ગુજરાત : અમદાવાદમાં એક સમયે જ્યાં 77 મિલો ધમધમતી એનાં નામ કેવી રીતે પડ્યાં હતાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
એક સમયે ઇંગ્લૅન્ડના માન્ચૅસ્ટરની જેમ અમદાવાદમાં કાપડ ઉદ્યોગ ધમધમતો, એટલે તે 'ભારતના માનચૅસ્ટર' તરીકે ઓળખાતું.
જાણકારોના મત પ્રમાણે એકસમયે અહીં 77 મિલો હતી, પણ કાળક્રમે તે બંધ થતી ગઈ, જેમાં હજારો કામદારોને રોજગાર મળતો.
શું તમને ખબર છે કે અમદાવાદમાં કેટલીક મિલો તેનાં લાડકાં નામથી ઓળખાતી?
અમુક મિલોનાં નામો તેના મજૂરોએ પાડેલાં હતાં અને તો કેટલીક મિલોનાં નામો તેની આસપાસની પરિસ્થિતિઓ કે ઉત્પાદનોના આધારે પડ્યાં હતાં. કેટલાંક નામો અંગ્રેજી શબ્દોનો અપભ્રંશ થવાથી પડ્યાં.
આ નામો માત્ર મિલોની ઓળખ જ નહીં પરંતુ શહેરની 'ભૌગોલિક માહિતી' કે 'સરનામું' બની ગયાં હતાં
જાણકારો કહે છે કે અમુક નામો મિલકામદારોએ પોતાની સવલત માટે પાડ્યાં હતાં તો કેટલીક મિલોનાં નામો મજાકમાં પણ પડ્યાં હતાં.
કેવી રીતે પડ્યાં હતાં નામો?

ઇમેજ સ્રોત, Getty Images
'અમદાવાદ: ફ્રૉમ રૉયલ સિટી ટૂ મૅગાસિટી' નામના પુસ્તકમાં અચ્યુત યાજ્ઞિક અને સુચિત્રા શેઠ લખે છે, “મિલકામદારો ઘણીવાર તેમની કાપડની મિલોને તેમનાં વાસ્તવિક નામોને આધારે નહીં, પરંતુ તેના ઉપનામ કે લાડકાં નામે બોલાવતાં.”
“આ ઉપનામો સામાન્યરીતે મિલની આસપાસના પરિસરનાં દૃશ્યો કે વાતાવરણ અથવા તો આસપાસનાં લૅન્ડમાર્ક્સને આધારે આપવામાં આવતાં.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતના જાણીતા લેખક વિદ્યુત જોશી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “જ્યારે અમદાવાદમાં મિલો સ્થપાઈ, ત્યારે તેમાં કામદાર તરીકે ગામડાંમાંથી લોકો અહીં કામ માટે આવ્યા હતા."
"તેમને મિલોના અંગ્રેજીમાં લખેલાં નામો બોલવાનું ફાવતું નહોતું, એથી તેમણે પોતાના કૉમ્યુનિકેશન માટે જે તે મિલોની અંદરની અને તેની આસપાસની પરિસ્થિતિના આધારે તેમનાં નામો પાડ્યાં.”
“જેમ કે, ભૂંગળા મિલ કે હાડકાં મિલ. ભૂંગળા મિલમાં જ્યારે સાઇરન વાગે ત્યારે કામદારોની પાળી બદલવાનો સમય થાય.”
જોશી કહે છે, “હાડકાં મિલ નામ એટલા માટે પડ્યું કારણકે એ મિલની બાજુમાં હાડકાંની લે-વેચ થતી હતી.”
ગુજરાતી ગીતોમાં મિલો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વિદ્યુત જોશી વધુમાં જણાવે છે કે મિલો પરથી ગીતો પણ બનતાંં. એક ગીતની વાત કરતા તેઓ કહે છે, “મિલનાં ભૂંગળાં વાગ્યાં, ગોરી ચૂલ્હે તાજી રાખ રે...”
આવું જ એક ગીત કેલિકો મિલ પર બન્યું હતું.
આ ગીત વિશે માહિતી આપતા લેખક દલપત ચૌહાણ કહે છે, “કેલિકો મિલની ધોતી વખણાતી તેથી કેટલાક લોકો તેને 'ધોતી મિલ' પણ કહેતા. તેના પર એક ગીત બન્યું હતું.”
“અમે તો અમદાવાદી, નથી મહેમદાવાદી કે નથી નડિયાદી, અમે તો અમદાવાદી. પગમાં ચપ્પલ પટપટ બોલે. ચાલ ચાલે નખરાળી, કેલિકોની ઝીણી ધોતી, કિનાર એની કાળી...”
દલપત ચૌહાણ કહે છે, “ગોમતીપુરમાં પટેલ મિલ હતી તેનું રેશમ વણાતું. સરસપુરમાં મિલની બાજુમાં બાલાપુરની દરગાહ હતી. ત્યાંના મૌલવી બીમાર બાળકોને માદળિયું બનાવી આપતા તેથી તેનું નામ બાલાપુર મિલ પડ્યું.”
અમદાવાદ ટૅક્સ્ટાઇલ મિલ ઍસોસિયેશનના સચિવપદે 23 વર્ષ સુધી કામગીરી કરનારા અભિનવ શુક્લ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એ મિલ વિશે જણાવતા કહ્યું, “સરસપુર મિલ પાસે બાલાપીરનું સ્થાનક હતું. તેથી તે મિલને બાલાપીર મિલ તરીકે ઓળખવામાં આવતી.”
જાણીતા લેખક ચંદુ મહેરીયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “મારા પિતા જે મિલમાં કામ કરતા હતા તે ગંજી અને ફરાક બનાવતી, તેથી એ મિલનું નામ જ 'ગંજી-ફરાક મિલ' પડી ગયેલું. આમ તો એ મિલનું નામ અંગ્રેજીમાં હતું, પરંતુ ઘણાને તે બોલતા ફાવતું નહોતું તેથી તેને ગંજી-ફરાક મિલ તરીકે જ ઓળખતા.”
એક સમયે ન્યૂ સ્વદેશી મિલમાં કામ કરનારા દલિત કવિ સાહિલ પરમાર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “બિલાડી મિલ, હાડકાં મિલ, કાંકરી કૂઈ મિલ, ટોપી મિલ જેવાં અનેક નામો પાડવામાં આવ્યાં હતાં. મારી મિલને લોકો 'ચૌદશી મિલ' કહેતા."
"જ્યૂબિલી મિલનું નામ કામદારોએ 'જલેબી મિલ' પાડ્યું હતું. જ્યાં ટોપી બનાવવા માટેનું કાપડ બનતું તે ટોપી મિલ અને ધોતી માટેનું કાપડ બનતું તે ધોતી મિલ તરીકે ઓળખાઈ.”
નામમાં ઘણું રાખ્યું છે...

ઇમેજ સ્રોત, Getty Images
અંગ્રેજી લેખક શૅક્સપિયરનું કહેવું હતું કે 'નામમાં શું રાખ્યું છે?,' પરંતુ અમદાવાદની મિલો માટે ન કેવળ નામ, પરંતુ તેના ઉપનામો પણ અગત્યના હતા.
એક સમયે અમદાવાદમાં 77 જેટલી મિલો ધમધમતી, જેમાંથી અનેકને આગવાં ઉપનામ મળેલાં હતાં.
'અમદાવાદ: રૉયલ સિટી ટૂ મૅગાસિટી' પુસ્તકનાં સહ-લેખિકા સુચિત્રા શેઠ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “અમે બહુ પ્રાથમિકસ્તરે રિસર્ચ કર્યું હતું. અમે જે-તે મિલોમાં ગયા હતા અને ત્યાં કામદારો સાથે વાતચીત કરી હતી તેના આધારે અમે જે તેમના મોઢે સાંભળ્યું તેને પુસ્તકમાં આવરી લીધું.”
આ પુસ્તકમાં ઉલ્લેખ છે તે પ્રમાણે, બગીચા કૉટન મિલ-1ને 'બોરડી મિલ' તરીકે ઓળખવામાં આવતી હતી. આ મિલની આસપાસ અને પ્રાંગણમાં પુષ્કળ બોરડીઓ હતી, એથી તેને આ નામ મળ્યું હતું.
અર્બુદા મિલને લોકો 'લાલ મિલ' કહેતા, કારણકે તેની ઇમારતનો રંગ લાલ હતો.
મંજુશ્રી મિલને તપેલા મિલ કહેવામાં આવતી હતી કારણકે આ મિલની આસપાસ તપેલી જેવાં વાસણો બનતાં.''
ન્યૂ માણેકચોક મિલને શ્રમિકો 'બટાકા મિલ' તરીકે ઓળખતા, કારણકે આ મિલની આસપાસ બટાકા વેચાતા.
અનિલ સ્ટાર્ચ મિલને લોકો 'ગંધાતી મિલ' તરીકે ઓળખતા હતા કારણકે આ મિલમાં કાપડને સ્ટાર્ચ કરવાનું કામ થતું હતું અને આ સ્ટાર્ચમાંથી ભયંકર વાસ આવતી.
કેસર-એ-હિંદ મિલને 'મિરચી મિલ' તરીકે ઓળખવામાં આવતી હતી કારણકે આ મિલની પાસે મરચાં મળતાં.
ટાટા ઍડ્વાન્સ મિલને 'સોળ વિઘા મિલ' તરીકે ઓળખવામાં આવતી, કારણકે તેનું પ્રાંગણ 16 વિઘામાં ફેલાયેલું હતું.
ભારત સૂર્યોદય મિલને 'દાગવાળી મિલ' તરીકે ઓળખવામાં આવતી હતી કારણકે આ મિલનો વૅસ્ટ મિલની બહાર વેચાતો હતો.
સહયોગ મિલને 'વાંદરા મિલ' તરીકે ઓળખવામાં આવતી, કારણકે આ મિલના કૅમ્પસમાં વાંદરાનો ત્રાસ હતો.
ન્યૂ હૉઝિયરી મિલને ગંજી-ફરાક મિલ તરીકે ઓળખવામાં આવતી, કારણકે ત્યાં બનિયાન અને સ્લિપ બનાવવામાં આવતાં.
સુચિત્રા સેઠ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહે છે, “મિલકામદારો સાથે વાતચીતમાં ખબર પડે કે આ નામો રસપ્રદ હતા અને સમાજનું દર્પણ હતા.”

ઇમેજ સ્રોત, Getty Images
દલપત ચૌહાણ કહે છે, “ઘાઘરા મિલ પણ હતી, આ મિલનું નામ કેમ પડ્યું તેની જાણકારી નથી. મર્સ્ડેન મિલમાં માસ્ટર તરીકે એક ફિરંગી અધિકારી હતા. તે ટોપી પહેરીને આવતા. મજૂરો તેમને 'ટોપાવાળા સાહેબ' કહેતા. જેમના કારણે તે 'સાહેબવાળી મિલ' તરીકે ઓળખાઈ. આ મિલમાં જે ફિરંગી અધિકારીઓ હતા તેમનાં નામ ટૉમ અને રૉબિન હતાં.”
“જ્યૂપિટર મિલનું નામ મજૂરોએ 'ઝપાટા મિલ' પાડ્યું હતું. સારંગપુર મિલ નંબર 2માં જતાં મજૂરોને કોઈ પૂછે તો તે કહેતા કે તે બે નંબરમાં જાય છે. એટલે મજાકમાં આ મિલનું નામ 'બે નંબર' પડી ગયું. એ જ પ્રકારે 'પથરા મિલ'નુંં નામ પણ લોકમુખે હતું.”
ચંદુ મહેરિયા કહે છે, “સહેલાઈથી મોઢે ચઢી જાય તે માટે સમાજના છેવાડાના માનવીઓએ આ નામો રાખ્યા હતા. જે તેમની રોજગારીની અને આસપાસના રહેઠાણોની ઓળખ બની ગયા.”
સાહિલ પરમાર કહે છે, “કેટલાંક નામો મજાકમાં પડ્યાં તો કેટલાંક નામો મજૂરોએ પોતાની સવલત પ્રમાણે પાડ્યાં. કેટલાંક નામો અપભ્રંશ થઈને પડ્યાં. માલિકોને પણ ખબર હતી કે તેમની મિલોના લાડકાં નામો પાડવામાં આવ્યાં છે પરંતુ તેમને ઉત્પાદન સાથે મતલબ હતો તેથી તેમને આ નામો સામે કોઈ વાંધો હોય તેવું જણાયું નથી.”
દલપત ચૌહાણ કહે છે, “દરેક મિલોનાં ભૂંગળાંની સાઇરનોના અવાજ અલગ-અલગ હતા. આ સાઇરનો મજૂરોને પાળી બદલાઈ હોવાની જાણકારી આપતી. કેટલીક મિલોની સાઇરનો ભયંકર ચીસ પાડતી હોય તેવો અવાજ કરતી, જે કર્કશ હતો.”
ઇતિહાસ સાથે કાપડ મિલોનાં તાણાંવાણાં

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં પહેલી કપડાંની મિલ વર્ષ 1861માં સ્થપાઈ. તેને શાહપુર મિલ તરીકે ઓળખવામાં આવતી. અમદાવાદની આ પહેલી મિલના સ્થાપક હતા રણછોડલાલ છોટાલાલ રેટિંયાવાળા.
આમ તો આ મિલ 1861 કરતા ચાર-પાંચ વર્ષ પહેલાં સ્થપાઈ હોત, પરંતુ તેની મશીનરી લઈને આવતું વહાણ મધદરિયે ડૂબી ગયું, જેથી તેથી દેશની પહેલી મિલ સ્થાપવાનું માન મુંબઈને મળ્યું.
વીસમી સદીની શરૂઆત થઈ ત્યાં સુધીમાં અમદાવાદમાં વધુ 33 ટૅક્સ્ટાઇલ મિલો સ્થપાઈ ચૂકી હતી. દેશ આઝાદ થયો, ત્યારે આ આંકડો 70 ઉપર ગયો હતો.
અમદાવાદની ટૅક્સ્ટાઇલ મિલના કાળા ડિબાંગ ધુમાડાઓ ઓકતી ચીમનીઓ અમદાવાદની ઓળખ બની ગઈ હતી. અમદાવાદને 'માન્ચૅસ્ટર ઑફ ઇન્ડિયા' તરીકે ઓળખવામાં આવતું.
અમદાવાદ: રૉયલ સિટી ટૂ મૅગાસિટી પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે સૌથી પહેલાં સ્થપાયેલી શાહપુર મિલમાં 63 કામદારો રોજગારી મેળવતા.
1879માં મિલોની સંખ્યા વધીને ચાર થઈ અને તેમાં રોજગારી મેળવતા મજૂરોની સંખ્યા 2013. 1891માં નવ મિલોમાં 7451 મજૂરો કામ કરતા હતા. 1900માં 27 મિલોમાં 15,943 કામદારો કામ કરતા.
1914માં 49 મિલોમાં 32,789 મજૂરો રોજગારી મેળવતા હતા.
1922માં 56 મિલો અસ્તિત્વમાં આવી અને તેમાં 52,571 લોકો આજીવિકા રળતા.
1939માં 77 મિલો હતી અને તેમાં 77,859 લોકો ત્યાં કામ કરતા.
અમદાવાદમાં બીજા વિશ્વયુદ્ધ પછી અને આઝાદી પહેલાં 1946માં 74 મિલો હતી અને 76,357 લોકો રોજગારી મેળવતા.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












