નસરલ્લાહને ઇઝરાયલે ક્યાંથી અને કેવી રીતે શોધી કાઢ્યા, આ ઑપરેશન કેવી રીતે પાર પાડ્યું?

ઇમેજ સ્રોત, EPA
સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગથી જ લેબનોનના ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહે ભારે ખુંવારી વેઠવી પડી છે.
હિઝબુલ્લાહ દ્વારા વપરાશમાં લેવામાં આવતાં પેજર અને વૉકી-ટૉકીમાં તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ધડાકા થયા હતા, જેમાં 1500થી વધુ લડવૈયા ઘાયલ થયા, જ્યારે કેટલાંક મૃત્યુ પામ્યાં.
ઇઝરાયલે શુક્રવારે લેબનોનની રાજધાની બૈરૂતમાં હવાઈહુમલા કર્યા, જેમાં હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહનું મૃત્યુ થયું. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી તેઓ ઇઝરાયલને થાપ આપી રહ્યા હતા.
એવામાં સવાલ એ છે કે ઇઝરાયલના સુરક્ષાબળોએ કેવી રીતે નસરલ્લાહને ટ્રૅક કર્યા અને કેવી રીતે હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોને ટાર્ગેટ કરવામાં સફળતા મેળવી.
હિઝબુલ્લાહની સુરક્ષાવ્યવસ્થાની નિષ્ફળતા

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock
બીબીસીના સુરક્ષા સંવાદદાતા ફ્રૅન્ક ગાર્ડનરના કહેવા પ્રમાણે, નસરલ્લાહને ટાર્ગેટ કરવાએ ઇઝરાયલનો વ્યૂહાત્મક નિર્ણય હતો. છેલ્લાં અનેક વર્ષોથી તેઓ છૂપાઈને રહેતા હતા અને ઇઝરાયલની તેમની ઉપર નજર હતી.
ગાર્ડરના કહેવા પ્રમાણે, "તાજેતરમાં હિઝબુલ્લાહનાં હજારો પેજર અને વૉકી-ટૉકીમાં વિસ્ફોટ થયા હતા. એવું માનવામાં આવે છે કે તેની પાછળ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થાનો હાથ છે."
"ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે સપ્લાઇચેનમાં ફાચર મારીને તેમાં વિસ્ફોટક લગાડી દીધા. આ વાતને પંદરેક દિવસ થઈ ગયા છે."
"ત્યારથી અત્યાર સુધી જે કંઈ થયું, તેનાથી સ્પષ્ટ છે કે ઇઝરાયલે હિઝબુલ્લાહની કમાનના માળખામાં ઊંડે સુધી પેઠ મેળવી લીધી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે હિઝબુલ્લાહના તમામ સિનિયર કમાન્ડરોનો ખાતમો બોલાવી દીધો છે, ત્યારે સવાલ એ છે કે કઈ રીતે તેણે હિઝબુલ્લાહના સુરક્ષાતંત્રને આટલી અસરકારક રીતે નિષ્ફળ બનાવી દીધું."
નસરલ્લાહની ભાળ કેવી રીતે મળી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ન્યૂઝ એજન્સી રૉયટર્સના વિશેષ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નસરલ્લાહે મૃત્યુ પહેલાં લેબનોન, ઈરાન અને સીરિયામાં ડઝનેક સૂત્રો સાથે વાત કરી હતી. જેમાં ઇઝરાયલે શિયા ઉગ્રવાદી જૂથની સપ્લાઈ અને કમાન્ડ ચેઇનને ધ્વસ્ત કરી નાખી હોવાનું બહાર આવ્યું હતું.
એક સૂત્રને ટાંકતા રૉયટર્સે દાવો કર્યો કે નસરલ્લાહ તથા હિઝબુલ્લાહના મુખ્યાલય ઉપર હુમલો કરતાં પહેલાં ઇઝરાયલે 20 વર્ષ સુધી તેની જાસૂસી કરી હતી.
ઇઝરાયલના બે અધિકારીઓએ રૉયટર્સને જણાવ્યું કે વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂ તથા મંત્રીઓની વિશેષ સમિતિએ હુમલો કરવા માટે બુધવારે મંજૂરી આપી હતી. એ સમયે નેતન્યાહૂ ન્યૂ યૉર્કમાં સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા.
મૅથ્યુ સેવિલ રૉયલ યુનાઇટેડ સર્વિસીઝ ઇન્સ્ટિટ્યૂટમાં મિલિટરી સર્વિસીઝ ડાયરેક્ટર છે. તેમના કહેવા પ્રમાણે, એવું લાગે છે કે આ યોજના ઉપર વર્ષોથી કામ ચાલી રહ્યું હતું તથા તેને અનેકસ્તરે અંજામ આપવામાં આવ્યો હશે.
"આ રીતે કૉમ્યુનિકેશનમાં ઇન્ટેલિજન્સ ઇન્ટરસૅપ્શન (ગુપ્ત સૂચનાઓ કે વાતચીતને આંતરીને સાંભળવી કે માહિતી મેળવવી) થયું હોય એમ લાગે છે. તેમાં સૅટેલાઇટ કે ગુપ્ત રીતે લેવાયેલી તસવીરોનું 'ઇમૅજરી ઍનાલિસિસ' પણ કરવામાં આવ્યું હશે. એમાં 'હ્યુમન ઇન્ટ' (માણસ દ્વારા આપવામાં આવેલી ગુપ્તમાહિતી) પણ ચોક્કસથી સામેલ હશે."
બીજા શબ્દોમાં કહીએ તો ધરાતલ ઉપર રહેલા જાસૂસોએ પણ સક્રિય ભૂમિકા ભજવી હશે.
વર્ષ 2006માં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ થયું હતું, એ પછી નસરલ્લાહે સાર્વજનિક રીતે ક્યાંય આવવા-જવાનું બંધ કરી દીધું હતું.
નસરલ્લાહની સુરક્ષા સાથે જોડાયેલાં સૂત્રે સમાચાર સંસ્થા રૉયટર્સને જણાવ્યું કે નસરલ્લાહ ખૂબ જ સતર્ક રહેતા. તેમણે વ્યાપક નિયંત્રણો લાદ્યા હતા. એટલે સુધી કે તેઓ ખૂબ જ મર્યાદિત લોકોને મળતા.
ઇઝરાયલે કેવી રીતે બૉમ્બમારો કર્યો

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock
ઇઝરાયલની સેનાના ત્રણ વરિષ્ઠ અધિકારીઓએ શનિવારે અમેરિકાના અખબાર 'ધ ન્યૂ યૉર્ક ટાઇમ્સ' સાથે વાત કરતી વેળાએ કહ્યું હતું કે તેમની પાસે મહિનાઓથી હસન નસરલ્લાહના ઠેકાણા વિશે માહિતી હતી.
ઇઝરાયલી રિપોર્ટો મુજબ, નસરલ્લાહને નિશાન બનાવવાનો નિર્ણય તત્કાળ અને અમેરિકાને જાણ કર્યા વગર લેવામાં આવ્યો હતો, જેથી કરીને સમય વેડફાય ન જાય.
રૉયટર્સના રિપોર્ટ પ્રમાણે, પેજરવિસ્ફોટો પછી નસરલ્લાહ ખૂબ જ સતર્ત થઈ ગયા હતા, કારણ કે ઇઝરાયલ તેમને મારવા માગે છે એ વાત છૂપી ન હતી.
એટલે સુધી કે હિઝબુલ્લાહના કમાન્ડરોની શબયાત્રામાં પણ નસરલ્લાહ સામેલ થયા ન હતા અને અમુક દિવસો પછી તેમના અગાઉથી રેકૉર્ડ કરાયેલા ભાષણ ચલાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલનું કહેવું છે કે બૈરૂતના દક્ષિણભાગમાં રહેણાંક ઇમારતના ભોંયરામાં હિઝબુલ્લાહનું મુખ્યાલય આવેલું હતું, જ્યાં બૉમ્બ ફેકીને નસરલ્લાહને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલની સેનાનું કહેવું છે કે તેણે એક અઠવાડિયામાં નસરલ્લાહ સહિત હિઝબુલ્લાહના નવ સૈન્યકમાન્ડરોને મારી નાખ્યા છે.
સ્વિડિશ ડિફૅન્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલા મૅગ્નસ રેન્સટૉર્ટ હિઝબુલ્લાહને લગતી બાબતોના વિશેષજ્ઞ છે. તેમના કહેવા પ્રમાણે, આ ઘટનાક્રમ હિઝબુલ્લાહ માટે મોટો આંચકો છે, જે તેના ગુપ્તચરતંત્રની નિષ્ફળતાને છતી કરે છે.
મૅગ્નસના કહેવા પ્રમાણે, "તેઓ (ઇઝરાયલીઓ) જાણતા હતા કે નસરલ્લાહ બેઠકો કરી રહ્યા છે. તેઓ અન્ય કમાન્ડરો સાથે મીટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો."
શનિવારે ઇઝરાયલી સેનાના પ્રવક્તા લૅફટનન્ટ કર્નલ નાદવ શેશાનીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે નસરલ્લાહ તથા અન્ય નેતાઓ બેઠક વિશે તેમની પાસે 'રિયલ ટાઇમ' માહિતી હતી.
જોકે, શેશાનીએ આ માહિતી કેવી રીતે મળી રહી હતી, તેના વિશે કોઈ સ્પષ્ટતા નહોતી કરી. શેશાનીનું કહેવું હતું કે તેઓ ઇઝરાયલ ઉપર હુમલો કરવા માટે બેઠક કરવાના હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલના હાત્જેરિમ ઍરબેઝના કમાન્ડર બ્રિગેડિયર જનરલ અમિચાઈ લેવિને પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે અમુક સેકંડની અંદર ડઝનબંધ બૉમ્બ ફેંકવામાં આવ્યા હતા.
તેમના કહેવા પ્રમાણે, "આ ખૂબ જ જટિલ ઑપરેશન હતું અને તેના માટે લાંબા સમયથી યોજના બનાવવામાં આવી રહી હતી."
સેવિલના કહેવા પ્રમાણે, "નસરલ્લાહના લૉકેશન વિશે નક્કર માહિતી મળ્યે ઇઝરાયલના વાયુદળના એફ-15 ફાઇટર પ્લૅનોએ કથિત રીતે 80 જેટલા બૉમ્બ ફેંક્યા હતા, જે બંકરને પણ નષ્ટ કરી શકે તેવા હતા."
"આ બૉમ્બ દક્ષિણ બૈરુત તથા દાહિયાના અંડરગ્રાઉન્ડ બંકરોને ટાર્ગેટ કરીને ફેંકવામાં આવ્યા હતા. અહીં જ નસરલ્લાહ અન્ય કમાન્ડરો સાથે બેઠક કરી રહ્યા હતા."
"આ બધી બાબતોથી સ્પષ્ટ છે કે ઇઝરાયલની ગુપ્તચર એજન્સીઓને હિઝબુલ્લાહના સુરક્ષાતંત્રને ભેદવામાં સફળતા મળી હતી. નસરલ્લાહના સ્થાને ટૂંક સમયમાં કોઈ એવી વ્યક્તિને નિમવામાં આવશે, જેની ધાર્મિક શાખ એમના જેવી જ હશે. પરંતુ એ નવા નેતાને અનુયાયીઓ મેળવવામાં વર્ષો લાગી જશે. હાલ જે પ્રકારની સ્થિતિ પ્રવર્તમાન છે, તેને જોતાં એમની પાસે ખાસ સમય નહીં હોય."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













