લેબનોન પરના ઇઝરાયલી હુમલાએ મધ્યપૂર્વને કેવી રીતે બદલી નાખ્યું?

ઇઝરાયલ, લેબનોન, હિઝબુલ્લાહ, બીબીસી ગુજરાતી
    • લેેખક, ડેવિડ એરોનોવિચ
    • પદ, બીબીસી ન્યૂઝ

ગાઝાનું યુદ્ધ ગમે ત્યારે આસપાસમાં પ્રસરી જશે તેવું પહેલેથી લાગતું હતું. હમાસના લેબનીઝ સહયોગી હિઝબુલ્લાહ દ્વારા ઉત્તર ઇઝરાયલ અને તેની આસપાસના વિસ્તારોમાં રોજેરોજના રૉકેટ હુમલા અને ઇઝરાયલના હવાઈ હુમલાના કારણે સરહદની બંને બાજુએ હજારો નાગરિકો વિસ્થાપિત થયા છે.

ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ અત્યાર સુધી પૂર્ણ કક્ષાનું યુદ્ધ ટાળતા હતા, પરંતુ હવે આખું ચિત્ર બદલાઈ ગયું છે.

ગયા અઠવાડિયે પેજર્સ અને વૉકી-ટૉકીઝમાં વિસ્ફોટ કરીને હિઝબુલ્લાહના હજારો ઑપરેટિવ્સને અભૂતપૂર્વ રીતે નિશાન બનાવાયાં, તેના કારણે મધ્ય-પૂર્વની સ્થિતિ બદલાઈ ગઈ છે.

આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હોવાનું માનવામાં આવે છે. પણ તેણે અત્યારે આ પ્રકારનું ઑપરેશન શા માટે કર્યું હશે અને ગયા અઠવાડિયે જ કેમ કર્યું? તેનાથી આધુનિક યુદ્ધ વિશે શું જાણવા મળે છે? અને હવે આવનારા અઠવાડિયામાં આપણે શું થવાની અપેક્ષા રાખી શકીએ? ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે જમીની યુદ્ધની સંભાવના કેટલી છે?

હિઝબુલ્લાહ કેટલું શક્તિશાળી?

ઇઝરાયલ, લેબનોન, હિઝબુલ્લાહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિઝબુલ્લાહ દાવો કરે છે કે પેજર હુમલા પાછળ ઇઝરાયલનો હાથ છે પરંતુ ઇઝરાયલે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

સૌથી પહેલાં તો હિઝબુલ્લાહ કોણ છે અને તેઓ ક્યાંથી આવે છે તે બરાબર સમજવું જરૂરી છે.

1980ના દાયકાની શરૂઆતમાં લેબનીઝ ગૃહ યુદ્ધ દરમિયાન ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર કબજો કર્યો, ત્યાર પછી આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું.

લંડનની એસઓએએસ યુનિવર્સિટીમાં મિડલ ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર લીના ખાતિબ કહે છે કે, "શરૂઆતમાં હિઝબુલ્લાહે પોતાને ઇઝરાયેલ સામે પ્રતિકાર કરતા જૂથ અને લેબનોનના શિયા સમુદાયના અવાજ તરીકે રજૂ કર્યું."

પરંતુ ઇઝરાયલ જ્યારે 2000માં લેબનોનમાંથી ખસી ગયું, ત્યારે હિઝબુલ્લાહે યુએનના નિઃશસ્ત્રીકરણના ઠરાવનો ભંગ કરીને પોતાની પાસે હથિયારો રાખ્યાં હતાં. તેણે લેબનોનના રક્ષણ માટે પોતાને જરૂરી બળ તરીકે રજૂ કરવાનું ચાલુ રાખ્યું અને "દેશમાં સૌથી શક્તિશાળી રાજકીય સંગઠન બની ગયું" તેમ પ્રોફેસર ખાતિબ કહે છે.

લેબનોનની સરકારમાં તેમનું પ્રતિનિધિત્વ છે, પરંતુ હિઝબુલ્લાહની વાસ્તવિક શક્તિ પડદા પાછળ રહેલી છે. પ્રોફેસર ખાતિબ ઉમેરે છે કે, ઘણા નિષ્ણાતોના કહેવા મુજબ એક સશસ્ત્ર જૂથ તરીકે તે લેબનીઝ સેના કરતાં પણ વધુ શક્તિશાળી છે. તે પોતાના વિરોધીઓને ડરાવવાની ક્ષમતા ધરાવે છે.

પ્રોફેસર ખાતિબ જણાવે છે, "હિઝબુલ્લાહ એટલું શક્તિશાળી છે કે લેબનોનની વિદેશ નીતિના એજન્ડાને પણ દોરી શકે છે, તેમજ લેબનોન વતી યુદ્ધની ઘોષણા પણ કરી શકે છે."

લેબનોનમાં થતાં હુમલાઓ પાછળ કોનો હાથ?

ઇઝરાયલ, લેબનોન, હિઝબુલ્લાહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, STR/EPA-EFE/REX/SHUTTERSTOCK

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી સેનાના લેબનોન પર સતત હુમલા ચાલુ છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ધ ઇકોનોમિસ્ટ'ના ડિફેન્સ એડિટર શશાંક જોશીના જણાવ્યા અનુસાર, હિઝબુલ્લાહ ઈરાન સાથે પણ સંકળાયેલું છે. ઈરાન જ તેને સૌથી વધુ શસ્ત્રો પૂરાં પાડે છે. તેઓ કહે છે કે, "તેમાં કોઈ ડાયરેક્ટ કમાન્ડ નથી, પરંતુ પોતાનાં લક્ષ્ય અને વ્યવહારમાં તેઓ એકબીજા સાથે નજીકથી જોડાયેલાં છે."

આપણે આ હુમલાઓની ચર્ચા કરીએ ત્યારે એક વાત ધ્યાનમાં રાખીશું કે ઇઝરાયલે આ હુમલા કર્યા એવું માનવામાં આવે છે. ઇઝરાયલે આ હુમલાની પુષ્ટિ નથી કરી. ઇઝરાયલી અધિકારીઓની આ લાંબા સમયથી નીતિ રહી છે.

ન્યૂ યૉર્ક ટાઇમ્સના ઇન્વેસ્ટિગેટિવ પત્રકાર રોનેન બર્ગમૅન કહે છે કે ઇઝરાયલના કબજા હેઠળના વેસ્ટ બૅન્ક અને ગાઝામાં જ્યારે કાર્યવાહી થાય છે, ત્યારે "તેઓ પોતાની સામેલગીરી દેખાડે છે. પરંતુ જ્યારે લેબનોન અથવા ઈરાનમાં કાર્યવાહી હોય ત્યારે તેઓ આવું નથી કરતા."

જો કે, લેબનોનમાં આ હુમલાઓ પાછળ ઇઝરાયલની વિદેશી ગુપ્તચર એજન્સી મોસાદનો હાથ હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે.

બર્ગમૅનના જણાવ્યા પ્રમાણે દુનિયાની અન્ય જાસૂસી એજન્સીઓથી વિપરીત મોસાદની ભૂમિકા માત્ર ગુપ્તચર માહિતી એકત્ર કરવા પૂરતી મર્યાદિત નથી.

તેઓ કહે છે કે, મોસાદ જે બાતમી એકત્ર કરે છે તેને આક્રમક અથવા ફિજિકલ ઑપરેશનમાં રૂપાંતરિત કરવાની કામગીરી પણ કરે છે જેમાં "વિસ્ફોટકો, તોડફોડ, અને ચોક્કસ લોકોની હત્યાઓ" પણ સામેલ છે.

પેજર્સની જાણ મોસાદને હતી?

ઇઝરાયલ, લેબનોન, હિઝબુલ્લાહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

લેબનોનમાં જે પેજર હુમલા થયાં તેને હવે એક સપ્તાહ વીતી ગયું છે. તેના બીજા દિવસે વૉકી-ટૉકીમાં પણ વિસ્ફોટ થયા હતા. આપણે અત્યાર સુધી આ હુમલાઓ વિશે શું જાણીએ છીએ?

જોશીના મત પ્રમાણે આ એક સપ્લાય-ચેઇન ઍટેક હતો તેવું લાગે છે, જેમાં મોસાદે ફ્રન્ટ કંપનીઓની સ્થાપના કરી હતી જેઓ અમુક સમય માટે ખરેખર પેજર બનાવતી હતી તેવું દેખાડ્યું છે.

હિઝબુલ્લાહને જ્યારે માલ પહોંચાડવામાં આવ્યો ત્યારે મોસાદે ઉપકરણોની અંદર વિસ્ફોટકો ગોઠવ્યા હતા તેવું લાગે છે જેમાં પછી દૂરથી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો.

બર્ગમૅન કહે છે કે, 2018માં એક યુવાન ગુપ્તચર ઑફિસરને જાણવા મળ્યું કે હિઝબુલ્લાહે પેજરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું અને મોસાદને તેમની સપ્લાય ચેઇનમાં ઘૂસણખોરી કરવાનો વિચાર હતો. બર્ગમૅન ઉમેરે છે કે, ત્યાર પછી હિઝબુલ્લાહને લગભગ 4,500 ઉપકરણો પૂરા પાડવામાં આવ્યાં હતાં જેની અંદર વિસ્ફોટકો ગોઠવાયેલાં હતાં.

કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે મોસાદને પહેલેથી જાણ હતી કે આ પેજર્સ ક્યાં છે અને કોના કબજામાં છે. ત્યાર પછી વિસ્ફોટ કરાયો હતો. જોકે, જોશી આ દાવાઓને શંકાસ્પદ માને છે.

તેઓ કહે છે કે, "આ કોઈ જાદુઈ સાયબર-ઍટૅક નહોતો કે જેમાં અમુક કોડ દ્વારા બૅટરીઓ આપોઆપ ફાટી ગઈ હોય. કેટલાક લોકોએ શરૂઆતમાં આ પ્રકારનો હુમલો ધારી લીધો હતો."

હિઝબુલ્લાહના સભ્યો કોણ હતાં એ વાત છતી થઈ ગઈ

ઇઝરાયલ, લેબનોન, હિઝબુલ્લાહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પેજરની ફાઇલ તસવીર

પેજરમાં કેવી રીતે ધડાકા થયા તેના સીસીટીવી ફૂટેજ સમગ્ર વિશ્વમાં પ્રસારિત થયા હતા.

પ્રોફેસર ખાતિબ કહે છે કે, "આ તસવીરો આઘાતજનક હતી અને તે આપણને હિઝબુલ્લાહના સંગઠન અને તેના માળખા વિશે પણ ઘણું જણાવે છે."

તેઓ કહે છે કે, "સામાન્ય રીતે આ સંગઠન અત્યંત ગુપ્ત રીતે કામ કરે છે. તેના બધા સભ્યો વિશે કોઈને ખબર નથી. કેટલીકવાર તેમના પરિવારોને પણ ખબર નથી હોતી."

આ હુમલા પરથી હિઝબુલ્લાહના ખરેખર સભ્યો કોણ હતા તે વાત છતી થઈ ગઈ છે. ઇઝરાયલ માટે આ માહિતી પહેલેથી જ ઉપયોગી સાબિત થઈ છે.

પ્રોફેસર ખાતિબ કહે છે કે, "એક કિસ્સામાં, હૉસ્પિટલમાં સારવાર લેતી એક વ્યક્તિને મળવા માટે કોઈ આવ્યું હતું. આ મુલાકાતીને પાછળથી ઇઝરાયલ દ્વારા ટ્રૅક કરવામાં આવ્યો હતો, જેનાથી જાણવા મળ્યું કે હિઝબુલ્લાહના નેતાઓ આ હુમલા પછી શુક્રવારે ક્યાં મળ્યા હતા.” ઇઝરાયલે આ રીતે હિઝબુલ્લાહના કમાન્ડરોને ઓળખી લીધા અને પછી તેમના પર હુમલો કરીને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

કેટલાકને આ હુમલા નવા પ્રકારના યુદ્ધ જેવા લાગશે. જોકે, જોશી એવું નથી માનતા. તેઓ કહે છે કે, "તમે ફોન, પેજર કે કેળાની અંદર વિસ્ફોટકો મૂકવા માંગતા હોવ તો તેમ કરવું શક્ય છે. પરંતુ મુદ્દો એ છે કે કેટલી હદે?”

તેઓ કહે છે કે ભૂતકાળમાં અમેરિકાએ પણ આવા જ હુમલા કરવાનું વિચાર્યું હતું, પરંતુ તેની સંભવિત અસરોને ધ્યાનમાં રાખીને માંડી વાળ્યું હતું.

આખરે, હવે દરેક જણને ખબર પડી ગઈ છે કે ઇઝરાયલ આવી કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. તેથી ભવિષ્યમાં તેઓ આવા હુમલાને રોકવા માટે પગલાં લઈ શકે છે. ઉદાહરણ તરીકે હવે તેઓ ઉપકરણોને ખોલીને તેમાં વિસ્ફોટકોની તપાસ કરશે.

"પરિણામે મને લાગે છે કે હવે આ પ્રકારના હુમલા જોવા નહીં મળે".

હુમલાનો સમય

તેનું પરિણામ એ છે કે આ એક વખત ઉપયોગમાં લેવાય તેવી, 'આ પાર કે પેલે પાર' જેવી સ્થિતિ હતી. એક વખત આ પ્રકારનું ઑપરેશન કરો, ત્યાર પછી તેવું બીજી વખત કરી શકાતું નથી.

બર્ગમૅન કહે છે કે આ કારણોસર, ઇઝરાયલના સત્તાધીશોમાં પણ મતમતાંર છે કે શું આવું કરવાનો આ યોગ્ય સમય હતો?

બર્ગમૅન કહે છે, આ "હુમલાનો સમય બહુ રસપ્રદ છે. ઇઝરાયલના સંરક્ષણ વિભાગમાં ઘણા બધા લોકો નારાજ હતા. તેમનું કહેવું છે કે હુમલો કરવા માટે આ યોગ્ય સમય અને જગ્યા નહોતી."

તેના કારણે એવો સવાલ પેદા થાય છે કે ઇઝરાયલ આ હુમલા વિશે શું વિચારી રહ્યું હતું. અગાઉ ઘણાએ વિચાર્યું હતું કે ઇઝરાયલ હિઝબુલ્લાહ સાથે ખુલ્લેઆમ સંઘર્ષ ટાળી રહ્યો છે અને ગાઝામાં લડતી વખતે તે બે મોરચે યુદ્ધ નથી ઇચ્છતો. પરંતુ લેબનોનમાં હુમલા સૂચવે છે કે આ ગણતરી બદલાઈ ગઈ છે.

પરંતુ બર્ગમૅન કહે છે કે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સના મોટા ભાગના જનરલો લેબનોનમાં જમીની આક્રમણનો વિરોધ કરે છે, જેમાં તેની સેનાના વડાનો પણ સમાવેશ થાય છે. 1980 અને 1990ના દાયકામાં લેબનોનના કબજા દરમિયાન તેમનો અનુભવ થઈ ગયો હતો કે આવું આક્રમણ "મોતની જાળ" બની શકે છે.

તેઓ જણાવે છે કે આમ કરવાનો હેતુ ગાઝામાં ઇઝરાયલનું યુદ્ધ ચાલુ રહે તો પણ હિઝબુલ્લાહના સેક્રેટરી જનરલ હસન નસરાલ્લાહને યુદ્ધવિરામ માટે સહમત થવા માટે દબાણ કરવાનો હતો.

નસરાલ્લાહે જાહેરાત કરી કે જ્યાં સુધી ઇઝરાયલ ગાઝામાં તેનું યુદ્ધ સમાપ્ત નહીં કરે ત્યાં સુધી તે હમાસને ટેકો આપવાનું ચાલુ રાખશે. "જ્યારે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ તેમનું ગઠબંધન ટકાવી રાખવા માટે હમાસ સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા ઇચ્છતા નથી".

યુદ્ધને અલગ દિશામાં દોરી ગયા હુમલા

ઇઝરાયલ, લેબનોન, હિઝબુલ્લાહ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/SHUTTERSTOCK

ગણતરી એવી હતી કે પેજર અને વૉકી-ટૉકી હુમલાથી આખું બૅલેન્સ બદલાઈ જશે જેથી ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ ગાઝા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. "પરંતુ તેમાં જોખમ એ છે કે તે બીજી દિશામાં દોરી જશે. શક્ય છે કે તે યુદ્ધવિરામ અને રાજકીય ઉકેલને બદલે પૂર્ણ કક્ષાના યુદ્ધ તરફ લઈ જાય."

પ્રોફેસર ખાતિબ કહે છે કે દક્ષિણ લેબનોન પર જમીની આક્રમણ કરવાનો પ્રયાસ એ ઇઝરાયલની "સંપૂર્ણ મૂર્ખતા" હશે. હિઝબુલ્લાહ લાંબા સમય સુધી જમીની યુદ્ધ ચલાવવાની સારી તૈયારી ધરાવે છે.

પરંતુ 'ધ ઈકોનોમિસ્ટ'ના ડિફેન્સ એડિટર જોશી કહે છે કે આ એક જોખમ છે. તાજેતરમાં હિઝબુલ્લાહના શસ્ત્રોના ભંડાર પર હવાઈ હુમલા તથા તેના કમાન્ડરો પરના હુમલા જેવી કાર્યવાહી ચાલુ રાખવી પડશે. ત્યાર પછી લેબનોનની અંદર મોટા પાયે જમીની આક્રમણ થઈ શકે.

તેનાથી એ સવાલ થાય છે કે શું તાજેતરનાં અઠવાડિયામાં હિઝબુલ્લાહની ક્ષમતા એટલી હદે ઘટી ગઈ છે અને તેનો આત્મવિશ્વાસને એટલો ડગમગી ગયો છે કે તે પૂર્ણ કક્ષાનું યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી?

જોશી કહે છે કે હિઝબુલ્લાને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેની મોટાભાગની લીડરશિપ ખતમ થઈ ગઈ છે. "જોકે, મને લાગે છે કે હિઝબુલ્લાહ પાસે નોંધપાત્ર મિસાઇલો નથી એવું વિચારવું એક ગંભીર ભૂલ હશે."

હિઝબુલ્લાહે તેલ અવીવ, હાઇફા અને અન્ય ઇઝરાયેલી શહેરોને નિશાન બનાવીને હજારો રૉકેટ તૈયાર રાખ્યાં છે. આ કારણથી કદાચ ઇઝરાયલ અત્યારે પૂર્ણ કક્ષાના યુદ્ધમાં ઊતરવા માંગતું નથી. ઉત્તર ઇઝરાયલના હજારો રહેવાસીઓ પણ આવું યુદ્ધ નથી ઇચ્છતા જેમને સરહદ પારની લડાઈના કારણે પહેલેથી સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

પ્રોફેસર ખાતિબ કહે છે, "જે લોકો રહી ગયા છે, તેઓ એવા લોકો છે કે જેમની પાસે કદાચ ભાગી જવા માટે કોઈ સાધન નથી. પરંતુ ટૂંક સમયમાં ત્યાં શાંતિ સ્થપાય તેવા કોઈ સંકેત દેખાતા નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.