લગ્નનું વચન આપી સેક્સ કર્યા બાદ લગ્ન ન કરવા એ કાયદેસર ગુનો બને કે નહીં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી મરાઠી માટે
કોઈ મહિલાને લગ્નનું વચન આપીને તેની સહમતિથી જાતીય સંબંધ બાંધવામાં આવે, ત્યાર પછી લગ્ન ન થઈ શકે અથવા બીજું કોઈ કારણ હોય તો તે કાયદેસર ગુનો ગણાય?
શું આવા મામલામાં પુરુષ સામે બળાત્કારનો કેસ થઈ શકે?
આ સવાલ એટલા માટે પેદા થયો છે કારણ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં આવા કેસમાં સુનાવણી થઈ છે. નવી મુંબઈમાં રહેતી એક મહિલાએ પોલીસમાં ફરિયાદ કરી હતી કે એક પુરુષે લગ્નનું વચન આપીને તેની સાથે સેક્સ સંબંધ સ્થાપ્યા હતા, પરંતુ પછી લગ્ન કર્યાં ન હતાં.
આ પુરુષ પહેલેથી પરિણીત હતો.
મહિલા અને પુરુષ વચ્ચે 2008થી 2017 દરમિયાન સંબંધ હતા, ત્યાર પછી સંબંધ તૂટી ગયા હતા.
મહિલાએ લગ્ન કરવાનું વચન આપવું, શારીરિક સંબંધ બાંધવા અને પછી લગ્ન ન કરવા અંગે પુરુષ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી. પુરુષની ધરપકડ કરવામાં આવી અને તેની સામે રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો.
આરોપીએ એફઆઈઆર રદ કરાવવાની માંગણી સાથે બૉમ્બે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. પરંતુ હાઈકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી.
મહિલાનો દાવો છે કે પુરુષે લગ્નનું વચન આપ્યું હતું તેથી તે સેક્સ માટે તૈયાર થયાં હતાં. પુરુષ તેની સહમતિ મેળવવા જૂઠ બોલ્યા હતા અને ભારતીય દંડ સંહિતાની કલમ 376 હેઠળ કોઈ મહિલાને ખોટું બોલીને સેક્સ માટે તેની સહમતિ મેળવવામાં આવે તો તે બળાત્કારનો કેસ બને છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરંતુ સુપ્રીમ કોર્ટે તેના પર સુનાવણી કરતા કહ્યું, "આ મામલામાં મહિલા અને પુરુષ વચ્ચે 2008થી 2017 સુધી લાંબા સમય સુધી સંબંધ હતા. તે દરમિયાન શારીરિક સંબંધ બંધાયા હશે. શરૂઆતમાં ભલે જૂઠ બોલીને શારીરિક સંબંધ માટે સહમતિ મેળવવામાં આવી હોય, પરંતુ તેના કોઈ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ નથી કરાયા."
"ભલે એક વખત માની લેવામાં આવે કે નવ વર્ષના સંબંધ દરમિયાન જૂઠ બોલીને મહિલાની સંમતિ મેળવવામાં આવી હોય અને મહિલાને તેના પર ક્યારેય શંકા ગઈ ન હોય અથવા વિરોધ કર્યો ન હોય. નવ વર્ષનો સમયગાળો કથિત અપરાધ (જૂઠ બોલીને સહમતિ મેળવવી)ની ગંભીરતાને ઘટાડી નાખે છે."
પુરુષના વકીલ મૃણાલ બુઆએ જણાવ્યું કે, "સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય મહિલાઓના સંદર્ભમાં બિલકુલ અનુચિત નથી. તે માત્ર સંબંધિત કેસમાં રજૂ કરાયેલા તથ્ય પર આધારિત છે."
તેઓ જણાવે છે, "તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે મહિલાએ પોતે ફરિયાદમાં કહ્યું છે કે તેણે પુરુષ સાથે નવથી 10 વર્ષ સુધી સહમતિથી સંબંધ બાંધ્યા હતા. ફરિયાદી મહિલાને સંપૂર્ણ જાણકારી હતી કે પુરુષ પહેલેથી પરિણીત છે.''
''આ પુરુષ ફરિયાદી મહિલાને આર્થિક મદદ કરતો હતો. મહિલાને લગ્નની લાલચ આપવામાં આવી હતી. અદાલતને આ ફરિયાદમાં છેતરપિંડીની કોઈ વાત નથી મળી. તેનાથી વિપરીત, સંમતિથી સંબંધ સ્થપાયા હતા. તેથી સંબંધ તૂટી ગયા પછી બળાત્કારનો કેસ દાખલ થાય તે ચિંતાજનક છે."
સુપ્રીમ કોર્ટે ચુકાદામાં શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંબંધિત પુરુષ પરિણીત હતો અને કાયદા મુજબ તેની પ્રથમ પત્ની જીવિત હતી તેથી તે લગ્ન કરી શકે તેમ ન હતો. આ જાણવા છતાં ફરિયાદી મહિલાએ પોતાની સહમતિથી 9થી 10 વર્ષ સુધી જાતીય સંબંધ રાખ્યા હતા. તેને કોઈ ગેરધારણા કહી ન શકાય, તેવી માહિતી મૃણાલ બુઆએ આપી હતી.
તેમાં સામેલ મહિલા, આરોપી પુરુષ અને પુરુષની પત્નીના સંબંધોની વિગતો ઘણી જટિલ છે. પરંતુ આ પ્રકારનો આ પ્રથમ કેસ નથી.
એવા ઘણા કેસ જાણવા મળ્યા છે જેમાં કોઈ મહિલાને લગ્નનું વચન આપીને અથવા લાલચ આપીને સેક્સ સંબંધ માટે તેમની મંજૂરી લેવામાં આવી હોય. તેના પર અલગ અલગ અદાલતોમાં અલગ અલગ ચુકાદા આવ્યા છે.
તો આ ખાસ કેસની વિગતોમાં પડ્યા વગર આપણે નિષ્ણાતોની મદદથી જાણવાનો પ્રયાસ કરીએ કે શું કોઈ મહિલાને લગ્નનું વચન આપીને તેની સંમતિથી શારીરિક સંબંધો બાંધવા એ કાયદા હેઠળ ગુનો છે કે કેમ. જો આવું હોય તો તે કેટલા ગંભીર છે? તેમાં કઈ કલમ હેઠળ ગુનો દાખલ કરાય છે?
નાગપુરના એક પોલીસ અધિકારી કહે છે કે, "અમારી પાસે જ્યારો આવો કોઈ કેસ આવે છે, ત્યારે કલમ 376 (ભારતીય દંડ સંહિતામાં રેપની કલમ) અને કલમ 420 (છેતરપિંડી) લગાવવી જરૂરી હોય છે."
એફઆઈઆર થાય તો આ કલમો લાગુ થાય છે. ત્યાર પછી આગળ વધીને આ મામલો કોર્ટમાં પહોંચે, ત્યારે દરેક સુનાવણીમાં હકીકત અને વિગતની સાથે સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલા પુરાવા પ્રમાણે કાર્યવાહી થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
એડવોકેટ રંજના ગાવંડે મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં કામ કરે છે. તેઓ કહે છે, "કોર્ટે અગાઉ ચુકાદા આપ્યા છે કે આવા કિસ્સાઓમાં સંમતિ માન્ય નથી અને બળાત્કાર ગણાય છે. પરંતુ તાજેતરના સમયમાં એવા બે-ત્રણ ચુકાદાઓ આવ્યા છે જેમાં કોર્ટે કહ્યું છે કે જો તેઓ લાંબા સમયથી સાથે રહેતા હોય તો તેને બળાત્કાર ગણી શકાય નહીં. પરંતુ લિવ-ઈનમાં રહેતી મહિલા ઘરેલુ હિંસાના કાયદા હેઠળ કેસ દાખલ કરી શકે છે."
ગાવંડે એમ પણ કહે છે કે લાંબો ગાળો કોને કહેવાય એ કોર્ટ કેસના સંજોગો પર આધારિત હોય છે.
પૂણેનાં એડવોકેટ રામા સરોદે સ્વીકારે છે કે દરેક કેસની વિગતો અલગ-અલગ હોય છે, અને બધે એક સરખા નિયમો લાગુ કરી શકાય નહીં.
તેઓ કહે છે કે, "આ બહુ સબ્જેક્ટિવ બાબત છે. જે રીતે ઘણા લોકો લગ્ન કર્યાં પછી છૂટાછેડા લે છે, તેમ ક્યારેક લગ્ન ટકી જાય છે અને ક્યારેક તૂટી જાય છે. તેનાં ઘણાં કારણો છે. તેમાં કોઈ પણ પારિવારિક માંગણીઓ, એકબીજા સાથે મતભેદ, નાણાકીય કારણોથી લગ્ન વિચ્છેદ થઈ શકે છે. તેને દરેક વખતે છેતરપિંડીનો ઍંગલ આપી શકાય નહીં. હા, એ શક્ય છે કે શરૂઆતથી જ ખબર હોય કે હું તેને પરણીશ નહીં અને તેને લલચાવીશ. આવા કિસ્સામાં સખત દંડ થઈ શકે છે."
તે ન્યાયતંત્રની મુનસફી અને તેની સમક્ષ રજૂ કરાયેલી વિગત પર આધારિત હોય છે.
રામ સરોદે કહે છે, "કોઈ પણ ગુનાહિત કેસમાં ઇરાદો મહત્ત્વનો હોય છે."
બળાત્કારનો કેસ ક્યારે નોંધવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
જો પુરુષે લગ્નનો ઇરાદો દેખાડ્યો હોય તો તે અપરાધનો કેસ નથી બનતો. પરંતુ શરૂઆતથી જ તેની ઇચ્છા ન હોય તો કોર્ટ તેના પર અલગથી વિચારણા કરી શકે છે. પરંતુ અહીં મહિલાઓ સતર્ક રહે તે જરૂરી છે. પરંતુ થાય છે એવું કે આપણે વ્યવહારિક રીતે નથી વિચારી શકતા. પ્રેમમાં હોવાના કારણે છેતરાઈ જવાની શક્યતા વધી જાય છે."
આ બળાત્કાર ગણાય કે નહીં તેને વ્યાખ્યાયિત કરવામાં અદાલત દ્વારા સહમતિને ધ્યાનમાં લેવામાં આવે છે.
ભારતીય દંડ સંહિતા મુજબ નીચે જણાવેલી પરિસ્થિતિમાં કરવામાં આવેલું સેક્સ અથવા આ પ્રકારના શારીરિક સંબંધને બળાત્કાર ગણવામાં આવે છે:
- મહિલાની ઇચ્છા વિરુદ્ધ
- મહિલાની સંમતિ વગર
- મહિલા અથવા તેની કોઈ નિકટની વ્યક્તિને નુકસાન પહોંચાડાશે અથવા મારી નખાશે એવી ધમકીના કારણે મહિલા સહમત થઈ હોય.
- જો મહિલાએ એવું વિચારીને પોતાની સહમતિ આપી હોય કે આ પુરુષ તેના પતિ છે અને તેની સાથે તેમના લગ્ન થઈ ગયા છે.
- જો મહિલાએ માનસિક રીતે અસ્થિર અથવા નશાની હાલતમાં સહમતિ આપી હોય.
- જો પુરુષે કોઈ દવા કે પદાર્થ આપીને સહમતિ મેળવી હોય.
- જ્યારે મહિલાને ખબર ન હોય કે તે શેના માટે સહમતિ આપી રહી છે અને તેનાં કેવાં પરિણામ આવશે.
- મહિલાની ઉંમર 18 વર્ષ કરતા ઓછી હોય તો સહમતિ સાથે અથવા વગર
- અને અંતમાં મહિલા પોતાની સહમતિ જણાવવા અથવા વ્યક્ત કરવા માટે અસમર્થ હોય.
- આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાના સેક્શન 90માં જણાવાયું છે કે ભય અથવા ખોટી ધારણાથી સહમતિ આપવામાં આવી હોય તો તે પણ રેપ ગણાય.
પરંતુ એક મહત્ત્વની વાત એ છે કે પુરુષને ખબર હોય કે ભયના કારણે અથવા ખોટી ધારણાના આધારે સહમતિ મેળવાઈ છે, અને છતાં તે સંભોગ કરે તો તે બળાત્કાર ગણાય.
સુપ્રીમ કોર્ટે તેના પર ટિપ્પણી કરતાં કહ્યું કે, "તથ્યોની ખોટી માન્યતા ત્યારે કહી શકાય જ્યારે લગ્નનું વચન ખોટું હોય અને આવું કૃત્ય કરનાર વ્યક્તિ પહેલેથી જ વચન પાળવાનો કોઈ ઇરાદો ધરાવતી ન હોય." માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે જ વચન અપાયું હોય. લગ્નનું વચન તોડવામાં આવે, પરંતુ શરૂઆતથી જ વચન પાળવાનો કોઈ ઇરાદો ન હોય, તો તેને હકીકતની ગેરમાન્યતા કહી શકાય નહીં.
પરંતુ પછી આવી સ્થિતિમાં મહિલાઓને કાનૂનનો કોઈ ટેકો નથી? જો ન હોય, તો સરકાર દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ ભારતીય દંડ સંહિતામાં લગ્નનો વાયદો કરીને શારીરિક સંબંધ સ્થાપિત કરવા અને તેને ન પાળવાને લઈને એક જોગવાઈ છે.
આ જોગવાઈ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
1 જુલાઈ 2024થી ઇન્ડિયન પીનલ કોડની જગ્યાએ ભારતીય દંડ સંહિતા લાગુ થઈ છે.
તેમાં જણાવાયું છે કે કોઈ મહિલાને દગો દઈને, નોકરી, પ્રમોશન અથવા લગ્નના કોઈ પણ ઇરાદા વગર લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે તે કાયદા હેઠળ ગુનો છે.
દિલ્હી સ્થિત વકીલ સીમા કુશવાહ કહે છે, "આ એક ટેકનૉલૉજિકલ પરિવર્તન છે. અગાઉ આવા ગુના માત્ર બળાત્કારની કલમ હેઠળ નોંધવામાં આવતા હતા. હવે તેના માટે એક નવી જોગવાઈ છે."
સીમા કુશવાહ કહે છે, "આવી ઘટનાઓમાં મહિલાઓને ઘણી તકલીફ પડે છે. જો લિવ-ઇન રિલેશનશિપ હોય, અને લગ્નનું વચન અપાયું હોય ત્યારે તેઓ પાંચ-સાત વર્ષ સુધી રહેશે. જો મહિલા લગ્નના વચનના કારણે સંબંધ જાળવી રાખે અને પછી પુરુષ અચાનક લગ્નનો ઇનકાર કરી દે તો મહિલા ક્યાં જશે? તેની પાસે કયા વિકલ્પ છે? તેથી આ કાયદો મહત્ત્વપૂર્ણ છે."
આ ગુનામાં વધુમાં વધુ 10 વર્ષની જેલ અને દંડ અથવા બંનેની જોગવાઈ છે.
પરંતુ આ કાયદો એવું પણ કહે છે કે આવા શારીરિક સંબંધને રેપ કહી ન શકાય.
આ કાયદા અંગે વિવાદ પણ થયો છે.
વીણા મુંબઈ સ્થિત વકીલ છે. તેમના કહેવા મુજબ લગ્નની ખોટી લાલચ આપીને શારીરિક સંબંધ બનાવવા એક જટિલ મામલો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ કહે છે, "તમે ઇરાદો કઈ રીતે સાબિત કરી શકો? એક પુરુષ અને એક મહિલા એકબીજાના પ્રેમમાં છે, પરંતુ થોડા સમય પછી પ્રેમ નથી રહેતો, તેથી લગ્ન કરવા નથી માગતા. તો શું પુરુષને લગ્ન કરવાની ફરજ પાડી શકાય?"
તેઓ કહે છે, "અમારા જેવા ઘણા લોકોને લાગે છે કે કાયદામાં આ જોગવાઈ હોવી ન જોઈએ. કારણ કે શારીરિક સંબંધ આ કૃત્ય માટે સહમતિ છે. કોઈ પણ ચીજનું અપરાધીકરણ કરતી વખતે તમારે બહુ સાવધાનીથી વિચારવું પડશે. આપણે અતિ-અપરાધીકરણ પણ નથી કરવા માગતા. આવું થશે તો સરકાર, તંત્ર અને પોલીસના હાથમાં બહુ વધારે પડતી તાકાત આવી જશે."
પરંતુ તેઓ એ વાતથી સહમત છે કે બીજો પક્ષ પણ એટલો જ મહત્ત્વનો છે.
"નારીવાદીઓ માટે આ એક જટિલ મુદ્દો છે. તેનું એક કારણ એ છે કે તમે કૌમાર્યને પ્રોત્સાહન આપી રહ્યા છો કારણ કે મહિલાનું અંતિમ લક્ષ્ય લગ્ન છે. મહિલાઓને માત્ર લગ્નસંસ્થાની અંદર શારીરિક સંબંધ સ્થાપવાની મંજૂરી છે એવું કહીને તમે પિતૃસત્તાને વધુ મજબૂત બનાવો છો. પરંતુ એ વાત પણ સાચી છે કે ગ્રામીણ વિસ્તારોમાં ઘણી મહિલાઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. જો લગ્નનું વચન કે લાલચ અપાઈ ન હોત તો તે મહિલાઓ ક્યારેય શારીરિક સંબંધ માટે તૈયાર થઈ ન હોત."
વીણાને લાગે છે કે પ્રતિક્રિયાવાદી હોવું, નૈતિક પોલીસ અને મહિલાઓના અધિકારો વિશે વાત કરવા વચ્ચેની રેખા અહીં ધુંધળી થઈ જાય છે.
કેટલાક લોકો આ કાયદાની જરૂરિયાત અનુભવે છે તો કેટલાક તેનો વિરોધ કરે છે. કારણ કે પુરુષ અને મહિલાઓ વચ્ચે શારીરિક સંબંધોમાં શક્તિ, જાતિ, વર્ગ અને પ્રભાવ જેવી ચીજો પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી તેમનું કહેવું છે કે કાયદાએ આને અદાલતોના વિવેક પર છોડી દેવાની જરૂર હતી.
વીણા જણાવે છે, "પરંતુ દુનિયામાં ક્યાંય લગ્નનું વચન આપીને પછી લગ્ન ન કરવાને અપરાધ ગણવામાં નથી આવતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












