પાટણ રેગિંગ કેસ : રેગિંગ શું છે અને દોષિતોને કેવી સજા થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં કથિત રેગિંગની ઘટનામાં એમબીબીએસના પ્રથમ વર્ષના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મોત થયું હતું. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને આ મામલે આ સરકારી મેડિકલ કૉલેજના વહીવટીતંત્ર દ્વારા 15 સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
પોલીસે ફરિયાદ બાદ તમામ 15 વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે અને કોર્ટે આપેલા એક દિવસના રિમાન્ડ બાદ આ વિદ્યાર્થીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
ડૉક્ટર બનવાનું સપનું જોતા દરેક વિદ્યાર્થી સરકારી મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે એક-એક માર્ક માટે સંઘર્ષ કરતા હોય છે, ત્યારે કથિત રેગિંગમાં અવસાન પામેલા અનિલનાં પરિવારજનો આઘાતમાં અને શોકાતુર છે, જ્યારે તેના માટેના આરોપી બની ચૂકેલા 15 વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી પર કથિત રેગિંગના આરોપોનાં કાળાં વાદળો ઘેરાઈ ગયાં છે.
ગુજરાતમાં રેગિંગની આ પ્રથમ ઘટના નથી. જોકે, તેના વિશેની જાગૃતિના પૂરતા અભાવને કારણે આવી ઘટનાઓ બનતી રહે છે. રેગિંગને રોકવા માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન જેવી ટોચની સંસ્થાઓ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અને તેના માટે જાહેર કરવામાં આવેલી સજાની જોગવાઈઓની અમલવારી પ્રત્યે પણ જે-તે શૈક્ષણિક સંસ્થાઓનું ઉદાસીન વલણ પણ રેગિંગની ઘટનાઓને રોકવામાં નિષ્ફળતા મળે છે.
બીબીસી ગુજરાતીએ રેગિંગ જેવા ગંભીર ગુનાને રોકવા માટે ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇન શું છે અને તેના ભંગ બદલ વિદ્યાર્થીઓને શું સજા થઈ શકે? કૉલેજે કેવી વ્યવસ્થા કરવાની હોય છે અને ધારપુરની ઘટનામાં રેગિંગને રોકવા માટેની વ્યવસ્થામાં ક્યાં ચૂક રહી ગઈ હતી તેની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો.

રેગિંગ એટલે શું? કેવું વર્તન રેગિંગ ગણવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ધારપુર મેડિકલ કૉલેજમાં બનેલી કથિત રેગિંગની આ ઘટના અગાઉ પણ કૉલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ડીનને લેખિતમાં ફરિયાદ પણ કરી છે અને ઍન્ટિ રેગિંગ કમિટીએ એ વાતની પુષ્ટિ કરી છે કે વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હતું.
રેગિંગએ ખૂબજ ગંભીર ગુન્હો છે અને તે રોકવા માટે રેગિંગ કે રેગિંગને પ્રોત્સાહન આપવાના દોષિત વિદ્યાર્થીઓ સામે કૉલેજ/યુનિવર્સિટી દ્વારા કડક પગલાં લેવા અંગે દરેક કૉલેજે ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇનનું પાલન કરવાનું હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images/BBC
કોઈ પણ વર્તન રેગિંગ છે કે નહીં તેની તપાસ માટે મેડિકલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા નીચેની બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે :
- નવા અથવા જૂનિયર વિદ્યાર્થીને સતામણી, મશ્કરી કે હેરાનગતિ અનુભવાય કે તેની સાથે રૂક્ષતાભર્યું કે દાદાગીરી અથવા ગેરશિસ્તભર્યું વર્તન કે પ્રવૃતિ કરવી જેનાથી તેમનામાં ભયની લાગણી ઉત્પન્ન થાય અથવા પજવણી, અકળામણ અથવા માનસિક આઘાત અનુભવાય અથવા તેની દહેશત ઊભી થાય એવી કોઈ પણ વર્તણૂક જેમાં શાબ્દિક, લેખિત અથવા એવા કોઈ કૃત્ય કરવા અથવા એવી પ્રવૃત્તિ કરવા પ્રેરવા અથવા દબાણ કરવું.
- નવા અથવા જૂનિયર વિદ્યાર્થીઓને એવું કોઈ પણ કાર્ય કરવાનું કહેવું જે તેઓ સામાન્યપણે ન કરતાં હોય અને તે કાર્ય કરવાથી શરમ, ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ જવાની સંવેદના અનુભવાય અને તેની તેમના શરીર અને માનસ પર હાનિકારક અસર થાય.
- સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા થતું એવું કોઈ પણ કાર્ય જે અન્ય વિદ્યાર્થીઓ તથા નવા વિદ્યાર્થીઓની નિયમિત શૈક્ષણિક પ્રવૃત્તિઓને અટકાવે, તેમાં ખલેલ પાડે અથવા તેમાં બાધારૂપ બને.

ઇમેજ સ્રોત, BBC/Getty
- કોઈ વિદ્યાર્થીને વ્યક્તિગત અથવા વિદ્યાર્થીઓના જૂથને સોંપવામાં આવેલું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરવા માટે નવા વિદ્યાર્થી અથવા અન્ય વિદ્યાર્થીઓની સેવાઓ લેવાનારૂપે તેમનું શોષણ કરવું.
- વિદ્યાર્થીઓ દ્વારા નવા અથવા અન્ય વિદ્યાર્થી પર દબાણપૂર્વક ખર્ચ કરવાનું ભારણ નાખવું અથવા નાણાકીય વસૂલાતનું કોઈ પણ કૃત્ય કરવું.
- શારીરિક શોષણ ગણાય તેવા તમામ પ્રકારનાં કૃત્યો જેવાં કે જાતીય સતામણી, સમલૈંગિક હુમલા, શરીર પરથી કપડાં કઢાવવાં, અશ્લીલ અને બીભત્સ હરકતો કરવા દબાણ કરવું, વ્યક્તિ અથવા આરોગ્યને શારીરિક નુકસાન થાય કે તેના પર જોખમ થાય તેવી અંગચેષ્ટાઓ કરાવવી.
- નવા અથવા અન્ય કોઈ વિદ્યાર્થીઓ જેમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે ભાગ લઈને અસહજતા કે મૂંઝવણ અનુભવાય તેવા કોઈપણ કૃત્ય અથવા શાબ્દિક, ઇમેલ, પોસ્ટ, જાહેરમાં અપમાનજનક લાગે તેવાં કૃત્યોથી બીજા કોઈને ભોગ બનતા જોઈને જાતીય અથવા વિકૃત આનંદ મેળવવો.
- કોઈ વિદ્યાર્થી દ્વારા નવા અથવા અન્ય કોઈ પણ વિદ્યાર્થીને વિકૃત આનંદ મેળવવાના ઇરાદા સહિત કે ઇરાદા વિના માનસિક આરોગ્ય અને આત્મવિશ્વાસને ખરાબ અસર કરે તેવા અને શક્તિ, સત્તાનું પ્રદર્શન કરવું અથવા પોતાનું ચઢિયાતાપણું દાખવવાનું કામ કરવું.
- અન્ય વિદ્યાર્થીને (નવા અથવા અન્ય વિદ્યાર્થીને) રંગ, વર્ણ, જાતી, ધર્મ, નૃવંશીય, લૈંગિક (ટ્રાન્સજેન્ડર સહિત), જાતીયતા, દેખાવ, રાષ્ટ્રીયતા, પ્રાદેશિકતા, ભાષાકીય ઓળખ, જન્મના સ્થળ, રહેણાંકના સ્થળ અથવા આર્થિક પૃષ્ઠભૂમિના આધારે નિશાન બનાવીને શારીરિક અથવા માનસિક અત્યાચારના કોઈપણ કૃત્ય (ધમકાવવા કે બહિષ્કાર કરવા સહિતનાં) કરવા.
આ તમામ સહિત પરંતુ માત્ર આ મુદ્દા પૂરતું સીમિત ન હોય તેવાં કૃત્યોને રેંગિંગ ગણવામાં આવે છે.
વિદ્યાર્થીઓ રેગિંગ અંગે કોને ફરિયાદ કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા અનુદાનિત મેડિકલ કૉલેજોનું સંચાલન કરતી ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઈઆરએસ)ના સીઈઓ મનિષ રામાવતે બીબીસી ગુજરાતી સાથે રેગિંગની ફરિયાદ ક્યાં કરી શકાય તેના વિકલ્પો વિશે વાત કરી.
તેમણે કહ્યું, “ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇન અંગે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવતા સમયે જ માહિતી આપવામાં આવે છે. તેમજ તેઓ ક્યા ફરિયાદ કરી શકે તે અંગે પણ જાણકારી આપવામાં આવે છે.''
''ઍન્ટિ રેગિંગ હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલો હોય છે. વિદ્યાર્થી તે નંબર પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકે છે. કૉલેજના ધ્યાનમાં આવે તો તે આપમેળે આ બાબતે પગલાં લઈ શકે છે. પરંતુ તકલીફ એ છે કે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતી નથી.''
ઍન્ટિ રેગિંગ કમિટીમાં કોણ હોય છે ?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇન અનુસાર દરેક શૈક્ષણિક કૉલેજ યુનિવર્સિટીમાં ઍન્ટિ રેગિંગ કમિટી તેમજ ઍન્ટિ રેગિંગ સ્ક્વૉડ બનાવવી ફરજિયાત છે.
આ ઍન્ટિ રેગિંગ કમિટીમાં જે તે શૈક્ષણિક સંસ્થાના વડા એ કમિટીના વડા હોય છે. આ કમિટીમાં પ્રોફેસરો, તે વિસ્તારના પોલીસના પ્રતિનિધિ, સ્થાનિક મીડિયા, યુવાનો સાથેની પ્રવૃત્તિઓ કરતી હોય તેવાં બિન સરકારી સંગઠનો (એનજીઓ), વિદ્યાર્થીઓનાં માતા-પિતા, ફ્રેશર વિદ્યાર્થી, સિનિયર્સ અને નોન ટીચિંગ સ્ટાફ હોય છે.
ઍન્ટિ રેગિંગ કમિટીએ કૉલેજ અને યુનિવર્સિટીએ નૉમિનેટ કરેલા સભ્યોની ઍન્ટિ રેગિંગ સ્કવૉડ બનાવવાની હોય છે. આ સ્કવૉડમાં કૅમ્પસમાં અલગ અલગ વિભાગના સભ્યો હોય છે, જેમણે કૅમ્પસમાં પેટ્રોલિંગ કરતા રહેવાનું હોય છે. તેમજ કૅમ્પસમાં જ્યાં રેગિંગ થઈ શકે તેવાં સંભવિત સ્થળો પર ઇન્સ્પેક્શન તેમજ દરોડા પણ કરવાનાં હોય છે.
ધારપુર મેડિકલ કૉલેજમાં નોટિસ બાર્ડ પર ઍન્ટિ રેગિંગ કમિટીના મેમ્બરનાં નામ અને મોબાઇલ નંબર લખવામાં આવ્યા હતા.
જોકે ગાઇનલાઇન અનુસાર આ કમિટીમાં વિદ્યાર્થીઓનાં માતા-પિતાના પ્રતિનિધિઓ તેમજ વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ હોવા જોઈએ. જેમનાં નામ બોર્ડ પર જોવા મળ્યા નહોતાં.
આ અંગે ધારપુર મેડિકલ કૉલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું, "વાલી અને વિદ્યાર્થીઓનાં પ્રતિનિધિઓ કમિટીમાં રાખીએ છીએ."
જોકે, બીબીસી ગુજરાતીએ જ્યારે તેમને હાલ કમિટીમાં રહેલાં વાલી અને વિદ્યાર્થીનાં પ્રતિનિધિઓનાં નામ પૂછ્યાં ત્યારે તેઓ એ સભ્યોનાં નામ આપી શક્યા નહોતા.
રેગિંગ રોકવાની ગાઇડલાઇનમાં શું જોગવાઈઓ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇન અનુસાર નવા વિદ્યાર્થીઓને હૉસ્ટેલના એક અલગ બ્લૉકમાં રાખવાના હોય છે. તેમજ સિનિયર વિદ્યાર્થીઓની નવા વિદ્યાર્થીઓનાં એ બ્લૉકમાં થતી આવનજાવન પર વૉર્ડન તેમજ હૉસ્ટેલના સ્ટાફ દ્વારા કડક નજર રાખવાની હોય છે. તેમજ યોગ્ય લાયકાત ધરાવતા પૂર્ણ સમયના વૉર્ડન રાખવા ફરજિયાત છે.
પાટણની મેડિકલ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીના મૃત્યુ મામલે સામે આવેલી માહિતી અનુસાર પાટણ મેડિકલ કૉલેજમાં વિદ્યાર્થીઓને બીજા બ્લૉકમાં બોલાવવામાં આવ્યા હતા. તેમજ ત્રણ કલાક કરતાં વધારે સમય સુધી રૂમમાંથી બહાર જેવા દેવામાં આવ્યા નહોતા.
તે સમયે વૉર્ડન ક્યા હતા? કોનાથી ચૂક થઈ હતી? બીબીસીના આ સવાલોના જવાબમાં શાહે જણાવ્યું, "ગાઇડલાઇન પ્રમાણે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને હૉસ્ટેલના અલગ બ્લૉકમાં જ રાખવામાં આવ્યા હતા. ઘટના સમયે વૉર્ડન તેમના ક્વાટર્સમાં જ હતા. વિદ્યાર્થીઓ અન્ય બ્લૉકમાં ગયા હતા તે અંગે અમે સિક્યૉરિટી ગાર્ડ સાથે પૂછપરછ કરી રહ્યા છીએ. તેમજ ત્રણ કલાક કેમ જાણ ન થઈ તે અંગે વૉર્ડન પાસે પણ જવાબ માંગીશું."
શૈક્ષણિક સંસ્થાની પ્રવેશ પ્રક્રિયાની જાહેરાતમાં સ્પષ્ટ ઉલેખ્ખ કરવાનો હોય છે કે રેગિંગ સંપૂર્ણ પ્રતિબંધિત છે. જો કોઈ રેગિંગ કરતા કે રેગિંગ માટે ઉશ્કેરણી માટે દોષિત સાબિત થશે તો તેને કાયદા મુજબ સજા કરવામાં આવશે.
પ્રવેશ માટેની માહિતી પુસ્તિકામાં પણ રેગિંગ રોકવા માટેની ગાઇડલાઇન કાળાઘાટા અક્ષરે છાપેલી હોવી જોઈએ. ઍન્ટિ રેગિંગ ગાઇડલાઇન અનુસાર વિદ્યાર્થી અને તેના વાલી દ્વારા રેગિંગ ન કરવા અંગેનું બાંહેધરીપત્રક ભરીને આપવાનું રહે છે.
તેમજ રેગિંગ કરવામાં આવશે તો ઑથૉરિટી દ્વારા જે પગલા લેવામાં આવશે તે માન્ય રાખવા અંગે બાંહેધરી માગવામાં આવે છે.
જે વિદ્યાર્થી હૉસ્ટેલમાં રહેવા માંગતો હોય તેને પણ વધુ એક બાંહેધરીપત્ર ભરીને આપવાનું હોય છે.
શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં કૉલેજ યુનિવર્સિટીના વડા દ્વારા સ્ટાફ, વૉર્ડન, પોલીસ, વાલી, વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે એક મિટિંગનું આયોજન કરી રેગિંગ રોકવા અંગેની ચર્ચા કરવી જોઈએ.
ઍન્ટિ રેગિંગના કાયદો અને સજા મોટાં રંગીન પોસ્ટરમાં હૉસ્ટેલ અને કૉલેજનાં નોટિસ બોર્ડ તેમજ સંભવિત જગ્યાઓ પર લગાવવાં જોઈએ. ઉપરાંત રેગિંગ રોકવા અને તેની જાગૃતિ માટે ઑડિયો વિઝ્યુઅલ જાહેરાત, કાઉન્સેલિંગ સેશન્સ, વર્કશૉપ વગેરેનું આયોજન કરવું જોઈએ.
વિદ્યાર્થીઓ ખાનગી હૉસ્ટેલમાં રહેતા હોય તો તે અંગે પોલીસને જાણ કરવી જરૂરી છે.
કૉલેજ હૉસ્ટેલના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ, સફાઈકર્મીઓ, સ્ટાફ વૉર્ડન દરેક પાસેથી બાંહેધરીપત્ર લેવામાં આવે છે કે તેમણે સતર્ક રહેવું અને રેગિંગ અંગે કોઈ ફરિયાદ જણાય તો ડીનને જાણ કરવી.
ગાઇડલાઇન અનુસાર શૈક્ષણિક સંસ્થાના વડાએ નવા વિદ્યાર્થીઓ સાથે મીટિંગ કરીને તેમને સમજાવવાનું હોય છે કે તેમણે કોઈથી ડરવાનું નથી. તેમજ તેમની ઇચ્છા વિરુદ્ધધ સિનિયર દ્વારા આપવામાં આવેલા હુકમનું પણ પાલન ન કરવું.
નવા વિદ્યાર્થીઓ અને સિનિયર વિદ્યાર્થીઓને આ મામલે જાગૃત કરવા માટે એક સંયુક્ત કાર્યક્રમ કરવાનો હોય છે.
આ ઉપરાંત રેગિંગનો ભોગ બનનાર કે સાક્ષી તરીકે ફરિયાદ કરવા માટે પણ નવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ.
ધારપુર મેડિકલ કૉલેજના ડીન હાર્દિક શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "વિદ્યાર્થીઓ કૉલેજમાં પ્રવેશ મેળવે ત્યારે જ તેમને બુકલેટમાં ઍન્ટિ રેગિંગ કમિટીના સભ્યોનાં નામ અને તેમના મોબાઇલ નંબર આપેલાં હોય છે."
"જો કોઈ પણ વિદ્યાર્થીને રૅગિંગ થતું હોવાનું લાગે તો તે તરત જ ઍન્ટિ રેગિંગ કમિટીના કોઈ પણ સભ્યને વૉટ્સઍપ પર કે મોબાઇલ નંબર પર ફોન કરીને ફરિયાદ કરી શકે છે. આ માટે વિદ્યાર્થીએ રૂબરૂ આવવાની પણ જરૂર રહેતી નથી."
"જો કોઈ વિદ્યાર્થી નામ ન આપવા ઇચ્છતા હોય અને પોતાની ઓળખ ગુપ્ત રાખીને ફરિયાદ કરવા માંગે તો અમારા કૅમ્પસમાં અલગ અલગ જગ્યા પર મૂકવામાં આવેલા સજેશન બૉક્સમાં ફરિયાદ નાખી શકે છે. ફરિયાદ મળતાંજ કમિટી દ્વારા તપાસ કરીને પગલાં લેવામાં આવે છે."
આ વિશે મનિષ રામાવતે જણાવ્યું, ''ધારપુર મેડિકલ કૉલેજમાં છ વર્ષ પહેલાં રેગિંગની ઘટના બની હતી. તે સમયે વિદ્યાર્થીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. રેગિંગના મામલે દરેક કૉલેજ તાત્કાલિક પગલાં લેતી હોય છે.''
રેગિંગ કરવા બદલ કેવી અને કેટલી સજા થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુનાની તીવ્રતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઍન્ટિ રેગિંગ કમિટી દ્વારા ગાઇડલાઇન અનુસાર સજા કરવામાં આવે છે:


રેગિંગનો ઇતિહાસ
આફ્રિકન જર્નલ ઑફ સોશિયલ સાયન્સિસ ઍન્ડ હ્યુમૅનિટિઝ રીસર્ચ દ્વારા એપ્રિલ 2024માં ભારતીય શિક્ષા વ્યવસ્થામાં રેગિંગની સ્થિતિ અને તેની અસરો પર એક સંશોધન પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ સંશોધન અનુસાર ભારતમાં અંગ્રેજી શાસન દરમિયાન આર્મી કૉલેજ અને અંગ્રેજી કૉલેજોમાં રેગિંગની શરૂઆત થઈ હતી પરંતુ તે માત્ર મજાક સુધી સીમિત હતી.
વર્ષ 1960 સુધી રેગિંગમાં કોઈ નકારાત્મક પાસું કે હિંસા જોડાયેલાં નહોતાં. જોકે, સમય જતા તેમાં વધારો થતો ગયો અને રેગિંગ હિંસક બનતી ગઈ. વર્ષ 1990ના સમયગાળામાં જાણવા મળ્યું હતું કે રેગિંગ એક મોટી સમસ્યા છે અને તે અલગ અલગ શૌક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશી ચૂકી છે.
6 નવેમ્બર 1996માં તમિલનાડુના પોન નવારાસુએ આત્મહત્યા કરી હતી. તમિલનાડુનાં ચિદંબરમમાં પોન નવાસુરા નામના વિદ્યાર્થીને તેના સિનિયરે કપડાં ઉતારવા અને બૂટ ચાટવા કહ્યું હતું, જેનો તેણે ઇન્કાર કરતાં તેને સિનિયર દ્વારા માર મારવામાં આવ્યો હતો.
1997ના સમયગાળામાં તમિલનાડુએ ઍન્ટિ રેગિંગ કાયદો પસાર કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2001માં ભારતીય સર્વોચ્ચ અદાલતે રેગિંગને ગેરકાયદેસર જાહેર કર્યું હતું.
વર્ષ 2009માં હિમાચલ પ્રદેશમાં મેડિકલ કૉલેજમાં 19 વર્ષના યુવાન રાજેન્દ્ર કાચરુનું ચાર સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું.
વર્ષ 1999માં રેગિંગ રોકવા દાખલ થયેલી જાહેર હિતની અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે યુજીસીને ગાઇડલાઇન બનાવવા જણાવ્યું હતું.
ત્યારબાદ અલગ-અલગ સમયે અલગ-અલગ કમિટીની રચના કરવામાં આવી છે. તેમજ એ કમિટીઓનાં સૂચનોને ધ્યાનમાં રાખીને સુધારા કરવામાં આવ્યા છે.
આરટીઆઈ ઍક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌર દ્વારા કરેલી આરટીઆઈના જવાબ અનુસાર જાન્યુઆરી 2018 થી ઑગસ્ટ 2023 સુધી સાડા પાંચ વર્ષમાં 25 વિદ્યાર્થીઓએ રેગિંગના કારણે આત્મહત્યા કરી છે. જેમાં મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં દરેકમાં ચાર વિદ્યાર્થી, ઓડિશામાં ત્રણ વિદ્યાર્થીઓ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને તેલંગણા રાજ્યોમાં બે-બે વિદ્યાર્થીઓ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને ગુજરાત દરેકમાં એક વિદ્યાર્થીનાં મોત થયાં હોવાનો ખુલાસો થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














