યુપીના ઝાંસીમાં મેડિકલ કૉલેજમાં આગ, 10 નવજાતનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Vishnukant Tiwari/BBC
ઉત્તર પ્રદેશના ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજમાં ભીષણ આગ લાગવાને કારણે 10 નવજાત બાળકોનાં મૃત્યુ થયાં છે.
આ આગ હૉસ્પિટલના નવજાત શીશુ ગહન ચિકિત્સા કક્ષ એટલે કે એનઆઈસીયૂમાં લાગી હતી. હાલ રાહત અને બચાવની કામગીરી ચાલી રહી છે.
ઝાંસીના જિલ્લાધિકારી અવિનાશકુમારે 10 બાળકોનાં મૃત્યુની ખબરની પુષ્ટિ કરી છે.
તેમણે કહ્યું, “ઘટનાસ્થળે ઉપસ્થિત સ્ટાફથી મળેલી પ્રાથમિક જાણકારી અનુસાર, 10.30થી 10.45 વાગ્યાની વચ્ચે સંભવત: શૉર્ટ સર્કિટને કારણે એનઆઈસીયૂની અંદરના યૂનિટમાં આગ લાગી હતી અને ડીઆઈજીની દેખરેખમાં આ ઘટનાની તપાસ સમિતિ બનાવી છે જે ઘટનાની તપાસ કરીને તેનો રિપોર્ટ મુખ્ય મંત્રીને સોંપશે.”
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના પર ઍક્સ પર લખ્યું, “જનપદ ઝાંસી સ્થિત મેડિકલ કૉલેજમાં ઘટેલી એક દુર્ઘટનામાં થયેલાં બાળકોનાં મૃત્યુ અત્યંત દુખદ અને હ્રદયવિદારક છે. જિલ્લા પ્રશાસન તથા સંબંધિત અધિકારીઓને યુદ્ધસ્તર પર રાહત તથા બચાવ કામગીરી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. પ્રભુ શ્રી રામથી પ્રાર્થના છે કે દિવંગત આત્માઓની સદ્ગતિ તથા ઘાયલોને તુરંત સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે.”
હાલ યુપીના ઉપમુખ્ય મંત્રી બ્રજેશ પાઠક ઘટનાસ્થળે પહોંચ્યા છે.
ઘટના કેવી રીતે ઘટી?

ઇમેજ સ્રોત, ANI
ઝાંસીના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ સચીન મોહરનું કહેવું છે કે પહેલા ઑક્સિજન કન્સન્ટ્રેટરમાં આગ લાગી અને પછી તે પ્રસરી હતી.
તેમણે કહ્યું, "એનઆઈસીયૂમાં 54 બાળકો ભરતી હતાં. અચાનક ઑક્સિજન કન્સન્ટ્રેટરમાં આગ લાગી જેને બુઝાવવાની કોશિશ કરવામાં આવી. પરંતુ રૂમ હાઇલી ઑક્સિજિનેટેડ હોય છે તેથી આગ ફેલાઈ ગઈ. અમે જેટલી કોશિશ કરી બાળકોને બહાર કાઢવાની અને તેમને બચાવ્યા. મહત્તમ બાળકોને બહાર કાઢવામાં આવ્યા છે. હાલ દસ બાળકોનાં મૃત્યુ થયાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઝાંસીના ડીએમ અવિનાશકુમાર પણ ઘટનાસ્થળે છે.
તેમનું કહેવું છે, "10 બાળકોનાં મૃત્યુની સુચના મળી છે. સમય પર ટીમ પહોંચી ગઈ હતી. ઘણાં બાળકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. કમિશનર અને ડીઆઈજીની દેખરેખમાં તપાસ સમિતિ બનાવવામાં આવી છે જે આ ઘટનાની તપાસ કરશે."
સાક્ષીઓનું શું કહેવું છે?

ઘટનાને નજરે જોનારા સાક્ષીઓએ જણાવ્યું છે કે આગ લાગ્યા બાદ જાળી તોડીને નવજાતોને બહાર કાઢવામાં આવ્યાં હતાં.
એક સાક્ષી કૃપાલસિંહ રાજપૂતે જણાવ્યું, "તેઓ બાળકોને દૂધ પાઈને અંદર ગયા હતા ત્યાં જ એક મહિલા ભાગતાં આવ્યાં અને તેમનો પગ સળગતો હતો. તેઓ ચીસો પાડી રહ્યા હતા. અમે લગભગ 20 બાળકોને બહાર કાઢ્યા."
"કોઈ બાળકોને ઑક્સિજન લાગેલો હતો તો કોઈ ગંભીર હાલતમાં હતાં. અમને ઉઠાવીને હૉસ્પિટલ પ્રશાસનને સુરક્ષિત પહોંચાડ્યાં. જેથી જેનું બાળક હોય તે સુરક્ષિત બહાર આવી શકે. આગ લાગવાનું કારણ શૉર્ટ સર્કિટ માનવામાં આવે છે. પરંતુ મશીનો વધારે ગરમ થયાં હતાં જેને કારણે બાળકો સળગી ગયાં."
ઋષભ યાદવ નામના સાક્ષીએ જણાવ્યું કે અહીં અફરા-તફરી મચી ગઈ હતી. જ્યારે આગ લાગી ત્યારે લગભગ 50થી વધારે બાળકો હતાં. લોકો પોતાનાંં બાળકોને લઈને ઇમર્જન્સી તરફ ભાગ્યા.
તેમણે કહ્યું કે કેટલાક પરિવારોને ખબર નથી કે તેમનાં બાળકો ક્યાં છે, પ્રશાસને તેમની જાણકારી આપવી જોઈએ.
પીડિતોને સહાયની જાહેરાત

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઝાંસીની મેડિકલ કૉલેજમાં આગને કારણે જે બાળકોનાં મૃત્યુ થયાં છે તેમના પરિવારજનોને સહાય આપવાની જાહેરાત કરી દેવાઈ છે.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીની કચેરી તરફથી ઍક્સ પર કરેલી પોસ્ટ પ્રમાણે, "મૃતક બાળકોના પરિજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલના પરિવારજનોને 50-50 હજાર રૂપિયાની સહાયતા મુખ્ય મંત્રી રાહત ફંડમાંથી આપવામાં આવશે. સીએમએ ઝાંસીના કમિશનર અને ડીઆઈજીને 12 કલાકમાં આ ઘટનાના સંબંધમાં રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે."
વડા પ્રધાનની કચેરીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા જાહેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કચેરીએ ઍક્સ પર પોસ્ટ લખીને કહ્યું, "હ્રદય વિદારક, ઉત્તર પ્રદેશમાં ઝાંસીની મેડિકલ કૉલેજમાં આગ લાગવાની ઘટના મનને વ્યથિત કરનારી છે."
"જેમાં જેમનાં બાળકોએ જીવ ગુમાવ્યાં તેમના પ્રત્યે મારી સંવેદના છે. ઇશ્વરને પ્રાર્થના કે આ અપાર દુખને સહન કરવાની તેમને શક્તિ આપે. રાજ્યસરકારની દેખરેખમાં સ્થાનિય પ્રશાસન રાહત અને બચાવના સંભવ પ્રયાસમાં છે."
વડા પ્રધાન કચેરીએ પણ મૃતકોના પરિવારજનોને બે-બે લાખની અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












