અમદાવાદ : ખ્યાતિ હૉસ્પિટલકાંડ જેવી ઘટનાઓમાં ડૉક્ટરનું લાઇસન્સ કોણ અને કેવી રીતે રદ કરી શકે?

ઇમેજ સ્રોત, PAWAN JAISHWAL
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
અમદાવાદમાં આવેલી ખ્યાતિ હૉસ્પિટલમાં બે દર્દીનાં મૃત્યુ થયાં હતાં. આ કેસમાં પરિવાર અને સરકારની ફરિયાદ બાદ પોલીસે ઑપરેશન કરનાર ડૉક્ટરની ધરપકડ કરી છે.
આરોપી તબીબને કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બુધવારે આરોગ્ય અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રેસ-કૉન્ફરન્સ કરીને હૉસ્પિટલ અને ડૉક્ટરની કથિત બેદરકારી અને તેમની સામે લીધેલાં પગલાં વિશે માહિતી આપી હતી.
દ્વિવેદીએ આ પત્રકારપરિષદમાં જણાવ્યું હતું કે આ ઘટના સાથે સંકળાયેલા ડૉક્ટર વિરુદ્ધ જરૂરી પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને સૂચના આપવામાં આવશે.
આ અહેવાલમાં જાણીએ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ શું છે? સામાન્ય રીતે સમાચારમાં જ્વલ્લે જ દેખાતી આ કાઉન્સિલ પાસે શું સત્તા હોય છે? તેમજ જીએમસી કયા સંજોગોમાં ડૉક્ટરોનાં લાઇસન્સ રદ કરી શકે છે?
ડૉક્ટરો સામે બેદરકારીની ફરિયાદ ક્યાં થાય અને કોણ કરી શકે?

ઇમેજ સ્રોત, Getty Images
દરેક રાજ્યોમાં મેડિકલ કાઉન્સિલનું માળખું હોય છે. રાજ્ય સરકાર દ્વારા ઘડવામાં આવેલા ગુજરાત મેડિકલ કાઉન્સિલના કાયદા અનુસાર આ સમિતિ કામ કરે છે.
ડૉકટરો દ્વારા ટ્રીટમેન્ટમાં કોઈ બેદરકારી થઈ છે એવું દર્દી કે તેના સગાંસબંધીઓને લાગે તો તેઓ વ્યક્તિગત રીતે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી શકે છે.
જો કોઈ કેસમાં સરકારને ડૉક્ટરોની બેદરકારી જણાઈ આવે, તો સરકારનું આરોગ્યતંત્ર પણ મેડિકલ કાઉન્સિલને બેદરકારી દાખવનાર ડૉક્ટર સામે તપાસ કરવાની સૂચના આપી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સિવાય કોઈ કેસમાં જરૂર જણાય તો મેડિકલ કાઉન્સિલ પોતે પણ સુઓ-મોટો નોંધ લઈને નોટિસ મોકલી શકે છે. ડૉક્ટરોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ કરવાની સત્તા મેડિકલ કાઉન્સિલ પાસે હોય છે.
ડૉક્ટરોનાં લાઇસન્સ રદ કરવાં કે સસ્પેન્ડ કરવાં અંગે પગલા લેવા માટે સરકાર પણ કાઉન્સિલને સૂચન કરી શકે છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં કેવી રીતે ફરિયાદ કરી શકાય?

ઇમેજ સ્રોત, gmcgujarat.org
ડૉ. ચેતન પટેલ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં માનદ રજિસ્ટાર છે. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "કોઈ પણ દર્દીને પોતાની કે તેમના સંબંધીની ટ્રીટમેન્ટમાં ડૉક્ટર વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય, તો તે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરી શકે છે."
"ફરિયાદીએ ગુજરાત મેડિકલ કાઉન્સિલની વેબસાઇટ પર આપવામાં આવેલા ચોક્કસ માળખા અનુસાર ફરિયાદ કરવાની હોય છે."
"મેડિકલ કાઉન્સિલની એક્ઝિક્યુટિવ બૉડી દ્વારા ફરિયાદીને બોલાવીને તેમના પ્રશ્નોને સાંભળવામાં આવે છે. તેમજ તેમની પાસેથી જરૂરી ડૉક્યુમેન્ટ્સ પણ માગવામાં આવે છે."
"ત્યારબાદ જે ડૉક્ટરની સામે ફરિયાદ હોય તેમને બોલાવીને સાંભળવામાં આવે છે."
ડૉ. ચેતન પટેલે વધુમાં જણાવ્યું, "દર્દીઓના સગાએ પોતાના સ્વજન ગુમાવ્યા હોય એટલે ક્યારેક તેમને ડૉક્ટરનો વાંક લાગતો હોય, પરંતુ દરેક કેસમાં ડૉક્ટરનો વાંક હોય તેવું નથી."
"દર્દીના સગા ક્યારેક સાચા પણ હોય છે. અમે દર્દી કે તેના સગા દ્વારા આપવામાં આવેલી ફરિયાદને વૈજ્ઞાનિક ઢબે તપાસીને નિર્ણય કરતા હોઈએ છીએ. જો ડૉક્ટરની ભૂલ હોય, તો તેને સજા અને દંડ કરવામાં આવે છે."
બેદરકારી બદલ ડૉક્ટરોને સજા કેવી રીતે નક્કી કરવામાં આવે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં 19 મેમ્બરની સમિતિ છે, જેમાંથી 6 સભ્યની એક્ઝિક્યુટિવ કમિટી બનાવવામાં આવે છે.
ફરિયાદી તેમજ જેની પર આરોપ લાગે તે બન્ને પક્ષકારોને કમિટી દ્વારા સાંભળવામાં આવે છે.
ડૉક્ટરોની સજા અંગે વાત કરતા ડૉ. ચેતન પટેલ જણાવે છે, “ડૉક્ટરની બેદરકારી કયા પ્રકારની છે અને કેટલી ગંભીર છે તેને આધારે તેની સજા નક્કી કરવામાં આવે છે."
"જેમ કે, પીએનડીટી ઍક્ટ અનુસાર, જો કોઈ ડૉક્ટર ગર્ભપરીક્ષણ કરતા પકડાય, તો તેને પાંચ વર્ષ સુધી સજા થાય. જેમાં તેમનું લાઇસન્સ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે."
"આ ઍક્ટમાં જોગવાઈ છે કે સગર્ભા મહિલાઓની સોનોગ્રાફીને લગતા ડૉક્યુમેન્ટ ઑથૉરિટીને જમા કરાવવાના હોય છે. પરંતુ જો કોઈ ડૉક્ટર દ્વારા તેમાં બેદરકારી દાખવી હોય, તો આવા કિસ્સામાં માત્ર ઠપકો આપીને પણ જવા દેવામાં આવતા હોય છે."
ડૉ. પટેલ વધુમાં જણાવે છે, "કમિટીને લાગે કે કેસ ગંભીર છે અને અંતિમ તારણ પર પહોંચવું અઘરું છે, તો જે-તે કેસની તપાસ માટે નિષ્ણાતોની સમિતિ રચી શકે છે. જે જીએમસીની કમિટીને રિપોર્ટ સોંપે છે. જેના આધારે સજા નક્કી કરવામાં આવે છે."
"એક્ઝિક્યુટિવ બૉડી દ્વારા નક્કી કરવામાં આવેલી સજાને ગુજરાત મેડિકલ કાઉન્સિલના બોર્ડમાં રજૂ કરવામાં આવે છે. જેમાં બોર્ડના મૅમ્બરને સજા અંગે ચર્ચા કરવામાં આવે છે. તેને કોઈક રેર કિસ્સામાં કાઉન્સિલના બોર્ડને કોઈ સજા અંગે લાગે તો બહુમતીના આધારે બદલવામાં પણ આવે છે."
"ગુજરાત કાઉન્સિલનો નિર્ણય સામે અસંતોષ જણાય, તો ડૉક્ટર અથવા દર્દી કે તેના જે સગાએ ફરિયાદ કરી હોય તે નૅશનલ મેડિકલ કાઉન્સિલમાં અપીલ કરી શકે છે."
"કોઈ ડૉક્ટર ગુનેગાર સાબિત થાય તો તેના ગુનાની ગંભીરતાને આધારે સમય નક્કી કરીને તેટલા સમય માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે."
ડૉ. ચિરાગ જણાવે છે, “સામાન્ય રીતે કોઈ ડૉક્ટરનું લાઇસન્સ આજીવન સસ્પેન્ડ કરવામાં આવતું નથી. મેડિકલ પ્રૅક્ટિસ એ એના જીવનનિર્વાહનું સાધન છે.”
જોકે, જીએમસીના કાયદા જો કાઉન્સિલને યોગ્ય લાગે, તો આજીવન માટે ડૉક્ટરનું લાઇસન્સ રદ કરી શકાય છે.
ડૉ. ચિરાગ જણાવે છે, “જો કોઈ કેસમાં ડૉક્ટરને કોર્ટ દ્વારા આજીવન કેદની સજા કરવામાં આવી હોય તેવા કેસમાં તબીબ જેટલો સમય સુધી જેલમાં હોય, તેટલા સમય માટે એમનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે."
કેટલા કેસોમાં ડૉક્ટરોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત મેડિકલ કાઉન્સિલની વહીવટી ઑફિસમાંથી મળતી માહિતી અનુસાર, ગુજરાત રાજ્યમાં વર્ષ 2023માં પાંચ કેસમાં ડૉક્ટરોની બેદરકારી સામે આવતા લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
વર્ષ 2024માં મેડિકલ બેદરકારી બદલ 3 ડૉક્ટરોનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
જીએમસી દ્વારા છેલ્લે રાજકોટના ડૉક્ટરનું લાઇસન્સ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. રાજકોટના કેસમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા સુઆમોટો લેવામાં આવી હતી.
આ કેસમાં રાજકોટનાં જન્મેલાં બાળકોને રિપોર્ટમાં ચેડાં કરીને નવજાત શિશુઓને લાંબા સમય સુધી દાખલ રાખીને ક્લેઇમના પૈસા પડાવતા હોવાનું ધ્યાનમાં આવતા ફરિયાદ થઈ હતી.
અમદાવાદ જિલ્લાના એક ગામમાં લાઇસન્સધારક ડૉક્ટરના બદલે તેમના ક્લિનિકમાં અન્ય કોઈ ડિગ્રી વગરની વ્યક્તિ પ્રૅક્ટિસ કરી રહી હતી. આ કેસમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડૉક્ટરનું લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
ડૉ. ચિરાગ જણાવે છે કે “મહેસાણા જિલ્લાના એક કેસમાં ડૉક્ટર આંખના ઑપરેશનમાં ભૂલ કરી હોવાનું સાબિત થયું હતું. તે કેસમાં કાઉન્સિલ દ્વારા એક વર્ષ માટે તબીબનું ઑપરેશન કરવાનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. આ કિસ્સામાં ડૉક્ટર તેની એમબીબીએસ તરીકેની પ્રૅક્ટિસ કરી શકે છે.”
“તાજેતરમાં રાજકોટના એક કેસમાં ડૉક્ટરનું લાઇસન્સ એક વર્ષ માટે રદ કરવામાં આવ્યું હતું. રાજકોટની એક હૉસ્પિટલમાં ડિલિવરી સમયે ત્રણ મહિલાઓનાં મૃત્યુ થયાં હતાં. માતા મૃત્યુને સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવે છે. આ કેસમાં ડૉક્ટરની બેદરકારી જણાઈ આવતા લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે.”
ખ્યાતિ હૉસ્પિટલ કેસમાં ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડૉક્ટરોને શું નોટિસ આપી?

ઇમેજ સ્રોત, PAWAN JAISHWAL
ડૉ. ચિરાગ પટેલ જણાવે છે, “ગંભીર પ્રકારના કેસોમાં મેડિકલ કાઉન્સિલ દ્વારા સુઓમોટો નોંધ પણ લેવામાં આવતી હોય છે. ખ્યાતિ હૉસ્પિટલ મામલે કાઉન્સિલ દ્વારા સુઓમોટો નોંધ લેવામાં આવી છે."
"જીએમસીએ હૉસ્પિટલ માલિક, સંચાલકો તેમજ ઑપરેશન કરનાર ડૉક્ટરને નોટિસ પાઠવી છે.”
જીએમસી દ્વારા ખ્યાતિ હૉસ્પિટલના પાંચ લોકોને નોટિસ પાઠવાઈ છે. જેમાં ડૉ. પ્રશાંત વઝીરાણી, ડૉ. સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને સીઈઓ ચિરાગ રાજપૂતનો સમાવેશ થાય છે.
12 નવેમ્બરના રોજ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પાઠવાયેલી નોટિસમાં ઉલેખ્ખ કરવામાં આવ્યો છે કે કાઉન્સિલને આ ઘટના અંગેની વિગત સમાચારોના માધ્યમથી મળી હતી.
નોટિસમાં જણાવ્યું છે કે કડીના બોરીસણા ગામના દર્દીઓને આપની હૉસ્પિટલ ખાતે લાવી આપના દ્વારા પરિવારજનોની જાણ બહાર જ 19 લોકોની ઍન્જિયોગ્રાફી અને એમાંથી 7 લોકોની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલ છે. જેમાંથી બે દર્દીઓનાં મૃત્યુ થયાં છે. 5 દર્દીઓ આઈસીયુમાં (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ) દાખલ છે. આ બાબતે જરૂરી વિગતવાર ખુલાસો, દર્દીઓની સારવારના તમામ કાગળો, દસ્તાવેજો, રિપોર્ટ તેમજ અન્ય પુરાવા સાત દિવસમાં મોકલી આપવા.
આ સિવાય ખ્યાતિ હૉસ્પિટલની નોંધણી, રજિસ્ટ્રેશન ડીડ, માલિકનું નામ, સી-ફૉર્મ તથા હૉસ્પિટલમાં કામ કરતા ડૉક્ટરોના તમામ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટોની નકલ પણ મંગાવવામાં આવી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













