ગુજરાતમાં નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ત્રીજી ઑક્ટોબરથી નવરાત્રીની શરૂઆત થશે અને આ વર્ષે હજી ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં જ કચ્છને બાદ કરતાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો છે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં હવે કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ હજી પણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
1 જૂનથી ભારતમાં શરૂ થતું ચોમાસું ગુજરાતમાં 15 જૂનની આસપાસ પહોંચે છે અને 30 સપ્ટેમ્બરના રોજ ચોમાસાનો વરસાદ પૂરો થયેલો ગણાય છે. એટલે કે હવે જે વરસાદ પડશે એની ગણતરી ચોમાસા બાદના વરસાદમાં કરવામાં આવશે.
ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે, પરંતુ હાલના વરસાદી રાઉન્ડને કારણે રાજ્યમાં હવે ચોમાસાની વિદાયમાં થોડું હજી મોડું થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં આ વર્ષે જુલાઈ, ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે, જેના કારણે વડોદરા, વલસાડ, નવસારી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
હાલના દિવસોમાં હવે રાજ્યમાં સાવ વરસાદ બંધ થાય તેવી શક્યતા દેખાતી નથી કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે.
ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય અને છૂટોછવાયો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
3 ઑક્ટોબરના રોજ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે અને રાજ્યમાં હાલ ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નવરાત્રી દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે.
હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે સોરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આગામી સાત દિવસોમાં કોઈ સ્થળે છૂટોછવાયો વરસાદ થઈ શકે છે અને સાથે પૂર્વ ગુજરાતના કોઈ વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે.
જોકે, હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાતી નથી. કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાશે પરંતુ વધારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
હાલ અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ બને એવી શક્યતા દેખાતી નથી અને બંગાળની ખાડીમાં જો સિસ્ટમ બને તો પશ્ચિમ તરફથી આવતા મજબૂત પવનો હવે ગુજરાત તરફ આવતાં તેને રોકે તેવી સંભાવના છે. એટલે કે પશ્ચિમના પવનો મજબૂત બની રહ્યા છે.
હવામાનનાં આંકડાકીય મૉડલો લાંબાગાળાની આગાહી માટે બહુ સચોટ હોતાં નથી પરંતુ ચારથી પાંચ દિવસની આગાહીની વધારે સારી કરી શકે છે.
ગુજરાતમાં ચોમાસું ક્યારે વિદાય લેશે?
હવામાન વિભાગે જારી કરેલી માહિતી પ્રમાણે આગામી 2થી 3 દિવસોમાં રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ગિલગિટ બાલિસ્તાન તથા હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ શકે છે.
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદનું જોર ફરી વધતાં ચોમાસું પરત ફરતું અટકી ગયું હતું. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ તથા બનાસકાંઠામાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી દેવામાં આવી હતી.
એક તરફ હવામાન વિભાગે આ વિસ્તારોમાંથી ચોમાસાની વિદાયની જાહેરાત કરી અને બીજી તરફ રાજ્યમાં ચોમાસું પૂરું થતાંથતાં ફરી વરસાદની શરૂઆત થઈ હતી.
સામાન્ય રીતે રાજસ્થાન અને ગુજરાતના કચ્છમાંથી 17 સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે.
હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે પણ ગુજરાતના વધારે વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરશે કે નહીં તે અંગે કોઈ માહિતી આપી નથી. જોકે, જે રીતે સ્થિતિ દેખાઈ રહી છે તે પ્રમાણે હજી કેટલાક દિવસો બાદ રાજ્યના તમામ વિસ્તારોમાંથી ચોમાસું પરત ફરે તેવી સંભાવના છે.
ગુજરાત સરકારે જારી કરેલા આંકડા પ્રમાણે આ વખતે ચોમાસામાં રાજ્યમાં સરેરાશ 137.43% વરસાદ થયો છે. જેમાં 141 તાલુકાઓમાં 1000 મિલીમીટર કરતાં વધારે વરસાદ થયો છે.
આ વર્ષે ચોમાસામાં પડેલા સારા વરસાદના કારણે 134 ડૅમો સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે 48 ડૅમોમાં 70થી 100 ટકા વચ્ચે પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો છે. રાજ્યમાં કુલ મોટાં 206 જળાશયોનું સતત મૉનિટરિંગ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













