પાટણ: 'ગીતો ગવડાવી ડાન્સ કરાવ્યો, ગાળો ભાંડી', મેડિકલ કૉલેજમાં ભણતાં વિદ્યાર્થીનું કથિત રેગિંગથી મોત

પાટણ, ધારપુર, મેડિકલ કૉલેજ ડીન, આત્મહત્યા, રેગિંગ, બીબીસી ગુજરાતી
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉચ્ચ અભ્યાસમાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હોય તેવી ઘટનાઓ અવારનવાર ધ્યાનમાં આવતી હોય છે.

ગુજરાતમાં પાટણ જિલ્લાના ધારપુર ખાતે આવેલી મેડિકલ કૉલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કથિત રેગિંગ થયું હોવાની ઘટના સામે આવી છે.

આ કથિત રેગિંગમાં ઇન્ટ્રોડક્શનના નામે જબરજસ્તીથી સતત સાડા ત્રણ કલાક સુધી ઊભા રાખતા એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર 18 વર્ષના અનિલ મેથાણિયા નામના વિદ્યાર્થીને ચક્કર આવતા તે પડી ગયા હતા જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

રેગિંગની આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી છે. આ અંગે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ ડીનને લેખિતમાં ફરિયાદ પણ કરી છે અને ઍન્ટિ-રેગિંગ કમિટીએ એ વાતની પુષ્ટિ કરી છે કે વિદ્યાર્થીઓનું રેગિંગ કરવામાં આવતું હતું.

પાટણની કૉલેજમાં આ વિદ્યાર્થી સાથે શું બન્યું હતું? તેમના પરિવારનું શું કહેવું છે અને કૉલેજનું આ મામલે શું નિવેદન આવ્યું?

‘ગીતો ગવડાવી ડાન્સ કરાવ્યો, ગાળો ભાંડી’

પાટણ, ધારપુર, મેડિકલ કૉલેજ ડીન, આત્મહત્યા, રેગિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, મૃતક અનિલ મેથાણિયા

ધારપુર મેડિકલ કૉલેજના એડિશનલ ડીન ડૉ. અનિલ કુમાર ભઠીજાએ પાટણ જિલ્લાના બાલીસણા પોલીસ સ્ટેશનમાં 15 વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ નોંધાવી છે.

એ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, “ધારપુર મેડિકલ કૉલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અનિલ મેથાણિયા નામના વિદ્યાર્થી ચક્કર આવતા પડી ગયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.”

ફરિયાદમાં આ વિદ્યાર્થીનું રેગિંગ કઈ રીતે કરવામાં આવ્યું હતું, તેની પણ માહિતી છે. તેમાં જણાવ્યા અનુસાર, પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ ઍન્ટિ-રેગિંગ કમિટીને જણાવ્યુ હતું કે ગઇકાલે રાત્રે સાઠા આઠ વાગ્યે બીજા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ તેમને ઇન્ટ્રોડક્શનને બહાને બોય્ઝ હૉસ્ટેલના બી-બ્લૉકના બીજા માળે આવેલા કૉમન રૂમમાં બોલાવ્યા હતા.

કૉમન રૂમમાં સિનિયર વિદ્યાર્થીઓએ તેમની પાસે 'ગીતો ગવડાવી ડાન્સ કરાવ્યો હતો' તેમજ સિનિયરોએ તેમને ગાળો આપી હતી, એટલું જ નહીં તેમને રૂમની બહાર પણ જવા દેવામાં આવ્યા ન હતા. સતત ઊભા રાખવાથી માણસની હાલત કથળી શકે તેવું જાણતા હોવા છતાં તેમને લગભગ 'ત્રણ કલાક સુધી ઊભા રાખવામાં આવ્યા' હતા.

તે દરમિયાન અનિલને ચક્કર આવતા તેઓ નીચે પડી ગયા હતા અને તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ ઘટના અંગે પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ કૉલેજના ડીન હાર્દિક શાહને લેખિતમાં ફરિયાદ કરી હતી કે, “બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તેમની સાથે રેગિંગ કરવામાં આવી રહ્યું હતું.”

વીડિયો કૅપ્શન, પાટણની મેડિકલ કૉલેજમાં કથિત રૅગિંગની ઘટનામાં વિદ્યાર્થીનો જીવ ગયો.

મેડિકલ કૉલેજે શું કાર્યવાહી કરી?

પાટણ, ધારપુર, મેડિકલ કૉલેજ ડીન, આત્મહત્યા, રેગિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, પાટણની ધારપુર મેડિકલ કૉલેજના ડિન હાર્દીક શાહ

વિદ્યાર્થીઓની લેખિત ફરિયાદને આધારે ધારપુર મેડિકલ કૉલેજના ડીન હાર્દિક શાહે તાત્કાલિક ઍન્ટી-રેગિંગ કમિટીની બેઠક બોલાવી હતી. ઍન્ટિ-રેગિંગ કમિટીએ ઘટના સમયે હાજર આરોપી અને ભોગ બનનાર કુલ મળીને 26 વિદ્યાર્થીઓના ઘટના અંગે નિવેદનો લીધાં હતાં.

પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ઍન્ટિ-રેગિંગ કમિટીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનાર 10 વિદ્યાર્થીઓનાં નિવેદનો લીધાં હતાં. જેમાં તેમણે કથિત રેગિંગ કરનાર બીજા વર્ષમાં અભ્યાસ કરતાં 15 વિદ્યાર્થીઓનાં નામો આપ્યાં હતાં.

ભોગ બનનાર અને આરોપીઓના નિવેદનને આધારે પ્રાથમિક તપાસમાં કેટલાક વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યુ હોવા અંગે કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.

કમિટીએ આપેલા રિપોર્ટના આધારે કૉલેજે કથિત રેગિંગનો આરોપ હતો તેવા 15 વિદ્યાર્થીઓને 17 નવેમ્બરથી જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ઍકેડેમિક અને હૉસ્ટેલ પ્રવૃત્તિમાંથી સસ્પેન્ડ કર્યા છે.

પરિવારનું શું કહેવું છે?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૃત્યુ પામેલા અનિલ મેથાણિયા સુરેન્દ્રનગરના જેસડા ગામનો વતની હતા. અનિલ મેથાણિયાએ 15 ઑક્ટોબરના રોજ ધારપુર મેડિકલ કૉલેજમાં પ્રથમ વર્ષ એમબીબીએસમાં પ્રવેશ મેળવ્યો હતો.

વિદ્યાર્થીના પિતા નટવરભાઈ મેથાણિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ રડતાં રડતાં માત્ર એટલું જ બોલી શક્યા હતા કે, “મારો દીકરો 15 ઑક્ટોબરના રોજ ધારપુર મેડિકલ કૉલેજમાં ડૉક્ટર બનવા ગયો હતો. ત્યારબાદ તે દિવાળીના તહેવારમાં એક અઠવાડિયા માટે ઘરે આવ્યો હતો. ભાઇબીજના દિવસે તે પાછો કૉલેજ ગયો હતો.”

આટલી વાત કર્યા બાદ જ તેઓ રડી પડ્યા હતા અને પછી વધુ કંઈ બોલી શક્યા ન હતા.

મૃતક અનિલના પિતરાઈ ભાઈ ગૌતમ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “અનિલ શાંત સ્વભાવનો હતો. તે ભણવામાં શરૂઆતથી જ ખુબ જ હોંશિયાર હતો. મેડિકલ કૉલેજના પ્રવેશ માટેની નીટની પરીક્ષામાં તેને 550નો સ્કોર આવ્યો હતો. તે દિવાળીના વૅકેશનમાં આવ્યો ત્યારે અમે મળ્યા હતા પરંતુ તેણે કૉલેજમાં હેરાનગતિ અંગે કોઈ વાત કરી ન હતી.”

ગૌતમે વધુમાં જણાવ્યું, "અમારી માગ છે કે, રેગિંગ કરનાર આરોપીઓને કડકમાં કડક સજા થઇ જોઇએ. જેથી કોઈ બીજા વિદ્યાર્થીને આનો ભોગ ન બનવું પડે અને કોઈ માબાપે પોતાનું સંતાન ન ગુમાવવું પડે."

મૃતક અનિલભાઇના કાકાના દીકરા ધર્મેન્દ્રભાઈએ ધારપુર ખાતે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “ધારપુર હૉસ્પિટલથી મારા કાકાને ફોન આવ્યો હતો કે તમારા દીકરાને ચક્કર આવ્યા અને તે બેભાન થઈ ગયો છે. અમે ધારપુર પહોંચ્યા ત્યારે અમને અનિલનું મૃત્યુ થયું હોવાની જાણ કરી હતી. અમારા ભાઇનું પૉસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળ્યું છે કે કૉલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેનું રેગિંગ કરવામાં આવ્યુ હતું."

પોલીસ શું કહે છે?

પાટણ, ધારપુર, મેડિકલ કૉલેજ ડીન, આત્મહત્યા, રેગિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SACHIN PITHVA

ઇમેજ કૅપ્શન, ડીવાયએસપી કે. કે. પંડ્યા

બાલીસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે. સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "ધારપુર મેડિકલ કૉલેજમાં ચક્કર આવતા ઢળી પડતા વિદ્યાર્થીનું મોત થયું હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા ઍક્સિડેન્ટલ ડેથની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ ધારપુર મેડિકલ કૉલેજ દ્વારા રેંગિગ અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ કૉલેજ દ્વારા 15 વિદ્યાર્થીઓ સામે રેગિંગની ફરિયાદ નોંધાવામાં આવી છે."

ડીવાયએસપી કે.કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓને સિનિયરો દ્વારા ગીત ગવડાવવામાં આવ્યું તેમજ ડાન્સ કરાવવામાં આવ્યો હતો. તેમજ તેમને ગાળો બાલીને ગોંધી રાખવામાં આવ્યા હતા. સતત સાડા ત્રણ કલાક ઊભા રાખવામાં આવ્યા હતા. આ અંગે બાલીસણા પોલીસ સીસીટીવી ફૂટેજ, મોબાઇલ રેકૉર્ડિંગ, ભોગ બનનાર અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદનો વગેરેની કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે."

ધારપુર મેડિકલ કૉલેજના ડીન હાર્દિક શાહે મીડીયાને જણાવ્યું હતું કે “અનિલ મેથાણિયા હૉસ્ટેલમાં ઢળી પડતા તેને અમારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડૉક્ટરો દ્વારા તેને સારવાર કરીને જીવ બચાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.”

“ઘટના અંગે વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓ તેમને ત્રણેક ઇન્ટ્રોડક્શનના નામે સતત ત્રણ કલાક ઊભા રાખ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની હતી. અમને રેગિંગની ઘટના હોય તેવું લાગતા અમે તાત્કાલીક ઍન્ટિ-રેગિંગ કમિટીની મિટિંગ બોલાવી હતી. કમિટીએ ભોગ બનનાર 11 અને આરોપી 16 એમ કુલ 26 વિદ્યાર્થીઓનાં નિવેદનો લીધાં હતાં. કમિટીના રિપોર્ટના આધારે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.”

હાર્દિક શાહે વધુમાં જણાવ્યું હતું કે “ઘટના અંગે અડધો કલાકમાં જ અમે પોલીસને જાણ કરી હતી. તેમજ પરિવારને જાણ કરવામાં આવી હતી.તેમના પરિવારના સભ્યો લગભગ રાત્રે 3 વાગ્યે ધારપુર પહોંચ્યા હતા. અમે પરિવારને તેમના દીકરાના મોત અંગે જાણ કરી હતી. તેમજ પરિવારને પ્રથમ અને બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે વાત કરાવી હતી. જેમની સામે આરોપ છે તે વિદ્યાર્થીઓ સામે રેગિંગના આરોપ છે તેમની સાથે પણ પરિવારની વાત કરાવી છે. મૃતકનું પોસ્ટમૉર્ટમ કર્યા બાદ તેમના મૃતદેહને વતનમાં લઈ જવામાં આવ્યો હતો.”

અગાઉ હાઇકોર્ટે પણ રેગિંગ મુદ્દે સુઓમોટો નોંધ લીધી હતી

પાટણ, ધારપુર, મેડિકલ કૉલેજ ડીન, આત્મહત્યા, રેગિંગ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સિવિલ હૉસ્પિટલમાં બનેલી રેગિંગની ઘટના અંગે સમાચારને આધારે ગત જાન્યુઆરી, 2023માં ઉચ્ચ શિક્ષણમાં થતા રેગિંગ અંગે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુઓમોટો નોંધ લીધી હતી.

આ અંગે ગુજરાત સરકારના મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા ઍફિડેવિટ કરીને જવાબ પણ આપવામાં આવ્યો હતો.

ઍફિડેવિટમાં જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા 19 માર્ચ, 2024 અને 21 માર્ચ, 2024ના રોજ રેગિંગ રોકવા માટે તેમજ ઍન્ટિ-રેગિંગ નિયમો બનાવવામાં આવ્યા છે. તેમજ અલગ અલગ ઇમ્પ્લિમેન્ટેશન બૉડી દ્વારા તેને લાગુ કરવામાં આવ્યા છે.”

આ અંગે ગુજરાત હાઇકોર્ટે 8 એપ્રિલ, 2024ના રોજ સરકારને શૌક્ષણિક સંસ્થાઓમાં ઍન્ટિ-રેગિંગ કાયદાને કડક રીતે લાગુ કરવા આદેશ કર્યો હતો. તેમજ કાયદાને લાગુ કરવામાં ખામી જણાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

આ વર્ષે મે, 2024માં પણ અમદાવાદની એલ.જી. હૉસ્પિટલમાં નરેન્દ્ર મોદી મેડિકલ કૉલેજમાં કથિત રેગિંગની ઘટના સામે આવી હતી. આ મામલે ઍન્ટિ-રેગિંગ કમિટીએ તપાસ હાથ ધરી હતી. કમિટીને તપાસમાં રેગિંગની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. એ ઘટનામાં પણ ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.