મહિલા સાહસિકો અર્થતંત્રની ગતિ માટે કેમ જરૂરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવામાં આવે તો મહિલા કામદારોની સંખ્યામાં પણ મોટા પ્રમાણમાં વધારો થઈ શકે છે.
આ અભ્યાસ મુજબ મહિલાઓ જેમાં આગેવાન હોય તેવા વ્યવસાયો અન્ય મહિલાઓ માટે વધારે તક પેદા કરે છે જેનાથી નોંધપાત્ર આર્થિક વૃદ્ધિ કરી શકાય છે.
આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં કુલ વસતીમાં મહિલાઓ અડધોઅડધ હિસ્સો ધરાવે છે, છતાં વ્યવસાયોની માલિકીમાં તેઓ પાંચમા ભાગ કરતાં પણ ઓછી હાજરી ધરાવે છે.
વિશ્વ બૅન્કે 2006થી 2018 દરમિયાન 138 દેશોમાં સર્વેક્ષણ કરીને આ વાસ્તવિકતા ખુલ્લી પાડી છે.
મહિલાઓની માલિકીના વ્યવસાયો અન્ય મહિલાઓને કેવી રીતે સશક્ત બનાવે છે તે જાણવું તો વધારે રસપ્રદ છે.
પુરૂષોની માલિકીની કંપનીઓમાં માત્ર 23 ટકા મહિલા કામદારો હતી, પરંતુ મહિલાઓની માલિકીના ઉદ્યોગોમાં વધુ મહિલાઓને રોજગારી મળે છે.
પુરુષોની માલિકીના માત્ર 6.5 ટકા વ્યવસાયોમાં ટોચના મૅનેજર તરીકે કોઈ મહિલા હોય છે, જ્યારે મહિલાની માલિકીની અડધાથી વધુ કંપનીઓનું નેતૃત્વ મહિલાઓ સંભાળે છે.
શા માટે લાખો ભારતીય મહિલાઓ કામ છોડી રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં તો સ્થિતિ એકદમ પડકારજનક છે. ભારતમાં શ્રમમાં મહિલાઓની ભાગીદારી ઓછી છે, ઉદ્યોગસાહસિકતામાં પણ તેઓ પાછળ છે. છેલ્લાં 30 વર્ષમાં કર્મચારીઓમાં મહિલાઓની કુલ સંખ્યામાં ભાગ્યે જ કોઈ ફેરફાર થયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ ઉદ્યોગસાહસિકતાની વાત આવે ત્યારે ચિત્ર પ્રમાણમાં થોડું આશાસ્પદ છે.
હાલમાં કુલ ઉદ્યોગસાહસિકોમાં મહિલાઓ લગભગ 14 ટકા છે. તેઓ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)માં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.
મહિલા સાહસિકો ઔદ્યોગિક ઉત્પાદનમાં નોંધપાત્ર યોગદાન આપે છે અને 2023ના સ્ટેટ ઑફ ઇન્ડિયાઝ લાઇવલીહૂડ રિપોર્ટ અનુસાર મહિલા સાહસિકો ઘણા કર્મચારીઓને રોજગારી આપે છે.
સરકારી થિંક-ટેન્ક નીતિ આયોગના જણાવ્યા અનુસાર, ભારતમાં મોટા ભાગના એમએસએમઈ એ માઇક્રોએન્ટરપ્રાઇઝ એટલે કે બહુ નાનાં કદનાં સાહસો છે. જેમાં મહિલાઓનાં ઘણાં સાહસો તો એકલ-વ્યક્તિનાં સાહસ છે. મહિલાની માલિકીનાં કેટલાંક સાહસો મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે, પરંતુ મોટાં ભાગનાં બહુ ઓછા કામદારોથી કામ ચલાવે છે.
ખરેખર જોવામાં આવે તો ભારતીય મહિલાઓ ઉદ્યોગસાહસિકતામાં પાછળ છે એવું નથી. પરંતુ તેઓ પુરુષો કરતાં ઘણી નાની કંપનીઓ ચલાવે છે, ખાસ કરીને અનૌપચારિક ક્ષેત્રમાં.
તેના કારણે ભારતના જીડીપીમાં મહિલાઓનું યોગદાન માત્ર 17 ટકા છે, જે વૈશ્વિક સરેરાશની તુલનામાં અડધા કરતાં પણ ઓછું છે. ગ્લોબલ આન્તરપ્રિન્યોરશિપ મૉનિટર રિપોર્ટ 2021 અનુસાર મહિલા સાહસિકતાની દૃષ્ટિએ 65 દેશોમાંથી ભારત છેક 57મા ક્રમે છે.

ઇમેજ સ્રોત, Getty Images
યુનિવર્સિટી ઑફ વર્જિનિયાના સંશોધનકર્તા ગૌરવ ચિપલુંકર અને યેલ યુનિવર્સિટીના પિનેલોપી ગોલ્ડબર્ગના એક સંશોધનપત્ર મુજબ, મહિલા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાથી મહિલા કર્મચારીઓની સહભાગિતામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે, કારણ કે મહિલાઓની આગેવાની હેઠળના વ્યવસાયો ઘણી વાર અન્ય મહિલાઓ માટે વધારે તકો ઊભી કરે છે.
શ્રમબળમાં પ્રવેશતી વખતે અને ઉદ્યોગસાહસિક બનતી વખતે ભારતમાં મહિલાઓને જે અવરોધોનો સામનો કરવો પડે છે તેને માપવા માટે બંને સંશોધકોએ એક માળખું વિકસાવ્યું હતું.
તેમને જાણવા મળ્યું કે મહિલાના રોજગારમાં નોંધપાત્ર અવરોધો છે તથા મહિલા ઉદ્યોગસાહસિકો જ્યારે કામદારોની ભરતી કરીને બિઝનેસને વિસ્તારે ત્યારે તેમને ઊંચો ખર્ચ આવે છે.
તેમનું મૉડલ દર્શાવે છે કે આ અવરોધો દૂર કરવાથી મહિલાઓની માલિકીના વ્યવસાયોને વેગ મળશે, મહિલા કર્મચારીઓની સહભાગિતામાં વધારો થશે અને ઊંચા વેતન, નફો અને વધુ કાર્યક્ષમતાના કારણે મહિલાઓની માલિકીની કંપનીઓ ઓછી ઉત્પાદક પુરુષોની માલિકીની કંપનીઓને પાછળ રાખી દેશે.
વિવિધ અવરોધો

ઇમેજ સ્રોત, Getty Images
બંને સંશોધકોની દલીલ છે કે મહિલાઓની સાહસિકતાને ટેકો આપતી નીતિઓ નિર્ણાયક સાબિત થાય છે. ગૌરવ ચિપલુંકર કહે છે કે, ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપતી અને શ્રમની માગમાં વધારો કરતી નીતિઓ, જેમાં વધુ મહિલાઓને ઉદ્યોગસાહસિક બનવાની તક મળે, તે લાંબા સમયથી ચાલતાં સામાજિક ધોરણોને બદલવા કરતાં વધુ અસરકારક અને ઝડપી બની શકે છે.
અશોકા યુનિવર્સિટીના અશ્વિની દેશપાંડે કહે છે, “ઇતિહાસ દર્શાવે છે કે સામાજિક ધોરણો બહુ હઠીલાં હોય છે."
મહિલાઓ હજુ પણ મોટા ભાગનું ઘરકામ કરે છે. જેમાં રસોઈ, સફાઈ, કપડાં ધોવાં, બાળકની સારસંભાળ અને વડીલોની સંભાળ સામેલ છે. આ ઉપરાંત બીજા પણ અવરોધો છે. જેમ કે સલામત, કાર્યક્ષમ પરિવહનનો અભાવ અને બાળકની સંભાળની મર્યાદિત સુવિધાના કારણે તેઓ કામ કરવા માટે બહુ દૂર નથી જઈ શકતી.
કૅલિફોર્નિયા યુનિવર્સિટીના રોલી કપૂરની આગેવાની હેઠળના તાજેતરના અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે તેમ, સ્વતંત્ર રીતે મુસાફરી કરવાની મહિલાઓની મર્યાદિત ક્ષમતા પણ શ્રમ બજારમાં તેમની સહભાગિતાને અટકાવતું મુખ્ય પરિબળ છે.
ભારતના શ્રમબળમાં તાજેતરમાં મહિલાઓની હિસ્સેદારી વધી હોવા છતાં ચિત્ર દેખાય છે એટલું આશાસ્પદ નથી એવું દેશપાંડેએ એક પેપરમાં નોંધ્યું છે.

ઇમેજ સ્રોત, EPA
તેમને જાણવા મળ્યું કે સ્વ-રોજગાર ધરાવતી મહિલાઓ વધી છે, તેમાં પેઇડ વર્ક અને છૂપી બેરોજગારીનું સંયોજન છે. આ એવી સ્થિતિ છે જેમાં કામ માટે ખરેખર જરૂરિયાત કરતાં વધુ લોકો કામ કરે છે જેથી ઉત્પાદકતા ઘટે છે.
અશ્વિની દેશપાંડે કહે છે, "જોબ કૉન્ટ્રાક્ટ અને સામાજિક સુરક્ષા લાભો સાથે નિયમિત વેતનવાળા કામમાં મહિલાઓની ભાગીદારી વધારવામાં આવે તે ખાસ જરૂર છે. મહિલા આર્થિક સશક્તીકરણ તરફ આ સૌથી મહત્ત્વપૂર્ણ પગલું હશે."
પરંતુ તે સરળ નહીં હોય. ઉદ્યોગસાહસિક બનવું તો અલગ વાત છે, મહિલાઓ કામ કરવા માગે તો પણ પરિવારો અને સમુદાયો તરફથી ઘણા અવરોધો નડે છે. મહિલાઓ પહેલેથી રોજગારીની અછત હોય તેવા શ્રમબળમાં જોડાય તો પણ ફાયદો નથી, કારણ કે વ્યવસાય શરૂ કરવામાં અવરોધો રહે છે અને વાસ્તવિક વેતન ઘટી શકે છે.
સંશોધન દર્શાવે છે કે ભારતમાં જ્યારે તકો પેદા થાય ત્યારે મહિલાઓ કામ કરે છે. તે દર્શાવે છે કે અપૂરતી રોજગારી અને મહિલાના શ્રમની ઘટતી માગના કારણે શ્રમબળમાં તેમની હિસ્સેદારી ઘટે છે.
બાર્કલેઝના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે 2030 સુધીમાં ભારતમાં નવા વર્કફોર્સમાં મહિલાઓ અડધા કરતાં વધુ હિસ્સો મેળવો તો ભારત 8 ટકા સુધી જીડીપી વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મહિલાઓની સાહસિકતાને પ્રોત્સાહન આપવી એ એક રસ્તો હોઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












