આપણા જીવન પર વક્રી બુધની કેવી કેવી અસર થાય?

અવકાશમાં ગ્રહોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, મેરી-જોસ અલ અઝ્ઝી
    • પદ, બીબીસી અરેબિક

વર્ષમાં ત્રણથી ચાર વખત બુધ ગ્રહ સોશિયલ મીડિયા પર ટ્રૅન્ડ થાય છે. તેનું કારણ નવી વૈજ્ઞાનિક શોધ કે આગામી અવકાશ મિશન નથી, પરંતુ તે પૂર્વવર્તી ભ્રમણકક્ષાના સમયગાળામાં પ્રવેશ કરે છે ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ધરાવતા લોકો આ ગ્રહને કાયમ કમનસીબી સાથે જોડે છે.

બુધ એ સૂર્યની સૌથી નજીકનો અને સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ છે. "મર્ક્યુરી રૅટ્રોગ્રૅડ" (વક્રી બુધ) એક ખગોળશાસ્ત્રીય ઘટના છે, જેમાં આ ગ્રહ, સૌરમંડળમાંના અન્ય ગ્રહોથી વિપરીત તેના કુદરતી માર્ગની વિરુદ્ધ દિશામાં આગળ વધતો દેખાય છે.

વક્રી થવાની આ ઘટના સૌરમંડળના તમામ ગ્રહો સાથે બને છે અને આ બધા ગ્રહ એકમેકની તુલનામાં જુદી-જુદી ઝડપે સૂર્યની પરિક્રમા કરે છે, તેનું આ પરિણામ છે.

વક્રીના આ સમયગાળા દરમિયાન બુધ આકાશમાં પાછળની તરફ જતો દેખાય છે, જે પૃથ્વી પરથી જોવા મળતો ભ્રમ છે. આવું જોવા એટલા માટે મળે છે કે પૃથ્વી અને બુધ અલગ-અલગ ગતિએ સૂર્યની પરિક્રમા કરે છે.

સમયને બદલવા સ્લાઇડર ખસેડો

પૃથ્વીની સરખામણીએ બુધ વધુ ઝડપથી ભ્રમણ પૂર્ણ કરે છે અને તે પૃથ્વીને ઓવરટેક કરે છે ત્યારે આપણને એવું લાગે છે કે તે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યો છે, વાસ્તવમાં બુધ સૂર્યની આસપાસ સામાન્ય રીતે ભ્રમણ કરતો રહે છે.

આ ઘટનાને રસ્તા પરથી પસાર થતી એક કારથી બીજા કાર આગળ વધી જાય તેની સાથે સરખાવી શકાય, જેમાં એક કાર તેની પાસેથી પસાર થતી બીજી કારની તુલનામાં આગળ જતી દેખાય છે.

જ્યોતિષની દૃષ્ટિએ આ ખગોળીય ઘટના છે, જે હજારો વર્ષથી જોવા મળે છે અને તેને આપણા રોજિંદા જીવન પર વ્યાપક પ્રભાવ ધરાવતો દુર્ભાગ્યનો સમય ગણે છે.

બુધ વર્ષમાં ત્રણ કે ચાર વખત એક સમયે લગભગ ત્રણ સપ્તાહ માટે પાછળ રહે છે એટલે વર્ષમાં કુલ ત્રણ મહિના.

યુકેના સંદર્ભમાં 2024માં પહેલી એપ્રિલથી 25 એપ્રિલ, પાંચમી ઑગસ્ટથી 28 ઑગસ્ટ અને 26 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધી, એમ આવું ત્રણ વખત થવાનું છે.

વીડિયો કૅપ્શન, શું મંગળ ગ્રહ પર જીવન છે ખરું? જવાબ માટે નાસાનું યાન કરશે મંગળ પર ખોજ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બ્રિટનના લૅસ્ટરસ્થિત નૅશનલ સ્પેસ સેન્ટરનાં નિષ્ણાત ધારા પટેલ કહે છે, "ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભૂતકાળમાં એકમેકની સાથે નજીકથી સંકળાયેલા હશે, પરંતુ વર્તમાનમાં એ બાબતે વૈજ્ઞાનિક સર્વસંમતિ છે કે ગ્રહના વક્રી થવા જેવી ખગોળીય ઘટનાઓની લોકોના જીવન પર કોઈ અનુમાનિત અસર થતી નથી."

વૈજ્ઞાનિક સમર્થન ન હોવા છતાં આ ખગોળશાસ્ત્રીય ઘટના અને સામાન્ય રીતે જ્યોતિષ સાથે જોડાયેલો અંધવિશ્વાસ હજુ પણ લોકોની કલ્પનામાં છવાયેલો છે.

ખગોળશાસ્ત્રમાં બ્રહ્માંડને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે અવકાશી પદાર્થો અને ભૌતિક, રાસાયણિક તેમજ ગાણિતિક ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે છે ત્યારે જ્યોતિષશાસ્ત્ર રાશિચક્ર, ગ્રહો અને અવકાશી પદાર્થોની મનુષ્ય પરની કથિત અસરો તપાસે છે.

જ્યોતિષશાસ્ત્રનો ઉદભવ મૅસોપૉટેમિયાની પ્રાચીન સંસ્કૃતિઓમાં ઈસવી પૂર્વેની ત્રીજી સહસ્રાબ્દીમાં થયો હતો અને ત્યાંથી તે ભારતમાં સ્થળાંતરિત થયું હતું.

પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના હેલેનિસ્ટિક કાળ દરમિયાન આ વિદ્યાએ આજનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું હતું.

ઍનસાયક્લૉપીડિયા બ્રિટાનિકામાં જણાવ્યા અનુસાર, જ્યોતિષ ગ્રીક પરંપરાના એક ભાગરૂપે ઇસ્લામી સંસ્કૃતિમાં પ્રવેશ્યું હતું. પછી મધ્ય યુગ દરમિયાન અરબી ભાષા શીખવાની રુચિના માધ્યમથી યુરોપિયન સંસ્કૃતિમાં પાછું ફર્યું હતું.

જ્યોતિષ તથા રાશિફળને છદ્મ વિજ્ઞાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે અને તેના અનુયાયીઓ માને છે કે ગ્રહો, તેમની સ્થિતિ તથા તેમની ચાલનો આપણા દૈનિક જીવન, આપણી લાગણીઓ, આપણા વિચારો અને આપણી નિયતિ પર સીધી અસર થાય છે.

પ્રારંભિક સંસ્કૃતિઓમાં મોસમ, વર્ષાનો સમય, આદ્રતા, તાપમાન, હવા તથા સૂર્યપ્રકાશની ભવિષ્યવાણી કરવા માટે કેટલીક પ્રાકૃતિક ઘટનાઓને સમજવાના પ્રયાસ કરવા જરૂરી હતા. એ સમયે તે જીવતા રહેવા માટે જરૂરી કૌશલ્ય હતું.

ગ્રીક લોકોએ તેમના ભાગ્ય, સલામતી, ફળદ્રુપતા, સંગીત તથા છળકપટના દેવતા હેર્મિઝ સાથે બુધને સાંકળ્યો હતો.

રોમન પૌરાણિક કથાઓમાં બુધને ‘મર્ક્યૂરિયસ’ કહેવામાં આવતો હતો તેને અંડરવર્લ્ડમાંના આત્માઓના માર્ગદર્શક ઉપરાંત વેપાર તથા સંદેશાવ્યવહારનો દેવ તેમજ દેવતાઓનો સંદેશવાહક ગણવામાં આવતો હતો.

કોઈ પણ ગ્રહની વક્રી ગતિ મનુષ્યને અસર કરતી હોય તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી.

‘પુષ્ટિકરણ પૂર્વગ્રહ’

બુધ ગ્રહ વિશેની વિગતોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જ્ઞાનાત્મક મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અનુસાર, જ્યોતિષશાસ્ત્ર અને રાશિચક્રમાં માણસોની શ્રદ્ધા “પુષ્ટિકરણ પૂર્વગ્રહ”માંથી ઉદભવે છે, જે માનવ મનના સૌથી સામાન્ય પૂર્વગ્રહો પૈકીનો એક છે.

કન્ફર્મૅશન બાયસ એટલે કે પુષ્ટિકરણ પૂર્વગ્રહ આપણી પૂર્વધારણા અનુસારની માહિતીને માનવા અથવા યાદ રાખવાની વૃત્તિ છે. તેમાં કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા વિના પસંદગીયુક્ત અને પક્ષપાતી રીતે અર્થઘટન કરવામાં આવે છે.

હાલ યુક્રેનમાં માનસિક આરોગ્ય સંબંધી માનવતાવાદી કાર્ય કરી રહેલા ક્લિનિકલ સાઇકૉલૉજિસ્ટ ઝૈનાબ અજામી બીબીસીને કહે છે, “લોકો પોતાને રાહતદાયક અથવા આરામદાયક લાગે તેવી બાબતો પર વિશ્વાસ કરે છે અને તેમાં મગજે કોઈ વિચાર કે પરિસ્થિતિનું સતત પૃથક્કરણ અને પુનઃમૂલ્યાંકન કરવું પડતું નથી.”

તેઓ ઉમેરે છે, “જ્યોતિષશાસ્ત્ર લોકોની સમસ્યાઓનાં વાસ્તવિક કારણો અને સમસ્યાના બહુવિધ સ્તરોની ચકાસણી કે તપાસ કર્યા વિના કોઈ પણ ઘટના સંબંધે ઝડપી અને સરળ સમજૂતી આપે છે.”

નક્કર વૈજ્ઞાનિક પુરાવા ન હોવા છતાં ઘણા લોકો જ્યોતિષવિદ્યાને પ્રેરણા, મનોરંજન અથવા અમુક આધ્યાત્મિક આશ્વાસનનું પ્રવેશદ્વાર માને છે.

બેરુતસ્થિત રેકી હીલિંગના નિષ્ણાત મિરેલી હમ્મલ બીબીસીને કહે છે, “ઘણા લોકો જ્યોતિષને સંપૂર્ણ બકવાસ અથવા ખોટી માન્યતા માને છે.”

રેકી એક લોકપ્રિય પૂરક ઉપચાર અને ઊર્જા ઉપચારનો પ્રકાર છે. જોકે, તેની અસરોને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા પણ નથી.

મિરેલી હમ્મલ માને છે કે જે લોકો બુધની વક્રી દશામાં માનતા હોય તેમણે એ સમયગાળામાં મોટી ખરીદી કરવાનું અથવા જીવનનો મહત્ત્વનો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ.

તેઓ કહે છે, “ગ્રહોના પ્રભાવને સમજવો અને તેનાથી વાકેફ રહેવું તેમજ વળગણના સ્તરે પહોંચ્યા વિના આપણી માન્યતાઓને અનુકૂળ હોય તેની પસંદગી કરવી મહત્ત્વપૂર્ણ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.