જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથી હુમલા અચાનક શા માટે વધી ગયા?

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારના શપથગ્રહણ પછી ઉગ્રવાદી હુમલાઓ વધ્યા છે
    • લેેખક, માઝિદ જહાંગીર
    • પદ, બીબીસી સંવાદદાતા

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બન્યા પછીથી ચરમપંથી ઘટનાઓમાં વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરના દિવસોમાં કિશ્તવાડ અને શ્રીનગરમાં એવી ઘણી ઘટનાઓ બની.

ગયા રવિવાર, 10 નવેમ્બરે કિશ્તવાડમાં ચરમપંથીઓ અને ભારતીય સેના વચ્ચે એક અથડામણ થઈ હતી.

તેમાં સેનાના એક અધિકારી શહીદ થયા અને ત્રણ જવાન ઘાયલ થયા હતા. આ વિસ્તારમાં ચરમપંથીઓને શોધવા માટે સોમવારથી સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

ગયા અઠવાડિયે જ કિશ્તવાડના એક ગામમાં ચરમપંથીઓએ વિલેજ ડિફેન્સ ગાર્ડ્ઝ (વીડીજી) સાથે સંકળાયેલા બે લોકોની હત્યા કરી હતી.

લગભગ બે દાયકા પછી શ્રીનગરની ઝબરવાન પહાડીમાં કોઈ ચરમપંથી ઘટના બની છે.

બીજી તરફ, રવિવારે પોલીસે દાવો કર્યો કે, સોપોરમાં થયેલી એક અથડામણમાં પણ એક ચરમપંથીને ઢાળી દેવાયો છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

વધતા જતા ચરમપંથી હુમલા

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હવે હુમલાઓ કાશ્મીર ખીણને બદલે જમ્મુ ક્ષેત્રમાં વધી રહ્યા છે

આ બધા ઘટનાક્રમમાં તાજી બનેલી ઘટના જોઈએ તો, મંગળવાર 12 નવેમ્બરે ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સેના અને ચરમપંથીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ.

ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અથડામણની માહિતી આપી.

ચિનાર કોરે પોસ્ટ મૂકી કે, “…નગ્માર્ગ, બાંદીપોરામાં આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળી. ત્યાર બાદ ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સંયુક્ત અભિયાન શરૂ કર્યું. સુરક્ષાદળોએ જ્યારે તેમને પડકાર્યા ત્યારે તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. આપણા જવાનોએ કટિબદ્ધતા સાથે જવાબી કાર્યવાહી કરી. ઑપરેશન ચાલી રહ્યું છે.”

છેલ્લા એક મહિનામાં કાશ્મીર ખીણમાં ઘણી બધી ચરમપંથી ઘટનાઓ બની છે. તેમાં પંદરથી વધારે લોકો માર્યા ગયા છે. તેમાં પ્રવાસી શ્રમિકો, સૈનિકો અને સ્થાનિક કાશ્મીરી નાગરિકોનો સમાવેશ થાય છે.

વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ અને નવી સરકાર બન્યા બાદથી કાશ્મીર ખીણમાં ચરમપંથની આ ઘટનાઓ બની રહી છે. એવું લાગે છે કે, કાશ્મીરમાં ચરમપંથી ઘટનાઓ ઘટી રહી છે.

જોકે, 2021માં જમ્મુ ક્ષેત્રમાં સતત ચરમપંથની ઘટનાઓ જોવા મળી રહી છે. 1989માં જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથે પગપેસારો કરવાનું શરૂ કર્યું હતું.

આંકડા શું કહે છે?

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

સાઉથ એશિયા ટેરરિઝમ પૉર્ટલ પર ચરમપંથી ઘટનાઓના આંકડા છે. 2020માં જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથ સંબંધિત હત્યાની 140 ઘટના બની હતી.

આ ઘટનાઓમાં 33 સામાન્ય લોકો, 56 સુરક્ષાકર્મી અને 232 ચરમપંથી માર્યા ગયા હતા.

2021માં હત્યાની કુલ 153 ઘટના બની હતી, જેમાં 36 સામાન્ય લોકો, 45 સુરક્ષાકર્મી અને 193 ચરમપંથી માર્યા ગયા હતા.

પૉર્ટલ અનુસાર, આ રીતે 2022માં ચરમપંથ સંબંધિત કુલ 151 ઘટનાઓ જોવા મળી હતી. આ ઘટનાઓમાં 30 સામાન્ય લોકો, 30 સુરક્ષાકર્મી અને 193 ચરમપંથી માર્યા ગયા હતા.

2023માં હત્યાની કુલ 72 ઘટના જોવા મળી. આ ઘટનાઓમાં 12 સામાન્ય લોકો, 33 સુરક્ષાકર્મી અને 87 ચરમપંથી માર્યા ગયા હતા.

જોકે, ચાલુ વર્ષે સાતમી નવેમ્બર સુધીમાં કુલ 58 ઘટનાઓ જોવા મળી છે. આ ઘટનાઓમાં 30 સામાન્ય લોકો, 26 સુરક્ષાકર્મીઓ અને 63 ચરમપંથીઓ માર્યા ગયા છે.

“આતંકવાદ ચોક્કસ ઘટ્યો છે, પરંતુ…”

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ તસવીર ત્રણ નવેમ્બર, 2024ની છે. શ્રીનગરમાં થયેલા ગ્રેનેડ હુમલામાં 10 લોકો ઘાયલ થયા હતા.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસીએ કાશ્મીર ખીણમાં બની રહેલી ઘટનાઓ મુદ્દે સુરક્ષા બાબતોના જાણકાર હોય તેવા કેટલાક લોકો સાથે વાત કરી. તેમના કહેવાનો અર્થ એવો છે કે, ચરમપંથી એ દર્શાવવાની કોશિશ કરી રહ્યા છે કે કાશ્મીરમાં બધું બરાબર નથી.

ભારતીય સેનાના ઉત્તરી કમાનના પૂર્વ જનરલ કમાન્ડિંગ ઑફિસર (જીઓસી) દીપેન્દ્રસિંહ હૂડાએ જણાવ્યું, “આતંકવાદી, સરકારના એ દાવાને ખારિજ કરવા માગે છે કે હવે બધું થાળે પડી ગયું છે. સરકારનું કહેવું છે કે ચૂંટણી થઈ. સરકાર પણ બની ગઈ છે. કાશ્મીરમાં પર્યટકો પણ આવી રહ્યા છે.”

તેમણે કહ્યું, “અત્યારે જે આતંકવાદી ઘટનાઓ બની રહી છે, તેને આ સંદર્ભમાં જોવી જોઈએ. તેના દ્વારા તેઓ સંદેશ આપી રહ્યા છે કે જમ્મુ-કાશ્મીરમાં બધું બરાબર નથી. તેથી આતંકવાદી એવા ટાર્ગેટ પસંદ કરી રહ્યા છે.”

તેઓ કહે છે, “આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓને નિશાન બનાવી રહ્યા છે. શ્રમિકોને મારી રહ્યા છે. વિલેજ ડિફેન્સ ગાર્ડ્ઝને મારી રહ્યા છે.”

હૂડા એવું માને છે કે ચરમપંથની ઘટનાઓ ઘૂસણખોરીને કારણે બની રહી છે.

તેમણે કહ્યું, “જમ્મુમાં આતંકવાદની ઘટનાઓ તાજી ઘૂસણખોરીને કારણે થઈ છે. તાજેતરના દિવસોમાં કાશ્મીરના ગુલમર્ગમાં હુમલો થયો. તે પણ તાજી ઘૂસણખોરીનું પરિણામ છે.”

તેઓ કહે છે, “પાકિસ્તાન પણ એ જણાવવાની કોશિશ કરે છે કે, સ્થિતિ સામાન્ય નથી. આ એક ખાસ પ્રકારનો માહૌલ ઊભો કરવાની કોશિશ છે.”

તેમણે કહ્યું, “આતંકવાદનો અર્થ માત્ર એટલો જ નથી કે ગોળી મારીને કોઈની હત્યા કરી દેવામાં આવે. આ એક સંદેશ આપવાનો મામલો પણ છે. આતંકવાદ આ જ રીતે જીવતો રહે છે.”

તેમણે ધ્યાન દોર્યું કે, “જો આપણે ગયા વર્ષ અને ચાલુ વર્ષની તુલના કરીશું તો એવું નહીં લાગે કે ઘટનાઓ એકાએક વધી ગઈ છે. જોવા જેવી બાબત એ છે કે આતંકવાદી કેવા પ્રકારનાં ટાર્ગેટ પસંદ કરી રહ્યા છે. એટલું જ નહીં, ઘટનાનો સમય પણ ઘણું મહત્ત્વ ધરાવે છે.”

જ્યારે એમને પૂછવામાં આવ્યું કે ચરમપંથની આ ઘટનાઓ અટકતી કેમ નથી?, ત્યારે હૂડાએ કહ્યું, “જો તમે એમ કહેતા હો કે ગ્રાફ ઝીરો સુધી પહોંચી જાય, તો એવું અશક્ય છે.”

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનેક લોકોનું માનવું છે કે ઘૂસણખોરીને કારણે હુમલાઓ વધી રહ્યા છે

તેઓ કહે છે, “જો શ્રીનગરના દરેક ગામમાં સુરક્ષાદળોને તહેનાત કરી દેવાય, તો તે પણ યોગ્ય નથી. તો તો માત્ર વરદીવાળા જ દેખાશે. લોકો એવો સવાલ ઊભો કરશે કે જો પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, તો દરેક જગ્યાએ સુરક્ષાદળોને શા માટે રાખવામાં આવ્યાં છે.”

હૂડા કહે છે, “ચોક્કસ, 2019 પછી આતંકવાદ ઘટ્યો છે, પરંતુ, એવું કહેવું પણ યોગ્ય નથી કે કલમ 370 દરેક બાબતમાં અવરોધક હતી.”

તેઓ કહે છે, “મારી દૃષ્ટિએ, આતંકવાદ ઘટાડવા માટે એક સર્વગ્રાહી દૃષ્ટિકોણ અપનાવવાની જરૂર છે. આતંકવાદને ઘટાડવા માટે ઘણી બાબતો જરૂરી છે. વિકાસની જરૂર છે. કટ્ટરતાને ઘટાડવાની જરૂર છે. સ્થાનિક લોકો સુધી પહોંચ બનાવવાની જરૂર છે.”

નોંધવું જોઈએ કે 5 ઑગસ્ટ 2019એ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી દીધી હતી. તેના કારણે મળેલો વિશેષ દરજ્જો પણ સમાપ્ત થઈ ગયો હતો.

ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા સમયે કેન્દ્ર સરકારે દાવો કર્યો હતો કે ચરમપંથને સમાપ્ત કરવા અને વિકાસના માર્ગો ખોલવા માટે આ એક મોટો અવરોધ હતો.

10 વર્ષ પછી, ચાલુ વર્ષે જ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી છે.

ભારત સરકાર અને સુરક્ષા એજન્સીઓ વારે વારે પાકિસ્તાન પર જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો આરોપ કરતી રહે છે. જોકે, પાકિસ્તાન તે બાબતનો ઇનકાર કરતું રહ્યું છે.

ગયા મહિને જ જમ્મુ-કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાના નેતૃત્વમાં નૅશનલ કૉન્ફરન્સની નવી સરકાર બની છે.

‘પાકિસ્તાન નથી ઇચ્છતું કે શાંતિ સ્થપાય’

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ શેષ પૉલ વેદ ચરમપંથીઓની ઘટનાઓ બાબતે કહે છે, “આ બધું જ ઘૂસણખોરીનું પરિણામ છે. ચૂંટણી પહેલાં જમ્મુ ક્ષેત્રમાં ઘૂસણખોરી થઈ હતી. ત્યાં તેમણે પોતાની હાજરી નોંધાવી હતી.”

તેઓ કહે છે, “કાશ્મીર ક્ષેત્રમાં પણ ઘૂસણખોરી થઈ છે. ત્યાં પણ તેઓ હુમલા કરી રહ્યા છે. બીજી વાત, પાકિસ્તાન નથી ઇચ્છતું કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાય.”

તેમણે કહ્યું, “તેઓ સરકારના એ નૅરેટિવને બદલવા માગે છે છે કે કલમ 370 હટાવ્યા પછી પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. તેઓ દુનિયાને બતાવવા માગે છે કે કાશ્મીરનો મુદ્દો હજુ પણ જીવંત છે.”

તેઓ કહે છે, “પાકિસ્તાની ઇન્ટેલિજન્સ અને સૈન્યતંત્ર છૂપી રીતે આવી બાબતને આગળ વધારી રહ્યાં છે.”

વેદ કહે છે, “ઇન્ટેલિજન્સ એજન્સીઓના કારણે જ આંતકવાદીઓ સુધી પહોંચાય છે. તેમને મારવામાં પણ આવી રહ્યા છે. સરહદે થતી ઘૂસણખોરી રોકવા માટે સેના અને બીએસએફ વચ્ચે ભાગીદારી છે.”

તેઓ કહે છે, “બીજી બાજુ, આતંકવાદીઓએ પણ પોતાની રણનીતિમાં ફેરફાર કર્યો છે. હવે તેઓ મોબાઇલનો ઉપયોગ નથી કરતા. જ્યાં ક્યાંયથી પણ સ્થાનિક મદદ મળે છે, સુરક્ષાદળ અથવા પોલીસ તેમના સુધી પહોંચે છે. એન્કાઉન્ટરમાં તેમનો ખાતમો પણ થાય છે.”

જોકે, ચરમપંથી ઘટનાઓને બાદ કરીએ તો કાશ્મીર ખીણમાં 2019 પછી પથ્થરમારાની ઘટનાઓ બંધ થઈ ગઈ છે. હડતાળોની પરંપરા બંધ થઈ ગઈ છે.

‘આતંકવાદીઓને સૌથી પહેલાં સીમા પારથી રોકવા પડશે’

જમ્મુ-કાશ્મીર, ચરમપંથી હુમલાઓ, જમ્મુ, કાશ્મીર ખીણ, ઉગ્રવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ફારુક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીર પોલીસના પૂર્વ ડીઆઇજી અને લેખક અલી મોહમ્મદ વાટલીએ પૂછ્યું, “તમે મને એ જણાવો કે અહીં આતંકવાદ ખતમ જ ક્યારે થયો હતો? માત્ર એટલું થાય છે કે ક્યારેક તેનો ગ્રાફ ઊંચો જાય છે અને ક્યારેક ઘટે છે.”

તેઓ કહે છે, “કાશ્મીર ખીણમાં છેલ્લા થોડા દિવસથી ઘટનાઓ વધી ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં નવી સરકાર બની તો તે પોતાની હાજરી હોવાનો અહેસાસ કરાવી રહ્યા છે.”

તેમણે કહ્યું, “સરકાર નવી હોય કે જૂની, મને નથી લાગતું કે આ ક્યારેય બંધ થઈ શકે. નવી સરકાર બન્યા પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ઉપરાજ્યપાલનું શાસન હતું. તે શાસનમાં પણ આતંકવાદની ઘટનાઓ બની છે.”

તેઓ કહે છે, “એક મહિના પહેલાં કાશ્મીરમાં શાંતિ હતી. હવે તે તૂટી રહી છે. આ ઘટનાઓ વધી શકે છે. જો એવું કહેવાય છે કે આતંકવાદ પર કાબૂ મેળવી લેવાયો છે, તો એ ખોટું છે. કાબૂ મેળવ્યો તો એને કહેવાય, જ્યારે એક પણ આતંકવાદી ન રહે.”

તેઓ કહે છે, “જે કોઈ આતંકવાદી ઘટનાઓ બની રહી છે, તેને અંજામ આપવામાં સ્થાનિક પણ સામેલ છે અને બહારના પણ.”

ચરમપંથ રોકવાના મુદ્દે તેઓ કહે છે, “પહેલાં તો તેને સીમા પર રોકવો પડશે. સરહદેથી જ આતંકવાદી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસે છે. અહીં પહોંચીને તેઓ પોતાની સાથે બીજા ચાર માણસોને પણ સામેલ કરે છે.”

તેઓ કહે છે, “બીજી વાત એ છે કે, સીમા પારથી હવે ડ્રગ્સની પણ તસ્કરી થાય છે. ચરમપંથ અને ડ્રગ્સનું ઘણું મજબૂત ગઠબંધન છે. જે ડ્રગ્સ લઈને આવે છે, તે હથિયાર લઈને પણ આવે છે.”

જમ્મુ-કાશ્મીરમાં દરેક મોટી ચરમપંથી ઘટના બન્યા પછી સરકાર સુરક્ષાબળોને ચરમપંથના માળખાને નષ્ટ કરવાનો આદેશ આપતી રહી છે.

જમ્મુ ક્ષેત્રમાં 2021થી ફરી એક વાર ચરમપંથની ઘટનાઓ શરૂ થઈ હતી.

જોકે, આ ચરમપંથી ઘટનાઓનું કાર્યક્ષેત્ર જમ્મુનું પીરપંજાલ (પૂંછ-રાજૌરી)નો વિસ્તાર હતો, પરંતુ હવે સમગ્ર જમ્મુ ક્ષેત્ર જ એના સપાટામાં આવી ગયું છે.

રાજનેતાઓ શું કહે છે?

જમ્મુ-કાશ્મીરમાં ચરમપંથની ઘટનાઓમાં અચાનક વધારો થયા બાદ નૅશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ડૉક્ટર ફારૂક અબ્દુલ્લાહે આ હુમલાની તપાસની માગ કરી હતી.

તેમના કહેવાનો અર્થ એ હતો કે, ક્યાંક એવું તો નથી ને કે ઉમર અબ્દુલ્લાહની સરકારને નબળી પાડવાની કોશિશ થઈ રહી છે.

જોકે, ભારતીય જનતા પાર્ટીએ આ ચરમપંથી હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠરાવ્યું છે.

જમ્મુ-કાશ્મીર ભાજપના પૂર્વ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ ફારૂક અબ્દુલ્લાહના ચરમપંથી ઘટનાઓની તપાસની માગણી કરતા નિવેદનની ટીકા કરી છે.

રૈનાએ બીજી નવેમ્બરે કહ્યું હતું, “જ્યારે ફારૂક અબ્દુલ્લાહને ખબર જ છે કે આતંકવાદ પાકિસ્તાનમાંથી આવી રહ્યો છે, તો પછી તેની તપાસ કરાવવાની શી જરૂર છે? દરેકે સેના, પોલીસ અને સુરક્ષાબળોનું સમર્થન કરવું જોઈએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.