા ચરમપંથની ચરમસીમા પર હતો ત્યારે અહીંની સ્થાનિક વસ્તી સુરક્ષાદળો સાથે હતી અને તેમને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પરંતુ આજે સ્થિતિ અલગ છે. સુરક્ષાદળો અને સામાન્ય લોકો વચ્ચે કોઈ સંકલન નથી. ક્યાંક ચરમપંથની ઘટના બને તો સુરક્ષાદળો સામાન્ય લોકોને હેરાન કરે છે.
પુંછના અન્ય સ્થાનિક મહોમ્મદ સૈયદનું કહેવું છે કે પીરપંજાલમાં શું થઈ રહ્યું છે તેનાથી સામાન્ય લોકો પોતે ચિંતિત છે.
તેમનો સવાલ છે કે અહીંની શાંતિને કેમ ડહોળવામાં આવી રહી છે?
ચરમપંથી ઘટનાઓ માટે પીરપંજાલને જ કેમ પસંદ કરાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાતોનું માનવું છે કે કાશ્મીર ઘાટીમાં જે રીતે ચરમપંથ વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું અને છેલ્લાં ચાર વર્ષમાં મોટી સંખ્યામાં ચરમપંથીઓને માર્યા ગયા. તે જોતાં ચરમપંથીઓ માટે ખીણમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. પરિસ્થિતિ જોઈને ચરમપંથીઓ એવા પહાડી વિસ્તારોમાં ખસી ગયા છે જ્યાં તેમને સુરક્ષાદળો સામે ટકી રહેવામાં બહુ પડકારોનો સામનો કરવો પડતો નથી.
આ જાણીને એવું પણ કહેવાય છે કે આ વિસ્તાર નિયંત્રણ રેખાની નજીક હોવાના કારણે પસંદ કરવામાં આવ્યો છે.
શેષપાલ વૈદ કહે છે, "કાશ્મીરમાં છેલ્લાં કેટલાક સમયથી ચરમપંથનો ગ્રાફ નીચે આવ્યો છે. તેમના માટે ત્યાં આશરો લેવો મુશ્કેલ બની રહ્યો છે. હવે જમ્મુના પીરપંજાલ વિસ્તારની પસંદગી કરવામાં આવી છે.
આ વિસ્તારને કારણે તેમને નિયંત્રણ રેખા નજીક હોવાનો એક ફાયદો છે. અહીં તેઓ સરળતાથી ઘૂસણખોરી કરવામાં સક્ષમ છે અને સરળતાથી છુપાઈ પણ શકે છે.
આ વિસ્તારમાં પર્વતોની વચ્ચે ઘણી ગુફાઓ છે, ત્યાં ગાઢ જંગલો છે અને તે ચારે બાજુથી ઘેરાયેલું છે. ચરમપંથીઓ આ બધી વસ્તુઓનો ફાયદો ઉઠાવી રહ્યા છે."
જાણકારો એવું પણ માને છે કે ચરમપંથીઓ જમ્મુમાં સક્રિય થઈ લદ્દાખ ક્ષેત્રમાં સેનાનું દબાણ ઘટાડવાનો પ્રયાસ કરવા માંગે છે. તેમનું એમ પણ કહેવું છે કે છેલ્લાં 15 વર્ષમાં જમ્મુ ક્ષેત્રમાં સુરક્ષા દળોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેનો ફાયદો ઉઠાવીને ઉગ્રવાદીઓએ ફરી પોતાના પગ જમાવવાનું શરૂ કર્યું છે.
શેષપાલ વૈદ પીરપંજાલમાં બનતી ઘટનાઓને ‘ગેરિલા વોર’ તરીકે જુએ છે. તેમનું કહેવું છે કે જે રીતે હુમલા થઈ રહ્યા છે તે દર્શાવે છે કે સરહદ પારથી પણ ચરમપંથીઓને આ તરફ મોકલવામાં આવ્યા છે.
ચરમપંથ માટે પીરપંજાલને પસંદ કરવાનું બીજું કારણ જાણાવતા તેઓ કહે છે કે પીરપંજાલનો વિસ્તાર એવો છે કે જો આ વિસ્તારમાં ચરમપંથીઓ પર દબાણ કરવામાં આવે તો તેઓ સરહદ પાર પાછા જઈ શકે છે.
જોકે દીપેન્દ્રસિંહ હુડ્ડાનું માનવું છે કે પાકિસ્તાન માત્ર કાશ્મીરમાં ચરમપંથ સક્રિય થાય તેવું નથી ઇચ્છતું પરંતુ જમ્મુ અને કાશ્મીર બંને ક્ષેત્રોને નિશાન બનાવવા માગે છે.
તેમણે કહ્યું કે 2013માં પણ જમ્મુ વિસ્તારમાં ઘણા મોટા હુમલા કરવામાં આવ્યા હતા અને ત્યાં ઘૂસણખોરીની ઘટનાઓ પણ વધી હતી પરંતુ બાદમાં તેમને આમાં વધારે સફળતા મળી ન હતી. જે બાદ હવે ફરી આ જ્વાળાઓ ભડકાવવામાં આવી રહી છે.














