વલસાડની યુવતીના બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસે માત્ર એક ગમછાને આધારે 'સીરિયલ કિલર'ને કેવી રીતે પકડ્યો?

બળાત્કાર, ખૂન, મર્ડર, ગુજરાત, રાજસ્થાન, વલસાડ

ઇમેજ સ્રોત, Dinesh Joshi

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"હૉસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતી એ કૉલેજિયન યુવતીના નખ તૂટેલા હતા. સામાન્ય પરિવારમાંથી આવતી આ યુવતીને શાંત જગ્યાએ લઈ જઈને બેરહેમીથી તેના પર બળાત્કાર ગુજારીને હત્યા કરવામાં આવી હતી. આસપાસ કોઈ સીસીટીવી કૅમેરા ન હતા, પણ એક ગમછાને અમે પડેલો જોયો અને તેના આધારે અમે રાત દિવસ જોયા વગર મહેનત કરી અને અમે સીરિયલકિલરને પકડી પડ્યો."

આ શબ્દો વલસાડના એસપી કરણરાજ વાઘેલાના છે. વલસાડમાં 19 વર્ષીય યુવતી પર બળાત્કાર અને હત્યાના કેસ અંગે માહિતી આપતા તેમણે આ વાત કરી હતી.

દસ દિવસ પહેલાં વલસાડ જિલ્લામાં ઉદવાડા-પારડી રેલવે ટ્રૅકની સમાંતરે આવેલી આંબાઓની ઝાડીમાં 19 વર્ષીય યુવતીનો બળાત્કાર કરી તેની હત્યા કરી દેવામાં આવી હતી.

પોલીસનું કહેવું છે કે વિસ્તારમાં કોઈ પણ સીસીટીવી કૅમેરા ન હોવાને કારણે આરોપી સુધી પહોંચવું અતિશય મુશ્કેલ બન્યું હતું.

આ બળાત્કાર અને હત્યાના કેસનો આરોપી હવે પકડાઈ ગયો છે અને તે ‘સીરિયલ કિલર’ હોવાનું સામે આવ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

બળાત્કાર, ખૂન, મર્ડર, ગુજરાત, રાજસ્થાન, વલસાડ

ઇમેજ સ્રોત, Tejas Joshi

ઇમેજ કૅપ્શન, ગળામાં રહેલા ગમછાથી આરોપી ઓળખાયો

વલસાડના પારડી રેલવેસ્ટેશન પાસેથી કૉલેજથી ટ્યુશન ક્લાસ ભરીને આ યુવતી પરત આવી રહી હતી. આ યુવતી પોતાના મિત્ર સાથે રોજની જેમ ફોન પર વાત કરતા જઈ રહી હતી.

સામે છેડે વાત કરી રહેલા મિત્રને કોઈએ તેનું મોઢું દબાવ્યું હોય તેવું લાગ્યું અને અચાનક તેનો ફોન બંધ થઈ ગયો.

ગભરાયેલા પરિવારે પોલીસને જાણ કર્યાં પહેલાં તેમની દીકરીની શોધખોળ શરૂ કરી અને રેલવેની ઝાડી પાસે આ કૉલેજિયન યુવતી કણસતી હાલતમાં મળી આવી હતી.

ત્યારબાદ તેને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાઈ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. હૉસ્પિટલમાં યુવતીનું મૃત્યુ થયું હતું. પોલીસે અનુસાર યુવતીના પૉસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ સામે આવ્યું હતું કે તેની હત્યા પહેલાં તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

વલસાડના એસપી કરણરાજ વાઘેલાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "અમને સૂચના મળતાં અમે એકપણ પળ ગુમાવ્યા વગર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કેસ અમારા માટે બ્લાઇન્ડ હતો. કારણ કે, આજુબાજુ ક્યાંય સીસીટીવી કૅમેરા ન હતા. રેલવેસ્ટેશન પર કોઈ નજરે જોનાર સાક્ષી ન હતો. ઘટનાસ્થળે પણ સીસીટીવી ન હતા."

ગમછાને આધારે પોલીસે નક્કી કર્યું કે આરોપી ગુજરાતનો નથી

બળાત્કાર, ખૂન, મર્ડર, ગુજરાત, રાજસ્થાન, વલસાડ

ઇમેજ સ્રોત, Tejas Joshi

ઇમેજ કૅપ્શન, કરણરાજ વાઘેલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એસપી કરણરાજ વાઘેલા કહે છે, "અમે ત્યાં નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે ત્યાં અમને એક શૉલ્ડર બેગ મળી આવી હતી. જેમાં ટ્રૅક પેન્ટ હતાં, નવાં ટીશર્ટ હતાં, થોડે દૂર એક ધાબળો પડ્યો હતો. અપરાધી શાતિર હતો, એવું પ્રતીત થતું હતું કે તે એવું દેખાડવા માગે છે કે તેની ટ્રાવેલિંગ બૅગ ચોરાઈ ગઈ છે."

"અમે એક સફેદ ગમછો સ્પૉટ પર જોયો. પણ તે જોઈને અમને એક શંકા ગઈ કે ગુજરાતમાં આ પ્રકારના સફેદ ગમછા કોઈ નથી વાપરતું. હરિયાણા અને મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં લોકો આવા ગમછા વાપરે છે. આથી અમે એ તારણ પર આવ્યા કે અપરાધી ગુજરાત બહારનો હતો."

વાપી અને તેની આસપાસ ગુજરાત બહારથી આવેલા લોકો રહેતા હોય છે. આથી, પોલીસે એક વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું અને વલસાડથી મહારાષ્ટ્ર સુધીની તમામ ટ્રેનના પ્લૅટફૉર્મ પરના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું.

એસપી કરણરાજ કહે છે, "આ દરમિયાન વાપી રેલવેસ્ટેશનના સીસીટીવીમાં એક માણસ અમને દેખાયો હતો. તેણે ઘટનાસ્થળેથી જે મિન્ટ અને સફેદ કલરનું સ્વેટશર્ટ મળ્યું હતું એ જ પહેર્યું હતું. તેના ગળામાં પણ એ જ સફેદ ગમછો હતો. અમે તાત્કાલિક બીજું વૉટ્સઍપ ગ્રૂપ બનાવ્યું જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દક્ષિણભારત અને ઉત્તરભારતની રેલવે પોલીસના લોકો એડ કર્યા."

"તેમાં અમને મળેલા અપડેટ પરથી ખ્યાલ આવ્યો કે સીસીટીવીમાં જે માણસ દેખાયો હતો એ વિકલાંગો માટેના રેલવેના ડબ્બામાં મુસાફરી કરતો હતો અને ડાબા પગે વિકલાંગ હતો. અમે અલગ અલગ જેલોમાં તેના સીસીટીવી મોકલ્યા તો લાજપોર જેલમાંથી અમને માહિતી મળી કે એ રાજસ્થાનની જેલમાં રહી ચૂક્યો છે."

આ કડી પોલીસ માટે સૌથી અગત્યની સાબિત થઈ.

રાજસ્થાનની જેલના કેદીઓએ ઓળખી બતાવ્યો

બળાત્કાર, ખૂન, મર્ડર, ગુજરાત, રાજસ્થાન, વલસાડ

ઇમેજ સ્રોત, Tejas Joshi

ઇમેજ કૅપ્શન, પોલીસ કસ્ટડીમાં આરોપી

વલસાડ એસપી કહે છે કે, "એ પછી અમારી ટીમ રાજસ્થાન પહોંચી, રાજસ્થાનના જેલરે તેનો રેકૉર્ડ કાઢ્યો, તેની સાથે જેલમાં રહેલા બીજા કેદીઓને તેના સીસીટીવી બતાવ્યા તો બધાએ તેને ઓળખી બતાવ્યો."

"અમને ત્યારે જ ખબર પડી કે એ રોહતકનો શાતિર ગુનેગાર છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં એને 13 ગુના આચર્યા હતા."

બીબીસીએ આ કેસમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રોહતકના આઈપીએસ અધિકારી નરેન્દ્ર સિંઘનો પણ સંપર્ક સાધ્યો હતો.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આરોપી રોહતકના નાના ગામનો રહેવાસી છે. અમે પહેલાં એના પરિવારની પૂછપરછ કરી તો ખબર પડી હતી કે એ પાંચમા ધોરણ સુધી ભણેલો છે અને બાળપણથી ચોરી કરે છે."

પોતાની તપાસના આધારે તેમણે કહ્યું કે આરોપી બાળપણમાં શાળામાંથી સાઇકલની ચોરી કરતો હતો.

નરેન્દ્ર સિંઘે કહ્યું કે, "1995માં જન્મેલા રાહુલસિંહ જાટની આ હરકતોને કારણે તેના ઘરના લોકોએ તેની સાથેના સંબંધ કાપી નાખ્યા હતા. તે ટ્રક ચલાવવાનો શોખીન હતો પણ એ વિકલાંગ હોવાથી તેને કોઈ ટ્રક ડ્રાઇવરની નોકરી આપતું ન હતું. તો એ ટ્રકની ચોરી પણ કરી લેતો હતો. ટ્રક માલિક અથવા ટ્રકડ્રાઇવરના અપહરણ પણ રાહુલસિંઘ કરતો હતો."

તેમના કહેવા પ્રમાણે, "આવા 13 ગુનામાં આરોપી અલગ-અલગ જેલમાં સજા કાપી ચૂક્યો છે. ગુજરાત પોલીસની બાતમીના આધારે અમે તેનું પગેરું મેળવ્યું હતું અને ગુજરાત પોલીસ સાથે સંકલન સાધીને અમે તેના સુધી પહોંચ્યા હતા. ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી છે."

અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું?

વલસાડ એસપી કરણરાજસિંહે જણાવ્યું હતું કે, "તેના અલગ અલગ રાજ્યોમાં ગુના ધ્યાને આવ્યા પછી તમામ રાજ્યની પોલીસે સાથે મળીને તેની પૂછપરછ અને તપાસ કરી હતી. તેણે કહ્યું હતું કે મેં બૅગ એટલા માટે છોડી હતી કે જો પોલીસ તેને પકડી પાડે તો તે બહાનું બનાવી શકે કે તેની બૅગ ચોરાઈ ગઈ છે અને પછી તેણે આમ કર્યું છે. પરંતુ ગુનેગાર ગુનો કરે ત્યારે એક ભૂલ કરે જ છે.”

પોલીસનો દાવો છે કે આરોપીએ કોલકાતાના એક તબલાંવાદકનું માત્ર એક ફૉન માટે ટ્રેનમાં ખૂન કર્યું હતું. વલસાડમાં યુવતી પર બળાત્કાર કરીને તેનું ખૂન કર્યું. એવી જ રીતે પુણેથી કન્યાકુમારી જતી ટ્રેનમાં એક મહિલા પર તેણે બળાત્કારની કોશિશ કરી હતી. આ મહિલાએ તેનો વિરોધ કરતાં તેનું પણ ટ્રેનમાં ખૂન કર્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી એટલો શાતિર હતો કે તે ખૂન કર્યા બાદ ચોરેલા મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો હતો એટલે ટૅક્નિકલ ઍનાલિસિસ સમયે તે ઝડપથી પકડાય નહીં.

ક્રિમિનલ સાયકૉલૉજીના ઍક્સપર્ટ અને અમદાવાદ પોલીસના મનોચિકિત્સક ડૉ. ગોપાલ ભાટિયાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "જે લોકોનું બાળપણમાં શોષણ થયું હોય, કુટુંબ અને પાડોશી દ્વારા અથવા તો શાળામાં અવગણના થઈ હોય તેની ઊંડી છાપ તેના મગજ પર અંકિત હોય છે. આવા સંજોગોમાં જેનું સારું પેરેન્ટિંગ ન થયું હોય એ લોકો સાયકોપથ બની જાય છે.

તેમણે જણાવ્યું હતું કે, "રેપ વિથ મર્ડર કરનાર સીરિયલ કિલરના ન્યૂરોબાયોટિકલ કૉમ્પોનન્ટ સામાન્ય માણસ કરતાં અલગ હોય છે. તેઓ આવા ગુનામાં વધુ સંડોવાયેલા હોય છે."

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.