હિટલરે સ્વસ્તિકને જ પસંદ કેમ કર્યો હતો અને હિંદુ ધર્મ સાથે એનો શો સંબંધ છે?

ઇમેજ સ્રોત, Alamy
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સદીઓથી સ્વસ્તિક હિંદુ, જૈન તથા બૌદ્ધ ધર્મમાં સદનસીબ, શુભત્વ અને સમૃદ્ધિના પ્રતીકરૂપ પવિત્ર આકૃતિ રહી છે. ગૃહપ્રવેશ, તહેવાર, માંગલિક કે ધાર્મિકપ્રસંગોએ સાથિયા કરવામાં આવે છે.
જોકે, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, અમેરિકામાં તેને ઉશ્કેરણીજનક ચિહ્ન તરીકે જોવામાં આવે છે. 1940ના દાયકા સુધી પશ્ચિમી દેશોમાં પણ આ આકૃતિ વ્યાપક રીતે પ્રચલિત હતી તથા તેને સમૃદ્ધિ અને સંપન્નતાના પ્રતીક તરીકે જોવામાં આવતી.
હિટલર દ્વારા નાઝી જર્મનીના ઝંડા ઉપર 'હૅકનક્રૂસ' કે હૂકવાળા ક્રૉસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે સ્વસ્તિક સાથે ભળતી આકૃતિ છે. બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમી દેશો અને વિશેષ કરીને યહૂદીઓમાં તે હૉલોકોસ્ટની દર્દનાક યાદોને તાજી કરાવતું પ્રતીક છે.
ન કેવળ ભારતમાં પણ વિશ્વભરમાં સ્વસ્તિક પ્રચિલત ચિહ્ન છે જે હજારો વર્ષથી માનવજાત દ્વારા તેનો ઉપયોગ થતો રહ્યો છે.
શુભચિહ્ન તરીકે સ્વસ્તિક

ઇમેજ સ્રોત, Alamy
હિંદુ, જૈન તથા બૌદ્ધ ધર્મમાં પ્રચલિત સ્વસ્તિકએ 'સુ' એટલે સારું તથા 'અસ્તિ' એટલે થાવ જોડીને બનતો શબ્દ છે. તેનું ચિહ્ન ઊભી લીટીને બરાબર વચ્ચેથી આડી લીટી દ્વારા કાપીને ચારેય છેડાને વધુ એક લીટી દ્વારા જોડીને બનાવવામાં આવે છે, જેમાં આઠ કાટખૂણા હોય છે. સ્વસ્તિક બનાવતી વખતે તેમાં ચાર જગ્યા બને છે, જેમાં બિંદુ પણ કરવામાં આવે છે.
હિસાબી ચોપડા, ધર્મગ્રંથ, દુકાન, વાહન, ગૃહપ્રવેશ, બાળકની નામકરણવિધિ, લગ્નપ્રસંગ, ધર્મગ્રંથ ઉપર સ્વસ્તિક બનાવવામાં આવે છે. ધાર્મિક કે માંગલિકકાર્યો દરમિયાન આ ચિહ્ન દોરતી વેળાએ 'સ્વસ્તિક મંત્ર' બોલવામાં આવે છે. જેમાં હિંદુઓની માન્યતા પ્રમાણે, જળના દેવતા ઇંદ્ર, સૂર્ય, ગુરુ તથા ગરૂડદેવતા પાસે કલ્યાણની કામના કરવામાં આવે છે.
સ્વસ્તિક સાથે ઘણી માન્યતા જોડાયેલી છે, જેમ કે, તે ચાર દિશા, ચાર ઋતુ, ચાર યુગ, જીવનના ચાર ધ્યેય (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ), જીવનના ચાર તબક્કા (બાલાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ), તથા ચાર વેદને રજૂ કરે છે.
'ધ લૉસ્ટ વિઝડમ ઑફ સ્વસ્તિક' નામના પુસ્તકના લેખક અજય ચતુર્વેદીના કહેવા પ્રમાણે, 'વૈદિક ગણિતમાં સાથિયો ચાર-કોણીય સમઘનનું પ્રતિનિધિત્વ કરે છે. જે હિંદુ દર્શન મુજબ જાગૃત, ઊંઘ અને સ્વપ્નથી ઇત્તરની ચોથી અવસ્થા દર્શાવે છે.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાપાનના બૌદ્ધોમાં તે 'માંઝી' તરીકે ઓળખાય છે, જે ગૌતમ બુદ્ધના પદચિહ્નના પ્રતીકરૂપ છે.
ચતુર્વેદીના કહેવા પ્રમાણે, હિંદુ દર્શનમાં આ ચિહ્નનનું શું મહત્ત્વ છે અને તેનો અર્થ શું છે, તે સમજ્યા વગર જ માત્ર રાજકારણ માટે હિટલર દ્વારા સ્વસ્તિકના ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હૅકનક્રૂસ કે હૂકવાળો ક્રૉસ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 1871માં જર્મન આર્કિયૉલૉજિસ્ટ હૅન્રીચ સિસ્લેમૅને પ્રાચીન ટ્રોઈ શહેરમાં ઉત્ખનન દરમિયાન માટીકામનાં વાસણો ઉપર હૂક્ડ ક્રૉસનાં 1800 જેટલાં અલગ-અલગ સ્વરૂપ મળ્યાં હતાં, જે સ્વસ્તિક જેવી આકૃતિ હતી અને જર્મન ઇતિહાસની કળાકૃતિઓઓ સાથે એનો મેળ ખાતો હતો.
ટ્રોઈ શહેરના રહેવાસીઓ આર્ય હોવાનું અને વાસણોમાં જોવા મળેલી સામ્યતા વંશીય સાતત્યનો પુરાવો હોવાનું નાઝીઓ માનવા પ્રેરાયા હોવાનું નૃવંશશાસ્ત્રી ગ્વેન્દોલીન લેઇક નોંધે છે.
હિટલરે સ્વસ્તિકને પોતાના પક્ષના પ્રતીક તરીકે અપનાવ્યો એ પાછળનું મૂળ કારણ જર્મનોને એમની ભાષા અને સંસ્કૃતમાં મળેલી સામ્યતા હોવનું માનવામાં આવે છે. આ સામ્યતા થકી જ જર્મનો એવું માનવા પ્રેરાયા હતા કે ભારતીયો અને જર્મનો એક સમાન 'શુદ્ધ' આર્ય વંશના વારસદારો છે.
1920માં ઍડોલ્ફ હિટલર નવા રચાયેલા પોતાના પક્ષ માટે જ્યારે પ્રતીક શોધી રહ્યો હતો ત્યારે તેણે 'હૅકનક્રૂસ' કે જમણી તરફ પાંખિયાવાળા સ્વસ્તિકનો ઉપયોગ કર્યો. 1933માં હિટલરના પ્રોપેગૅન્ડા મિનિસ્ટર જૉસેફ ગોબેલ્સે 1933માં એક કાયદો પસાર કરીને આ સ્વસ્તિક કે હૂક્ડ ક્રૉસના કૉમર્શિયલ ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી દીધો.
જર્મનીના સર્વોચ્ચ શાસક ઍડૉલ્ફ હિટલરે તેમની આત્મકથા 'મિન કૅમ્ફ'ના સાતમા પ્રકરણમાં નાઝી ધ્વજ, તેનાં રંગ તથા પ્રતીકની પસંદગી ઉપર પ્રકાશ પાડ્યો છે.
હિટલરના મતે નવો ઝંડોએ 'ત્રીજા (જર્મન) સામ્રાજ્ય'ના પ્રતીકરૂપ હતો.

ઇમેજ સ્રોત, Steven Heller
વર્ષ 1920 ઉનાળુના મધ્યભાગમાં આ ઝંડાને સાર્વજનિક કરવામાં આવ્યો હતો. લાલ રંગની પૃષ્ઠભૂમિમાં વચ્ચે સફેદ ગોળ વર્તુળની અંદર કાળા રંગનો હૅકનક્રૂસ છે. આ આકૃતિ ડાબી બાજુએ 45 અંશના ખૂણે નમેલો સ્વસ્તિક છે.
લાલ રંગએ સામાજિક ચળવળના પ્રતીકરૂપ હતો. સફેદ રંગ રાષ્ટ્રવાદનો વિચાર રજૂ કરે છે. જ્યારે સ્વસ્તિકએ આર્યના સંઘર્ષ અને વિજયને રજૂ કરે છે.
ડૉ. ડેનિયલ રાનકૉર-લાફેરાર તેમના પુસ્તકમાં 'ધ સાઇન ઑફ ધ ક્રૉસ : ફ્રૉમ ગ્લૉથા ટુ જિનૉસાઇટ'માં લખે છે કે હિટલર તેના નાનપણમાં ઑસ્ટ્રિયાની બૅનેડિક્ટાઇન મૉન્ટેસરીમાં રહ્યો હતો, જ્યાં અનેક સ્થળોએ હૂક્ડ ક્રૉસ અંકિત હતાં, એટલે નાનપણની સ્મૃતિઓને કારણે તેમણે આ ચિહ્ન પસંદ કર્યું હશે.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓએ આ ઝંડા તળે યહૂદી, વિકલાંગ, રોમા, કાળા, સિન્તી, સ્લાવ, ગૅ, લૅસ્બિયન, સોવિયેત, પૉલિશ લોકો સહિત લગભગ 60 લાખ લોકોની હત્યા કરી. જેમાં જર્મની તથા નાઝી કબજા હેઠળના યુરોપિયન દેશોમાં યહૂદીઓ વ્યાપકપણે હિટલરના દમનનો ભોગ બન્યા. હૉલોકોસ્ટમાં લાખો યહૂદી મૃત્યુ પામ્યા એટલે જ તેમના માટે હૅકનક્રૂસ ભયાનક યાદોને તાજી કરાવતું ચિહ્નછે.
તાજેતરનાં વર્ષોમાં નવનાઝીઓ તથા શ્વેત સર્વોચ્ચતામાં માનતા અનેક લોકો દ્વારા હૅકનક્રૂસનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રાગઐતિહાસિક યુગથી સ્વસ્તિકનો ઉપયોગ

વર્ષ 1908માં યુક્રેનમાં હાથીદાંતથી બનેલા પક્ષીની પ્રતિકૃતિ મળી આવી હતી, જેની ઉપર સ્વસ્તિકનું ચિહ્ન કંડારાયેલું છે. જે કદાચ અત્યારસુધીમાં ઉપલબ્ધ સ્વસ્તિકની સૌથી જૂની આકૃતિ છે. કાર્બન ડૅટિંગથી તપાસ કરતા આ કળાચિહ્ન ઓછામાં ઓછું 15 વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું હતું.
ખ્રિસ્તીઓની જૂની કબરો, રોમના કૅટાકૉમ્બ, ઇથિયૉપિયાના લાલીબેલામાં આવેલા પથ્થરના ચર્ચથી લઈને સ્પૅનના કૉર્ડોબાના કૅથ્રેડલ ચર્ચમાં તેની આકૃતિ જોવા મળે છે.
હૉલોકોસ્ટ સંદર્ભસંગ્રહ પ્રમાણે, "લગભગ સાત હજાર વર્ષ પહેલાં યુરેશિયામાં સ્વસ્તિકનો ઉપયોગ થતો.... જે સંભવતઃ આકાશમાં સૂર્યની ગતિ અને હિલચાલને રજૂ કરતું."
જાણકારોનું માનવું છે કે કાંસ્યયુગ દરમિયાન આ આકૃતિ સમગ્ર યુરોપમાં પ્રચલિત બની હશે. હાલ પાકિસ્તાનમાં રહેલી હડપ્પાકાલીન સાઇટ્સમાંથી મળેલાં અમુક અવશેષો ઉપર સ્વસ્તિકનાં ચિહ્ન અંકિત હતાં.
થૉમસ વિલ્સને 19મી સદીમાં 'ધ સ્વસ્તિક : ધ અર્લિયૅસ્ટ ક્નૉન સિમ્બૉલ ઍન્ડ ઇટ્સ્ માઇગ્રૅશન્સ' નામના પુસ્તકમાં લખ્યું છે કે પ્રાચીન સમયમાં દુનિયાભરમાં સ્વસ્તિકના ચિહ્નનો ઉપયોગ થતો. ચાદર, ઢાલ કે ઘરેણાંમાં પણ સ્વસ્તિક મળે છે. કેટલાક લોકોનું માનવું હતું કે તે કોઈ ધૂમકેતુથી પ્રેરિત આકૃતિ છે.
પ્રાચીન ગ્રીકના લોકો તેમના ઘડા અને સુરાહી ઉપર સ્વસ્તિક દોરતા. નૉર્વેની માન્યતા પ્રમાણે, સ્વસ્તિકએ 'થોરનો હથોડો' છે.
પશ્ચિમી દેશોમાં જાહેરાત તથા કપડાંમાં પણ સ્વસ્તિકનો છૂટથી ઉપયોગ થતો. એક તબક્કે કૉકા-કૉલાની જાહેરાતમાં પણ તેનો ઉપયોગ થયો હતો.
નાઝીઓ દ્વારા સ્વસ્તિકનો ઉપયોગ થયો તે પહેલાં ડૅન્માર્કની બિયર બનાવતી વિખ્યાત કંપની 'કાર્લ્સબર્ગ'ના લૉગોમાં સ્વસ્તિકનું ચિહ્ન હતું. હજુ થોડાં વર્ષ પહેલાં સુધી ફિનલૅન્ડના વાયુદળના સત્તાવાર ચિહ્ન માં સ્વસ્તિકનું પ્રતીક હતું. બ્રિટનમાં સ્કાઉટ્સ દ્વારા સ્વસ્તિકનો ઉપયોગ થતો તથા તે બૅઝ તરીકે પણ આપવામાં આવતો.
વિદેશમાં વસતા ભારતીયો દ્વારા નાઝી ચિહ્ન તથા શુભત્વના પ્રતીક વચ્ચેના તફાવતો વિશે જાગૃતિ લાવવા માટે પ્રયાસ થઈ રહ્યા છે. જેમ કે હૅકનક્રૂસ ડાબી બાજુએ લગભગ 45 અંશના ખૂણે નમેલો હોય છે, જ્યારે સ્વસ્તિક જમણી તરફ સીધો હોય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












