ગુજરાત: ભારે વરસાદને કારણે મગફળી, કપાસ અને અન્ય પાકોમાં ખેડૂતોએ શું ધ્યાન રાખવું જોઈએ?

અનરાધાર વરસાદને કારણે કેટલાક પાકો નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી લાગી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અનરાધાર વરસાદને કારણે કેટલાક પાકો નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી લાગી રહી છે

રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર થઈ છે. હવામાન વિભાગ અનુસાર ગુજરાતમાં હજુ પણ બે ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.

દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લૉ થઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં હાલ એક તરફ જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ખેડૂતોને સૌથી વધુ જોખમ છે કારણકે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે, જે કોઈ પણ પાક માટે અનુકૂળ નથી.

રાજ્યમાં હજારો હેક્ટરમાં ખેતરો હાલ પાણીમાં છે જેના કારણે ખેતીને વ્યાપક નુકસાનની ભીતી સેવાઈ રહી છે. ખેડૂતો હાલ તો વરસાદ બંધ થવાની રાહ જોઈ રહ્યા છે પરંતુ અનરાધાર વરસાદને કારણે કેટલાક પાકો નિષ્ફળ જવાની ભીતી તેમને સતાવી રહી છે.

વરસાદ અને ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે ખેડૂતોને કેવી સ્થિતિનો સામનો કરવો પડે છે અને ખેડૂતોએ આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ તે બાબતે બીબીસી ગુજરાતીએ ખેતીના નિષ્ણાતો સાથે વાત કરી હતી.

ખેડૂતોએ શું કરવું જોઈએ?

જ્યમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લો થઈ રહી છે

ઇમેજ સ્રોત, SACHIN PITHWA

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં નદીઓ ઓવરફ્લૉ થઈ રહી છે

આ વખતે વરસાદની તીવ્રતા વધારે છે સાથે-સાથે ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો શું તકેદારી રાખવી જોઈએ? આ સવાલના જવાબમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સી. કે. ટીમ્બડિયા કહે છે, ''આવા વરસાદમાં ખેડૂતોએ સૌથી પહેલા ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. જો પાણી લાંબા સમય સુધી રહે તો પાકમાં સડો લાગી શકે છે. આ સંજોગોમાં ઊભો પાક બગડી જાય તો ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ શકે છે.''

''ખેતી માટે જેટલી પિયતની જરૂર છે તેટલી જ જરૂર નિતારની છે. પિયત વગર પાક નિષ્ફળ થઈ શકે છે અને આવી જ સ્થિતિ નિતારના અભાવે પણ સર્જાઈ શકે છે. હાલની સ્થિતિમાં ખેડૂતો વધારાના પાણીનો નિકાલ કરી લે તો તેઓ નુકસાનથી બચી શકે છે.''

નિષ્ણાતો અનુસાર ઓપન ડ્રૅન અને અન્ય નિતાર નીક બનાવીને ખેડૂતોએ ખેતરમાં જમા થયેલું પાણી બહાર કાઢવું જોઈએ.

જો ખેતર નીચાણવાળા વિસ્તારમાં હોય તો વધુ વરસાદ કારણે થતા નુકસાનથી બચવા માટે ખેડૂતોએ 'ગાદી ક્યારા'થી વાવેતર કરવું જોઈએ.

કૃષિ વૈજ્ઞાનિક અશ્વિન પટેલ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવે છે, ''હાલ તો ખેડૂતોએ માત્ર વહેલી તકે ખેતરમાંથી પાણી બહાર કાઢવું જોઈએ. ત્યારબાદ જેવો વરસાદ ઓછો થાય એટલે તરત જીવાત અને ફૂગ ન થાય તે માટેની તકેદારી રાખવી જોઈએ. જરૂર જણાય તો કેમિકલ અથવા જંતુનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ.''

હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે સૂચના

  • ખેતરમાંથી વધારાનાં પાણીનો નિકાલ કરો
  • ખેતરમાં કોઈ પણ પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહીં
  • કોઈ પણ ખેતી આધારિત કામ કરવું નહીં
  • જો જરૂર હોય તો પાકને ટેકો આપો ખાસ કરીને શેરડી અને બાગાયતી પાકોમાં
  • ઢોર રાખવાની જગ્યામાં પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખો
  • ઢોર રાખ્યાં હોય ત્યાં દવાનો છંટકાવ કરવો

બાગાયતી પાકોને સૌથી વધુ નુકસાન

રાજ્યમાં હજારો હેક્ટરમાં ખેતરો હાલ પાણીમાં છે જેના કારણે ખેતીને વ્યાપક નુકસાનની ભીતી સેવાઈ રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાજ્યમાં હજારો હેક્ટર ખેતીની જમીનમાં પાણી ભરાયાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજયમાં ચોમાસામાં મુખ્યત્વે ટામેટાં, વરિયાળી, મરચું અને રીંગણ જેવા પાકની વાવણી કરવામાં આવે છે. આ પાકોમાં અત્યારનો સમય સૌથી મહત્ત્વનો છે કારણકે આ સમયે ધરૂ ઉછેર અને ફેર રોપણી કરવામાં આવે છે.

ધરૂવાડીયું એટેલે ''નર્સરી'. જેમાં પાકનાં બીજો સીધાં ખેતરમાં વાવી ન શકાય તેવા પાકોનાં બીજોને ખેતરના એક નાના વિસ્તારમાં વ્યવસ્થિત રીતે વાવીને છોડ ઉછેરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કૉલેજ ઑફ હૉર્ટિકલ્ચર- મહેસાણાના વૈજ્ઞાનિક ડી. એમ. ઠાકોર કહે છે, ''ભારે વરસાદના કારણે ધરૂવાડીયું અને ખેતરમાં વાવણી કરવામાં આવેલા પાક એમ બંનેને નુકસાન છે. પાણી ભરાયેલું રહે તો પાક સડી જાય અને વધુ વરસાદ થાય તો પાક ધોવાઈ જાય. જો ખેતર 48 કલાકથી વધુ સમય સુધી પાણીથી ભરાયલું રહે તો સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની ભીતી છે.''

તેઓ વધુમાં જણાવે છે, ''સાર્વત્રિક વરસાદમાં ખેડૂતો પાસે બહુ વિકલ્પ રહેતો નથી. તેઓ જો ખેતરમાં પાણી ન ભરાય તેની તકેદારી રાખે તો લાભ થઈ શકે છે. બાગાયતી પાકોમાં રોગની શક્યતા વધુ હોય છે.''

સી. કે. ટીમ્બડિયા કહે છે, ''શાકભાજી ઉપરાંત ફળોમાં પણ મોટાપાયે નુકસાન થવાની ભીતી છે. વધુ વરસાદના કારણે આંબા અને ચીકુનાંં વૃક્ષો પડી જતાં હોય છે. તેમનાં ફૂલ અને ફળ પણ પડી જાય છે. આ સમયગાળો ખેડૂતો માટે કપરો છે.''

નિષ્ણાતો અનુસાર શેરડી, કઠોળ અને ડાંગરના પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે. વરસાદ અને ઝડપી પવનના કારણે ઊભી શેરડી અને ડાંગરનો પાક પડી જાય છે. પાણી ભરાવવાના કારણે પાકનાં મૂળીયાં કહોવાઈ જાય છે. સાથે-સાથે પાકની ગુણવત્તા અને તેની ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે.

કૃષિ વૈજ્ઞાનિક અશ્વિન પટેલ કહે છે, ''આટલા તીવ્ર વરસાદમાં કઠોળના પાકમાં ખાસ કરીને મગ અને અડદમાં ફૂગનું જોખમ હોય છે. વરસાદ બાદ જે ભેજવાળી ગરમી પેદા થાય છે તેમાં ચૂસીયા પ્રકારની જીવાત ઉદ્ભવે છે અને પાકને નુકસાન કરે છે. ખેડૂતોએ તેના નિવારણ માટે તકેદારી રાખવી જોઈએ.''

કપાસ અને મગફળીના પાકોમાં શું કરવું?

નિષ્ણાતો અનુસાર શેરડી, કઠોળ અને ડાંગરના પાકને વધુ નુકસાન થવાની શક્યતા છે
ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો અનુસાર વધારે વરસાદને કારણે મગફળીના પાકમાં નુકસાન થાય તેવી ભીતી છે

ગુજરાતમાં કપાસની ખેતી લગભગ 15.19 લાખ હેક્ટરમાં થાય છે અને વાર્ષિક ઉત્પાદન આશરે 31.80 લાખ ગાંસડી છે. ગુજરાતમાં ડાંગ અને વલસાડ જિલ્લા સિવાય લગભગ તમામ જિલ્લાઓમાં તેની વ્યાપકપણે ખેતી થાય છે.

મગફળી સંશોધન કેન્દ્ર જૂનાગઢમાં સંશોધક જે. એમ. પટેલ કહે છે, ''આ પ્રકારના વરસાદમાં કપાસમાં ફૂલની નવી ભમરી ખરી પડવાની ઘટનામાં વધારો થશે. જે ખેડૂતોએ કપાસની વહેલી વાવણી કરી છે, તેમના માટે વધારે જોખમ છે. ફૂલની ભમરી ખરી પડવાના કારણે સ્વાભાવિક રીતે ઉત્પાદન અને ગુણવત્તામાં ફેર પડશે. જો વધુ પ્રમાણમાં ભમરી પડી જાય તો ખેડૂતને નુકસાન થઈ શકે છે.''

તેઓ જણાવે છે કે કપાસના પાકમાં નુકસાન થશે પરંતુ મગફળી વાવતા ખેડૂતોને લાભ થઈ શકે છે.

મગફળીની ગુજરાતનો મુખ્ય તેલીબિયાંનો પાક છે અને એક મહત્ત્વપૂર્ણ કૃષિ નિકાસ કૉમોડિટી પણ છે. મોટાં ભાગની મગફળીનું વાવેતર જૂનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, રાજકોટ, મહેસાણા અને ભુજ જિલ્લાઓમાં થાય છે.

જે. એમ. પટેલ કહે છે, "વરસાદના લીધે મગફળીના પાકમાં ઉધઈ અને અન્ય જંતુઓ નાશ પામે છે પરંતુ પાકને ફૂગ ખાસ કરીને 'વ્હાઈટ ફંગસ'નું જોખમ રહેલું છે. તેના નિવારણ માટે ખેડૂતોએ ખાસ તકેદારી રાખવી પડશે અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવો પડશે.''

સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં 1.68 મિલિયન હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે અને પ્રતિ હેક્ટર 2,343 કિલોગ્રામ મગફવીનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં કુલ મગફળીનું ઉત્પાદન અંદાજીત 3.94 મિલિયન ટન છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.