પાટણ: નિ:સંતાન દંપતિને બીમાર બાળક વેચીને કમાણી કરતો 'નકલી ડૉક્ટર' કેવી રીતે પકડાયો

પાટણ, નકલી ડૉક્ટર, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, સુરેશ ઠાકોર પર નકલી ડૉક્ટર હોવાનો આરોપ લાગ્યો છે
    • લેેખક, કલ્પેશ ચાવડા
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાટણના સાંતલપુરના કોરડા ગામે થોડા દિવસ પહેલાં ડૉક્ટરની ડિગ્રી વગર ઘરમાં હૉસ્પિટલ ખોલીને પ્રૅક્ટિસ કરતા સુરેશ ઠાકોરને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.

પરંતુ હવે તેમની સામે વધુ એક ગુનો નોંધાતા આ ‘નકલી ડૉક્ટર’ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ સુરેશ ઠાકોરે માત્ર દસમી ચોપડી પાસ કરી છે.

તાજેતરમાં આ નકલી ડૉક્ટર સામે રૂપિયા 1.20 લાખમાં બાળકનું વેચાણ કરી નિ:સંતાન દંપતી સાથે છેતરપિંડી કરવાનો ગુનો પણ નોંધાયો છે.

એ સિવાય આ ડૉક્ટરે બનાવટી ડૉક્યુમેન્ટ્સ બનાવી રાધનપુર નગરપાલિકામાંથી નકલી જન્મનું પ્રમાણપત્ર પણ દંપતિને કઢાવી આપ્યું હતું, તેના કારણે પણ તેની મુશ્કેલી વધી શકે છે.

પરંતુ આ 'નકલી ડૉક્ટર' કઈ રીતે નિ:સંતાન દંપતિને છેતરતો હતો અને તે કઈ રીતે પકડાયો?

શું છે સમગ્ર ઘટના?

પાટણ, નકલી ડૉક્ટર, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, સુરેશભાઈ ઠાકોર જ્યાં દવાખાનું ચલાવતો હતો તેની તસવીર

પાટણના રહેવાસી રમેશભાઈ પટેલ(નામ બદલ્યું છે) 30 વર્ષના છે અને એક દવાની દુકાનમાં નોકરી કરે છે. 2015માં તેમનાં લગ્ન થયાં હતાં પરંતુ લગ્નને આઠ વર્ષ જેટલો સમય વીતી ગયા હોવા છતાં તેમને કોઈ બાળક ન થતાં તેમણે બાળક દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો.

તેમને પાટણની નિષ્કા હૉસ્પિટલમાં મેડિકલ સેન્ટર ચલાવતા નરેન્દ્ર દરજી નામના વ્યક્તિએ તેમને હૉસ્પિટલમાં આવતાં અનાથ બાળકોને દત્તક લેવા સલાહ આપી હતી અને મદદ કરવા પણ જણાવ્યું હતું.

આ વાતને થોડા દિવસ બાદ નિરવભાઈ નિષ્કા હૉસ્પિટલમાં કામ કરતા અમરતભાઈ રાવળે આપેલી માહિતી અનુસાર નરેન્દ્ર દરજીએ કૉલ કરી જણાવ્યું કે તેમની હૉસ્પિટલમાં અનાથ બાળક આવ્યું છે.

તે સમયે રમેશભાઈને નરેન્દ્ર દરજીએ કહ્યું હતું કે, “બાળકની તબિયત હાલમાં સારી ન હોવાથી તેને આઇસીયુમાં રાખવામાં આવ્યું છે. જો તમારે આ બાળક જોઇતું હોય તો અઠવાડિયા પછી તેની તબિયત સ્વસ્થ થાય ત્યારે લઈ જજો.”

'જન્મ પ્રમાણપત્ર પણ નકલી બનાવી આપ્યું'

પાટણ, નકલી ડૉક્ટર, સ્વાસ્થ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, એફઆઇઆર પ્રમાણે બાળકને દત્તક લેવા પહેલાં રમેશભાઈએ તપાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે જ્યારે બાળક વિશે વધુ જાણકારી માગી ત્યારે અમરતભાઈ રાવળે જણાવ્યું હતું કે, “કોરડા ગામના સુરેશ ઠાકોર આ બાળકને અહીં દાખલ કરાવી ગયા છે.”

ત્યારબાદ બાળકને દાખલ કરાવનાર સુરેશભાઈ સાથે રમેશભાઈની મુલાકાત થઈ હતી. આ મુલાકાત પણ અમરતભાઇએ કરાવી હતી.

તે સમયે રમેશભાઈને સુરેશે કહ્યું હતું કે, “આ બાળક અનાથ છે અને તેને આગળ પાછળ કોઈ નથી. જો તમારે આ બાળક જોઇતું હોય તો 1.20 લાખ રૂપિયા આપી બાળક સ્વસ્થ થઈ જાય પછી લઈ જજો.”

હોળીના તહેવાર પછી બાળકની તબિયત સારી થઈ જતાં રમેશભાઈએ સુરેશને 50 હજારની ચૂકવણી કરી હતી અને બાળક લઈ ગયા હતા. ત્યારબાદ ડૉક્ટરને બતાવતા ડૉક્ટરે પણ બાળક સ્વસ્થ હોવાનું કહ્યું હતું અને બાળકનું 10 હજાર રૂપિયાનું બિલ આપ્યું હતું. રમેશભાઈએ ડૉક્ટરને પણ પાંચ હજારની ચૂકવણી કરી હતી અને બાળક ઘરે લઈ આવ્યા હતા.

ઘરે લાવ્યા બાદ રમેશભાઈએ બાળકનું નામ વંશ રાખ્યું હતું. પણ તેમણે જ્યારે બાળકના જન્મ પ્રમાણપત્ર અંગે સુરેશ ઠાકોરને પૂછ્યું ત્યારે, સુરેશભાઈએ જ માહિતી મંગાવીને તેમને જન્મ પ્રમાણપત્ર મોકલી આપ્યું હતું.

આ પ્રમાણપત્ર મળ્યું ત્યારે રમેશભાઈએ બાકીના 50 હજાર પણ ચૂકવી દીધા અને બાળક દત્તક લીધાના આધાર તરીકે દસ્તાવેજ બનાવી લેવાની માગ કરી.

એ સમયે સુરેશ ઠાકોરે કહ્યું હતું કે, “હવે બાળકનાં કોઈ પણ ડૉક્યુમૅન્ટ્સની જરૂર નહીં પડે કારણ કે મેં તમારા નામનું બાળકનું જન્મનું પ્રમાણપત્ર બનાવી આપ્યું છે.”

બાળક બીમાર પડ્યું અને પોલ ખૂલી

આ બાળકને રમેશભાઈ ઘરે લઈ ગયા બાદ થોડા દિવસ પછી બાળકનો માથાનો ભાગ કોઈ કારણોસર મોટો થતો જતો હતો.

આથી પાટણની અલગ-અલગ હૉસ્પિટલમાં બાળકને સારવાર કરવા લઈ જવામાં આવ્યું, ત્યારે ડૉક્ટરોએ કહ્યું હતું કે બાળકના માથાના ભાગમાં પાણી ભરાઈ જતું હોવાથી તેનું માથું મોટું થઈ રહ્યું છે.

ડૉક્ટરે વિગતે બાળકની બીમારી વિશે જાણકારી આપ્યા બાદ છેલ્લે રમેશભાઈએ જેમની પાસેથી બાળક લીધું હતું તે સુરેશ ઠાકોરને કૉલ કરી આ વાત જણાવી હતી અને કહ્યું હતું કે હવે આ બાળક સારું થાય એવું લાગતું નથી.

રમેશભાઈના કહ્યા અનુસાર, તેમણે હવે બાળક પાછું લઈ જવા અને પૈસા પરત કરવાની વાત કરી હતી. આ બાબતે બંને વચ્ચે અનેક મિટિંગ્સ પણ થઈ હતી. અંતે સુરેશભાઈ બાળક પાછું લઈ ગયા પરંતુ રમેશભાઈને માત્ર 40 હજાર જ પરત આપ્યા.

રમેશભાઈએ આપેલી પૂરી રકમ મેળવવાના પ્રયાસો કર્યા પરંતુ તેમને માત્ર ત્રીસ હજાર જ મળ્યા. આથી, આ અંગેની ફરિયાદ રમેશભાઈએ પોલીસસ્ટેશનમાં કરી.

જ્યારે રમેશભાઈએ પોલીસ ફરિયાદ કરી ત્યારે જ તેમને જાણ થઈ કે તેઓ જે સુરેશ ઠાકોરની ફરિયાદ કરવા આવ્યા હતા તેની જ થોડા દિવસ અગાઉ જ બૉગસ ડૉક્ટર તરીકે ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે સુરેશ ઠાકોર ડૉક્ટર નહીં પરંતુ માત્ર દસ ચોપડી પાસ હતા.

રમેશભાઈએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “જ્યારે બાળકના દત્તક લેવાના અને જન્મના પ્રમાણપત્રની વાત કરી ત્યારે સુરેશ ઠાકોરે તેમને જણાવેલ કે બાળકના બધાં કાગળો થઈ જશે. જો તમારે આ બાળક જોઈતું જ હોય તો ટોકન પેટે કંઇક આપો જેથી 51 રૂપિયાનું ટોકન આપી બાળકનો સોદો કરવામાં આવ્યો હતો.”

તેમણે કરેલી ફરિયાદથી એ પણ જાણવા મળે છે કે આ બાળકનો સોદો કુલ 1.20 લાખ રૂપિયામાં કરવામાં આવ્યો હતો.

હૉસ્પિટલના ડૉક્ટરે શું કહ્યું?

પાટણ, નકલી ડૉક્ટર, સ્વાસ્થ્ય, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, ડૉ. દિવ્યેશ શાહ

જે હૉસ્પિટલમાં બાળકને દાખલ કરવામાં આવ્યું હતું ત્યાંના ડૉક્ટરે પણ આ કેસ અંગે વધુ માહિતી આપી હતી.

ડૉ. દિવ્યેશ શાહે આ ઘટના સંદર્ભે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે,"આ બાળક ફેબ્રુઆરી, 2024માં અમારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. તે સમયે તેની ઉંમર સાડા સાત મહિનાની હતી અને તેના ફેફસાં નબળાં હતાં અને ઑક્સિજન લેવલ ડાઉન થતું હતું. આ બાળકને સુરેશ ઠાકોર જ લઈને આવ્યા હતા. એ સમયે 25-26 દિવસની જહેમત પછી અમે બાળકને બચાવ્યું હતું."

તેમણે કહ્યું હતું કે, "પ્રથમ આ બાળકને લઇને સુરેશ ઠાકોરની સાથે એક બહેન આવ્યા હતા. પછી બીજીવાર આ બાળકને રમેશભાઈ લઇને આવ્યા હતા. બીજીવાર બાળક આવ્યું ત્યારે તેમનાં માતાપિતા અલગ હતાં. અમે બિલથી લઇને તમામ વિગતો પોલીસને આપી છે. અમારા કર્મચારીઓ પણ નિવેદન આપવા ગયા છે."

પોલીસનું આ મામલે શું કહેવું છે?

પાટણ, નકલી ડૉક્ટર, સ્વાસ્થ્ય, ગુજરાત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR

ઇમેજ કૅપ્શન, પાટણ શહેર બી-ડિવિઝન પોલીસસ્ટેશનના પીઆઈ આર. જી. ઉનાગર

પોલીસ તપાસમાં એ બહાર આવ્યું છે કે નકલી ડૉક્ટર બની સુરેશ ઠાકોરે રમેશભાઈને બાળકને વેંચીને છેતરપિંડી કરી છે.

પાટણ શહેર બી-ડિવિઝન પોલીસસ્ટેશન અધિકારી પીઆઈ આર.જી.ઉનાગરે કહ્યું હતું કે, “આ કેસમાં જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે. આ પ્રમાણપત્રમાં લખેલ વંશ નામનું બાળક હજુ ક્યાં છે તેની શોધખોળ ચાલુ છે. નગરપાલિકામાંથી માહિતી મળ્યા બાદ આ ઘટનામાં સામેલ બીજા આરોપીઓની તપાસ ચાલુ કરવામાં આવશે.”

આ અહેવાલ લખાય છે ત્યાં સુધીમાં પણ બાળકનો હજુ પતો મળ્યો નથી.

તેમણે કહ્યું હતું કે, “સુરેશ ઠાકોર હાલ બોગસ ડૉક્ટર કેસમાં રિમાન્ડ પર છે. રિમાન્ડ પૂરા થતાં બાળકને વેંચવાના કરવાના આરોપ અંગે પણ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિનું કે ડૉક્ટરનું નામ ખુલશે તો તેના વિરૂધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, "પાટણમાંથી આ બાળકને વેંચવાનો અને નકલી ડૉક્ટરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તે ખૂબ જ ગંભીર છે. આ સામાજિક દૂષણ છે. હું મીડિયાના માધ્યમથી સરકારનું ધ્યાન દોરવા માગું છું. લોકોને કાયદાનો ડર રહ્યો નથી અને આવી ઘટનાઓ બની રહી છે. આ બાબતમાં તપાસ ઢીલી થઈ રહે છે. આ ડૉક્ટર 10 વર્ષથી ન માત્ર દવાખાનું જ નહીં, આઇસીયુ પણ ચલાવતો હતો. સરકારે તાત્કાલિક SITની રચના કરવી જોઇએ અને તપાસ કરવી જોઇએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.