હસન નસરલ્લાહનાં મોત બાદ ભારતમાં ક્યાં ક્યાં થયાં વિરોધપ્રદર્શનો, મુસ્લિમ નેતાઓ શું બોલ્યા?

- લેેખક, સૈયદ મોઝેજ ઇમામ
- પદ, બીબીસી સંવાદદાતા, લખનૌથી
હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહનાં મોતના સમાચારની અસર ભારતમાં પણ જોવા મળી છે.
સૌપ્રથમ કાશ્મીર ખીણમાં લોકોએ વિરોધપ્રદર્શનો કર્યાં હતાં. હવે ભારતમાં શિયા સમુદાયનું કેન્દ્ર મનાતા લખનૌમાં પણ વિરોધપ્રદર્શનો થયાં છે.
પ્રદર્શનકારીઓએ ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહૂનું પૂતળું પણ બાળ્યું.
અનુમાન લગાવાય છે કે ભારતમાં લગભગ બે કરોડ શિયા મુસ્લિમો રહે છે અને તે પૈકી સૌથી વધુ વસ્તી લખનૌમાં છે.
લખનૌ ઉપરાંત કોલકાતામાં પણ વિરોધપ્રદર્શનો થયાં છે.
જમાત-એ-ઇસ્લામી હિન્દે આપ્યું નિવેદન
સોશિયલ મીડિયા પર પણ હસન નસરલ્લાહનાં મોત પર શિયા સમુદાયના લોકોએ પોતાનો ગુસ્સો જાહેર કર્યો છે.
સુન્ની સમુદાયનાં કેટલાંક સંગઠનોએ પણ નિવેદન જાહેર કરીને તેની નિંદા કરી છે. જમાત-એ-ઇસ્લામી હિન્દે નિવેદન જાહેર કરીને આ હુમલાની નિંદા કરી છે.
જોકે કોઈ મોટાં મુસ્લિમ સંગઠનોએ આ મામલે અવાજ નથી ઉઠાવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુબઈસ્થિત ગલ્ફ ન્યૂઝના સંપાદક બૉબી નક્વીનું કહેવું છે, “હસન નસરલ્લાહનું માર્યા જવું શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે કે પછી હિન્દુસ્તાનમાં કે ન પાકિસ્તાનમાં કોઈ પ્રકારનો તણાવ વધે તેવી સંભાવના છે. પરંતુ ઈરાનમાં તેની અસર જરૂર વર્તાશે. કારણકે મધ્ય-પૂર્વમાં ઈરાન પોતાની પ્રૉક્સી મારફતે યુદ્ધ લડતું રહ્યું છે.”
નક્વીએ કહ્યું, “હવે એ જોવું રહ્યું કે હિઝબુલ્લાહ કેવો જવાબ આપે છે. જ્યાં સુધી સુન્ની સમુદાય શાંત છે તો આરબ દેશોમાં સુન્નીઓ તરફથી કોઈ ખાસ પ્રતિક્રિયાઓ નથી આવી. કદાચ એ જ અસર છે કે હિન્દુસ્તાનમાં મોટાં ભાગનાં સુન્ની સંગઠનો શાંત છે.”
કાશ્મીરમાં નેશનલ કૉન્ફરન્સના સાંસદ આગા રુહુલ્લાહ મેંહદીએ હસન નસરલ્લાહને ‘શહીદ’ ગણાવ્યા છે.
ત્યાં પીડીપી નેતા મહેબૂબા મુફ્તીએ કાશ્મીરમાં પોતાનું પ્રચાર અભિયાન રોકી દીધું હતું. એનસીના નેતા ઉમર અબ્દુલ્લાહે મધ્ય-પૂર્વમાં હિંસા સમાપ્ત કરવા પર જોર આપ્યું છે.
આ રાજનૈતિક પ્રતિક્રિયા પર ભાજપે જવાબ આપ્યો છે. તેણે નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીને સવાલો પૂછ્યા છે.
લખનૌમાં પ્રદર્શન

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લખનૌમાં રવિવારે શિયા સમુદાયના સેંકડો લોકો ભેગા થયા હતા.
છોટે ઇમામવાડાથી લઈને બડે ઇમામવાડા સુધી કૅન્ડલ માર્ચ યોજી હતી. પ્રદર્શનમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતાં. તેઓ ‘ઇઝરાયલ મુર્દાબાદ’નાં સુત્રો પોકારતાં હતાં.
શિયા પર્સનલ બૉર્ડના મહાસચિવ યાસૂબ અબ્બાસે પ્રદર્શન દરમિયાન કહ્યું, “જે પ્રકારે હસન નસરલ્લાહને આતંકવાદી કહેવામાં આવે છે, હું જણાવી દઉં કે તેમણે આઈએસઆઈએસ સામે લડાઈ લડી છે. તેઓ પીડિતો સાથે હતા. સીરિયા અને પેલેસ્ટાઇનમાં પણ તેઓ પીડિતોનો સાથ આપતા હતા. અસલમાં આતંકવાદી તો ઇઝરાયલ અને અમેરિકા છે.”
લખનૌમાં શિયા સમુદાયે ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે. ઑલ ઇન્ડિયા શિયા પર્સનલ બૉર્ડે અપીલ કરી છે કે લોકો પોતાનાં ઘરોમાં કાળા ઝંડા લગાવે.
સંગઠનના મહાસચિવ યાસૂબ અબ્બાસને નિવેદન જાહેર કરીને કહ્યું કે નસરલ્લાહ શિયા સમુદાયના મોટા નેતા હતા.
યાસૂબ અબ્બાસે કહ્યું, “આ અફસોસનો સમય છે. સંયુક્ત રાષ્ટ્રે દબાણ લાવીને ઇઝરાયલને લેબનોન અને પેલેસ્ટાઇન પર હુમલો કરતા રોકવું જોઈએ.”
તેમણે અપીલ કરતા કહ્યું, “જે સંગઠન આ તાકતો સાથે નથી તેઓ એક થાય અને અવાજ બુલંદ કરે. શહીદ થવું ઇસ્લામમાં મોટું કર્તવ્ય છે.”
કલ્બે જવ્વાદે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. તેમણે હસન નસરલ્લાહના સમર્થનમાં પોતાનું એકાઉન્ટ કથિત રીતે ડિલીટ કરી દીધું.
દિલ્હીમાં અંજુમન હૈદરીના બહાદુર અબ્બાસે કહ્યું કે 30 સપ્ટેમ્બરને ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચર સેન્ટરમાં શોકસભાનું આયોજન થશે.
કારગિલ, કાશ્મીર અને કોલકતામાં પણ પ્રદર્શન

ઇમેજ સ્રોત, ANI
29 સપ્ટેમ્બરના રોજ કારગિલ બંધનું ઍલાન આપવામાં આવ્યું હતું.
શ્રીનગર અને બડગામમાં પ્રદર્શનો થયાં. જેમાં ઇઝરાયલ સામે નારેબાજી કરવામાં આવી.
જમ્મુ કાશ્મીર અંજુમન શરિયા(શિયા)ના આગા સૈયદ હસન મૂસવીએ કહ્યું, “કેટલો પણ અફસોસ કરીએ પણ અમને શહીદ હસન નસરલ્લાહની કમી નડશે. તેઓ ચાહતા હતા કે પેલેસ્ટાઇન આઝાદ થાય. તેમના મિશનને આગળ વધારવા હજાર નસરલ્લાહ પેદા થશે.”
કોલકાતામાં પણ શિયા સમુદાયે શોકસભા કરી અને ઇઝરાયલ સામે નારેબાજી કરી.
જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી છે એટલે રાજકારણ ગરમ છે.
મહેબૂબા મુફ્તીએ સોશિયલ મીડિયા પર લેબનોન અને ગાઝાના લોકોનું સમર્થન કર્યું છે.
નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાહે કહ્યું, “ભારતના વડા પ્રધાને અન્ય દેશોની મદદથી ઇઝરાયલ પર દબાણ લાવી યુદ્ધ રોકાવડાવવું જોઈએ જેથી ત્યાં શાંતિ સ્થાપિત થાય. સામાન્ય લોકો પર હિંસા અને બૉમ્બમારાનો અમે હંમેશા વિરોધ કર્યો છે. પેલેસ્ટાઇનમાં નિર્દોષોની હત્યા બંધ થવી જોઈએ.”
કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર ઔરંગઝેબ નક્શબંદીનું કહેવું છે, “કાશ્મીરમાં મહેબૂબા મુફ્તી પોતાની રાજકીય જમીન પરત મેળવવાં માગે છે. કારણકે ત્યાં શિયાની વસ્તી વધારે છે. એટલે તમામ દળો તેમનું સમર્થન ઇચ્છે છે. દેશમાં સુન્ની સંગઠન વિવાદથી બચવા માટે આ મામલે પોતાના વિચાર રાખવાનું ટાળે છે.”
ભાજપે પીડીપી અને નેશનલ કૉન્ફરન્સને સવાલો કર્યા છે.
ભાજપ નેતા નલિન કોહલીએ કહ્યું, “તેઓ કોના તરફે છે- શાંતિ કે હિંસા? આના પરથી લાગે છે કે ઉમર અને મુફ્તી હિંસાનું સમર્થન કરે છે. સવાલ એ પણ છે જ્યારે કાશ્મીરી પંડિતોનો નરસંહાર થયો ત્યારે આ લોકો અપરોક્ષ રીતે એવા લોકોનું સમર્થન નહોતા કરતા જેમને કારણે આ હિંસા થઈ હતી?”
મોટાં સુન્ની સંગઠનો મૌન

ઇમેજ સ્રોત, EPA
હસન નસરલ્લાહનાં મોત બાદ મોટાં ભાગનાં સુન્ની સંગઠનો મૌન છે. માત્ર જમાત-એ-હિન્દ ઇસ્લામી હિન્દે પ્રતિક્રિયા આપી છે.
આ સંગઠનના અમીર(અધ્યક્ષ) સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીએ બૈરુત પર ઇઝરાયલી હુમલાની નિંદા કરી છે.
દિલ્હીસ્થિત પત્રકાર મોહમ્મદ અનસે કહ્યું, “મુસ્લિમ સંગઠનો ભલે આ મામલે ચૂપ છે પરંતુ મોટા ભાગના સુન્નીઓ પણ હસન નસરલ્લાહ સાથે સહાનુભૂતિ રાખે છે. તેમને ખબર છે કે પેલેસ્ટાઇનની લડાઈ હમાસ અને હિઝબુલ્લાહ, એ બંને ઈરાનના સમર્થનથી લડે છે. તેથી જમાત-એ-ઇસ્લામીએ આ હુમલાની નિંદા કરી છે.”
જમીયત ઉલેમા હિન્દ જે તમામ મુદ્દે પોતાના વિચારો રજૂ કરે છે, પણ તે આ મામલે ચૂપ છે.
ઑલ ઇન્ડિયા મુસ્લિમ મજલિસ-એ-મુશાવરાત તરફથી પણ કોઈ નિવેદન જાહેર નથી થયું.
જોકે પૂર્વ સદર નાવેદ હામિદે ઍક્સ પર લખ્યું, “અલ્લાહ હસન નસરલ્લાહની સેવાને કબૂલ કરે અને લોકોને હિમ્મત આપે કે તેઓ ઇસ્લામ અને ઇન્સાનિયતના દુશ્મનોને પડકારી શકે.”
મુશાવરાત તરફથી હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાનાં મૃત્યુની નિંદા કરવામાં આવી હતી.
ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના ફાઉન્ડર અને બરેલવી મુસ્લિમના મોટા નેતા તૌકીર રઝા ખાને બીબીસીને કહ્યું કે જરૂરી નથી કે તમામ આંતરરાષ્ટ્રીય મામલે પ્રતિક્રિયા આપવી જ જોઈએ.
વક્ફ સંશોધન બિલ પર બંને સમુદાયોનો અવાજ એક હતો પરંતુ આ મુદ્દે તેમના વિચારો જુદા લાગે છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












