ભારત માટે 'ભાગેડુ' એવા ઝાકિર નાઇકે પાકિસ્તાન જઈને ગોમાંસ મામલે શું કહ્યું?

ઝાકિર નાઇકની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇક

ભારતીય મૂળના ઇસ્લામિક ઉપદેશ ઝાકિર નાઇક સોમવારે પાકિસ્તાન પહોંચ્યા, જેની સોશિયલ મીડિયા ઉપર વ્યાપક ચર્ચા થઈ હતી.

આ પહેલાં ઝાકિર નાઇકે ટ્વિટ કરીને જણણાવ્યું હતું કે પાકિસ્તાનની સરકારે તેમને તથા એમના દીકરા શેખ ફરીક નાઇકને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.

નાઇક પોતાના વિસ્તૃત પાકિસ્તાન પ્રવાસ દરમિયાન કરાચી (પાંચમી અને છઠ્ઠી ઑક્ટોબર), લાહોર (12 અને 13મી ઑક્ટોબર) તથા ઇસ્લામાબાદની (તા. 19 અને 20 ઑક્ટોબર) મુલાકાત લેશે, તથા આ દરમિયાન પાકિસ્તાની લોકો સાથે સંવાદ કરશે.

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઝાકિર નાઇક જુમ્માની નમાજ પણ પઢાવશે તથા ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.

નાઇકનું પાકિસ્તાનમાં સ્વાગત

ઝાકિર નાઇકે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીના સ્પીકર સાથે મુલાકાત કરી તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, @NAOFPAKISTAN

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇકે પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીના સ્પીકર સાથે મુલાકાત કરી

સોમવારે ઝાકિર નાઇક પાકિસ્તાન પહોંચ્યા, જ્યાં પાકિસ્તાનના વડા પ્રધાનના યુવા કાર્યક્રમના ચૅરમૅન રાણા મશહૂદ તથા આંતરધાર્મિક સદ્દભાવ મંત્રાલયના અધિક સચિવ ડૉ. સૈયદ અતાઉર રહેમાન સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા.

સોમવારે નાઇકે ઍક્સ ઉપર એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેઓ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇસહાક ડાર સાથે મુલાકાત કરતા નજરે પડે છે.

નાઇક પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલી પણ ગયા, જ્યાં સ્પીકર સરદાર આયાઝ સાદિકે તેમનું સ્વાગત કર્યું.

નેશનલ ઍસેમ્બલીએ સોશિયલ સાઇટ ઍક્સ ઉપર માહિતી આપી હતી કે તેમની વચ્ચે મુસલમાનો સામે ઊભા થતાં પડકારો, આંતરધર્મીય સદ્દભાવ તથા અન્ય મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર ચર્ચા થઈ.

ઇઝરાયલ-હમાસ જંગ ઉપર ચર્ચા

વીડિયો કૅપ્શન, ઝાકિર નાઇક આજકાલ ક્યાં છે અને શું કરે છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નાઇકે પાકિસ્તાન પહોંચ્યા બાદ અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમણે અનેક ટીવી ચૅનલોને ઇન્ટરવ્યૂ આપ્યા, જેમાં ઇઝરાયલ-હમાસ જંગ તથા ભારત પરત નહીં ફરવા સહિતના મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા હતા.

ધાર્મિક તથા આંતરધર્મીય બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષ વિશે વાત કરી હતી અને કહ્યું, "અલ્લાહનું આયોજન સર્વશ્રેષ્ઠ હોય છે અને માણસને તેના વિશે પાછળથી ખબર પડે છે. જેમ કે, અલ્લાહે ઇચ્છ્યું હોત તો એક જ દિવસમાં પેલેસ્ટાઇનને જીતાડી દીધું હોત, પરંતુ જીતાડ્યું નહીં, કારણ કે અલ્લાહ સારા આયોજક છે."

"જો અલ્લાહે એક જ દિવસમાં પેલેસ્ટાઇનને જીતાડી દીધું હોત તો એક વર્ષથી ચાલી રહેલી જંગ પછી હજારો લોકો પેલેસ્ટાઇનની પડખે ઊભા ન હોત. સાતમી ઑક્ટોબરે 99 ટકા બિનમુસ્લિમ ઇઝરાયલની સાથે હતા, પરંતુ આજે 99 ટકા લોકો ગાઝાને સાચું જણાવી રહ્યાં છે."

દરમિયાન એક પત્રકારે સવાલ પૂછ્યો હતો કે 16 હજાર માસૂમ બાળકોનાં મૃત્યુનાં નુકસાનનું શું ? જેના જવાબમાં નાઇકે કહ્યું, 'તેઓ જન્નતનશીન થયાં છે. જેને તમે નુકસાન કહો છો, તેને હું શહીદી કહું છું.'

"હિજરત કરતાં પહેલાં (મુંબઈ છોડતાં પહેલાં) હું દરરોજ દુઆ કરતો કે હે અલ્લાહ મારા જાનમાલ તમારી ઉપર કુર્બાન છે. વર્ષ 2016માં હિજરત કરી એટલે મારી અડધી દુઆ કબૂલ થઈ ગઈ, કારણ કે મારી બધી સંપત્તિ ત્યાંજ રહી ગઈ. હજુ પણ બીજી કુર્બાનીની દુઆ કરું છું. હું દરરોજ શહાદત માટે દુઆ કરું છું."

ગોમાંસ પર નિવેદન

ઝાકિર નાઇક વિરૂદ્ધના પ્રદર્શન દરમિયાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઝાકિર નાઇકને ભારત સરકારે 'ભાગેડુ' જાહેર કર્યા છે

ઝાકિર નાઇકે પાકિસ્તાનની જિયો ચૅનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મીડિયા હાઉસના રિપોર્ટર ઇરફાન સિદ્દીકીએ આ વાતચીતનો વીડિયો ઍક્સ ઉપર મૂક્યો હતો.

રિપોર્ટરે પૂછ્યું હતું કે શું ભારતના મુસલમાનોએ ગોમાંસના પ્રતિબંધનું પાલન કરવું જોઈએ? જેના જવાબમાં નાઇકે કહ્યું, "એક ઇસ્લામિક અભિપ્રાય હોય છે તો બીજો વ્યક્તિગત વિચાર. ઇસ્લામિક શરિયતના કહેવા પ્રમાણે, તમે જે દેશમાં રહેતા હો, તે જ્યાર સુધી અલ્લાહ અને તેમના રસૂલના કાયદાની વિરૂદ્ધ ન જાય, ત્યાર સુધી ત્યાંના કાયદાનું પાલન કરો."

"દાખલા તરીકે કોઈ દેશ નમાજ પઢવા ઉપર પ્રતિબંધ મૂકે, તો એ કાયદાને માનવો ન જોઈએ, કારણ કે ઇસ્લામમાં નમાજ ફરજ (અનિવાર્ય) છે."

"ઇસ્લામમાં ગોમાંસ ખાવું એ ફરજ નથી, એટલે કોઈ તેની ઉપર પ્રતિબંધ લાદે તો તેનું પાલન કરવું જોઈએ. જો મને વ્યક્તિગત રીતે પૂછશો, તો આ રાજકીય મુદ્દો છે. કરોડો હિંદુઓ પણ ગોમાંસ ખાય છે. નવી સરકાર આવી, એ પછી અનેક રાજ્યોએ ગોમાંસ ઉપર પ્રતિબંધ લાદ્યો છે."

"જો કોઈ છોકરીની છેડતી કરો તો ત્રણ વર્ષની સજા થાય અને ગોમાંસ ખાનારને પાંચ વર્ષની સજા થાય છે. આ તે કેવો તર્ક છે."

સોશિયલ મીડિયા ઉપર ચર્ચા

મલેશિયાના વડા પ્રધાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મલેશિયાના વડા પ્રધાનના ત્રણ દિવસીય પ્રવાસ પહેલાં ઝાકિર નાઇક પાકિસ્તાન પહોંચ્યા

ઝાકિર નાઇકની પાકિસ્તાનયાત્રાની સોશિયલ મીડિયા ઉપર ખાસ્સી ચર્ચા થઈ રહી છે. કોઈ તેમનું સ્વાગત કરી રહ્યું છે, તો કોઈ ઝાકિર નાઇકના કાર્યક્રમમાં જનારા લોકોને અપીલ કરી રહ્યું છે કે એમને પાકિસ્તાનની રાજકીયસ્થિતિ વિશે સવાલ પૂછવામાં આવે.

ઝારા નામના ઍક્સ યૂઝરે એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં એક શખ્સને એમ કહેતા સાંભળી શકાય છે કે જાકિર નાઇક અગાઉ પાકિસ્તાન એટલા માટે નહોતા આવતા, કેમ કે તેઓ ભારતમાં રહેતા હતા. હવે તેઓ ભારત જઈ શકે તેમ નથી એટલે પાકિસ્તાન આવ્યા છે.

અન્ય એક શખ્સે સવાલ પૂછ્યો હતો કે જાકિર નાઇકને પૂછવું જોઈએ કે પાકિસ્તાનમાં મહિલાઓ તથા પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સાથે જે પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે, તે યોગ્ય છે કે નહીં.

ડૉ. મુનીબ ઉર-રહમાન નામના યૂઝરે ઍક્સ પોસ્ટમાં લખ્યું, 'મને એવું કેમ લાગી રહ્યું છે કે ઝાકિર નાઇક ઍસ્ટાબ્લિશમૅન્ટ લૉન્ચ કરી રહ્યા છે.'

મલેશિયાના પીએમ પહેલાં પ્રવાસ

ઝાકિર નાઇક સામે ભારતમાં મની લૉન્ડ્રીંગ અને હૅટ સ્પીચના કેસ દાખલ થયેલા છે. હાલ તેઓ મલેશિયામાં રહે છે અને ભારતે તેમના પ્રત્યાર્પણના પ્રયાસ હાથ ધર્યા છે.

મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ બુધવારે પાકિસ્તાન પહોંચશે. અહીં તેઓ ત્રણ દિવસ રહેશે. આ દરમિયાન તેઓ વડા પ્રધાન શાહબાઝ શરીફ સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા મુમતાઝ ઝહરા બલૉચના કહેવા પ્રમાણે, બંને નેતાઓ વચ્ચે પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમ વિશે ચર્ચા થશે.

વિદેશ મંત્રાલયના કહેવા પ્રમાણે, વ્યાપાર, કનૅક્ટિવિટી, ઊર્જા, કૃષિ, હલાલ ઇન્ડસ્ટ્રી, પર્યટન, સાંસ્કૃતિક આદાનપ્રદાન સહિત અનેક ક્ષેત્રે સંબંધોને મજબૂત કરવા વિશે બંને વચ્ચે વાતચીત થશે.

ઝાકિર નાઇક અને ભારત

ઇસ્ટર બૉમ્બવિસ્ફોટ દરમિયાન થયેલા નુકસાનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019માં ઇસ્ટર દરમિયાન શ્રીલંકામાં થયેલા વિસ્ફોટોએ દેશને હચમચાવી નાખ્યો હતો

ઝાકિર નાઇકના ભાષણોને તેમની જ માલિકીની પીસ ટીવી ઉપર પ્રસારિત કરવામાં આવે છે. ભારત, બ્રિટન અને બાંગ્લાદેશ સહિત અનેક દેશોમાં આ ચૅનલ ઉપર પ્રતિબંધ છે. ઝાકિર નાઇક પોતાનાં ભાષણોમાં ઇસ્લામ વિશે વાતો કરે છે.

વર્ષ 2015માં સાઉદી અરેબિયાના કિંગ સલમાને "ઇસ્લામની સેવા કરવા બદલ" નાઇકને ત્યાંના પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

વર્ષ 2000 આસપાસ ઝાકિર નાઇકનાં ભાષણોએ લોકપ્રિયતા હાંસલ કરી હતી અને તેમની સભાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા. એ પછી ઝાકિર નાઇક ઉપર અન્ય ધર્મ કરતાં ઇસ્લામને શ્રેષ્ઠ દર્શાવવાના તથા બીજા ધર્મોને નીચા દેખાડવાના આરોપ લાગ્યા હતા.

ઝાકિર નાઇક ઉપર ભાષણો દ્વારા કટ્ટરતા ફેલાવવાના આરોપ પણ લાગ્યા છે. વર્ષ 2016માં બાંગ્લાદેશમાં એક ઉગ્રવાદીઓએ એક હુમલો કર્યો હતો, જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યાં હતાં.

તપાસકર્તાઓનું કહેવું હતું કે – ધરપકડ કરાયેલા ચરમપંથીઓ પૈકીના એકે કહ્યું હતું કે તેઓ ઝાકિર નાયકનાં ભાષણોથી પ્રભાવિત હતા.

સપ્ટેમ્બર-2024માં ઝાકિર નાઇકે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં કહ્યું હતું, "હુમલો કરનારમાંથી કોઈ મને ફેસબુક ઉપર ફૉલો કરતું હતું, જેના આધારે મારી ઉપર આરોપ મૂકવામાં આવ્યા."

આ કેસમાં મુંબઈ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે પ્રારંભિક તપાસ હાથ ધરી હતી, એ પછી નાઇકના સંગઠન આઈઆરએફ (ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન) ઉપર કેન્દ્ર સરકાર દ્વારા યુએપીએ હેઠળ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.

નાઇક એ પછી ભારત છોડીને મલેશિયા જતા રહ્યા હતા. ભારત સરકારે ઝાકિર નાઇકને 'ભાગેડુ' જાહેર કર્યા છે.

વર્ષ 2019માં શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના દિવસે થયેલા વિસ્ફોટોમાં 250 કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતાં, ત્યારે પણ નાઇક ઉપર આરોપ લાગ્યા હતા.

વર્ષ 2021માં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન ઉપરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવી દીધો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.