ઇઝરાયલ પર ઈરાને ખેલેલો હુમલાનો જુગાર કેટલો અસરકારક?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જિયાર ગોલ
- પદ, વૈશ્વિક મામલાઓના સંવાદદાતા, બીબીસી વર્લ્ડ સર્વિસ
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના કમાન્ડર-ઇન-ચીફ મેજર જનરલ હુસૈન સલામી પોતાના વૉર રૂમમાં એક મોટા બૅનર સામે ઊભા હતા.
તેમના હાથમાં ફોન હતો અને તેઓ ઇઝરાયલ પર 200 બૅલેસ્ટિક મિસાઇલ ફેંકવાનો આદેશ આપી રહ્યા હતા. એ ઘટનાનો વીડિયો ઈરાની મીડિયામાં શૅર કરવામાં આવી રહ્યો છે.
જનરલે જણાવ્યું હતું કે બૅનર પર જે ત્રણ લોકોને ફોટોગ્રાફ્સ છે તેમના મોતનો બદલો તેઓ લઈ રહ્યા છે.
બૅનર પર જેમનો ફોટોગ્રાફ હતો તે હમાસના નેતા ઇસ્માઈલ હનિયા જુલાઈમાં તહેરાનમાં માર્યા ગયા હતા. એ હુમલા પછી ઈરાન સામે આંગળી ચીંધવામાં આવી હતી.
બીજો ફોટોગ્રાફ હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહનો હતો અને ત્રીજો ફોટોગ્રાફ ગાર્ડ્સ કોર કમાન્ડર બ્રિગેડિયર જનરલ અબ્બાસ નિલોફરશાંનો હતો. આ બન્ને લોકો ગત સપ્તાહે બૈરુત પરના ઇઝરાયલના હુમલામાં માર્યા ગયા હતા.

ઇમેજ સ્રોત, Iranian state television
'12 મિનિટમાં ઇઝરાયલ પર ત્રાટકી મિસાઇલ'
ગાર્ડ્સ કોરે દાવો કર્યો છે કે જે મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં ફતેહ હાયપરસોનિક મિસાઇલ પણ હતી, જે 12 મિનિટમાં ઇઝરાયલમાં પહોંચી ગઈ હતી.
તેમનો દાવો છે કે આ મિસાઇલો ઇઝરાયલના ઍરપૉર્ટ્સ અને મોસાદના વડામથકને નિશાન બનાવવામાં સફળ થઈ હતી.
જોકે, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે જણાવ્યું હતું કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલ્સ પૈકીની મોટા ભાગની મિસાઇલ્સને ઇન્ટરસેપ્ટ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલનું કહેવું છે કે બહુ ઓછી મિસાઇલ મધ્ય અને દક્ષિણ ઇઝરાયલના કેટલાક વિસ્તારોને નિશાન બનાવી શકી હતી.
હુમલા પછી તેહરાનના પેલેસ્ટાઈન ચોક પર એક જંગી બૅનર લગાવવામાં આવ્યું હતું. ઇઝરાયલ પર ફેંકવામાં આવેલી મિસાઇલ્સના ફોટોગ્રાફસ તે બૅનર પર હતા.
બૅનર પર લખ્યું હતું- ઝાયોનિઝમના ખાત્માની શરૂઆત.
ઇસ્માઇલ હાનિયાના મોત પછી ઈરાને એક રીતે ધૈર્ય રાખ્યું હતું, પરંતુ તેના નજીકના સહયોગી હિઝબુલ્લાહ પરની ઇઝરાયલી કાર્યવાહી તેના માટે ‘અપમાનજનક’ બની ગઈ હતી.
ઇઝરાયલની કાર્યવાહીમાં ગયા શુક્રવારે નસરલ્લાહ અને નિલોફરશાંનાં મોત થયાં હતાં.
ઈરાની શસ્ત્રો, ટ્રેનિંગ અને ફંડિગને કારણે જ હિઝબુલ્લાહ લેબનોનનું સૌથી શક્તિશાળી સશસ્ત્ર દળ બન્યું છે. આ જૂથનું ગઠન પણ ગાર્ડ્સ કોરના સહયોગથી 1980ના દાયકામાં કરવામાં આવ્યું હતું.
સપ્ટેમ્બર પહેલાં ઈરાનના નેતાઓને લાગતું હતું કે હિઝબુલ્લાહ સાથેની અથડામણોને કારણે ઇઝરાયલ નબળું પડી જશે, કારણ કે હાલ ગાઝામાં તે હમાસ સાથે પણ અટવાયેલું છે.
ખુદને શક્તિશાળી દેખાડવાનો પ્રયાસ

ઇમેજ સ્રોત, Wana/Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઈરાન તેનાં પરમાણુ તથા મિસાઈલ સ્થળોની સુરક્ષા માટે હિઝબુલ્લાહનાં રૉકેટ તથા મિસાઇલ શસ્ત્રાકારનો ઉપયોગ કરતું રહ્યું છે.
જુલાઈમાં સત્તા પર આવેલા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયાને ઇઝરાયલ પર ઈરાનને એક એવા યુદ્ધ માટે ઉશ્કેરવાનો આક્ષેપ કર્યો છે કે જેમાં અમેરિકા પણ ખેંચાઈ આવ્યું છે.
પેઝેશકિયાને કતારમાં ઈરાની મીડિયાને કહ્યું હતું, “અમે સલામતી અને શાંતિ ઇચ્છીએ છીએ. યાદ રાખજો કે ઇઝરાયલે જ તેહરાનમાં હનિયાની હત્યા કરી હતી. યુરોપ અને અમેરિકાએ કહ્યું હતું કે અમે કોઈ પગલાં નહીં લઈએ તો ગાઝામાં એક સપ્તાહમાં શાંતિ થઈ જશે. અમે રાહ જોઈ હતી, પરંતુ હત્યાઓમાં વધારો થતો રહ્યો હતો.”
ઈરાન ઇઝરાયલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરતું હોવાને કારણે, કટ્ટર વિચાર ધરાવતા કેટલાક લોકો નારાજ હતા.
દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ અને ગાર્ડ્સ કોરના નિયંત્રણ હેઠળની સરકારી ટીવી ચેનલો પર અનેક વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે હનિયાના મોતનો બદલો ન લઈને ઈરાને ઇઝરાયલની હિંમત વધારી દીધી હતી.
મંગળવારના મિસાઇલ હુમલા પછી ઈરાની આર્મ્ડ ફોર્સિસના ચીફ મેજર જનરલ મોહમ્મદ બાકેરીએ કહ્યું હતું કે ધૈર્ય અને સંયમનો સમય હવે ખતમ થઈ ગયો છે.
બાકેરીએ કહ્યું હતું, “અમે ઇઝરાયલનાં મિલિટરી અને ઇન્ટેલિજન્સ સ્થળોને નિશાન બનાવ્યાં છે. અમે આર્થિક અને ઔદ્યોગિક વિસ્તારો પર હુમલા કરવાનું ટાળ્યું છે, પરંતુ ઇઝરાયલ વળતો હુમલો કરશે તો અમારો જવાબ વધારે શક્તિશાળી હશે.”
મિસાઇલ હુમલાઓની વચ્ચે ઈરાની નેતાઓની વધતી ચિંતા દર્શાવે છે કે ઇઝરાયલના હુમલા પછી ચૂપ રહેવાનું ઘરઆંગણે તથા દેશની બહાર હિઝબુલ્લાહ તથા હમાસ જેવાં સહયોગી સંગઠનો વચ્ચે તેમને નબળા સ્વરૂપમાં દેખાડશે.
‘છદ્મ યુદ્ધ’

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન અને ઇઝરાયલ લાંબા સમયથી પ્રૉક્સી વૉરનો હિસ્સો બની રહ્યા છે. તેમની નીતિ “યુદ્ધ વિના શાંતિ નહીં” એવી છે, પરંતુ હવે લાગે છે કે યથાસ્થિતિ બદલાઈ રહી છે.
ઇઝરાયલે ઈરાની મિસાઇલ હુમલાનો આકરો જવાબ આપવાની વાત કરી છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ચેતવણી આપી છે કે ઈરાને એક બહુ મોટી ભૂલ કરી છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે.
આ વખતે અમેરિકાની નીતિમાં પણ એક ફેરફાર જોઈ શકાય છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને એપ્રિલમાં ઇઝરાયલને સંયમ રાખવા જણાવ્યું હતું. એ વખતે ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ ફેંક્યાં હતાં, જેને અમેરિકા અને તેના સાથી દેશે તોડી પાડ્યાં હતાં.
સીરિયામાં ઈરાનના દૂતાવાસ પરના ઇઝરાયલી હુમલાના જવાબમાં તે હુમલા કરવામાં આવ્યા હતા. દૂતાવાસ પરના હુમલામાં ઈરાનના ગાર્ડ કોરના ટોચના અનેક કમાન્ડર માર્યા ગયા હતા.
ઇઝરાયલે અમેરિકાની વાત માની લીધી હતી અને તેણે માત્ર સેન્ટ્રલ ઈરાનમાંના એક સૈન્ય સ્થળ પર મિસાઇલ હુમલો કર્યો હતો.
અલબત્ત, આ વખતે બાઇડનના રાષ્ટ્રીય સલામતી સલાહકાર જેક સુલિવાને ચેતવણી આપી છે કે ઈરાનના હુમલાનું ગંભીર પરિણામ આવશે અને અમેરિકા એ માટે “ઇઝરાયલ સાથે” કામ કરશે.
બુધવારે ઇઝરાયલી મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, ઇઝરાયલ થોડા દિવસોમાં જ ઈરાનનાં કેટલાંક મહત્ત્વનાં વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવશે. તેમાં ઈરાનના ઑઇલનાં મહત્ત્વનાં સ્થળો પર હુમલાની સંભાવના પણ સમાવિષ્ટ છે.
ઈરાન પર હવે કેવું જોખમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક અધિકારીઓએ એવું પણ જણાવ્યું હતું કે ઇઝરાયલ પર હુમલાનો ખતરો સર્જાશે તો ઈરાનનાં પરમાણુ સ્થળોને પણ નિશાન બનાવવામાં આવી શકે છે.
ઈરાનના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું હતું કે હવે હાનિયા, નસરલ્લાહ અને નિલોફરશાંની હત્યાનો બદલો લેવાઈ ગયો છે. અમને ઉશ્કેરવામાં નહીં આવે તો હુમલા કરવામાં આવશે નહીં.
ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ પણ કહ્યું હતું કે તેમણે સ્વિટ્ઝર્લૅન્ડના તેહરાનસ્થિત દૂતાવાસ મારફત અમેરિકાને જણાવ્યું છે કે તેઓ આ મામલામાં હસ્તક્ષેપ ન કરે.
અબ્બાસ અરાગચીએ કહ્યું હતું, “જે ત્રીજો દેશ ઇઝરાયલની મદદ કરશે અથવા પોતાની ઍરસ્પેસનો ઉપયોગ ઈરાન વિરુદ્ધ કરવા દેશે તે ઈરાની હુમલાનું કાયદેસરનું ટાર્ગેટ હશે.”
મધ્ય-પૂર્વમાં લગભગ 40,000 અમેરિકન સૈનિકો તહેનાત છે. એ પૈકીના મોટા ભાગના ઇરાક અને સીરિયામાં છે. એ સૈનિકો માટે સીરિયામાં હાજર ઈરાન સમર્થિત જૂથો જોખમી સાબિત થઈ શકે છે.
હાલ તો ઈરાને ઇઝરાયલના વળતા હુમલાની રાહ જોવાની છે અને આશા રાખવાની છે કે તેણે જે ખેલ પાડ્યો છે તે અસરકારક સાબિત થાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












