ખ્યાતિ હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીઓમાં 'ખોટી રીતે સ્ટૅન્ટ' કેવી રીતે મૂકવામાં આવ્યા, તપાસમાં શું સામે આવ્યું

ખ્યાતિ હૉસ્પિટલનો ફોટો

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, ખ્યાતિ હૉસ્પિટલમાં બે લોકોનાં મૃત્યુ થયાં બાદ હૉસ્પિટલમાં ભેગા થયેલા મૃતકોના પરિવારજનો
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા

ખ્યાતિ હૉસ્પિટલમાં કથિત રીતે ઍન્જિયોપ્લાસ્ટી સર્જરી દરમિયાન બે લોકોનાં મોત થયાં હતાં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર લઈ રહેલા દર્દીઓની સર્જરી કરનાર આરોપી ડૉક્ટર પ્રશાંત વજીરાનીની વસ્ત્રાપુર પોલીસે બુધવારે રાત્રે ધરપકડ કરી લીધી હતી. આ ઉપરાંત ગુજરાત સરકારે ખ્યાતિ હૉસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બ્લૅકલિસ્ટ કરી છે.

મૃતકોના પરિવારજનોએ હૉસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને આખી વાત ચર્ચામાં આવી હતી.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ મામલે કમિટીની રચના કરી હતી. કમિટીના સભ્યોએ રજૂ કરેલા રિપોર્ટમાં હૉસ્પિટલ અને ડૉક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે.

ખ્યાતિ હૉસ્પિટલમાં માલિક, સંચાલકો તેમજ સર્જરી કરનાર ડૉક્ટર સહિત પાંચ લોકો સામે ત્રણ ફરિયાદો નોંધવામાં આવી છે.

બે મૃતકના પરિવારોએ મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ દાખલ કરાવી છે.

ફરિયાદને ઝીરો નંબરથી અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવી છે.

તેમજ સોલા સિવિલ હૉસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓ કમ સિવિલ સર્જન ડૉ પ્રકાશ મહેતાએ સરકાર તરફથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. સમગ્ર મામલાની તપાસ અમદાવાદ ઝોન 1 પોલીસની ટીમ કરી રહી છે.

તપાસ કમિટીએ દર્દીઓના કયા રિપોર્ટ ચકાસ્યા?

ખ્યાતિ હૉસ્પિટલમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓ
ઇમેજ કૅપ્શન, બોરીસણા ગામના મહેશ બારોટ અને 75 વર્ષના નાગજી સેનમાનાં ખ્યાતિ હૉસ્પિટલમાં સર્જરી બાદ મૃત્યુ થયાં હતાં

સરકાર તરફના ફરિયાદી ડૉ.પ્રકાશ મહેતાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર "ખ્યાતિ હૉસ્પિટલકાંડની તપાસ માટે આરોગ્ય વિભાગે સાત નિષ્ણોતોની ટીમ બનાવવામાં આવી હતી. નિષ્ણાતોની ટીમે ખ્યાતિ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા બોરીસણા ગામના 19 દર્દીઓની મેડિકલ ફાઇલ અને રેકૉર્ડ મેળવીને તેની તપાસ કરી હતી."

નિષ્ણોતોની કમિટીએ દર્દીઓના ઍન્જિયોગ્રાફીનો હૉસ્પિટલે તૈયાર કરેલા રિપોર્ટ, દર્દીઓના ઍન્જિયોગ્રાફીના રિપાર્ટની સીડી, દર્દીઓના ઈસીજીના રિપોર્ટ તેમજ દર્દીઓના ઇકોકાર્ડીઓગ્રાફીના રિપોર્ટની તપાસ કરી હતી. તપાસ કમિટીને રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી હતી.

નિષ્ણાતોની ટીમને દર્દીઓના રિપોર્ટમાં શું જોવા મળ્યું?

ખ્યાતિ હૉસ્પિટલ વૉર્ડનો ફોટો

ઇમેજ સ્રોત, PAWAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, ખ્યાતિ હૉસ્પિટલના વૉર્ડનો ફોટો જ્યાં ઍન્જિયોગ્રાફીના રિપોર્ટ બાદ દર્દીઓને રાખવામાં આવ્યા હતા.
  • આ પ્રકારના કેસોમાં ઍન્જિયોગ્રાફી કે ઍન્જિયોપ્લાસ્ટી કરવા માટેનું સ્પષ્ટ કારણ દેખાયું નથી. ખ્યાતિ હૉસ્પિટલે આ દર્દીઓની ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરેલી છે.
  • જે દર્દીઓને સ્ટૅન્ટ મૂકવામાં આવ્યાં છે તે દર્દીના ઍન્જિયોગ્રાફીના હૉસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટના કાગળોમાં અને દર્દીઓના ઍન્જિયોગ્રાફીની સી.ડીમાં વિસંગતતા જોવા મળી હતી. હૉસ્પિટલે રિપોર્ટમાં જે દર્દીઓની ધમનીઓ બ્લૉકેજ બતાવેલ છે તેવું બ્લૉકેજ ઍન્જિયોગ્રાફીની સી.ડીમાં જોવા મળ્યું ન હતું.
  • આ દર્દીઓનાં ઑપરેશન પછીની સારવારમાં સ્ટાન્ડર્ડ મેડિકલ પ્રોટોકૉલ અનુસરવામાં આવેલ નથી.
  • દર્દીઓને દાખલ કરતી વખતે કે ઍન્જિયોગ્રાફી કે ઍન્જિયોપ્લાસ્ટી કરતી વખતે મેડિકલ પ્રોટોકૉલ પ્રમાણે દર્દી કે દર્દીના સગાંના સંમતિપત્ર લેવાયેલા નથી.

રિપોર્ટ અનુસાર હૉસ્પિટલે રિપોર્ટમાં શું લખ્યું હતું અને નિષ્ણાતોને સી.ડી.માં શું જોવા મળ્યું?

  • નિષ્ણાતોની ટીમે મૃતક મહેશભાઈ બારોટના રિપોર્ટ તપાસતા જોવા મળ્યું કે મહેશભાઈને ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી માટેનું કોઈ કારણ ન હતું. તેમના ઍન્જિયોગ્રાફીના હૉસ્પિટલ દ્વારા કાગળ પર તૈયાર કરેલા રિપોર્ટમાં ડાબી ધમનીમાં 80 ટકા બ્લૉકેજ દર્શાવી હતી અને જમણી ધમનીમાં 90 ટકા બ્લૉકેજ દેખાડી હતી. પરતું ઍન્જિયોગ્રાફીની સી.ડી.ના વીડિયોમાં જોતાં તેમની ડાબી ધમનીમાં બ્લૅકેજ જોવા મળ્યું નહોતું. ડાબી ધમની સિવાય તેમની ઓ.એમ. ધમનીમાં અને જમણી ધમની બન્નેમાં 30થી 40 ટકા બ્લૉકેજ હતું. જેમાં ઍન્જિયોપ્લાસ્ટીની જરૂરિયાત ન હતી. પરંતુ PMJAY યોજનાનો લાભ મેળવવા માટે મહેશભાઈની બન્ને ધમનીઓમાં રિપોર્ટમાં 80 ટકા કરતાં વધારે બ્લૉકેજ બતાવવામાં આવ્યું હતું. તેમજ ઍન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ પણ હૉસ્પિટલે બેદરકારી દાખવી હતી.
  • નાગરભાઈ સેનમાના રિપોર્ટ તપાસતા કમિટીને તેમની ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટી કરવાનું કારણ દેખાતું ન હતું.
  • નાગરભાઈ સેનમાની ઍન્જિયોગ્રાફીના હૉસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ડાબી ધમનીના બે ભાગ ( પ્રોક્સિમલ અને મિડ એલ.એ.ડી)માં 90 ટકા બ્લૉકેજ લખ્યું હતું. જ્યારે ઍન્જિયોગ્રાફીની સી.ડી. જોતાં મિડ એલ.એ.ડીમાં 80 ટકા અને પ્રોક્સિમલ ધમનીમાં 50 ટકા બ્લૉકેજ જોવા મળ્યું હતું. ઍન્જિયોગ્રાફીના રિપોર્ટમાં દર્શાવેલ આકૃતિમાં જમણી ધમનીમાં 90 ટકા બ્લૉકેજ દર્શાવેલ પરંતુ ઍન્જિયોગ્રાફીની સીડીમાં જમણી ધમણી બ્લૉક જોવા મળી નથી. દર્દીના હૃદય અને શ્વાસોશ્વાસ બંધ થવાની સ્થિતીમાં આપવામાં આવતી સીપીઆરના નોંધના સમયમાં છેકછાક કરેલ છે. મૃત્યુ સમયે કાર્ડિયોલૉજિસ્ટ હાજર હોય રિપોર્ટમાં તેવી નોંધ નથી.
  • નાગરભાઈ સેનમાની ડાબી ધમનીવાળું સ્ટૅન્ટ મેડિકલ પ્રોટોકૉલ મુજબ બરોબર મૂકેલું છે. જ્યારે જમણી ધમની બ્લૉકેજ ન હોવા છતાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો વધુ લાભ મેળવવા સ્ટૅન્ટ મૂકેલ હોવાનું જોવા મળ્યું હતું.

આરોપીઓની ધરપકડ મામલે પોલીસે શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અમદાવાદના ઝોન એક ડીસીપી હિમાંશુ વર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ખ્યાતિ હૉસ્પિટલ મામલે ત્રણ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જેમાં 2 એફઆઈઆર મૃકતોના પરિવાર દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી."

"ત્યાંથી ઝીરો નંબરથી વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. જ્યારે સરકાર તરફથી કરવામાં આવેલી ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે."

તેમણે વધુમાં જણાવ્યું કે, "આ કેસમાં દર્દીઓની સર્જરી કરનાર આરોપી ડૉક્ટર પ્રશાંત વજીરાનીની વસ્ત્રાપુર પોલીસ દ્વારા બુધવારે રાત્રે ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે આરોપીને કોર્ટમાં હાજર કરવામાં આવશે. અન્ય આરોપીઓની ધરપકડ માટે પોલીસ તપાસ કરી રહી છે."

મૃતકોના પરિવારે ફરિયાદમાં શુ કહ્યું?

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મૃતક મહેશ બારોટના ભાઈ જયરામ બારોટે ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે, "મારા ભાઈની ઉંમર 52 વર્ષની હતી. કોઈ તકલીફ ન હતી તેઓ સ્વસ્થ્ય હતા. તેમને ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હતી. તેમજ તેમને સ્ટૅન્ટ મૂકવાની પણ જરૂર ન હતી. સ્ટૅન્ટ મૂકવામાં આવે તો કોઈ પણ વ્યકિત મૃત્યુ પામી શકે છે તેવું જાણતા હતા."

"તેમ છતાં તેમને ડરાવીને ખોટી રીતે સ્ટૅન્ટ મૂકવામાં આવ્યું હતું. ઑપરેશન માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી, ખોટા ડૉક્યુમેન્ટ બનાવી ઑપરેશન કરી ખ્યાતિ હૉસ્પિટલના માલિક, સીઈઓ, સંચાલક અને ડૉક્ટરએ સરકારની PMJAY યોજનાનો ખોટો આર્થિક લાભ લેવાના ઇરાદે ગુનાહિત કાવતરાનું આયોજન કર્યું હતું. જેમાં મારા ભાઈનું મૃત્યુ થયું હતું."

કડી પોલીસ સ્ટેશનમાં મૃતક મહેશ સેનમાના પુત્ર પ્રકાશ સેનમાએ દાખલ કરેલ ફરિયાદમાં પણ જયરામ બારોટ જેવા જ આક્ષેપ કર્યા છે.

આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની 105 બીએનએસ, 110, 336 (2) ,340(1), 340(2),318, 61 મુજબ ગુનો નોંધાયો છે.

ત્રણેય ફરિયાદમાં પાંચ આરોપીઓ ડૉ પ્રશાંત વજીરાની, પટેલ કાર્તિક, સંજય પટોળીયા, ચિરાગ રાજપૂત, રાજશ્રી પ્રદીપ કોઠારી સામે આરોપ લગાવવામાં આવ્યા છે.

સરકારે નીમેલી નિષ્ણાંતોના કમિટીમાં કોણ કોણ છે?

તપાસ કમિટીમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ડૅપ્યુટી ડાયરેક્ટર ડૉ. યુ.બી ગાંધી, કાર્ડિયોલૉજિસ્ટ ડૉ.ગજેન્દ્ર દુબે, સોલા સિવિલ હૉસ્પિટલના ઇન્ચાર્જ સીડીએમઓ ડૉ. પ્રકાશ મહેતા, સોલા સિવિલના ઍનેસ્થેટિસ્ટ ડૉ. ઇલા પ્રજાપતિ, સોલા સિવિલના મેડીસીન વિભાગનાં ડૉ.હર્ષા જીવરાજાણી, PMJAYના ડૉ.શૈલેષ આનંદ અને સોલા સિવિલના વહિવટી અધિકારી કે.બી પરમાર સામેલ છે.

ખ્યાતિ હૉસ્પિટલ દ્વારા જેમનું ઑપરેશન કરવામાં આવ્યું એવા દર્દીઓની તપાસ માટે તેમને અમદાવાદ ખાતે યુ.એન.મહેતા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.

યુ.એન મહેતા હૉસ્પિટલના ડિરેક્ટર ચિરાગ દોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ખ્યાતિ હૉસ્પિટલમાં ટ્રિટમેન્ટ કરાવનાર દર્દીઓને વસ્ત્રાપુર પોલીસ બુધવારે યુ.એન. મહેતા હૉસ્પિટલમાં ચેકઅપ માટે લઈને આવી હતી. ચેકઅપ માટે આવેલ બધા જ દર્દીઓ સ્ટેબલ હતા.જેથી તેમને જવા દેવામાં આવ્યા હતા."

ઑપરેશન કરનાર ડૉક્ટરની ધરપકડ ઉપરાંત સરકારે ખ્યાતિ હૉસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી બ્લૅકલિસ્ટ કરી છે.

આ મામલે આરોગ્ય સચિવ ધનંજય દ્વિવેદીએ બુધવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, "કમિટીને હૉસ્પિટલને બેદરકારી દાખવી ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું જણાઈ આવતાં ખ્યાતિ હૉસ્પિટલને PMJAY યોજનામાંથી કાયમી બ્લૅકલિસ્ટ કરવામાં આવી છે."

તેમણે કહ્યું કે, "ખ્યાતિ હૉસ્પિટલ સાથે જોડાયેલા ડૉકટરો રાજ્યની અન્ય કોઈ હૉસ્પિટલમાં કામ કરી શકશે નહીં. તેમજ ઘટના સાથે જોડાયેલા ડૉક્ટરો વિરુદ્ધ પગલાં લેવા ગુજરાત મેડિકલ કાઉન્સિલને સૂચન આપવામાં આવશે."

સાથે જ ધનંજય દ્વિવેદી અનુસાર હૉસ્પિટલના માલિક, ટ્રસ્ટી અન્ય હૉસ્પિટલ સાથે સંલગ્ન હશે તો તે હૉસ્પિટલની PMJAYની માન્યતા ચકાસી તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.