ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના નેતા હસન નસરલ્લાહની કહાણી

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, ડેવિડ ગ્રિટેન
- પદ, બીબીસી ન્યૂઝ
મધ્ય-પૂર્વમાં લેબનોન સ્થિત કટ્ટરપંથી શિયા ઇસ્લામિક સંગઠન હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં સેંકડો લોકોનાં મોત થયાં છે. વધુમાં ઇઝરાયલે આજે એવો દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહના ટોચના નેતા હસન નસરલ્લાહનું મૃત્યુ થયું છે.
હિઝબુલ્લાહે પણ એક નિવેદન જાહેર કરીને તેમનાં મૃત્યુની પુષ્ટી કરી છે.
આ પરિસ્થિતિઓને કારણે લોકોમાં હિઝબુલ્લાહ અને તેના નેતાઓ વિશે જાણવામાં રસ જાગ્યો છે.
શેખ હસન નસરલ્લાહ એ લેબનોનમાં કટ્ટરપંથી શિયા ઇસ્લામિક હિઝબુલ્લાહ ચળવળના નેતા છે. તેઓ મધ્ય-પૂર્વમાં સૌથી જાણીતા તથા સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ પૈકી એક ગણાય છે.
ઇઝરાયલ દ્વારા ગમે ત્યારે તેમની હત્યા કરવામાં આવશે તેવા ભયે નસરલ્લાહ વર્ષોથી જાહેરમાં જોવા નહોતા મળ્યા.
ઇઝરાયલી સેનાએ શનિવારે દાવો કર્યો હતો કે તેમણે લેબનોનના બૈરુત શહેરમાં એક ઍર-સ્ટ્રાઇકમાં નસરલ્લાહને મારી નાખ્યા છે. જો કે, હિઝબુલ્લાહે જાહેર કરેલા નિવેદનમાં તેણે જણાવ્યું, "રાજધાની બૈરુતમાં તેમની વડી કચેરી પર થયેલા ઇઝરાયલી હુમલામાં નસરુલ્લાહનું મૃત્યુ થયું છે.
ઇઝરાયલી સેનાએ કહ્યું હતું કે તેમણે આ હુમલાનું બહુ પહેલાં આયોજન કર્યું હતું. ઇઝરાયલે 64 વર્ષના નસરલ્લાહને ઘણા ઇઝરાયલી સૈનિકો અને સામાન્ય નાગરિકોની હત્યા માટે જવાબદાર ગણાવ્યા.
નસરલ્લાહ એ ઈરાન સાથે ગાઢ સંબંધ ધરાવતી રહસ્યમય વ્યક્તિ હતી, જેમણે હિઝબુલ્લાહને આજની રાજકીય અને સૈન્ય શક્તિમાં ફેરવી નાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જૂથના સમર્થકો માટે તેઓ આદરણીય વ્યક્તિ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નસરલ્લાહના નેતૃત્વ હેઠળ હિઝબુલ્લાહે પેલેસ્ટાઈનના સશસ્ત્ર જૂથ હમાસના લડવૈયાઓને સૈન્ય તાલીમ આપી હતી. તેમણે ઇરાક અને યમનના ચરમપંથીઓને પણ તાલીમ આપી હતી. આ ઉપરાંત તેમણે ઇઝરાયલ સામે ઉપયોગ કરવા માટે ઈરાન પાસેથી મિસાઇલો અને રૉકેટો મેળવ્યાં હતાં.
હિઝબુલ્લાહના વિસ્તારમાં નસરલ્લાહની ભૂમિકા

ઇમેજ સ્રોત, AFP
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લેબનોન પર ઇઝરાયલના આક્રમણ વખતે ઇઝરાયલી સૈનિકો સામે લડવા માટે હિઝબુલ્લાહની સ્થાપના થઈ હતી.
નસરલ્લાહ આ કટ્ટરપંથી સંગઠનને એટલે આગળ લઈ ગયા છે કે તે લેબનોનની સત્તાવાર સેના કરતા પણ વધુ શક્તિશાળી છે. લેબનોનના રાજકારણમાં તેનો પ્રભાવ છે અને આરોગ્ય, શિક્ષણ અને સામાજિક સેવાઓ આપવામાં આગળ પડતું સ્થાન ધરાવે છે. આ પ્રદેશમાં વર્ચસ્વ જમાવવા માટે ઈરાનના પ્રયાસોમાં હિઝબુલ્લાહ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
1960માં જન્મેલા હસન નસરલ્લાહનો ઉછેર બૈરૂતના પૂર્વીય બોર્જ હમ્મુદ વિસ્તારમાં થયો હતો. ત્યાં તેમના પિતા અબ્દુલ કરીમ શાકભાજીની નાનકડી દુકાન ચલાવતા હતા. તેમનાં નવ સંતાનોમાં નસરલ્લાહ સૌથી મોટા હતા.
1975માં લેબનોનમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે નસરલ્લાહ 'અમલ મુવમેન્ટ'માં જોડાયા હતા, જે તે સમયે એક શિયા જૂથ હતું. ઇરાકના પવિત્ર શહેર નજફમાં તેઓ શિયાઓની એક ધાર્મિક શાળામાં જોડાયા. ત્યાર પછી તેઓ લેબનોનમાં અમલમાં જોડાયા. 1982માં પેલેસ્ટેનિયન આતંકવાદીઓના હુમલાના જવાબમાં ઇઝરાયલે જ્યારે લેબનોન પર આક્રમણ કર્યું તેના થોડા સમય પછી નસરલ્લાહ અમલ જૂથમાંથી અલગ થઈ ગયા.
ઇસ્લામિક અમલ નામના નવા જૂથને બેકાની ખીણમાં સ્થિત ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ તરફથી નોંધપાત્ર લશ્કરી અને સંગઠનાત્મક સમર્થન પ્રાપ્ત થયું. તેનાથી તે સૌથી અગ્રણી અને અસરકારક શિયા ઉગ્રવાદીઓ જૂથ તરીકે ઊભરી આવ્યું જેમાંથી પછી હિઝબુલ્લાહની સ્થાપના થઈ.
32 વર્ષની ઉંમરે હિઝબુલ્લાહના નેતા બન્યા

ઇમેજ સ્રોત, JAMARAN
હિઝબુલ્લાહે 1985માં સત્તાવાર રીતે એક "ખુલ્લો પત્ર" પ્રકાશિત કરીને પોતાની સ્થાપનાની જાહેરાત કરી હતી. તેમાં અમેરિકા અને સોવિયેત યુનિયનને ઇસ્લામના મુખ્ય દુશ્મનો તરીકે ઓળખાવવામાં આવ્યાં હતાં અને ઇઝરાયેલને "મિટાવી દેવાની" હાકલ કરવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે ઇઝરાયલ મુસ્લિમ જમીન પર કબજો કરી રહ્યું છે.
સંગઠન જેમ જેમ વધતું ગયું તેમ તેમ નસરલ્લાહ પણ હિઝબુલ્લાહમાં આગળ વધતા ગયા. તેમણે કહ્યું હતું કે લડવૈયા તરીકે સેવા આપ્યા પછી તેઓ બાલબેકમાં તેના ડિરેક્ટર બન્યા, ત્યાર પછી આખા બેકા પ્રદેશમાં અને અંતે બૈરૂતના ડિરેક્ટર બન્યા.
ઇઝરાયલી હેલિકૉપ્ટર હુમલામાં તેમના પુરોગામી અબ્બાસ અલ-મુસાવીની હત્યા થયા બાદ તેઓ 1992માં 32 વર્ષની ઉંમરે હિઝબુલ્લાહના નેતા બન્યા હતા.
હિઝબુલ્લાહની કમાન મળતા જ તેમણે સૌથી પહેલું કામ અલ-મુસાવીની હત્યાનો બદલો લેવાનું કર્યું. તેમણે ઉત્તર ઇઝરાયલમાં રૉકેટ હુમલાનો આદેશ આપ્યો જેમાં એક છોકરીનું મોત થયું હતું. તુર્કીમાં ઇઝરાયલી દૂતાવાસમાં ઇઝરાયલી સુરક્ષા અધિકારીની કાર બૉમ્બથી હત્યા કરવામાં આવી. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં શહેરમાં તેમણે ઇઝરાયલી દૂતાવાસ પર આત્મઘાતી હુમલો કરાવ્યો જેમાં 29 લોકો માર્યા ગયા હતા.
નસરલ્લાહે ઇઝરાયલી દળો સાથે એક ઓછી તીવ્રતાનું યુદ્ધ પણ ચલાવ્યું જેમાં વર્ષ 2000માં ઇઝરાયલે લેબનોનમાંથી પીછેહઠ કરવી પડી હતી. જોકે, તેમાં ઇઝરાયલી સેના સામે લડતા નસરલ્લાહના સૌથી મોટા પુત્ર હાદીનું મૃત્યુ થયું હતું.
નસરલ્લાહ પર પહેલાં પણ થઈ ચૂક્યા છે હુમલાઓ

ઇમેજ સ્રોત, Getty Images
ઇઝરાયલ લેબનોનમાંથી ખસી ગયું ત્યાર પછી નસરલ્લાહે જાહેરાત કરી કે હિઝબુલ્લાહે ઇઝરાયલ સામે આરબોને પ્રથમ વિજય અપાવ્યો છે. તેમણે શપથ લીધા કે હિઝબુલ્લાહ ક્યારેય શસ્ત્રો નહીં મૂકે અને તેઓ માને છે કે શેબા ફાર્મ્સના વિસ્તાર સહિત "તમામ લેબનીઝ પ્રદેશને પુનઃસ્થાપિત કરવું આવશ્યક છે".
વર્ષ 2006 સુધી પ્રમાણમાં શાંતિ રહી. પરંતુ 2006માં હિઝબુલ્લાહના ચરમપંથીઓએ ઇઝરાયલ પર સરહદ પાર હુમલો કર્યો જેમાં આઠ ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા અને અન્ય બેનું અપહરણ કરવામાં આવ્યું. ઇઝરાયલે આ હુમલાની જબરદસ્ત પ્રતિક્રિયા આપી.
ઇઝરાયલના યુદ્ધ વિમાનોએ દક્ષિણ લેબનોન અને બૈરૂતના દક્ષિણ ઉપનગરોમાં હિઝબુલ્લાહના ગઢ ગણાતા વિસ્તારો પર બૉમ્બમારો કર્યો. જવાબમાં હિઝબુલ્લાહે ઇઝરાયલ પર લગભગ 4000 રૉકેટ છોડ્યાં હતા. 34 દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષ દરમિયાન 1,125થી વધુ લેબનોનવાસીઓનાં મોત થયાં જેમાં મોટાભાગના નાગરિકો હતા. ઇઝરાયલના 119 સૈનિકો અને 45 નાગરિકો પણ મૃત્યુ પામ્યાં હતાં.
નસરલ્લાહનાં ઘર અને ઑફિસને ઇઝરાયલનાં યુદ્ધ વિમાનોએ નિશાન બનાવ્યાં હતાં, પરંતુ તેઓ સહીસલામત બચી ગયા.
2009માં નસરલ્લાહે એક નવો રાજકીય ઢંઢેરો જારી કર્યો હતો જેમાં હિઝબુલ્લાહના "રાજકીય દૃષ્ટિકોણ"ને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરાયો હતો. તેમણે 1985ના દસ્તાવેજમાં જાહેર કરાયેલા ઇસ્લામિક પ્રજાસત્તાકની વાત પડતી મૂકી હતી, પરંતુ ઇઝરાયલ અને યુએસ સામે કડક વલણ જાળવી રાખ્યું હતું. યુએનના ઠરાવ મુજબ દક્ષિણ લેબનોનમાં હિઝબુલ્લાહ શસ્ત્રો રાખી ન શકે, છતાં હિઝબુલ્લાહે કહ્યું હતું કે તે શસ્ત્રો નહીં છોડે.
નસરલ્લાહે કહ્યું હતું કે, "લોકો બદલાયા છે. છેલ્લાં 24 વર્ષોમાં આખું વિશ્વ બદલાઈ ગયું છે. લેબનોન બદલાઈ ગયું છે. વિશ્વ વ્યવસ્થા બદલાઈ ગઈ છે."
ચાર વર્ષ પછી નસરલ્લાહે જાહેર કર્યું હતું કે હિઝબુલ્લાહ તેના ઈરાન સમર્થિત સાથી રાષ્ટ્રપતિ બશર અલ-અસદને મદદ કરવા માટે પોતાના લડવૈયાઓને સીરિયા મોકલશે અને આ રીતે તે પોતાના અસ્તિત્વના "સંપૂર્ણ નવા તબક્કામાં" પ્રવેશી રહ્યું છે. તેમણે કહ્યું કે, "તે અમારી લડાઈ છે, અને અમે તેના માટે સજ્જ છીએ."
લેબનોન અને ઇઝરાયલ વચ્ચે વણસેલા સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
લેબનોનના સુન્ની નેતાઓએ હિઝબુલ્લાહ પર દેશને સીરિયાના યુદ્ધમાં ઢસડવાનો આરોપ મૂક્યો હતો. આ દરમિયાન ભયંકર સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો.
2019માં લેબનોનમાં ગંભીર આર્થિક કટોકટી પેદા થઈ જેના કારણે ભ્રષ્ટાચાર, ગેરવહીવટ અને બેદરકારીના આરોપોનો સામનો કરતા રાજકીય વર્ગ સામે ઉગ્ર વિરોધ શરૂ થયો. નસરલ્લાહે શરૂઆતમાં સુધારાની વાતને ટેકો આપ્યો, પરંતુ પ્રદર્શનકારીઓએ જ્યારે રાજકીય વ્યવસ્થામાં સંપૂર્ણ ફેરફારની માગણી કરી ત્યારે તેમનું વલણ બદલાઈ ગયું.
હિઝબુલ્લાહ અને ઇઝરાયલી દળો વચ્ચે લડાઈ ચાલતી હતી, પરંતુ આઠમી ઑક્ટોબર, 2023ના રોજ હમાસના બંદૂકધારીઓએ ઇઝરાયલ પર અભૂતપૂર્વ હુમલો કર્યો જેના બીજા જ દિવસે ગાઝામાં યુદ્ધ શરૂ થઈ ગયું.
હિઝબુલ્લાહે પેલેસ્ટાઇન પ્રત્યે એકતા દેખાડીને ઇઝરાયેલના સૈનિકો પર ગોળીબાર કર્યો.
નસરલ્લાહે નવેમ્બરમાં એક ભાષણમાં કહ્યું કે હમાસનો હુમલો "નિર્ણય અને અમલીકરણ બંનેની દૃષ્ટિએ 100 ટકા પેલેસ્ટિનિયન હતો," પરંતુ તેમના સંગઠન અને ઇઝરાયલ વચ્ચેનો ગોળીબાર "ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને નોંધપાત્ર" હતો.
આ સંગઠને ઉત્તર ઇઝરાયલ તથા ઇઝરાયલના કબજા હેઠળની ગોલાન હાઇટ્સ પર 8,000થી વધુ રૉકેટ છોડ્યાં હતાં. તેણે બખ્તરબંધ વાહનો પર ટૅન્ક વિરોધી મિસાઇલો પણ છોડી હતી અને વિસ્ફોટક ડ્રૉન વડે લશ્કરી ટાર્ગેટ પર હુમલા કર્યા હતા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ લેબનોનમાં હિઝબુલ્લાહનાં સ્થળો પર હવાઈ હુમલા અને ટૅન્ક તથા આર્ટિલરી ફાયર કરીને બદલો લીધો.
નસરલ્લાહે પોતાના તાજેતરના ભાષણમાં હિઝબુલ્લાહના સભ્યોના હજારો પેજર્સ અને રેડિયો હૅન્ડસેટમાં વિસ્ફોટ બદલ ઇઝરાયલને દોષી ઠેરવ્યું હતું. આ વિસ્ફોટોમાં 39 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું હતું કે, "ઇઝરાયલ તમામ મર્યાદા ઓળંગી ગયું છે." તેમણે સ્વીકાર્યું કે આ ઘટનાથી સંગઠનને "અભૂતપૂર્વ ફટકો" પડ્યો હતો.
થોડા જ સમય પછી ઇઝરાયલે નાટકીય રીતે હિઝબુલ્લાહ પર હુમલા વધારી દીધા અને મોટા પાયે બૉમ્બમારો કર્યો જેમાં લગભગ 800 લોકો માર્યા ગયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












