એ ગુજરાતી કવિ જેમણે 'મૃત્યુનું ગીત' લખ્યું અને આત્મકથા લખીને જાતે ફાડી નાખી

ઇમેજ સ્રોત, Mahesh Sparsh
- લેેખક, પાર્થ પંડ્યા
- પદ, બીબીસી ગુજરાતી માટે
'મારી આંખે કંકુનાં સૂરજ આથમ્યાં...
મારી વે'લ શંગારો વીરા, શગને સંકોરો'
એ દિવસે રાવજીએ થોડા દિવસો પહેલાં જ રચેલું આ ગીત ફરીથી યાદ કરીને પોતાના ભાઈ રમણને લખાવ્યું હતું.
રાવજી આછી હાંફ વચ્ચેય લગ્નગીતના લયમાં ગાવા મથતા હતા અને ભાઈ લખી રહ્યા હતા.
ગુજરાતી ભાષાના કવિ રાવજી પટેલ જે ગીતને લગ્નગીતમાં ગાવા માટે મથતા હતા એ 'મૃત્યુ ગીત' હતું.
કોઈ વળી મૃત્યુગીતને લગ્નગીતના ઢાળમાં લખે અને એ પણ એ વખતે જ્યારે તેમને ખબર હોય કે તેઓ હવે લાંબું જીવી શકવાના નથી.
એવું તો રાવજીના જીવનમાં શું હતું કે તેના મૃત્યુથી 'મોત પોતે અનાથ થયું' હતું? કોણ હતા એ રાવજી, જેમણે 'મૃત્યુગીત'ને લગ્નગીતમાં ઢાળ્યું હતું.
પીડાને પ્રેમ તરીકે સ્વીકારનાર રાવજી

ઇમેજ સ્રોત, facebook/Shakeel Kadari
રાવજી ગુજરાતી ભાષાના કવિ ઉપરાંત વાર્તાકાર અને નવલકથાકાર પણ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનું વતન વલ્લવપુરા ડાકોર પાસે આવેલું છે. 1939માં 15 નવેમ્બરે જન્મ થયો અને 10 ઑગસ્ટ 1968માં તેમનું અવસાન થયું હતું.
રાવજી માત્ર અઠ્ઠાવીસ વર્ષ જેટલું જીવી શક્યા અને એ દરમિયાન તેમણે નવલકથા, ટૂંકી વાર્તા અને કવિતા જેવાં વિવિધ સ્વરૂપે સાહિત્યનું સર્જન કર્યું.
રાવજીનો એકમાત્ર કાવ્યસંગ્રહ 'અંગત' અને અધૂરી નવલકથા 'વૃત્તિ' (થોડીક વાર્તાઓ સાથે) તેમના મૃત્યુ બાદ પ્રકાશિત થયાં હતાં.
રાવજીનાં કાવ્યોમાં તેની પીડા પ્રગટ થાય છે પણ મણિલાલ હ. પટેલ કહે છે એમ 'તેમણે દુખ કે અભાવો માટે ક્યારેય આહ નથી કાઢી.'
રાવજીએ પીડાને પ્રેમ અને વેદનાને વ્હાલ તરીકે સ્વીકારી છે. રાવજી પોતાની કવિતામાં જાણે કે મૃત્યુનો સ્વીકાર કરતા હોય એવું લાગે છે.
જ્યારે ડૉક્ટરે કહ્યું કે છ મહિના જ જીવશો

ઇમેજ સ્રોત, Facebook/Rajesh Vankar
"પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ"
આ પંક્તિઓમાં જાણે રાવજી પોતાની વાત કરી રહ્યા હોય એમ લાગે છે.
રાવજીની જિંદગી તો હજી માંડ શરૂ થઈ હતી, ત્યાં ખબર પડી કે તેમને ક્ષયની બીમારી છે.
'રાવજી પટેલનાં કાવ્યો' પુસ્તકમાં રઘુવીર ચૌધરી લખે છે કે ડૉક્ટરે તપાસ કરીને કહી દીધું - 'છ માસ જીવશો.' રાવજીથી એ માની શકાય એમ ન હતું.
તેઓ આગળ લખે છે, "...પુત્રીનો જન્મ થયો હતો. હજી બી.એ. થવું હતું અને કૉલેજમાં પ્રોફેસર થવું હતું."
"રમણ અને બીજા ભાઈઓને ભણાવવાના હતા. વીસ વીઘામાંથી ગીરો મુકાઈ ગયેલી દસ વીઘા જમીન છોડાવવાની હતી."
"ખેતી કરતા પિતાજીનો ભાર ઓછો કરવો હતો. રાવજીએ એ ડૉક્ટરની વાત છેક સુધી સાચી ન જ માની અને એ પછી તો ચાર વર્ષ જીવ્યા."
હૉસ્પિટલો જ યુનિવર્સિટી બની

ઇમેજ સ્રોત, Mahesh Sparsh
રાવજીને ક્ષય થયો એ બાદ તેમણે વધારે બુલંદ અવાજે લખવાનું શરૂ કર્યું. હૉસ્પિટલોમાં અનેક પ્રકારના અનુભવો થયા અને અનુભવોએ રાવજીને ઘડવાનું કામ કર્યું. જે તેમની કૃતિઓમાં દેખાઈ આવે છે.
રાવજી પટેલના મૃત્યુ બાદ તેમની અપ્રકાશિત સાહિત્યસામગ્રીને પ્રકાશિત કરનાર રઘુવીર ચૌધરી રાવજીના મિત્ર પણ હતા.
તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "રાવજી નાની વયથી લખતા હતા પણ બીમારી વહેલી શરૂ થયેલી, તબિયત સારી નહોતી એ વખતે પણ રાવજી લખવા પ્રત્યે સભાન હતા."
'મોલ ભરેલું ખેતર' નામથી મણિલાલ હ. પટેલે રાવજીનું જીવનચરિત્ર લખ્યું છે.
પુસ્તકમાં મણિલાલ લખે છે, "રાવજીના જીવનમાં જે વેદનારૂપ હતું તે સર્જનમાં વરદાનરૂપે કામ લાગે છે."
"જીવનની પાઠશાળામાં અને ગ્રામપ્રકૃતિના પ્રાંગણમાં એ જે શીખ્યા તે બીજે કશેથી મળવાનું નહોતું."
તેઓ આગળ ઉમેરે છે કે સંબંધ પીડાઓ સાથે એણે રુગ્ણાલયોમાં જે વેઠ્યું, એ જ એની મૂડી બની રહે છે.
ક્ષયની સારવાર વખતે પહેલી નવલકથા લખી

ઇમેજ સ્રોત, facebook/ગુજરાતી સાહિત્યકારો
રાવજીની ક્ષયની સારવાર શરૂ થાય છે, ત્યારબાદ તેઓ પહેલી નવલકથા 'અશ્રુઘર' લખે છે. જે 1966માં પ્રકાશિત થાય છે.
રાવજીએ 'અશ્રુઘર' સારવાર દરમિયાન લખી હોવાનો એક સંદર્ભ એવો પણ છે કે 'અશ્રુઘર'ના નાયક સત્યને ટીબી પેશન્ટ તરીકે આલેખ્યો છે અને સત્ય કવિ પણ છે.
'અશ્રુઘર'માં ઉલ્લેખ છે કે, સત્ય આણંદના સેનટોરિયમમા સારવાર લે છે. આ એ જ જગ્યા છે જ્યાં રાવજી ક્ષયના ઇલાજ માટે દાખલ થયા હતા.
એટલે અહીં જ સારવાર દરમિયાન રાવજીએ આ નવલકથા લખી હોવાની શક્યતા વધારે છે.
મણિલાલ હ. પટેલ લખે છે, "પોતાના આ દર્દીના વર્તમાન જીવનને રાવજીએ અહીં બેસીને 'અશ્રુઘર' નામની લઘુનવલમાં આલેખ્યું છે."
"અશ્રુઘરનો સત્ય - આપણે જો રાવજીનું જીવન જાણતાં હોઈએ તો રાવજી જ લાગે."
મણિલાલ 'અશ્રુઘર'ને 'આત્મકથનાત્મકતાની નજીક સરી જતી કૃતિ' ગણાવે છે.
પીડા વચ્ચે પણ નવલકથા માટે મથામણ

ઇમેજ સ્રોત, Mahesh Sparsh
રાવજીને સારવાર માટે મુંબઈ લઈ ગયા એ દરમિયાન તેઓ 'ઝંઝા' લખતા હતા.
રાવજી પીડા વચ્ચે પણ લખવાનું કામ ચાલુ જ રાખતા હતા. પીડાને ભૂલવા માટે તેઓ લખતા હતા કે પછી પીડાને પોતાના સર્જનમાં ઠાલવતા હતા એ ખબર નથી.
પણ રાવજી પોતાની ક્ષયની પીડા વચ્ચે પણ પોતાની કૃતિ માટે કેટલા ચેતન હતા, એનો ખ્યાલ 'મોલ ભરેલું ખેતર'માં ટાંકેલા આ પ્રસંગથી આવે છે.
'ઝંઝા' લખાઈ ત્યારે રાતે ચિનુ મોદીના ઘરે જઈને કહે છે, "નવલકથા પૂરી થઈ ગઈ છે તે લઈ આવ્યો છું...!"
ચિનુ મોદી કહે છે, "મૂકીને જા કાલે વાંચી લઈશ."
રાવજી કહે છે, "નહીં અત્યારે જ વાંચવી છે...! ને સવાર સુધી આખી નવલકથા ઝંઝા વાંચી સંભળાવે છે."
રાવજીની અધૂરી નવલકથા

ઇમેજ સ્રોત, Provided by Bhikhesh Bhatt
રાવજીએ તેમની ત્રીજી નવલકથાનું નામ પાડી રાખ્યું હતું. એનાં આઠેક પ્રકરણ તેઓ લખી શક્યા પણ નવલકથા રાવજીના મૃત્યુ સાથે અધૂરી રહી ગઈ હતી.
રાવજીની અધૂરી નવલકથા રાવજીના મૃત્યુનાં દસ વર્ષ બાદ 'વૃત્તિ' અગિયાર ટૂંકી વાર્તાઓ સાથે પ્રકાશિત થઈ હતી.
'રાવજી એટલે રાવજી'માં રઘુવીર ચૌધરી લખે છે, "વૃત્તિનાં થોડાં પાનાં લખ્યાં હશે, ત્યાં એક સાંજે વળી ગળફામાં લોહી દેખાયું. ડાયરી-આત્મકથાનાં પાનાં તેમણે જાતે જ ફાડી નાંખ્યા હતાં"
સારવાર માટે રાવજીના મિત્રો તેમને અમરગઢ-ઝીંથરીના ક્ષયનિવારણ કેન્દ્રમાં દાખલ કરે છે.
ભાઈ રમણને 2-11-1967એ લખેલા પત્રમાં રાવજી 'કાપુરુષ' નવલકથા પૂરી થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરે છે પણ આ નવલકથા કે તેની હસ્તપ્રત મળતી નથી.
આણંદ સેનેટોરિયમમાં રાવજીએ પોતાની ડાયરી-આત્મકથા પણ લખી હતી, જેના વિશેનો ઉલ્લેખ મણિલાલ હ. પટેલે પણ કર્યો છે.
તેઓ લખે છે, "'અશ્રુઘર' પછી તેમણે 141 પાનાંની ડાયરી-આત્મકથા લખીને ફાડી નાખેલી. એનો વસવસો કરે છે ને મળવા આવેલા ગુલાબદાસ બ્રોકરને કહે છે, "બ્રોકરસાહેબ મારે જીવવું છે-ટચલી આંગળીના નખ સુધી!"
આખી રાત જાગીને મૃત્યુ વિશે લખ્યા કર્યું

ઇમેજ સ્રોત, facebook/Yogesh Nimbark
રાવજી પોતાના અંતિમ વખતમાં જ્યારે અમદાવાદની વી. એસ. હૉસ્પિટલમાં સારવાર લેતા હતા, ત્યારે તેમની માનસિક સ્થિતિ અસ્થિર થઈ ગઈ હતી.
તેઓ વોર્ડમાં નિર્વસ્ત્ર થઈને દોડવા લાગતાં એવો ઉલ્લેખ તો ઘણાં પુસ્તકોમાં કરાયો છે.
રઘુવીર ચૌધરી લખે છે, "છેલ્લી વારના ગાંડપણનું દેખીતું કારણ કદાચ એણે આખી રાત જાગીને મૃત્યુ વિશે લખ્યા કર્યું એ હોય."
"એના અક્ષર દાણા જેવા હોય પણ તે રાતે લખ્યું છે, એમાં અક્ષર ડહોળાઈ ગયા છે."
એ રાતે રાવજી લખે છે કે "મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે, બળી ગયા પછી તો જગત સાથેના બધા જ કૉન્ટેક્ટ્સ કપાઈ જાય છે. હું, હું નથી રહેતો, તમે, તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો, હું તમને ડાહ્યા સમજીશ."
જેના મૃત્યુથી 'મોત પોતે અનાથ થયું'!
"દેહમાં પુરાયલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એય હવે ગમતું નથી."
આ રાવજીની જ પંક્તિઓ છે. જે તેમણે તા. 15-11-1963 શીર્ષક હેઠળ લખી હતી.
રાવજીની કવિતામાં પીડા છલકાય છે પણ એ મૃત્યુથી ડરતો નથી, રાવજીને જિજીવિષા પણ છે.
સુરેશ જોષીએ પણ રાવજીને અંજલિ આપી છે.
તેઓ લખે છે, "રાવજી જીવિત હતો ત્યારે મૃત્યુ સાથે પ્રેમીને જેમ ઝઘડતો હતો... જ્યારે રાવજીનું મૃત્યુ થયું ત્યારે મોત પોતે અનાથ થયું હતું"
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












