ચંદ્ર પર મળેલી ગુફા જેને ભવિષ્યમાં માનવીઓ બનાવી શકે છે પોતાનું 'આશ્રયસ્થાન'

- લેેખક, જ્યૉર્જિયા રાનાર્ડ
- પદ, સાયન્સ રિપૉર્ટર
વિજ્ઞાનીઓને પહેલી વખત ચંદ્રની સપાટી ઉપર ગુફાઓના અસ્તિત્વ વિશેના પુરાવા મળ્યા છે. તે 100 મીટર જેટલી ઊંડી છે અને માનવીઓ માટેનું કાયમી રહેઠાણ બનાવવા માટે આદર્શસ્થળ બની શકે છે.
સંશોધનકર્તાઓનું કહેવું છે કે આ ગુફા 'અંડરગ્રાઉન્ડ અને વણખેડાયેલાં વિશ્વ'માં છુપાયેલી સેંકડો ગુફાઓમાંથી એક હોઈ શકે છે.
ચંદ્ર ઉપર માનવજાત માટે કાયમી રહેઠાણ સ્થાપવા માટે અલગ-અલગ દેશો વચ્ચે સ્પર્ધા જામી છે, પરંતુ તેમની સામે અવકાશયાત્રીઓને રૅડિયેશન, અસામાન્ય તાપમાન તથા અવકાશના તાપમાનથી બચાવવાનો પડકાર છે.
બ્રિટનના પ્રથમ અવકાશયાત્રી હૅલન શરમને બીબીસી ન્યૂઝને જણાવ્યું કે નવી-શોધાયેલી ગુફા રહેવાનો આધાર બનાવવા માટે સારી જગ્યા હોય તેમ જણાય છે. તેમનું માનવું છે કે આગામી 20-30 વર્ષમાં માનવી ચંદ્રની સપાટી ઉપર આવેલી આવી બખોલોમાં નિવાસ કરે તેવી શક્યતાઓ રહેલી છે.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે આ ગુફા ખૂબ જ ઊંડી હોવાથી અવકાશયાત્રીઓને તેમાં ઊતરવા તથા બહાર નીકળવા માટે 'જૅટ-પૅક કે લિફ્ટ'ની જરૂર પડી શકે છે.
લૉરેન્ઝો બ્રૂઝ્ઝૉન અને લિયૉનાર્દો કૅરર ઇટાલીની યુનિવર્સિટી ઑફ ટ્રૅન્ટો ખાતે સંશોધક છે. તેમણે મેયર ટ્રાન્કવિલિટૅટિસ નામની જગ્યાએ આવેલી આ બખોલના મુખમાં પ્રવેશવા માટે રડારનો ઉપયોગ કર્યો હતો.

ચાંદામામાનું ઘર કેટલે?

વર્ષ 1969માં અપોલો 11 અહીં જ ઊતર્યું હતું. આ "મેયર" એટલે કે દરિયાના સ્થાને એકસમયે મહાસાગર હોવાની સંભાવના છે.
અવકાશીય પ્રકાશ માટેની બારી ચંદ્રની સપાટી ઉપર ખૂલે છે, જે અંદર સીધી જ ઊતરે છે અને તેની સપાટી ઢોળાવવાળી છે, જે વધુ અંદર ઊતરતી હોય શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લાખો કે કરોડ વર્ષ પહેલાં ચંદ્રની સપાટી ઉપર લાવારસ ફેલાયો હશે ત્યારે પહાડમાંથી આ ટનલ બનાવી હશે.
પ્રો. કૅરરના કહેવા પ્રમાણે, સ્પેનના લાન્ઝારૉતે ખાતે આવી જ ગુફાઓ જોવા મળે છે અને વિજ્ઞાનીઓએ સંશોધન માટે ઉપરોક્તક્ષેત્રની પણ મુલાકાત લીધી હતી. પૃથ્વી ઉપર આવેલી આ લાવાગત ગુફાઓ ચંદ્રની ગુફા સાથે સામ્યતા ધરાવે છે.
પ્રો. કૅરરના કહેવા પ્રમાણે, "જ્યારે તમને અહેસાસ થાય કે માનવજાતના ઇતિહાસમાં તમે પહેલી એવી વ્યક્તિ છો કે જણે આ પ્રકારની શોધ કરી છે અને આ તસવીરો જુઓ ત્યારે ખૂબ જ ઉત્તેજના અનુભવા છે."
જ્યારે પ્રો. કૅરર તથા પ્રો. બ્રુઝ્ઝૉનને ગુફાના કદ વિશે અંદાજ આવ્યો, ત્યારે તેમને અહેસાસ થયો કે તે માનવજાત દ્વારા ચંદ્ર પર નિવાસસ્થાન માટેનું સારું આરંભસ્થાન બની શકે છે.
પ્રો. કૅરરના કહેવા પ્રમાણે, "પૃથ્વી પર જીવનની શરૂઆત ગુફાઓમાંથી જ થઈ હતી એટલે માનવજાત ચંદ્ર પરની ગુફાઓમાં રહીને શરૂઆત કરી શકે તે વાત યુક્તિસંગત જણાય છે."
એક રહસ્ય ઉકેલાયું, અનેક બાકી

ઇમેજ સ્રોત, X/ISRO
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ગુફા અંગે પૂર્ણપણે સંશોધન કરવાનું બાકી છે, છતાં સંશોધકોને આશા છે કે જમીનની અંદર સુધી જોઈ શકતા રડાર, કૅમેરા કે રૉબૉટનો ઉપયોગ કરીને ગુફા વિશે તાગ મેળવી શકાય છે.
50 વર્ષ પહેલાં વિજ્ઞાનીઓને અહેસાસ થયો હતો કે ચંદ્ર ઉપર ગુફાઓ હોય શકે છે. એ પછી વર્ષ 2010માં લુનર રિકૉનિસન્સ ઑર્બિટર મોકલવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓને જે કોઈ ખાડા ગુફાઓના પ્રવેશદ્વાર હોય શકે છે એમ લાગતું હતું, તેની તસવીરો લીધી.
જોકે આ ગુફાઓ કેટલી ઊંડી છે કે તેના પ્રવેશદ્વાર ધસી ગયો છે, તેના વિશે સંશોધકોને અંદાજ ન હતો. આ સંશોધનને કારણે આ સવાલનો જવાબ મળી ગયો છે, છતાં આ ગુફાને વધુ સારી રીતે સમજવા માટે વધુ અભ્યાસની જરૂર છે.
યુરોપિયન સ્પૅસ ઍજન્સીની પ્લાનૅટરી ગુફાઓ માટેની ટીમના સંયોજક ફ્રાન્સિસ્કો સાઉરોએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "અમારી પાસે ચંદ્રની સપાટીની 25 સેમી રિઝૉલ્યુશનવાળી તસવીરો છે. અમે અપૉલૉની લૅન્ડિંગ સાઇટ જોઈ શકીએ છીએ. છતાં તેની નીચે શું છે તેના વિશે આપણને કંઈ ખબર નથી. ત્યાં સંશોધન માટે વ્યાપક તકો રહેલી છે."
તેમનું કહેવું છે કે આ સંશોધનની મદદથી ભવિષ્યમાં મંગળ ગ્રહની સપાટી ઉપર રહેલી ગુફાઓ વિશે ખોજકામ કરવામાં મદદ મળશે.
જેની મદદથી મંગળ ગ્રહ ઉપર જીવનના અસ્તિત્વ વિશે પુરાવા મેળવવાની સંભાવનાઓ ખુલ્લી જશે. જો મંગળગ્રહ ઉપર જીવન હોય તો તે ચોક્કસપણે આવી ગુફાઓમાં હશે, જેથી કરીને આ રાતાગ્રહની સપાટી ઉપર રહેલી વિપરિત પરિસ્થિતઓ સામે રક્ષણ મેળવી શકાય.
આ ગુફાઓની મદદથી ચંદ્રના ઇતિહાસ તથા સૌર પ્રણાલી વિશેના અમુક મૂળભૂત સવાલોના જવાબ મળી શકે છે.
અવકાશીય વાતાવરણને કારણે ગુફાની અંદર રહેલા ખડકોને સપાટી ઉપર રહેલાં પથ્થરો કરતાં ઓછું નુકસાન થયું હશે, જેના કારણે તે લાખો કરોડો વર્ષના ભૂસ્તરીય ઇતિહાસ ઉપરથી પડદો ઊંચકી શકે છે.
વિજ્ઞાનીઓનું આ સંશોધન સાયન્ટિફિક જર્નલ નૅચર ઍસ્ટ્રૉનૉમીમાં પ્રકાશિત થયું છે.
ગ્રાફિક્સ – ગૅરી ફ્લૅચર












