શુભાંશુ શુક્લા : એ ભારતીય જે નાસાના મિશનમાં અંતરિક્ષમાં જશે

શુભાંશુ શુક્લા, અંતરિક્ષ. ગગનયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, UGC

ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં જ દેશના બીજા અંતરિક્ષયાત્રી બની શકે છે. કૅપ્ટન શુક્લાને ઇસરો અને અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સંયુક્ત અંતરિક્ષ મિશન માટે પસંદ કરવામાં આવ્યા છે.

આ વર્ષે ઑક્ટોબર પછી તેઓ ગમે ત્યારે એક મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન જઈ શકે છે.

જો કૅપ્ટન શુક્લા આ મિશન હેઠળ અંતરિક્ષમાં જશે તો તેઓ છેલ્લાં 40 વર્ષમાં આમ કરનારા ભારતના બીજા અંતરિક્ષયાત્રી બનશે. આ પહેલાં રાકેશ શર્માં 1984માં સોવિયેટ મિશન અંતર્ગત અંતરિક્ષમાં ગયા હતા.

ઇસરોએ શુક્રવારે 'ઍક્સિઓમ-4' મિશન માટે કૅપ્ટન શુભાંશુ શુક્લા (39 વર્ષ) સાથે ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલાકૃષ્ણન નાયર (48 વર્ષ)ની પસંદગી કરી છે.

શુક્લા પ્રાઇમ અંતરિક્ષયાત્રી હશે જ્યારે નાયરની પસંદગી બૅકઅપ માટે કરવામાં આવી છે.

પ્રાઇમનો અર્થ અહીં એવો થાય છે કે શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જશે, જો તેઓ નહીં જઈ શકે તો નાયર તેમની જગ્યા લેશે.

ભારતીય વાયુસેનાએ પણ આ તબક્કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને કૅપ્ટન શુક્લા અને નાયરને શુભકામનાઓ આપી છે.

બીબીસી ગુજરાતી

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો દ્વારા જાહેર કરવામાં આવેલી એક અખબારી યાદી જણાવે છે, "ISRO-NASA સંયુક્ત પ્રયાસને આગળ વધારવાના લક્ષ્ય તરફ, ઇસરોના માનવ અંતરિક્ષ ઉડાણકેન્દ્ર (HSFC) એ તેના આગામી પ્રોગ્રામ માટે નાસા સાથે ભાગીદારી કરી છે. તેમણે માન્યતા પ્રાપ્ત સર્વિસ પ્રોવાઇડર ઍક્સિઓમ સ્પેસ ઇંક (યુએસએ) સાથે એક અંતરિક્ષ ઉડાણ કરાર (એફએસએ) કર્યો છે. આ મિશનનું નામ હશે ઍક્સિઓમ-4.”

તેમાં આગળ લખ્યું છે, “એક રાષ્ટ્રીય મિશન અસાઇનમેન્ટ બોર્ડે આ મિશન માટે લીડ અને બૅકઅપ મિશન પાઇલટ્સ તરીકે બે ગગનયાત્રી પાઇલટની ભલામણ કરી છે. આ છે ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા (પ્રાઈમ) અને ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર (બૅકઅપ).”

અવકાશયાત્રીઓ ઉપરાંત આ અવકાશયાન પોતાની સાથે કાર્ગો અને અન્ય સામાન પણ લઈ જશે.

શુક્લા અને નાયર ગગનયાનમાં પણ સામેલ છે, જે મનુષ્યને અવકાશમાં લઈ જનાર ભારતનું પ્રથમ અવકાશ મિશન છે. આ મિશનમાં પણ ભારતીય વાયુસેનાના ચાર અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. જોકે એ મિશન આવતા વર્ષે અવકાશમાં જશે.

ઇસરોએ કહ્યું કે ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા અને ગ્રૂપ કૅપ્ટન બાલકૃષ્ણન નાયર આગામી આઠ અઠવાડિયાં સુધી આ મિશન સંબંધિત તાલીમ લેશે. જોકે, ગગનયાન માટે પસંદ કરાયેલા ચાર અધિકારીઓને સખત તાલીમ આપવામાં આવી છે.

ક્યા મિશન હેઠળ શુભાંશુ અંતરિક્ષમાં જશે?

શુભાંશુ શુક્લા, અંતરિક્ષ. ગગનયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ISRO

ઍક્સિઓમ-4 મિશન હેઠળ અંતર્ગત ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જઈ રહ્યા છે. આ એક ખાનગી સ્પેસ કંપની ઍકિસઓમ સ્પેસનું ચોથું મિશન છે.

આ મિશન અમેરિકન સ્પૅસ એજન્સી નાસાના સહયોગથી શરૂ થશે. આ અવકાશયાન સ્પેસઍક્સ રૉકેટ દ્વારા લૉન્ચ કરવામાં આવશે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચનારા આ અવકાશયાનમાં ગ્રૂપ કૅપ્ટન શુક્લાની સાથે પૉલેન્ડ, હંગેરી અને અમેરિકાના અવકાશયાત્રીઓ પણ હશે.

ગત વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે આ મિશન પર સહમતી સધાઈ હતી.

નાસાએ Axiom-4 મિશન માટે કોઈ તારીખ નક્કી કરી નથી, પરંતુ તેની વેબસાઈટે કહ્યું છે કે આ મિશન ઑક્ટોબર 2024 પહેલા લૉન્ચ નહીં કરવામાં આવે.

કોણ છે ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા?

શુભાંશુ શુક્લા, અંતરિક્ષ. ગગનયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, AXIOM

39 વર્ષીય ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ઉત્તર પ્રદેશના લખનૌના રહેવાસી છે.

ફાઇટર પાઇલટ શુક્લાને 2006માં ઈન્ડિયન ઍરફૉર્સમાં કમિશન મળ્યું હતું. તેમની પાસે 2000 કલાકની ઉડાણનો અનુભવ છે. તેમણે સુખોઈ-30 એમકેઆઈ, મિગ-21 એસ, મિગ-29 એસ, જગુઆર, હૉક્સ ડોર્નિયર્સ અને એન-32 જેવાં ભારતીય વાયુસેનાનાં ફાઇટર વિમાનો ઉડાવ્યાં છે.

જ્યારે નાયરને ઍરફૉર્સ ઍકેડેમીમાં 'સૉર્ડ ઑફ ઑનર' મળી ચૂક્યો છે. તેમને 1998માં ભારતીય વાયુસેનામાં કમિશન મળ્યું હતું. તેઓ કૅટેગરી-વન ફ્લાઇંગ ઈન્સ્ટ્રક્ટર અને ટેસ્ટ પાઇલટ છે.

તેમની પાસે 3000 કલાકનો ઉડાણનો અનુભવ છે. તેમણે યુનાઈટેડ સ્ટેટ્સ સ્ટાફ કૉલેજમાં અભ્યાસ કર્યો છે અને તેઓ સુખોઈ-30 સ્ક્વૉડ્રનના કમાન્ડર પણ રહી ચૂક્યા છે.

વાસ્તવમાં શુક્લા અને નાયરને ગગનયાન મિશનની શરૂઆત પહેલાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવા પાછળનો હેતુ એ છે કે તેમને ત્યાં પહેલાથી જ અનુભવ મળે, જે 'ગગનયાન મિશન'માં મદદરૂપ સાબિત થઈ શકે.

ગગનયાન મિશન શું છે?

શુભાંશુ શુક્લા, અંતરિક્ષ. ગગનયાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

આ મિશન માટે ભારતીય વાયુસેનાના ચાર પાયઇટની પસંદગી કરવામાં આવી છે. તે અંતર્ગત ત્રણ અવકાશયાત્રીઓને 400 કિલોમીટરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે, ત્યારબાદ ત્રણ દિવસ પછી તેમને પરત ફરવું પડશે.

ભારતની સ્પેસ એજન્સી ઇસરો આ મિશનની તૈયારી માટે સતત પરીક્ષણો કરી રહી છે.

ગત વર્ષે ઑક્ટોબર (2023)માં કરવામાં આવેલા એક મહત્ત્વપૂર્ણ પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે રૉકેટમાં કોઈ ખામી સર્જાય તો ક્રૂ સુરક્ષિત રીતે બહાર નીકળી શકે છે.

ભારતીય વાયુસેનામાંથી પસંદ કરાયેલા આ ચાર અધિકારીઓના નામ ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા, ગ્રૂપ કૅપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ગ્રૂપ કૅપ્ટન અજિત કૃષ્ણન, ગ્રૂપ કૅપ્ટન અંગદ પ્રતાપ.

પસંદગી સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઇસરો ચીફ એસ સોમનાથે તેમના ગણવેશ પર ગોલ્ડન વિંગ ડિઝાઇન ધરાવતો બેજ લગાવીને તેમને 'ભારતનું સન્માન' ગણાવ્યા હતા.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, “આ ચાર નામ કે ચાર લોકો નથી. એવી શક્તિઓ છે જે 140 કરોડ આકાંક્ષાઓને અવકાશમાં લઈ જશે. 40 વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં જઈ રહ્યું છે. આ વખતે પણ સમય આપણો જ છે, કાઉન્ટડાઉન પણ આપણું છે અને રૉકેટ પણ આપણું છે.”