અમદાવાદ : લક્ઝુરિયસ કાર મૉડીફાય કરી અને 'હત્યારો કૉન્સ્ટેબલ' પંજાબથી કેવી રીતે પકડાયો?

બોપલ, માઇકા વિદ્યાર્થી મર્ડર કેસ, અમદાવાદ પોલીસ, વીરેન્દ્રસિંહ પઢેરિયા, પ્રિયાંશુ જૈન

ઇમેજ સ્રોત, Bhargav Parkikh/Social Media

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આરોપી વીરેન્દ્રસિંહ પઢેરિયા અને મૃતક પ્રિયાંશુ જૈન
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં 10 નવેમ્બર (ગત રવિવારે) રાતે સાડા દસ વાગ્યા આસપાસ પૂરપાટ ઝડપે આવતી કાળી કારના ચાલકને માઈકાના બે વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી.

પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, ચાલક ગાડીમાંથી ઊતર્યો અને છરી મારીને ગુજરાતમાં ભણવા આવેલા પરપ્રાંતીય યુવાનની હત્યા કરી નાખી હતી.

અમદાવાદ પોલીસે કેસની શરૂઆતમાં સીસીટીવી, ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ જેવાં પરંપરાગત માધ્યમો દ્વારા માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ નક્કર માહિતી મળી ન હતી, એટલે આ 'બ્લાઇન્ડ કેસ' હતો.

એવામાં એક મહત્ત્વપૂર્ણ બાબત તરફ પોલીસનું ધ્યાન ગયું અને તેના આધારે તપાસ હાથ ધરી. કૉન્સ્ટેબલ જ હત્યામાં સંદિગ્ધ હોઈ તેને પોલીસની તપાસપદ્ધતિ વિશે અંદાજ હતો. છતાં પગેરું દાબતા અમદાવાદ પોલીસ પંજાબ પહોંચી હતી અને સંગરુર ખાતે મિત્રના ઘરેથી આરોપી તથા તેના મિત્રની ધરપકડ કરી હતી.

હત્યાના આરોપી વીરેન્દ્રસિંહને શુક્રવારે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે, આ દરમિયાન આરોપીના રિમાન્ડની માગ કરવામાં આવશે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

કેવી રીતે ઉત્તર પ્રદેશના પ્રિયાંશુ જૈનની હત્યા કરાઈ?

બોપલ, માઇકા વિદ્યાર્થી મર્ડર કેસ, અમદાવાદ પોલીસ, વીરેન્દ્રસિંહ પઢેરિયા, પ્રિયાંશુ જૈન

ઇમેજ સ્રોત, X/AhmedabadPolice

ઇમેજ કૅપ્શન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આરોપી વીરેન્દ્રસિંહ પઢેરિયા

ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી પ્રિયાંશુ જૈન (ઉં.વ. 23) અમદાવાદની પ્રતિષ્ઠિત માઈકામાં (મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન, અમદાવાદ) એમબીએનો અભ્યાસ કરતા હતા.

પ્રિયાંશુ પરિવાર સાથે દિવાળી વૅકેશન ગાળીને અમદાવાદ પરત ફર્યા હતા. અહીં તેમણે કૉલેજના ફંકશન માટે શૂટ સિવડાવવા આપ્યો હતો.

પ્રિયાંશુના મિત્ર પૃથ્વીરાજ મહાપાત્રાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "પ્રિયાંશુ પર દરજીનો ફોન આવ્યો હતો એટલે અમે ટ્રાયલ આપવા માટે ગયા હતા. ત્યાંથી કૅક લઈને પરત આવી રહ્યા હતા, ત્યારે એક કાળા રંગની કાર પૂરપાટ આવી હતી."

"પ્રિયાંશુએ તેને 'ધીરે સે ચલા' કહ્યું અને અમે જતા રહ્યા. અમે 200 મીટર આગળ ગયા હોઈશું અને કાર પરત આવી તથા અમને રોક્યા. અમે કંઈ સમજીએ તે પહેલાં ઝઘડો કરીને કારચાલકે મારવાનું શરૂ કર્યું. એ પછી એણે કારમાંથી બે છરી કાઢી અને ઉપરાઉપરી ઘા માર્યા."

જેસીપી શરદ સિંઘલના કહેવા પ્રમાણે, પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી વીરેન્દ્રસિંહે કહ્યું હતું કે તેમને ગાળ આપવામાં આવી હતી એટલે તેઓ વિદ્યાર્થીઓ પાછળ ગયા હતા.

કેટલાક લોકો ત્યાંથી પસાર થયા હતા, પરંતુ મદદ માટે ઊભા નહોતા રહ્યા. છેવટે એક મહિલાએ કારને અટકાવી હતી અને પ્રિયાંશુને હૉસ્પિટલે લઈ જવામાં મદદ કરી હતી. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

પૃથ્વીરાજે પોલીસને જણાવ્યું હતું કે કાળા રંગની ગાડી હતી, જેના પર નંબરપ્લૅટ ન હતી તથા ચાલક બૉડીબિલ્ડર હોય એવું લાગતું હતું.

બ્લાઇન્ડ કેસમાં પોલીસે કેવી રીતે તપાસ શરૂ કરી?

બોપલ રોડ, માઇકા વિદ્યાર્થી મર્ડર કેસ, અમદાવાદ પોલીસ, વિરેન્દ્રસિંહ પઢેરિયા, પ્રિયાંશુ જૈન, પૃથ્વીરાજ મહાપાત્રા, શરદ સિંઘલ, અજિત રાજિયન

ઇમેજ સ્રોત, Social Media

ઇમેજ કૅપ્શન, પ્રિયાંશુ જૈનની અમદાવાદમાં બોપલ વિસ્તારમાં હત્યા કરાઈ હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદ રૂરલ પોલીસમાં આ કેસ નોંધાયો, ત્યારે આરોપી વિશે કોઈ માહિતી કે કારનો નંબર નહોતો, માત્ર 'કાળી કાર'ના ચાલકે હત્યા કરી હોવાની માહિતી હતી.

અમદાવાદ રૂરલ પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ ઓમપ્રકાશ જાટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ ઘટનાને નજરે જોનાર પ્રિયાંશુના મિત્ર મહાપાત્રની મદદથી અમે આરોપીનો સ્કૅચ બનાવડાવ્યો, જેમાં આરોપીના કાનમાં બુટ્ટીઓ હતી."

એસ.પી. ઓમપ્રકાશ જાટ ઉમેરે છે કે આ કેસની તપાસમાં એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) તથા એસઓજીની (સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપ) ટીમો પણ જોડાઈ હતી. આ ત્રણેય ટીમોને જેસીપી (જૉઇન્ટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) શરદ સિંઘલે લીડ કરી હતી.

જેસીપી સિંઘલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "કેસ બ્લાઇન્ડ હતો. આમ છતાં અમે એ રસ્તાના સીસીટીવી (ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન) ફરી ધ્યાનથી જોયા, તો કાળા રંગની બે ક્રૅટા તથા એક હૅરિયર કાર નજરે પડી."

"બંને ક્રૅટા કાર પર નંબરપ્લૅટ હતી એટલે અમે હૅરિયર કાર પર ફોકસ કર્યું. આરટીઓમાંથી છેલ્લા ચાર મહિનામાં ખરીદાયેલી તમામ હૅરિયર કારની વિગતો ભેગી મંગાવી."

આ રીતે પોલીસને તાજેતરમાં 566 જેટલી હૅરિયર ગાડીઓ નોંધાઈ હોવાની માહિતી મળી હતી. આંકડો મોટો હોવા છતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

13 ટીમ, એક મિશન

વીડિયો કૅપ્શન, ડિજિટલ એરેસ્ટ કેવી રીતે થાય છે અને તેનાથી કેવી રીતે બચવું?

પોલીસે કેસને ઉકેલવા માટે અલગ-અલગ 13 ટીમ બનાવી હતી. અકસ્માતસ્થળે સક્રિય મોબાઇલ નંબરની તપાસ કરવી, નવી નોંધાયેલી 566 હૅરિયર ગાડીઓની મૂવમૅન્ટ અને કઈ ગાડી પર નંબર નથી, શું કોઈ હૅરિયર ગાડી ગૅરેજમાં રિપૅર માટે આવી છે કે કેમ? વગેરે પાસાંથી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજિત રાજિયને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "હૅરિયર કાર અમારી શંકાના દાયરામાં હતી, કારને મૉડિફાય કરીને સિલ્વર કલરની ગ્રીલ નખાવેલી હતી. આ ક્લૂ (સગડ) અમારા માટે મહત્ત્વપૂર્ણ હતી."

"અમે હૅરિયર કારને મૉડિફાય કરાવનારાઓને શોધ્યા, તો અમારા આશ્ચર્યની વચ્ચે સરખેજ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલ વીરેન્દ્રસિંહ પઢેરિયા (ઉં.વ. 37) હતા. અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લીધો તો માલૂમ પડ્યું કે વીરેન્દ્રસિંહના નામ પર કોઈ કાર ન હતી. એ પરિચિતના નામે કાર ખરીદાઈ હતી."

બોપલ રોડ, માઇકા વિદ્યાર્થી મર્ડર કેસ, અમદાવાદ પોલીસ, વિરેન્દ્રસિંહ પઢેરિયા, પ્રિયાંશુ જૈન, પૃથ્વીરાજ મહાપાત્રા, શરદ સિંઘલ, અજિત રાજિયન

ઇમેજ સ્રોત, Ahmedabad Police

ઇમેજ કૅપ્શન, પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલો આરોપીનો સ્કૅચ

"વીરેન્દ્રસિંહ કારનો શોખ હોઈ હૅરિયર કારને મૉડિફાય કરીને ચલાવતા હતા. અમારા ટેકનિકલ સર્વેલન્સમાં બનાવના દિવસે વીરેન્દ્રસિંહનો ફોનનંબર ઘટનાસ્થળે ઍક્ટિવ હોવાનું જણાયું હતું. અમે તપાસ કરી તો માલૂમ પડ્યું હતું કે તેઓ 28 ઑક્ટોબરથી માંદગીની રજા પર હતા."

"અમે વીરેન્દ્રસિંહના ફોનની મૂવમૅન્ટ જોઈ તો ફોન ઘરે હોવાનું દેખાતું હતું. તેનો ક્યાંય ઉપયોગ થયો ન હતો. તા. 10ની રાત્રે (બનાવના દિવસે) માત્ર બે ફોન થયા હતા. જેમાંથી એક વીરેન્દ્રસિંહના સગા હતા અને બીજો ફોન ટ્રાવેલ્સવાળાને કર્યો હતો."

"ત્યારબાદ કોઈ ફોન થયા ન હતા. હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરી તો તે ઘરે ન હતા. 'વૈષ્ણોદેવી દર્શન કરવા જઉં છું,' કહીને વીરેન્દ્રસિંહ ઘરેથી નીકળ્યા હતા."

વીરેન્દ્રસિંહે બેમાંથી એક કોલ ટ્રાવેલ્સ કંપનીના માલિકને કર્યો હતો અને ગુજરાતમાંથી બહાર નીકળવા માટેનો તખતો ઘડ્યો હતો.

પોલીસમૅનના પકડથી બચવા પ્રયાસ

બોપલ રોડ, માઇકા વિદ્યાર્થી મર્ડર કેસ, અમદાવાદ પોલીસ, વિરેન્દ્રસિંહ પઢેરિયા, પ્રિયાંશુ જૈન, પૃથ્વીરાજ મહાપાત્રા, શરદ સિંઘલ, અજિત રાજિયન

ઇમેજ સ્રોત, Bhargav Parkikh

ઇમેજ કૅપ્શન, રિકન્સ્ટ્રક્શન સમયે પોલીસ કસ્ટડીમાં આરોપી વીરેન્દ્રસિંહ

ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ કહે છે, "અમે ટ્રાવેલ્સવાળાની પૂછપરછ કરી, તો એણે કહ્યું કે વીરેન્દ્રસિંહ એમના પરિચિત હોવાની તથા પંજાબ જવા માટે કાર ભાડે લીધી હોવાની વાત કહી હતી."

"ડ્રાઇવરના ફોનનું લૉકેશન શોધ્યું તો એ રાજસ્થાન થઈ પંજાબ તરફ મૂવમૅન્ટ કરતો જણાયો હતો. એની સાથે અમદાવાદનો જ બીજો મોબાઇલ નંબર મૂવમૅન્ટ કરતો દેખાતો હતો. ડ્રાઇવર સિવાયનો નંબર સોશિયલ મીડિયા પર ઍક્ટિવ હતો અને વારંવાર સમાચાર સર્ફ કરતો હતો."

તપાસનો આગળનો ઘટનાક્રમ વર્ણવતા જેસીપી સિંઘલ કહે છે, "અમારી એક ટીમ તાત્કાલિક પંજાબ જવા રવાના થઈ ગઈ. અમે દરેક ટોલનાકાને ગુજરાત પાસિંગની ઇનોવા કારનો નંબર મોકલતા હતા."

"એક ટોલનાકા પરથી એ કારમાં બેઠેલા માણસનો ક્લિયર ફોટો મળ્યો. અમારા સ્કૅચ મુજબ આરોપીએ કાનમાં કડી, પહેરેલી હતી, જયારે અમારી પાસે આવેલા ફોટામાં કાનમાં કડી પહેરેલી ન હતી."

સિંઘલ કહે છે કે એ સમયે તપાસનીશ ટીમના એક પોલીસકર્મીએ જણાવ્યું હતું કે બાવળાની આસપાસના કેટલાક સમાજના પુરુષોમાં કાનમાં કડી પહરેવાનો રિવાજ છે. એટલે અમારી શંકા પાક્કી થઈ હતી. અમે પંજાબ સુધી પીછો કર્યો અને મિત્રની સાથે પકડીને અમદાવાદ લાવ્યા છીએ.

ડીસીપી રાજિયનના કહેવા પ્રમાણે, "આરોપી પોલીસમૅન હોવાથી પોલીસ દ્વારા ગુનેગારોને કેવી રીતે પકડવામાં આવે છે તેના વિશે ખબર હતી. એટલે જ હૅરિયર ગાડી મૂકીને બીજી ગાડી લીધી. પોતાનો ફોન ઘરે મૂક્યો, જેથી એને ટ્રૅસ કરવામાં આવે ત્યારે પોલીસને શંકા ન જાય."

ડીસીપી રાજિયન ઉમેરે છે કે હૅરિયર ગાડીમાં મૉડિફિકેશન કરવામાં આવ્યા હતા, જેના કારણે પોલીસ આરોપી સુધી પહોંચી હતી.

વીરેન્દ્રસિંહે ચાકુ ક્યાંથી ખરીદ્યાં, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર ક્યાં છુપાવી હતી, શું આ કેસમાં અન્ય કોઈ શખ્સોએ મદદ કરી છે, શું બનાવ સમયે આરોપીએ નશો કર્યો હતો વગેરે જેવા મુદ્દે તપાસ હાથ ધરી છે.

કોણ છે વીરેન્દ્રસિંહ પઢેરિયા?

વીડિયો કૅપ્શન, Surendranagar માં પ્રેમસંબંધ બાદ જન્મેલી બાળકીને માતાએ દાટી દીધી, કઈ રીતે ખુલાસો થયો?

આરોપી વીરેન્દ્રસિંહ બાવળા તાલુકાના અડોદરા ગામના વતની છે. તેમણે લોકરક્ષક દળના કર્મી તરીકે કારકિર્દી શરૂ કરીને ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી.

ઓડેદરા ગામના રહીશ અને વીરેન્દ્રસિંહના પરિવારજન એમ. કે. લિંબોલાના કહેવા પ્રમાણે, "વીરેન્દ્રસિંહ લોકરક્ષક દળમાં હતો ત્યારે સૅટેલાઇટ પોલીસ સ્ટેશનને ગુના ઉકેલવા માટે ઘણી માહિતી લાવી આપતો, જેથી તે અમદાવાદના અધિકારીઓનો માનીતો થઈ ગયો હતો."

"આ દરમિયાન ફરિયાદોને કારણે તેની અમદાવાદ પોલીસ હૅડક્વાર્ટરમાં પોલીસવાન કૉન્સ્ટેબલ તરીકે બદલી થઈ હતી. કેટલાક સિનિયર અધિકારીઓ સાથે સારા સંબંધ હતા એટલે ફરી સૅટેલાઇટ પોલીસ સ્ટેશનમાં જોડાયો હતો."

વીરેન્દ્રસિંહને વર્ષ 2017માં નકલી કૉલ સેન્ટર ચલાવવાના આરોપ સબબ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ અંગે જેસીપી સિંઘલે કહ્યું, "વીરેન્દ્રસિંહનું વર્ષ 2017માં નકલી કૉલ સેન્ટર ચલાવવાના આરોપસર તથા વર્ષ 2022માં ઉપરી અધિકારી સાથે ગેરવર્તણૂક મુદ્દે સસ્પેન્સન થયું હતું."

બે વખત સસ્પેન્ડ થયેલા પોલીસમૅન દ્વારા છરી મારીને યુવકની હત્યા અને પછી પકડાવાના ઘટનાક્રમ વિશે જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, "ક્ષણિક આવેશમાં આવીને ખૂને કર્યા પછી નહીં પકડાય તેનો ઑવરકૉન્ફિડન્સ તેને હોય એમ જણાય છે, કારણ કે તે પોલીસની ગુનો શોધવાની પદ્ધતિથી વાકેફ હોય છે."

ભીમાણી ઉમેરે છે કે પોલીસ કઈ દિશામાં ઇન્વેસ્ટિગેશન કરશે તેના વિશે અંદાજ હોવાથી પોતાની કાર મૂકીને ભાડાની કાર લેવી, ફોનના લૉકેશનના આધારે પકડાય ન જવાય તે માટે બીજો ફોન લેવો, કાનની કડીઓ કાઢી નાખી વગેરે જેવા બચાવ માટેના ઉપાયો અજમાવ્યા હતા.

અમદાવાદ પોલીસ ગુરુવારે સવારે આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાવડાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.