યુક્રેન: એવો દેશ જ્યાં યુવાનો 17 વર્ષના થતાં દેશ છોડી રહ્યા છે

ઇમેજ સ્રોત, JANOSH NEMESH/UNIAN
- લેેખક, મારિયાના મેત્વેચૂક
- પદ, બીબીસી ન્યૂઝ યુક્રેન, કીએવ
તાજેતરમાં યુક્રેનની રાજધાની કીએવ છોડીને નીકળી ગયેલા 18 વર્ષીય ઓલેકસેન્ડર માયસન જુનિયર કહે છે, “હું યુદ્ધમાં લડવા માગતો ન હતો. તે ભયાનક છે.”
ઓલેકસેન્ડરે પોતાનું ઘર છોડીને 2024ના ઉનાળામાં પાડોશી દેશ સ્લોવાકિયામાં સ્થળાંતર કર્યું હતું. યુક્રેનમાં પુખ્ત થવાની કાયદેસરની વય 18 વર્ષના થયાના માત્ર બે જ સપ્તાહમાં તેમણે પોતાનું ઘર છોડ્યું હતું.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર વ્યાપક આક્રમણ શરૂ થયું ત્યારથી યુવાનોના પલાયનની સમસ્યા વકરી છે.
સૈન્યમાં ફરજિયાત ભરતીની વયની શરૂઆત 25 વર્ષની ઉંમરથી થાય છે, પરંતુ 18 વર્ષથી મોટી વયના પુરુષોને દેશ છોડવાની છૂટ નથી.
તેથી જ ઘણા યુવાનો પુખ્તાવસ્થામાં પહોંચતાં પહેલાં જ તેમના પરિવારોની મંજૂરીથી વિદેશ જવાનું નક્કી કરે છે.
ઓલેકસેન્ડરના જણાવ્યા મુજબ, મિત્રો સાથેની વાતચીત બાદ તેમણે દેશને છોડવાનું નક્કી કર્યું હતું.
તેમણે સૈન્યમાં જોડાવા માટે અચાનક બોલાવવાના ડર અને યુદ્ધરત્ દેશમાં ભાવિ અનિશ્ચિતતા બાબતે ચર્ચા કરી હતી.
ઓલેકસેન્ડરના કહેવા મુજબ, તેમના ઘણા મિત્રોએ સમાન લાગણી વ્યક્ત કરી હતી. તેમણે રશિયાના આક્રમણની નિંદા કરી હતી, પરંતુ તેઓ યુદ્ધમાં સામેલ થવા માગતા ન હતા અને લડવાની સંભાવનાથી તેઓ ડરી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઓલેકસેન્ડર કહે છે, “મારો એક જ દોસ્ત સૈન્યમાં જોડાયો છે. બાકીના દોસ્તોનો યુદ્ધ લડવાનો ઈરાદો નથી.”
ઓલેકસેન્ડરે સ્લોવાકિયામાં એક યુનિવર્સિટીમાં ઍડમિશન લીધું છે અને સ્લોવાક ભાષા શીખી રહ્યા છે, પરંતુ તેમના કોઈ દોસ્ત કે સોશિયલ સર્કલ નથી. તેમ છતાં એ જણાવે છે કે યુદ્ધના અંત સુધી ઘરે પાછો ફરવાનો તેનો કોઈ ઈરાદો નથી.
સૈન્યમાં જોડાવાનો ડર

ઇમેજ સ્રોત, ALEXANDER MYSAN
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુક્રેનસ્થિત સખાવતી સંસ્થા વૉઇસ ઑફ ચિલ્ડ્રનનાં શિક્ષણશાસ્ત્રી ઓક્સાના પાયસારેવા સમજાવે છે, “ઘર છોડવાનો નિર્ણય લેવાનો અર્થ મોટા ભાગે દોસ્તો તથા પોતાના પરિવારને પાછળ છોડી દેવો, નવી સંસ્કૃતિ સાથે અનુકૂલન સાધવાનો પ્રયાસ કરવો અને દોષની લાગણી અનુભવવી એવો થાય છે. આ બધું ખૂબ જ પડકારજનક હોય છે.”
આ સખાવતી સંસ્થા પરિવારોને મનોવૈજ્ઞાનિક સમર્થન અને વ્યક્તિગત માનવતાવાદી સહાય પૂરી પાડે છે, તેમજ સમગ્ર યુક્રેનમાં બાળકોને મદદ કરવા સમુદાયો તથા સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે.
ઓક્સાના કહે છે, “યુવાનોનું માથું સામાન્ય રીતે ગરમ રહેતું હોય છે, પરંતુ યુદ્ધ ડરામણું હોય છે.”
“એ સ્વીકારે કે ન સ્વીકારે, પરંતુ દરેક વ્યક્તિ ડરતી હોય છે. જેઓ યુક્રેનમાં રહેવાનું પસંદ કરે છે તેઓ સૈન્યમાં ફરજિયાત જોડાવાની ચિંતામાં રહે છે. આ ડર તેમના મનમાં છવાયેલો રહે છે, કારણ કે આખરે તો તે જીવન અને મરણની વાત છે.”
યુક્રેનની સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોગ્રાફીના જણાવ્યા અનુસાર, આ વર્ષે યુક્રેન છોડી ગયેલા અને અત્યાર સુધી પાછા ન આવેલા લોકોની સંખ્યા, 2023ના આંકડાની સરખામણીએ ત્રણ ગણી વધી ગઈ છે.
જોકે, દેશ છોડી જતાં લોકોની ઉંમર વિશેનો કોઈ સત્તાવાર ડેટા નથી અને તેથી અન્યત્ર સ્થળાંતર કરી રહેલા 17 વર્ષની વયના લોકોની સંખ્યા વિશે પણ કોઈ માહિતી નથી.
યુરોપિયન યુનિયનની સ્ટેટેસ્ટિકલ ઑફિસ યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર, બે વર્ષ પહેલાં સંપૂર્ણ આક્રમણ શરૂ થયું ત્યારથી દેશ છોડનારા લોકોની કુલ સંખ્યામાં 33 ટકા લોકો 18 વર્ષથી ઓછી વયનાં બાળકો છે.
યુક્રેનના સામાજિક નીતિ વિભાગના આંકડા સૂચવે છે કે અમેરિકા અને યુરોપના દેશોમાં રહેવા માટે 35 લાખ લોકોએ યુક્રેન છોડ્યું છે.

ઇમેજ સ્રોત, MAKSIMA MARUSENKO/GETTY IMAGES
બીજી તરફ યુરોપિયન યુનિયન જણાવે છે કે યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી તેમણે સત્તાવાર રીતે 42 લાખથી વધુ યુક્રેનિયન નાગરિકોનો સ્વીકાર કર્યો છે.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેમોગ્રાફીનાં ડિરેક્ટર એલા લિબાનોવાએ બીબીસી ન્યૂઝ, યુક્રેનને જણાવ્યું હતું કે યુદ્ધ પૂર્ણ થયા પછી કેટલા લોકો પાછા ફરવા તૈયાર થશે તે નિર્ણાયક સાબિત થશે.
તેમણે કહ્યું હતું, “પહેલાં અમને એમ હતું કે યુદ્ધ 2025ના અંત સુધીમાં સમાપ્ત થઈ જશે. હવે અમને લાગે છે કે તે 2027 અથવા 2030 સુધીમાં સમાપ્ત થશે. અણધારી ઘટનાઓ બની રહી હોવાથી કોઈ આગાહી કરવાનું શક્ય નથી.”
સમાજશાસ્ત્રીઓ જણાવે છે કે યુક્રેન માટેના ભાવિ પડકારો પૈકીનો એક વસ્તીનાં લિંગ અને વયમાળખાંમાં ધરમૂળથી પરિવર્તન હશે. પુરુષોના સૈન્યમાં જોડાવા અને સ્ત્રીઓના સ્થળાંતરને કારણે પરિવારોનું નિર્માણ વધારે મુશ્કેલ બનશે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ગયા મહિને યુક્રેનિયન યૂથ ફોરમમાં આપેલા એક ભાષણમાં યુવાનો માટે વધુ સારી પરિસ્થિતિને પ્રોત્સાહિત કરવાનું વચન આપ્યું હતું. શૈક્ષણિક અનુદાનનું પૅકેજ રજૂ કર્યું હતું અને મોર્ગેજ ડાઉન પેમેન્ટ્સમાં ઘટાડો કર્યો હતો.
તેમણે કહ્યું હતું, “સંજોગો કઠણ હોવા છતાં યુક્રેનમાં યુદ્ધમાં હારી ગયેલા પેઢી નહીં હોય.” એ પછી તેમણે એક મંત્રાલય રચવાનો વિચાર જાહેર કર્યો હતો. એ મંત્રાલયનું મુખ્ય કામ યુક્રેનિયનોને દેશમાં પાછા લાવવાની કામગીરી પર દેખરેખનું હશે.
અંધકારમય ભવિષ્ય

ઇમેજ સ્રોત, YING TANG/GETTY IMAGES
18 વર્ષના મૅક્સિમ સેમિડોત્સ્કીએ કહ્યુ હતું, “લોકોને યુક્રેનમાં વિશ્વાસ નથી. તેમને આ દેશનું કોઈ ભવિષ્ય દેખાતું નથી.”
મૅક્સિમનો સમાવેશ એવા જૂજ યુવાઓમાં થાય છે, જેઓ યુદ્ધને કારણે દેશ છોડી ગયા હતા અને પછી યુક્રેન પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
દક્ષિણ યુક્રેનના ખેરસન પ્રદેશને રશિયાએ પોતાના તાબામાં લઈ લીધો ત્યારે ત્યાં આવેલું પોતાનું ઘર મૅક્સિમે 2022માં છોડી દીધું હતું અને પરિવાર સાથે આયર્લૅન્ડ ગયા હતા.
ઑક્ટોબર 2022માં ખેરસનને મુક્ત કરાવવામાં આવ્યું હતું, પરંતુ ખેરસન હજુ પણ યુદ્ધની આગલી હરોળની નજીક છે અને રશિયન સૈન્ય દ્વારા ત્યાં વારંવાર ગોળીબાર કરવામાં આવે છે.
ઑગસ્ટ 2023માં 18 વર્ષના થવાના બે મહિના પહેલાં મૅક્સિમે યુક્રેન પાછા ફરવાનું નક્કી કર્યું હતું.
મૅક્સિમે કહ્યું હતું, “યુક્રેન પાછા ફરવું મુશ્કેલ હશે એવી ચેતવણી મને મારા સંબંધીઓએ આપી હતી, પરંતુ મેં જાતે પ્લેનની ટિકીટ ખરીદી હતી.”
ગર્લફ્રેન્ડ મૅક્સિમની રાહ જોઈ રહી હતી. તેમણે યુક્રેનની રાજધાની કીએવમાં નવું જીવન શરૂ કર્યું. મૅક્સિમે વેલ્ડર તરીકે તાલીમ લેવાનું શરૂ કર્યું.
મૅક્સિમે કહ્યું હતું, “મારી તીવ્ર ઇચ્છા યુદ્ધ જીતવાની છે. હું મારા શહેર ખેરસનમાં પાછો ફરવા અને તેનું નવનિર્માણ કરવા ઇચ્છું છું.”
મૅક્સિમના કહેવા મુજબ, તેમને સૈન્યમાં સેવા માટે બોલાવવામાં આવશે તો તેમને યુદ્ધ લડવાનો ડર પણ નથી.
તેમણે કહ્યું હતું, “હું હમણાં જ યુદ્ધ લડવા જઈ શકું, પરંતુ આજીવિકા કમાવવા માટે મારે પહેલાં કામની જરૂર છે.”
યુક્રેનની શાળાઓનાં બાળકોના મતાનુસાર, એ પૈકીના 25 ટકાએ જણાવ્યું હતું કે તેઓ વિદેશ જવા માગે છે.
મહત્ત્વની વાત એ છે કે યુક્રેનિયનો સામૂહિક રીતે ઘરે પાછા ફરશે કે કેમ તેનો આધાર યુદ્ધ ક્યારે તથા કેવી રીતે સમાપ્ત થશે તેના પર છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












