વડોદરા : સપ્તપદીની વિધિ ન હોય તો લગ્ન કાયદેસર ગણાય કે નહીં? ઑસ્ટ્રેલિયા રહેતા ગુજરાતી કપલનો શું છે મામલો?

વડોદરા, ઑસ્ટ્રેલિયા, સપ્તપદીની વિધિ, લગ્ન, સુપ્રીમ કોર્ટ, હિન્દુ મૅરેજ ઍક્ટ, ગુજરાતની સંસ્કૃતિ, સામાજિક પરંપરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

'તમારાં લગ્નમાં સપ્તપદીની વિધિ કરાઈ નથી તો તમારાં લગ્ન ગેરકાયદેસર કેમ ન ગણવાં જોઈએ, તેમજ તમને ભારત ડીપાર્ટ કેમ ન કરવા જોઈએ.'

ઑસ્ટ્રેલિયાના હોમ અફેર્સ વિભાગે વડોદરાની એક પરિણીતા પાસે આ જવાબ માગ્યો હતો. તેમના પતિ ઑસ્ટ્રેલિયામાં રહે છે અને ડીપેન્ડન્ટ વિઝા પર ગયેલી પત્નીએ પીઆર માટે કરેલી અરજીમાં તેમનાં લગ્નની કાયદેસરતા અંગે કોર્ટે આ સવાલ કર્યો હતો.

ત્યારબાદ આ દંપતીએ વડોદરા ફેમિલી કોર્ટમાં લગ્નની કાયદેસરતા જાહેર કરવા માટે દાદ માગી હતી.

વકીલ જિત ભટ્ટે જણાવ્યું કે અમે કોર્ટમાં રજૂઆત કરી હતી કે “પતિ અને પત્ની બન્ને સાથે રહે છે અને સાથે રહેવા માગે છે. તેમનું જીવન ડીસ્ટર્બ ન થાય તેમજ તેમનાં લગ્ન બચાવવા માટે કોર્ટે તેમનાં લગ્નની કાયદેસર હોવાનો ચુકાદો આપ્યો છે.”

પત્ની તરફના વકીલ ચેતન પંડયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે “અમે બન્ને પક્ષે સાથે પિટિશન કરી હતી. જેમાં વડોદરા ફેમિલી કોર્ટે દંપતીનાં લગ્ન હિન્દુ મૅરેજ ઍક્ટ મુજબ કાયદેસર હોવાનો ઑર્ડર આપ્યો છે.”

વડોદરાના કપલનો સમગ્ર મામલો શું છે?

વડોદરા, ઑસ્ટ્રેલિયા, સપ્તપદીની વિધિ, લગ્ન, સુપ્રીમ કોર્ટ, હિન્દુ મૅરેજ ઍક્ટ, ગુજરાતની સંસ્કૃતિ, સામાજિક પરંપરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઑસ્ટ્રેલિયાના હોમ અફેર્સ વિભાગે વડોદરાની એક પરિણીતા પાસે જવાબ માગ્યો હતો કે તેમનાં લગ્ન કાયદેસર છે કે નહીં?

વડોદરા કોર્ટમાં કરેલી પિટિશનમાં જણાવ્યા અનુસાર, ઑસ્ટ્રેલિયામાં નોકરી કરતા દીપ્તેશ (નામ બદલેલ છે) ઑસ્ટ્રેલિયામાં પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) પરમિટ ધરાવે છે. દીપ્તેશે વડોદરાની દીપ્તિ (નામ બદલેલ છે) સાથે પરિવારની હાજરીમાં 10 ફેબ્રુઆરી 2023ના રોજ અરેન્જ મૅરેજ કર્યાં હતાં.

લગ્ન બાદ દીપ્તિ તેમના પતિના ડીપેન્ડન્ટ વિઝા પર ઑસ્ટ્રેલિયા ગયાં હતાં. દંપતી એક વર્ષથી ઑસ્ટ્રેલિયામાં રહે છે અને ખુશહાલ લગ્નજીવન જીવે છે.

વકીલ જિત ભટ્ટ આ પિટિશનમાં પતિ તરફના વકીલ છે. જિત ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, “ઑસ્ટ્રેલિયામાં પીઆર પરમિટ ધરાવતા પતિના ડીપેન્ડન્ટ વિઝા પર રહેતી પત્નીએ ઑસ્ટ્રેલિયામાં પીઆર માટે અરજી કરી હતી. આ અરજીમાં લગ્નના પુરાવા તરીકે લગ્નનું સર્ટિફિકેટ હતું, પરંતુ લગ્ન સેરેમનીમાં સપ્તપદીના ફોટો ન હતા. સપ્તપદીના ફોટો ન હોવાને કારણે ઑસ્ટ્રેલિયા હોમ અફેર્સ વિભાગે દંપતીનાં લગ્નની કાયદેસરતા અંગે શંકા વ્યકત કરી હતી.”

જિત ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે “ઑસ્ટ્રેલિયાના હોમ અફેર્સ વિભાગે સુપ્રીમ કોર્ટનો ડૉલી રાની વિરુદ્ધ મનીષકુમાર ચંચલના જજમેન્ટ ટાંકીને લેટરમાં લખ્યું છે કે તમારાં લગ્નમાં સપ્તપદીની વિધિ કરાઈ નથી. આથી તમારાં લગ્ન કેમ ગેરકાયદેસર ન ગણવાં? તેમજ તમારા વિઝા રદ કરી તમને ભારત પરત કેમ ન મોકલવા જોઈએ?

વકીલના જણાવ્યા અનુસાર, ઑસ્ટ્રેલિયા હોમ અફેર્સ વિભાગે તેમની પાસે લગ્ન કાયદેસર હોવાના પુરાવા માગ્યા હતા. આથી દંપતીએ તેમનાં લગ્નને કાયદેસર જાહેર કરવા માટે વડોદરા ફેમિલી કોર્ટમાં દાદ માગી હતી. તેમને પિટિશનમાં જણાવ્યું હતું કે તેમનાં લગ્નની કાયદેસરતા જાહેર કરવામાં નહીં આવે તો તેમના વિઝા કૅન્સલ થઈ જશે અને તેમને ભારત ડીપોર્ટ કરવામાં આવશે.

ગુજરાતમાં થતી લગ્નવિધિ

વડોદરા, ઑસ્ટ્રેલિયા, સપ્તપદીની વિધિ, લગ્ન, સુપ્રીમ કોર્ટ, હિન્દુ મૅરેજ ઍક્ટ, ગુજરાતની સંસ્કૃતિ, સામાજિક પરંપરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાના કપલે કરેલાં લગ્નમાં સપ્તપદીનો ફોટો નહોતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુપ્રીમ કોર્ટના અગાઉના એક કેસમાં એક યુવક અને યુવતીએ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી કે તેમનાં લગ્ન પારંપારિક રીતરિવાજોથી કરવામાં આવ્યાં નહોતાં. તો તેમનાં લગ્નને અમાન્ય ગણવામાં આવે.

સુપ્રીમ કોર્ટે તેમની અરજી મંજૂર રાખી હતી અને તેમનાં લગ્નને અમાન્ય જાહેર કર્યાં હતાં. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કેટલાક અવલોકન કર્યાં હતાં કે હિન્દુ લગ્ન એ સંસ્કાર છે. જે યોગ્ય રીતરિવાજ મુજબ પૂરા થવા જોઈએ. હિન્દુ લગ્નવિધિમાં સપ્તપદી ન કરવામાં આવી હોય તો તે લગ્ન માન્ય ગણાય નહીં.

અહીં ઉલ્લેખનીય છે કે અલગઅલગ રાજ્યોમાં લગ્નવિધિ અલગ રીતે થતી હોય છે.

વડોદરા ફેમિલી કોર્ટમાં કરેલી પિટિશનમાં જણાવ્યા અનુસાર, આ દંપતીની લગ્નવિધિ કરાવનાર મહારાજે (પ્રિસ્ટ) ગુજરાતી બ્રાહ્મણ સમાજમાં થતી વિધિથી કરાવ્યા હતા. હિંદુ લગ્ન અધિનિયમ, 1955ની કલમ 7(1) હેઠળ સિંદૂર, દાનવિધિ, વરમાળાવિધિ, મંગલસૂત્ર પહેરાવવાની વિધિ, પરિવારના આશીર્વાદ લેવાની વિધિ જેવી જરૂરી વિધિઓથી લગ્ન કરાવ્યાં હતાં. તેમજ તેમને કાયદા અનુસાર તેમનાં લગ્નની નોંધણી પણ કરાવી હતી.

પતિના વકીલ જિત ભટ્ટે કહ્યું, "અમે કોર્ટમાં રજૂઆત કરી કે દંપતીએ લગ્નમાં સપ્તપદી નથી કરી. પરંતુ શાસ્ત્રો અનુસાર લગ્ન કર્યાં છે. તેમનાં લગ્ન કરાવનાર મહારાજે તેમનાં લગ્નની પુષ્ટિ કરી હતી. તેમજ તેમનાં બન્નેનાં માતાપિતાએ લગ્ન થયાં અંગેની સાક્ષી પૂરી હતી. તેમજ તેમનાં સગાં-સંબંધીઓએ પણ લગ્ન થઈ ગયાં હોવાની ખાતરી આપી હતી. અરજદારો પોતે પતિ-પત્ની તરીકે જીવે છે અને તેઓએ તેમનાં લગ્ન રદ કરવાં અથવા છૂટાછેડા કે અલગ થવા માટેની કોઈ કાર્યવાહી કરી નથી."

ગુજરાતમાં થતાં લગ્નની વાત કરતાં જિત ભટ્ટે વધુમાં જણાવ્યું કે "અમે પિટિશનમાં રજૂઆત કરી છે કે ભારતમાં દરેક જગ્યા પર સરખી વિધિથી લગ્ન થતાં નથી. દક્ષિણ ભારતમાં કેટલાય સમુદાય તેમની લગ્નવિધિમાં સપ્તપદીને કેન્દ્રીય વિધિ માનતા નથી. તેમજ તેમની લગ્નવિધિમાં તેને સામેલ પણ કરતા નથી. ઉત્તર ભારતમાં સપ્તપદી નહીં સાત ફેરા તરીકે જાણીતાં છે. જ્યારે ગુજરાતમાં ચાર ફેરા જ ફરવામાં આવે છે. ભારતમાં સપ્તપદી લગ્ન માટે મુખ્ય સેરેમની રાખવામાં આવતી નથી."

સપ્તપદી અંગે કાયદાના નિષ્ણાતો શું કહે છે?

વડોદરા, ઑસ્ટ્રેલિયા, સપ્તપદીની વિધિ, લગ્ન, સુપ્રીમ કોર્ટ, હિન્દુ મૅરેજ ઍક્ટ, ગુજરાતની સંસ્કૃતિ, સામાજિક પરંપરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરતાં વકીલ મહેશ બારિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે હિન્દુ લગ્નવિધિ દરેક જગ્યા પર સરખી જ રીતે થતી નથી. સપ્તપદી સેરેમની દરેક રિવાજમાં થતી નથી. હિન્દુમાં કેટલાક સમાજમાં મહિલા જો બીજાં લગ્ન કરે તો ફેરા ફરતી નથી તો પણ તેનાં લગ્ન તો માન્ય ગણાય.

વીણા ગાવડા વકીલ છે અને મુંબઈમાં રહે છે. બીબીસી સંવાદદાતા અનઘા પાઠક સાથેની વાતચીતમાં અગાઉ તેમણે જણાવ્યું હતું કે “અદાલતનો ઝુકાવ હંમેશાં (એચએમએ હેઠળ) લગ્નની ધારણા તરફ હોય છે. દાખલા તરીકે, તમે કોઈની સાથે લાંબા સમયથી રહેતા હો અને તમે પતિ-પત્ની છો એવી છાપ સમાજમાં ઊભી કરી હોય તો કાયદો માની લે છે કે તમે પરિણીત છો, સિવાય કે બેમાંથી કોઈ એક પક્ષ તેને પડકારે.”

તેમના જણાવ્યા મુજબ, એચએમએ હેઠળ લગ્ન કરવામાં આવે તો અમુક ધાર્મિક વિધિઓ કરવી પડે છે અને એવી વિધિઓના પુરાવા માન્યલગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે દેખાડવા પડે છે.”

હિન્દુ ઍક્ટ મુજબ લગ્ન કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

વડોદરા, ઑસ્ટ્રેલિયા, સપ્તપદીની વિધિ, લગ્ન, સુપ્રીમ કોર્ટ, હિન્દુ મૅરેજ ઍક્ટ, ગુજરાતની સંસ્કૃતિ, સામાજિક પરંપરા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

મહેશ બારિયા કહે છે, “પાત્રની ઉંમરની તપાસ કરવી, ધર્મની તપાસ કરવી જોઈએ. હિન્દુ મૅરેજ ઍક્ટમાં બન્ને પાત્ર હિન્દુ હોવા જરૂરી છે. જો કોઈ પણ પાત્ર અલગ ધર્મનું હોય તો હિન્દુ મૅરેજ ઍક્ટ પ્રમાણે લગ્ન ન થઈ શકે. તેઓ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ મુજબ લગ્ન કરી શકે. તેમજ પાર્ટનરનાં પહેલાં લગ્ન થયેલાં છે કે નહીં, તેમજ જો અગાઉ લગ્ન થયાં હોય તો તેના છૂટાછેડા અંગેના ડૉક્યુમેન્ટ તપાસી લેવા જોઈએ.”

વકીલ સોનાલી કડવાસરાએ બીબીસીને હિન્દુલગ્નવિધિ 1955 અંગે આપેલી માહિતી અનુસાર,

  • મહિલાની ઉંમર 18 વર્ષ તેમજ પુરુષની ઉંમર 21 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • મહિલા અને પુરુષનાં પહેલાંથી લગ્ન થયેલાં ન હોવાં જોઈએ અને જો થયેલાં હોય તો છૂટાછેડા થયેલા હોવા જોઈએ અથવા તો તેમના પાર્ટનર જીવિત ન હોવા જોઈએ.
  • આમાંથી કોઈ પણ શરતનું ઉલ્લંઘન થયું હોય તો લગ્ન અમાન્ય ગણાય, આવા કિસ્સામાં બન્નેમાંથી કોઈ પણ પાર્ટી કોર્ટમાં સેક્શન 11ની પિટિશન ફાઇલ કરીને લગ્ન અમાન્ય કરાવી શકે છે.
  • લગ્ન સમયે બન્નેમાંથી કોઈ પણ એક વ્યક્તિ માનસિક અસ્થિર હોય અથવા તો કોઈ એવી બીમારીથી પીડિત હોય જેના કારણે તે લગ્ન કરવાં કે બાળકો પેદા કરવાં માટે સક્ષમ ન હોય અથવા તો તેને પાગલપનના હુમલા આવતા હોય અથવા લગ્નની કન્સેન્ટ બળજબરીપૂર્વક લેવામાં આવી હોય. તો આવી સ્થિતિમાં લગ્નના એક વર્ષમાં અથવા તો જાણ થયાના એક વર્ષમાં લગ્ન અમાન્ય ઠેરવવા સેક્સન 5 અંર્તગત પિટિશન કરી શકાય છે.
  • પક્ષકારો એકબીજાના લોહીના સંબંધમાં ન હોવા જોઈએ, સિવાય કે તેમને લાગુ પડતા તેમના રીતરીવાજ અને પ્રથામાં બન્ને વચ્ચે લગ્નની છૂટ હોય.
  • લગ્ન કોઈ એક પક્ષકારના રૂઢિગત વિધિ અનુસાર હિન્દુ લગ્ન થઈ શકે. જેમાં સપ્તપદીની વિધિનો સમાવેશ થતો હોય ત્યાં સાતમું પગલું ભરવામાં આવે એટલે લગ્ન સંપૂર્ણ ગણાય છે. અન્ય પણ કસ્ટમ હોય છે જેમાં વરમાળા પહેરાવી કે વીંટી પહેરાવવી તેને પણ માન્ય ગણવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.