હમાસ હુમલાના એ છ કલાક: 7 ઑક્ટોબરે કેવી રીતે ઇઝરાયલ પર થયો હતો હુમલો

- લેેખક, ઍલિસ કડી
- પદ, જેરુસલેમ
7મી ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસના સૌથી ભયંકર હુમલાને એક વર્ષ થઈ ગયું છે. ઇઝરાયલના ઇતિહાસના સૌથી લોહિયાળ દિવસ વિશે હજુ પણ મુશ્કેલ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તે દિવસે ઇઝરાયલની અત્યંત શક્તિશાળી ગણાતી સેના ઊંઘતી ઝડપાઈ હતી અને હમાસના બંદુકધારીઓએ તેમને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
બીબીસીએ ગાઝા સરહદનું રક્ષણ કરતા એક મિલિટરી બેઝ પર શું થયું હતું તે જાણવા માટે પરિવારો સાથે વાત કરી અને વિગતો મેળવી છે.
ઇઝરાયલના નાહલ ઓઝ મથક પર 7 ઑરની સવારે હમાસના બંદૂકધારીઓ ત્રાટક્યા હતા, જેમાં 60થી વધુ ઇઝરાયલી સૈનિકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. બીજા કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા.
તે દિવસે વાસ્તવમાં શું થયું હતું તે અંગે ઇઝરાયલની સેનાનો સત્તાવાર તપાસ અહેવાલ હજુ જાહેર નથી થયો. પરંતુ ત્યાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને મિલિટરીએ કેટલીક માહિતી આપી છે અને કેટલાક લોકોએ બીબીસી સાથે આ વિગતો શૅર કરી છે.
આ માહિતી તે દિવસે ત્યાં જે થયું તેના વિશે ઇઝરાયલી મિલિટરીની સત્તાવાર જાણકારીની સૌથી નજીક છે.
બધી વિગતોને એક ક્રમમાં જોડીને આખી ઘટનાને સમજવાનો પ્રયાસ કરાયો છે. અમે આ હુમલામાં બચી ગયેલા લોકો સાથે વાત કરી છે, મૃતકોના મૅસેજ જોયા છે અને હુમલાની જાણ કરતા વૉઇસ રેકોર્ડિંગ સાંભળ્યા છે. તેના પરથી હુમલાની ઝડપ અને ભયાનકતાનો અંદાજ આવે છે.
બીબીસીને શું જાણવા મળ્યું?

• 7 ઑક્ટોબર અગાઉ મિલિટરી બેઝ પર કૅમેરા પર નજર રાખવાનું કામ સંભાળતી યુવતીઓ તથા ત્યાંના ઘણા સૈનિકો દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી.
• હુમલાના અગાઉના દિવસોમાં સૈનિકોએ જોયું કે હમાસની ગતિવિધિઓ અચાનક બંધ થઈ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
• હુમલો થયો ત્યારે ત્યાં ઘણા ઇઝરાયલી સૈનિકો નિઃશસ્ત્ર હતા. સૈનિકોએ હુમલા હેઠળ આગળ વધવાનું હતું, તેના બદલે સત્તાવાર પ્રૉટોકૉલમાં તેમને પાછળ રખાયા હતા.
• ઇઝરાયલના કેટલાક સર્વેલન્સ સાધનો કાં તો બંધ પડી ગયા હતા, અથવા હમાસે તેનો સરળતાથી નાશ કર્યો હતો.
અમે જે વિગતો પ્રાપ્ત કરી છે તે કેટલાક પ્રશ્નો ઊભા કરે છે. ગાઝા સરહદની આટલી નજીકના બેઝ પર હથિયારધારી સૈનિકોની સંખ્યા આટલી ઓછી કેમ હતી?
પહેલેથી ગુપ્ત માહિતી અને ચેતવણીઓ પ્રાપ્ત થઈ હતી તો પછી તેનો જવાબ આપવા માટે વધુ તૈયારી કેમ કરવામાં ન આવી?
બીજી સૈન્ય ટૂકડીઓ પહોંચાડવામાં આટલો સમય કેમ લાગ્યો? શું મિલિટરી બેઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જ ત્યાંના લોકોને અસુરક્ષિત બનાવી દીધા હતા?
અમે અમારાં તારણો ઇઝરાયલ ડિફેન્સ ફૉર્સિસ (આઈડીએફ) સમક્ષ મૂક્યાં હતાં. તેમણે જવાબ આપ્યો કે 7મી ઑક્ટોબરની ઘટનાની વિસ્તૃત તપાસ ચાલુ છે જેમાં "નાહલ ઓઝ પરનો હુમલો અને અગાઉના સંજોગો"ની તપાસ પણ સામેલ છે.
હુમલા પહેલાં શાંતિ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
7 ઑક્ટોબરના રોજ શેરોને (નામ બદલ્યું છે) ગાઝા સરહદથી લગભગ એક કિલોમીટર દૂર નાહલ ઓઝ ખાતે સવારે 4 વાગ્યે વાગ્યે તેની શિફ્ટ શરૂ કરી હતી.
તેઓ આ બેઝના મિલિટરી યુનિટનો હિસ્સો હતાં જેમાં તમામ મહિલાઓ હતી. હિબ્રુ ભાષામાં આ યુનિટ 'ટાત્ઝપિટાનીયોટ' તરીકે ઓળખાય છે. તેમને બૉર્ડરની વાડ પર લગાવાયેલા કૅમેરામાં જે લાઇવ ફૂટેજ હોય તેનો અભ્યાસ કરવાનું કામ સોંપાયું હતું.
આ મહિલાઓ બેઝના વૉર રૂમ, જેને 'હમાલ' કહેવામાં આવે છે, તેમાં અલગ-અલગ શિફ્ટમાં કામ કરતી હતી. તેઓ ચોવીસે કલાક મૉનિટર દ્વારા ગાઝા પર નજર રાખતી હતી.
હમાલ એ બારી વગરનો એક ખંડ છે જેના દરવાજા અત્યંત મજબૂત હોય છે, તેની દિવાલો વિસ્ફોટનો સામનો કરી શકે છે અને ત્યાં સુરક્ષાના પ્રૉટોકૉલ એકદમ સખત હોય છે.
7મી ઑક્ટોબરના થોડા સમય પહેલાના દિવસોમાં બૉર્ડર પર બધી ગતિવિધિ શાંત થઈ ગઈ હતી.
બેઝ પર તહેનાત એક સૈનિકે જણાવ્યું, “ત્યાં કંઈ થતું નહોતું અને તે ડરામણું હતું. બધાને લાગ્યું કે કંઈક અસામાન્ય છે. કંઈ સમજાતું ન હતું."
જનરલ ઝિવ માને છે કે જે થઈ રહ્યું હતું તેને સમજવામાં આઈડીએફની નિષ્ફળતા માટે તેનો "ઘમંડ" જવાબદાર હતો. ઇઝરાયલી સેના માનતી હતી કે, "હમાસ હુમલો નહીં કરે અને હિંમત કરશે તો પણ તેઓ સક્ષમ નથી".
તેઓ કહે છે, "સામે એક બિલાડી છે એવું માનીને અમે 6ઠ્ઠી તારીખે સૂઈ ગયા. 7મીએ જાગીને જોયું તો વાઘ આવી ગયો હતો."

સવારે 05:30 વાગ્યે ગોલાની બ્રિગેડના સભ્યોએ વાડની ઇઝરાયલી બાજુએ જીપ પેટ્રોલિંગની તૈયારી શરૂ કરી હતી. તેમાંથી ત્રણ વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે, તેઓ દરરોજ સવારે પેટ્રોલિંગ કરતા હતા.
પરંતુ ત્યારબાદ તેમના ઉપરી અધિકારીઓએ તેમને મોડેથી પેટ્રોલિંગ કરવા અને ઍન્ટિ-ટૅન્ક મિસાઇલના જોખમને કારણે પાછળ રહેવાની સૂચના આપી હતી.
એક સૈનિકે જણાવ્યું, "એક ચેતવણી અપાઈ હતી. વાડની નજીકના માર્ગ સુધી જવાની મનાઈ હતી.”
ગોલાનીના અન્ય એક સભ્ય, 21 વર્ષીય શિમોન મલકાએ જણાવ્યું કે આ પ્રકારની ચેતવણી અસામાન્ય હતી પરંતુ સાવ નવી ન હતી. તેથી તેમણે બહુ ન વિચાર્યું.
આઈડીએફએ બેઝ પરના લોકોના પરિવારોને જણાવ્યું કે તે દિવસે ઘણો મિલિટરી સ્ટાફ નિઃશસ્ત્ર હતો.
આઈડીએફના ઑપરેશન ડિવિઝનના ભૂતપૂર્વ વડા, જનરલ ઇઝરાયલ ઝિવે બીબીસીને જણાવ્યું કે તેમની સર્વિસ દરમિયાન તેમણે ક્યારેય નથી જોયું કે બૉર્ડર ઍરિયામાં સૈનિકો હથિયાર વગરના હોય.
તેઓ કહે છે, "તેનો કોઈ અર્થ જ નથી... સૈનિક પાસે હથિયાર તો હોવા જ જોઈએ."
તે દિવસે નાહલ ઓઝના સશસ્ત્ર સ્ટાફમાં આઈડીએફની ગોલાની બ્રિગેડના પાયદળ સૈનિકોની એક ટુકડી સામેલ હતી.
જોતજોતામાં પરિસ્થિતિ પલટાઈ ગઈ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે ટાત્ઝપિટાનીયોટે સરહદની સામેની તરફ શંકાસ્પદ પ્રવૃત્તિમાં વધારો જોયો હતો. પરંતુ બીબીસીએ શોધી કાઢ્યું છે કે બેઝ પર અલગ-અલગ યુનિટના અન્ય સૈનિકોએ પણ આ બાબતે ધ્યાન દોર્યું હતું.
જનરલ ઝિવ કહે છે કે આ પ્રકારના શંકાસ્પદ હુમલા વખતે પોતાના સૈનિકોને પાછળ રાખવા એ આઈડીએફનો સ્ટાન્ડર્ડ પ્રૉટોકૉલ છે. જેથી કરીને તેઓ લક્ષ્ય તરીકે દુશ્મનને દેખાઈ ન જાય. પરંતુ "હમાસને આ સમજાઈ ગયું અને પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ" કર્યો.
તેમણે કહ્યું કે મિલિટરી બેઝ એવી રીતે સજ્જ હોવું જોઈએ જેથી ગોલાની બ્રિગેડ હુમલાનો સુરક્ષિત રીતે જવાબ આપી શકે.
તેઓ કહે છે, "સૈનિકોને કવર કરવાની બહુ સરળ ટૅક્નિક હોય છે, જેથી તેઓ કવરમાં હોય તો પણ હુમલાનો જવાબ આપી શકે તેવી સ્થિતિમાં હોય છે. દુશ્મન પરથી તેમનું ધ્યાન નહીં હટે."
ગોલાની બ્રિગેડ વાડથી દૂર રાહ જોતી હતી ત્યારે શેરોનને હમાસના લડવૈયાઓની હિલચાલ જોવા મળી. પરંતુ તે પણ રૂટિન હતી. તેઓ કહે છે, "તેઓ પણ પાળીમાં ફરજ બજાવે છે."
સવારના 06:20 સુધીમાં હમાસે રૉકેટ હુમલો શરૂ કરી દીધો. પરંતુ શેરોન કહે છે કે આમાં તાત્કાલિક કંઈ ચિંતાજનક લાગતું ન હતું. તેમણે અગાઉ પણ રૉકેટ હુમલાનો અનુભવ કર્યો હતો અને બેઝ તેની સામે સારી રીતે સુરક્ષિત હતું.
તેઓ કહે છે, "સામાન્ય રીતે પાંચ મિનિટ આવું ફાયરિંગ થાય છે અને પછી અટકી જાય છે, પરંતુ આ વખતે તેમાં કોઈ વિરામ નહોતો પડ્યો."
શેરોન કહે છે કે લગભગ 06:30 વાગ્યે તેણે હમાસના દળોને નજીક આવતા જોયા.
ટાત્ઝપિટાનીયોટે ગ્રાઉન્ડ ફૉર્સને ઍલર્ટ કરવા માટે તેમને રેડિયો સંદેશ મોકલ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
એક યુવતીએ ધ્રુજતા અવાજે સૂચના આપી, "બધા સ્ટેશનો ધ્યાન આપે. ચાર લોકો વાડ તરફ દોડી રહ્યા છે." તે બોલી, "મને વાડ તરફ દોડી આવતા બે હથિયારધારી લોકો દેખાય છે."
લગભગ તે જ સમયે શિમોને પોતાના રેડિયો દ્વારા રૉકેટ હુમલા માટેનો કોડ વર્ડ સાંભળ્યો. તેમના કમાન્ડરે તેમને જીપમાંથી કૂદીને બખ્તરબંધ વાહન નામેરમાં ચઢી જવા અને વાડ તરફ જવાનો આદેશ આપ્યો.
પરંતુ તેમને કોઈ ઘૂસણખોરી દેખાઈ નહીં. તેથી તેમણે માની લીધું કે આ માત્ર કોઈ ડ્રીલ હશે.
આ કહેવાતી લોખંડની દિવાલને લાંબા સમયથી આઈડીએફ અને સમગ્ર ઇઝરાયલના લોકો દ્વારા અભેદ્ય ગણવામાં આવતી હતી. છતાં તેને અડીને આવેલા મિલિટરી બેઝમાં ઘૂસણખોરી થવા લાગી.
શેરોન કહે છે કે નાહલ ઓઝ ખાતે દરેક તત્ઝપિટાનીયોટે બેથી પાંચ ઘૂસણખોરી થતી જોઈ છે. તેમણે જોયું કે હમાસના લડવૈયાઓ ઇઝરાયલની અંદર પ્રવેશતા હતા.
જનરલ ઝિવ કહે છે કે લડવૈયાઓએ જે સરળતાથી અભેદ્ય ગણાતી વાડ પાર કરી તે તેની મોટી ખામી દર્શાવે છે.
“તમે જોયું કે બે ટ્રક આવીને તેને ધક્કો મારી શકે છે. તેમાં કંઈ ન હતું. ત્યાં 50 કે 60 મીટર સુધી બારુદી સુરંગો બિછાવી હોત તો હમાસને થોડા કલાકો માટે અટકાવી શકાયું હોત."
ચારેય તરફ અંધાધૂંધીનો માહોલ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સાથે શૅર કરવામાં આવેલા આઈડીએફના ફૅમિલી બ્રિફિંગ અનુસાર સવારના 6:40 વાગ્યા પહેલાં નાહલ ઓઝ ખાતે એક નિરીક્ષણ પોસ્ટને રૉકેટ હુમલામાં નુકસાન થયું હતું.
આઈડીએફએ પરિવારોને જણાવ્યું કે હમાલ પર સ્નાઇપરને શોધવાની એક સિસ્ટમ મૂકવામાં આવી હતી. એક ઓફિસરે બૉર્ડર પાર કરવાનો પ્રયાસ કરતા બંદૂકધારીઓ પર દૂરથી ગોળીબાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઇન્ફૅન્ટ્રીના અધિકારીઓ પણ હમાલમાં ટાત્ઝપિટાનીયોટની સાથે જોડાયા. શેરોન કહે છે કે એક કમાન્ડર પાયજામો પહેરીને આવ્યા હતા.
ત્યાર પછી બંદૂકધારીઓએ સર્વેલન્સ કૅમેરા પર ગોળીબાર કરવાનું ચાલુ રાખતા હમાલમાં મૉનિટરિંગ સ્ક્રીન્સ બંધ થવા લાગી.
જનરલ ઝિવ કહે છે કે, હમાસ કેટલાય અઠવાડિયાથી સરહદ પર આ સર્વેલન્સ કૅમેરાની સામે હિલચાલ કરતું હતું. આ તેમની વ્યૂહાત્મક ચાલ હતી જેથી તેમની હિલચાલ નૉર્મલ લાગે.
ટાત્ઝપિટાનીયોટ જ્યાં કામ કરતા હતા ત્યાંથી માત્ર 100 મીટરના અંતરે એલરોય રૉકેટ અને સાયરનના અવાજથી જાગી ગયા હતા, એમ તેના પિતા રફી બેન શિટ્રિટે બીબીસીને જણાવ્યું હતું. એલરોય તે જગ્યા પર આઈડીએફના પાંચ ઑબ્જર્વેશન બલૂનિસ્ટ પૈકી એક હતા.
પાછળથી આઈડીએફે એલરોયના પરિવારને તે દિવસે શું થયું તે અંગે પ્રારંભિક તપાસની વિગતો આપી હતી.
નાહલ ઓઝ ખાતેના બલૂનની મદદથી ઇઝરાયલ ગાઝામાં દૂર સુધી નજર રાખી શકે છે. આ બલૂન ચોવીસે કલાક કાર્યરત રહે છે.
પરંતુ 7 ઑક્ટોબરે તે સરહદ પર ત્રણમાંથી એક બલૂન હતું જે કામ કરતું ન હતું.
બેન શિટ્રિટ કહે છે, "નાહલ ઓઝમાં બલૂન કામ કરતું ન હતું અને કોઈને કંઈ પડી ન હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે તે રવિવારે રિપૅર કરવામાં આવશે."
"ત્યાં એવું વાતાવરણ હતું કે: 'હમાસને અટકાવી દેવાયેલ છે. કંઈક થશે તો પણ આતંકવાદી ઘૂસણખોરી હશે અથવા વધુમાં વધુ ત્રાસવાદી સ્કવૉડ હશે."
બીજી તરફ શેરોન પોતાના સર્વેલન્સ પૉઇન્ટ પર સૈનિકો સાથે ઉતાવળમાં વિગતો આપતા હતા.
તેઓ કહે છે, "હું રડી પડી અને જાહેરાત કરી. બધું એક સાથે થયું."
તેમને યાદ છે કે કમાન્ડિંગ ઓફિસરે "ચૂપ" થવા માટે બૂમ પાડી કારણ કે કેટલીક યુવતીઓ આ ભયાનકતા વચ્ચે ગભરાઈ ગઈ હતી.
વૉર રુમ સુધી પહોંચ્યા બંદુકધારીઓ

ઇમેજ સ્રોત, JOEL GUNTER/BBC
શિમોને કહ્યું કે સરહદી વાડ પર તેણે રેડિયોની સૂચનાનું પાલન કર્યું. તેમને હજુ સમજાયું ન હતું કે સામે છેડે વાત કરતી યુવતીના અવાજમાં આટલો ગભરાટ કેમ હતો.
તેઓ કહે છે, "મને અવાજમાં સ્ટ્રૅસ વર્તાતો હતો, પણ મને કંઈ દેખાતું ન હતું."
જ્યારે તેમનું યુનિટ તત્ઝપિટાનીયોટે જણાવેલા સ્થાને પહોંચ્યું, ત્યારે તેમણે હમાસના ટ્રકોને વાડ તોડીને અંદર ઘૂસતા જોયા.
“તેમણે અમારા પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું. કદાચ પાંચ ટ્રક હતા."
સૈનિકોએ વળતો ગોળીબાર કર્યો અને બાઇક પર સવાર લોકો પાછળ ભાગ્યા.
07:00 વાગ્યા પછી તરત કોઈને કલ્પના પણ ન હતી તેવી ક્ષણ આવી. હમાસના બંદૂકધારીઓ હમાલના દરવાજે ઉભા હતા.
શેરોનને કહેવામાં આવ્યું, "ઉઠો, દરવાજા પર આતંકવાદીઓ આવી ગયા છે."
ટાત્ઝપિટાનીયોટના લોકોને તેમની પૉઝિશન છોડી દેવા અને વૉર રૂમની અંદરની ઓફિસમાં જવાનો આદેશ આપવામાં આવ્યો.
જનરલ ઝિવ કહે છે કે સૈન્યના ઉચ્ચ અધિકારીઓએ બેઝને બચાવવા પર પૂરતો ભાર મૂક્યો ન હતો, તેના બદલે તેમણે બાહ્ય પેટ્રોલિંગ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
તેઓ કહે છે, “આખી ગરબડનો આ એક ભાગ હતો કારણ કે એકવાર દુશ્મન બેઝમાં પહોંચી ગયા, ત્યારે તેઓ તૈયાર ન હતા. આખી વ્યવસ્થા પડી ભાંગી.”
લગભગ 07:20 વાગ્યે હમાલની બહારના બૉમ્બ શૅલ્ટર પર હુમલો કરવામાં આવ્યો જે 'શિલ્ડ' તરીકે ઓળખાતું હતું.
અંદર કેટલાક ઑફ-ડ્યુટી ટાત્ઝપિટાનીયોટે શરણ લીધી હતી જેને "ચાર મહિલા સૈનિકો" સુરક્ષા આપતી હતી. 7:38 વાગ્યે ત્યાં શરણ લેનારા ટાત્ઝપિટાનીયોટે આવો વૉટ્સઍપ મૅસેજ મોકલ્યો હતો જે મૅસેજ બીબીસીએ જોયો છે.
ગ્રૂપમાં તેમના તરફથી બીજા કોઈ સંદેશ ન હતા.
આઈડીએફએ પરિવારોને જણાવ્યું કે શૅલ્ટરમાં માત્ર આ "મહિલા યોદ્ધાઓ" પાસે જ શસ્ત્રો હતા. તેમણે પોતાના ગોળીબારથી હમાસના ફાઇટરોને દૂર રાખ્યા. અંતે એક ગ્રૅનેડ વિસ્ફોટથી એક કમાન્ડરનું મોત થયું અને બીજા લોકોને ઈજા થઈ.
આ સમયે લગભગ 10 સૈનિકો શૅલ્ટરમાંથી ભાગવામાં સફળ થયા અને પોતાને આવાસ બૅરેકમાં બંધ કરી દીધા. બૉમ્બ શૅલ્ટરની અંદર બાકીના તમામ લોકો હમાસ દ્વારા માર્યા ગયા અથવા બંધક બનાવવામાં આવ્યા હતા.
શિમોન અને તેમના કમાન્ડર બેઝ તરફ પાછા ફર્યા, પરંતુ તેમને હજુ પણ આ કેટલા મોટાપાયે થઈ રહ્યું છે તેનો અંદાજ ન હતો.
ત્યાર પછી આઈડીએફે નાહલ ઓઝ ખાતે માર્યા ગયેલા એક વ્યક્તિના પરિવારને જણાવ્યું કે ડ્રોન દ્વારા બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો. ચારેય દિશામાંથી 70 લડવૈયાઓએ હુમલો કર્યો અને સવાર જેમ-જેમ ચઢતી ગઈ તેમ-તેમ હુમલાખોરોની સંખ્યા વધતી ગઈ હતી.
ગાઝાપટ્ટીની ઉપર અને નીચેના ભાગેથી હજારો લોકો ઇઝરાયલી પ્રદેશમાં પ્રવેશવા લાગ્યા.
શિમોન કહે છે કે બેઝ પર પાછા ફરતી વખતે તેમને સમજાયું કે કેટલા મોટાપાયા પર હુમલો થયો છે.
તેઓ કહે છે, "અમે જ્યારે બેઝ પર પહોંચ્યા, ત્યારે બધું બળી ગયું હતું."
શેરોન કહે છે કે, હમાલની અંદરની ઓફિસમાં લગભગ 20 સૈનિકોના જૂથે એકબીજાને શાંત કરવાનો પ્રયાસ કર્યો.
દરમિયાન, તેમણે મદદ મેળવવા માટે વારંવાર પ્રયાસો કર્યા.
"મને લાગે છે કે (કોઈએ) એવું કહ્યું કે 'ત્યાં કોઈ બૅકઅપ નથી, કોઈ આવી શકે તેમ નથી' અને મને યાદ છે કે મારા અધિકારીએ કહ્યું હતું કે 'અમને બૅકઅપની જરૂર નથી, અમને બચાવની જરૂર છે."
"ત્યાં બધું અસ્પષ્ટ હતું."

ઇમેજ સ્રોત, Channel 12
8:00 વાગે તે પહેલાં 'ઝિક' તરીકે ઓળખાતું એક ઇઝરાયલી ડ્રોન આવી પહોંચ્યું. પરંતુ આઈડીએફ અનુસાર તેને ઇઝરાયલી સૈનિકો અને હમાસના લડવૈયાએ વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી નડી. એટલે કે તે તેના લક્ષ્ય પર હુમલા કરવામાં ધીમું હતું.
લગભગ તે જ સમયે હમાલ પર હુમલો શરૂ થયો, જેમાં મોટાપાયે ગોળીબાર થયો. હમાસને અંદર પ્રવેશતા રોકવા માટે સશસ્ત્ર લોકો બિલ્ડિંગના દરવાજે લડ્યા. લગભગ ચાર કલાક સુધી સામ સામે ગોળીબાર ચાલુ રહ્યો.
આ દરમિયાન, શિમોન કહે છે કે બેઝ પર લડતા સૈનિકોની સામે હુમલાખોરોની સંખ્યા બહુ મોટી હતી. સહાયતા આવી પહોંચવાના કોઈ સંકેત ન હતા.
લગભગ 9:00 વાગ્યે ગોલાની બેઝના ડાઇનિંગ રૂમ તરફ ગયા જ્યાં મોટાભાગના બંદૂકધારીઓ છુપાયેલા હોવાનું ટાત્ઝપિટાનીયોટે કહ્યું હતું.
પાછળથી આઈડીએફ દ્વારા પરિવારોને જણાવાયું કે તે દિવસે નાહલ ઓઝમાં પ્રત્યેક 25 સૈનિકોની સામે 150 બંદૂકધારી હતા.
જનરલ ઝિવ કહે છે, "તે સવારે હમાસનો હુમલો બહુ મોટાપાયે હતો."
"ત્યાં લગભગ 70થી વધુ જગ્યાએ ઘૂસણખોરી થઈ...3000 થી વધુ આતંકવાદી હતા. તેમને ખબર હતી કે તેઓ આવડતમાં નબળા છે તેથી મોટા જથ્થામાં આવ્યા."
ઇઝરાયલી મીડિયાના અહેવાલો અનુસાર આ સમયની આસપાસ ફિલ્માવવામાં એક વીડિયોમાં નાહલ ઓઝના યુવા સર્વેલન્સ અધિકારીઓ જોવા મળે છે જેમને હમાસના હથિયારબંધ લોકો દ્વારા બંધક બનાવાયા હતા.
એક મહિલાના હાથ બંધાયેલા છે અને તેનો ચહેરો દિવાલ તરફ છે. તેને એક માણસ કહે છે કે, "તમે કૂતરા છો. અમે તમને કચડી નાખીશું."
વૉરરુમના દરવાજા ખુલ્લી ગયા

19 વર્ષનાં નામા લેવીએ એક દિવસ અગાઉ જ બેઝ પર કામગીરી શરૂ કરી હતી. તે કહે છે કે, મારે "પેલેસ્ટાઇનમાં મિત્રો" છે. તેનો ચહેરો લોહીથી ખરડાયેલો છે.
ફૂટેજમાં જોવા મળે છે કે મહિલાઓને ઢસડીને એક વાહનમાં નાખીને લઈ જવામાં આવી રહી છે.
નામાની માતા માટે આ બહુ આઘાતજનક દૃશ્ય છે. ડૉ. આયલેટ લેવી કહે છે, "તેની ઈજા, તેનું લોહી, તે જે કહેતી હતી, આતંકવાદીએ તેને જે કહેતા હતા, એ બધું ભયાનક હતું."
જનરલ ઝિવ કહે છે કે નાહલ ઓઝ ખાતેના ટાત્ઝપિટાનીયોટ "અદ્ભુત હતા. ભૂલ સિસ્ટમની હતી. વાંક કમાન્ડરોનો છે."
હુમલા શરૂ થયાના ત્રણ કલાકથી વધુ સમય પછી 09:45 વાગ્યે આઈડીએફના હૅલિકૉપ્ટરે હમાસના બંદૂકધારીઓ પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું તેમ અધિકારીઓએ શોકગ્રસ્ત પરિવારોને જણાવ્યું હતું. તેમણે 12 વખત બેઝમાં ફાયરિંગ કર્યું હતું.
શિમોન અને તેમના કમાન્ડર સહિત અન્ય છ લોકો બેઝમાંથી બહાર નીકળી ગયા અને પગપાળા ફૉર્મેશનમાં પાછા ફર્યા. તેમના પર "તમામ દિશામાંથી" ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
ઑટોમેટિક હથિયારોના સતત ગોળીબાર વચ્ચે હમાસના સ્નાઇપરોના સિંગલ શૉટ પણ ફાયર થતા હતા, જેને ઇઝરાયલીઓ જોઈ શકતા ન હતા.
તેઓ કહે છે, "જ્યારે જ્યારે તેમણે ફાયરિંગ કર્યું ત્યારે મારા કોઈ મિત્રને માથામાં ગોળી વાગી હતી."
શિમોન કહે છે કે ત્યાં લડનારાઓમાં બચી જનાર તે એકલા હતા અને તેઓ પણ સહેજમાં ગોળી ચૂકી ગયા હતા.
"એક ગોળી મારા માથા પાસેથી પસાર થઈ હતી... હું મારી આસપાસના કૉંક્રિટ સાથે અથડાતી ગોળીનો અવાજ સાંભળી શકતો હતો અને તેની ગરમી અનુભવી શકતો હતો."
તે સમયે તેમનો રેડિયો પણ કામ કરતો ન હતો.
જનરલ ઝિવ આ દિવસને "ભયંકર તોફાન" તરીકે વર્ણવે છે.
તેઓ કહે છે, "આટલા કલાકો સુધી ત્યાં બૅકઅપ નહોતું કારણ કે કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું છે અને બૅકઅપ ક્યાં મોકલવું."
શિમોન ત્યાંથી છટકવામાં સફળ રહ્યા અને સ્નાઇપરની પૉઝિશનમાં ગયા. ત્યાંથી તેઓ બીજા યુનિટના સૈનિકો સાથે જોડાયા જેઓ કિબુત્ઝની સુરક્ષા માટે આવ્યા હતા.
બીજી તરફ હમાલ અથવા જેને વૉર રૂમ કહેવામાં આવે છે, ત્યાં લગભગ 11 વાગ્યે એક મોટી ઘટના બની.
વીજળી કાપી નાખવામાં આવી હતી. એટલે કે ઇલેક્ટ્રિક સિસ્ટમ પર આધારિત દરવાજાના તાળા ખુલી ગયા હતા. કેટલાક પરિવારોને IDFએ આપેલા માહિતી મુજબ વૉર રૂમ ખુલ્લો રહી ગયો. હમાસ લડવૈયાઓએ અંદર ગોળીબાર અને ગ્રૅનેડ ફેંકવાનું શરૂ કરી દીધું.
ગોલાનીના એક સૈનિક સાથે છરીથી સામ સામેની લડાઈમાં એકનું મોત થયું હતું તેમ IDFએ પરિવારોને જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Channel 12
જનરલ ઝિવે કહ્યું કે સૈનિકો પોતાની સલામતી માટે દરવાજાના તાળાઓ પર આધાર રાખવા લાગ્યા તે જ ઘડીએ લશ્કરી સિસ્ટમ "પહેલેથી નિષ્ફળ" થઈ ગઈ હતી.
IDFની બ્રીફિંગમાં પરિવારોને જણાવાયું કે "આતંકવાદીઓએ હમાલમાં જ્વલનશીલ પદાર્થ ફેંક્યો અને તેને આગ લગાવી દીધી હતી."
“ધુમાડો એકદમ ઘટ્ટ હતો. બધાને ખાંસી અને ગૂંગળામણ થવા લાગી. લોકો પડવા માંડ્યા અને બેહોશ થવા લાગ્યા,” તેમ શેરોન કહે છે.
એક માતાએ કહ્યું કે IDF દ્વારા તેમને જણાવાયું હતું કે હમાસ દ્વારા હુમલામાં "ઝેરી પદાર્થ"નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે અન્ય લોકો આ વિગતથી વાકેફ ન હતા અથવા એમ કહ્યું હતું કે આઈડીએફએ તેની વાત બદલી નાખી છે.
લગભગ 12:30 વાગ્યે શેરોન સહિત હમાલમાં સાત લોકોએ શૌચાલયની બારીનો રસ્તો શોધી કાઢ્યો અને ચઢીને બહાર નીકળી ગયા.
ત્યાં શેરોન અને બચી ગયેલાં લોકોએ મદદ આવે તેની રાહ જોઈ. પરંતુ કોઈ આવ્યું નહીં. તે દિવસે ટાત્ઝપિટાનીયોટમાં શિફ્ટમાં શેરોન એ એકમાત્ર બચી ગયેલી વ્યક્તિ હતી. યુનિટની અન્ય એક યુવતી બેઝ પર હતી, પરંતુ તે સવારે કામ કરતી ન હતી. તે પણ બચી ગઈ હતી.
7 ઑક્ટોબરની સાંજ સુધીમાં સૈન્યએ ફરીથી નિયંત્રણ મેળવી લીધું પરંતુ ત્યાં ફરજ બજાવતા ઘણા લોકો તે દિવસે જીવીત રહ્યા ન હતા. તાત્ઝપિટાનીયોટના સાત સભ્યોને ગાઝામાં બંધક તરીકે પાછા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં એકને મારી નાખવામાં આવ્યા હતા, એકને બચાવી લેવાયા અને હજુ પાંચ ત્યાં જ છે.
તે દિવસે આખા ઇઝરાયલમાં 300થી વધુ સૈનિકો સહિત કુલ લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા અને અન્ય 251ને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગાઝામાં ઇઝરાયલી લશ્કરી કાર્યવાહીના પરિણામે અત્યાર સુધીમાં 41,000થી વધુ પેલેસ્ટાઈનવાસીઓ માર્યા ગયા છે, એવું હમાસસંચાલિત આરોગ્ય મંત્રાલય કહે છે.
નાહલ ઓઝના મૃતકોમાં અલરોય બલૂનિસ્ટ અને તેમના ચાર સાથીદારોનો સમાવેશ થતો હતો, જેમણે હમાસને લાંબી લડત આપી હતી એમ તેમના પિતાએ આઈડીએફ દ્વારા અપાયેલી માહિતીને ટાંકીને જણાવ્યું હતું.
તેઓ લગભગ 10 બંદૂકધારીઓને ઠાર મારવામાં સફળ રહ્યા, પરંતુ તેઓ માત્ર પાંચ હતા અને હુમલાખોરો વધારે હતા. બપોરે લગભગ 2.30 વાગ્યે એક મોબાઈલ શૅલ્ટરમાં બધા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
બેઝના યુનિટ્સ માટે સુરક્ષિત જગ્યા તરીકે ડિઝાઇન કરવામાં આવેલો વૉર રૂમ નાશ પામ્યો હતો. ફોટા અને વીડિયો દેખાડે છે કે તે સળગી ગયો હતો. ટાત્ઝપિટાનીયોટમાં જે સ્ક્રીન પર મૉનિટરિંગ થતું હતું તે કાળી પડી ગઈ હતી. ત્યાં રાખના ઢગલાં વચ્ચે હાડકાના અવશેષ મળી આવ્યા હતા.
આ હુમલામાં બચી ગયેલા લોકો અને માર્યા ગયેલા તથા અપહરણ કરાયેલા લોકોના પરિવારોને હજુ એ સવાલનો જવાબ નથી મળ્યો કે આટલી મોટી ગરબડ કેમ થઈ ?
(જોન ડોનિસન અને નાઓમી શૅરબેલ-બોલના રિપોર્ટિંગ સાથે)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














