ઈરાન-ઇઝરાયલ વચ્ચે જો યુદ્ધ થાય તો તેની ભારત પર કેવી અસર પડશે?

 ઈરાન-ઇઝરાયલ વચ્ચે જો યુદ્ધ થાય તો તેની ભારત પર કેવી અસર પડશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈ(ડાબે), ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(મધ્યમાં) અને ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂ(જમણે)
    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઈરાને એક ઑક્ટોબરની રાતે ઇઝરાયલ પર 180 જેટલી બૅલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. આ વર્ષે બીજી વખત છે જ્યારે ઈરાને સીધો ઇઝરાયલ પર હુમલો કર્યો હોય.

હિઝબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહ અને હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાનાં મૃત્યુ બાદ ઈરાન તરફથી આ મોટો હુમલો કરવામાં આવ્યો છે.

ઇઝરાયલના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલે 181 બૅલિસ્ટિક મિસાઇલો છોડી હતી જેમાં એક પેલેસ્ટાઇનવાસીનું મોત થયું છે.

પાંચ મહિના પહેલાં એટલે કે એપ્રિલમાં ઈરાને ઇઝરાયલ પર લગભગ 110 બૅલિસ્ટિક મિસાઇલો અને 30 ક્રૂઝ મિસાઇલો છોડી હતી. મધ્ય-પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલની દુશ્મનીનો આ નવો અધ્યાય હાલ સમાપ્ત થતા નજરે પડતો નથી.

હુમલા બાદ ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહૂએ બદલો લેવાની વાત કરી છે. તેમણે કહ્યું, “ઈરાને મોટી ભૂલ કરી છે અને તેણે તેની કિંમત ચૂકવવી પડશે.”

નેતન્યાહૂએ આવું કહેવા પહેલાં 30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીએ તેમની સાથે વાત કરી હતી અને ટ્વીટ કરી લખ્યું હતું, “અમારી દુનિયામાં આંતકવાદને કોઈ જગ્યા નથી.”

એવામાં સવાલ એ છે કે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જંગ શરૂ થાય તો તેની ભારત પર કેવી અસર પડી શકે?

ભારતીય નાગરિકો પર તેની કેવી અસર?

ભારતીય નાગરિકો પર તેની કેવી અસર?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પહેલી ઑક્ટોબરે રાત્રે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો

ઇઝરાયલ પર ઈરાનના હુમલા બાદ મધ્ય-પૂર્વમાં સંઘર્ષ વધવાની આશંકા વધી ગઈ છે. જેની સીધી અસર ઑઇલ પર પડશે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ અસર એ વાતથી વર્તાય છે કે હુમલાની આશંકા હતી ત્યારે જ આંતરરાષ્ટ્રિય બજારમાં ઑઇલની કિંમત ત્રણ ટકા વધી ગઈ હતી.

બ્રેન્ટ ક્રૂડ આંતરરાષ્ટ્રિય સ્તર પર ઑઇલ કિંમત બતાડવાનો બૅન્ચમાર્ક છે. તેની કિંમત વધીને 74.40 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

મંગળવારના કારોબારમાં તેની કિંમતમાં પાંચ ટકાનો ઉછાળો આવ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ વર્લ્ડ અફેયર્સ સાથે જોડાયેલા સિનિયર ફૅલો ડૉ. ફઝ્જુર્રહમાન કહે છે કે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જંગ થાય તો ભારતના નાગરિકો પર તેની સીધી અસર થશે.

તેઓ કહે છે, “જો લડાઈ થાય તો તેની અસર ઈરાન સુધી નહીં હોય પરંતુ તે અફઘાનિસ્તાન, ઇરાક, સાઉદી અરેબિયા, કતાર અને યુએઈ સુધી ફેલાશે. આ એવા દેશ છે જ્યાંથી ભારત ઑઇલ આયાત કરે છે.”

ફઝ્જુર્રહમાન કહે છે, “હુમલાની સ્થિતિમાં ઑઇલની સપ્લાય ઓછી થશે અને માગ વધશે. એવામાં તેલની કિંમતમાં વધારો થશે અને તેની સીધી અસર ભારતને થશે.”

આવી જ વાત જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના નેલ્સન મંડેલા સેન્ટર ફૉર પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ રિઝોલ્યુશનનાં ફૅકલ્ટી સભ્ય પ્રોફેસર રેશમી કાઝી પણ કહે છે.

તેઓ પોતાનો મત જણાવતાં કહે છે, “ગલ્ફ ક્ષેત્ર અને લાલ સમુદ્ર, બંને યુદ્ધ ક્ષેત્રમાં આવી ગયાં છે. જો લડાઈ વધશે તો ઑઇલના ભાવોમાં જબ્બર ઉછાળો આવશે.”

ભારત માટે રાજદ્વારી પડકારો

ભારત માટે રાજદ્વારી પડકારો

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર

ભારત ઈરાન અને ઇઝરાયલ એમ બંને સાથે સારા સંબંધો ધરાવે છે. ઈરાન ભારતને ઑઇલ પૂર્ણ કરનારા દેશો પૈકીને એક દેશ રહ્યો છે.

પરમાણુ કાર્યક્રમ દરમિયાન લાગેલા આંતરરાષ્ટ્રિય પ્રતિબંધોને કારણે વચ્ચે પણ ભારતે ઈરાન સાથે સંબંધો સંતુલિત રાખ્યા છે.

જ્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકૉપ્ટર અકસ્માતમાં મૃત્યુ થયું હતું ત્યારે ભારત સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી હતી.

ત્યાં બીજી તરફ 1948થી અસ્તિત્વમાં આવેલા ઇઝરાયલ સાથે ભારતે રાજદ્વારી સંબંધ 1992માં સ્થાપિત કર્યા. પરંતુ છેલ્લા બે દશકોથી બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત થયા છે.

ઇઝરાયલ ભારતને હથિયારો અને ટૅક્નૉલૉજી પૂરી પાડનાર દેશો પૈકીનો મહત્ત્વનો દેશ છે.

ફઝ્જુર્રહમાન કહે છે, “બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધને સંતુલિત કરવું ભારત માટે પડકારજનક રહેશે. જોકે આ કામ આપણે સારી રીતે કર્યું છે. ભારતીય કૂટનીતિ છેલ્લાં દસ વર્ષોમાં જે રહી છે તેની અવળી અસર નથી વર્તાઈ.”

પ્રો. રેશમી કાઝી કહે છે, “આ પ્રકારે બંને દેશો વચ્ચે સંતુલન બનાવવું જ કૂટનીતિ છે કારણકે ભારત કોઈને નારાજ ન કરી શકે.”

તેઓ કહે છે, “જો ભારત ઇઝરાયલ તરફ ઝૂકશે તો ઈરાનની સાથેના સંબંધો પર અસર પડશે અને તે ગલ્ફમાં રહેનારા સેંકડો ભારતીયોને વ્યક્તિગત પ્રભાવિત કરશે.”

કાઝી કહે છે, “હાલમાં જ ઈરાનમાં પોર્ટુગલના ઝંડાધારી જહાજને પોતાના કબજામાં લીધું હતું જેમાં 17 ભારતીય લોકો હતા. આ મામલે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે દરમિયાનગીરી કરી ત્યારબાદ તેમને છોડવામાં આવ્યા. આ પ્રકારની ઘટના એક સંદેશની માફક લેવી જોઈએ કે ઈરાનને લઈને કોઈ પક્ષપાત થાય તો તે પ્રતિક્રિયા આપી શકે છે.”

ભારતીય પ્રોજેક્ટોને લાગી શકે છે ઝાટકો

ઈરાનનું ચાબહાર બંદર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનનું ચાબહાર બંદર

ઈરાનમાં ચાબહાર બંદરને સામરિક દૃષ્ટિએ ભારત માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બંદરની મદદથી ભારતે અફઘાનિસ્તાન અને મધ્ય-એશિયા સુધી વ્યાપાર કરવા માટે પાકિસ્તાનના રસ્તે નહીં જવું પડે. બંને દેશોએ 2015માં ચાબહારમાં શાહિત બેહેશ્ટી બંદરના વિકાસ માટે પણ હાથ મિલાવ્યા છે.

ફઝ્જુર્રહમાન કહે છે કે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે તો ઈરાનની પ્રાથમિકતા ચાબહાર જેવા પ્રોજેક્ટોથી હટીને ઇઝરાયલ પર હશે અને તેથી આ પ્રકારનાં કામો રોકાઈ જશે.

ત્યાં રેશમી કાઝી કહે છે કે ચાબહાર એવો પ્રોજેક્ટ છે જેના પર પહેલાં પણ મધ્ય-પૂર્વની જિયોપોલિટિક્સની અસર છે. એવામાં તે પ્રોજેક્ટ લટકી શકે છે.

બીજી તરફ ફઝ્જુર્રહમાન કહે છે કે મધ્ય-પૂર્વમાં ભારત ઘણા એવા પ્રોજેક્ટનો ભાગ છે જ્યાં યુદ્ધ શરૂ થાય તો તેનાથી ધ્યાન હટી શકે છે અને તેઓ સમય પર પૂર્ણ ન થઈ શકે તેવી પરિસ્થિતનું નિર્માણ થઈ શકે છે.

2023માં નવી દિલ્હીમાં જી 20 શિખર સંમેલનમાં ભારત મધ્ય-પૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોર પરિયોજના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત સાથે-સાથે યુરોપિયસંઘ, ઇટાલી, ફ્રાંસ અને જર્મનીની ભાગેદારી પણ હશે.

આ કૉરિડોરનો ઉદ્દેશ એક પરિવહન નેટવર્ક સ્થાપિત કરવાનો છે. જેની મદદથી ભારતનો સામાન ગુજરાતના કંડલાથી યુએઈ, સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને ગ્રીસના રસ્તે યુરોપમાં આસાનીથી પહોંચી શકે.

ફઝ્જુર્રહમાન કહે છે કે યુદ્ધની સ્થિતિમાં સૌથી વધુ નુકસાન ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોરને થશે કારણકે તેની ટાઇમલાઇન બગડી જશે.

આ સિવાય I2C2 જેવા નવાં વ્યાપારિક ગ્રૂપોની મુશ્કેલીઓ પણ વધી શકે છે. જે ગ્રૂપમાં ભારત, ઇઝરાયલ, અમેરિકા અને સંયુક્ત આરબ અમિરાત એક સાથે છે.

વિદેશી મુદ્રા ભંડાર પર અસર

ઈરાની મુદ્રા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાની મુદ્રા

ભારતના લોકો કામની તલાશમાં ખાડીના દેશોમાં જાય છે. ભારતીય વિદેશ મંત્રાલયના આંકડા અનુસાર યુએઈ, ઓમાન, બહરીન, કતાર અને કુવૈતમાં લગભગ 90 લાખ ભારતીયો રહે છે.

જેમાં સૌથી વધુ 35 લાખથી વધુ ભારતીયો સંયુક્ત આરબ અમિરાતમાં રહે છે. ત્યાં સાઉદી અરેબિયામાં લગભગ 25 લાખ, કુવૈતમાં 9 લાખ, કતારમાં 8 લાખ, ઓમાનમાં 6.5 લાખ અને બહરીનમાં ત્રણ લાખ કરતા વધુ ભારતીયો રહે છે.

જો ઈરાનની વાત કરીએ તો એ સંખ્યા દસ હજાર અને ઇઝરાયલમાં આ સંખ્યા 20 હજાર છે. ત્યાં રહેનારા લોકો ભારતમાં મોટી રકમ મોકલતા હોય છે.

ખાડી દેશોની મુદ્રા ભારતના રૂપિયા કરતાં મજબૂત છે. તેનો ફાયદો કામદારોને થાય છે.

ફઝ્જુર્રહમાન કહે છે, “ખાડી દેશોમાં રહેનારા ભારતીયો લગભગ લાખો ડૉલર મોકલે છે જેથી ભારતનો વિદેશી મુદ્રાનો ભંડાર મજબૂત થાય છે. જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો તેની અસર તેના પર પડશે.”

17મી લોકસભામાં વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર આ દેશોમાંથી ડિસેમ્બર 2023 સુધીમાં આ દેશોમાંથી ભારતને 120 અબજ ડૉલર પ્રાપ્ત થયા છે.

ફઝ્જુર્રહમાન કહે છે, “લડાઈની સ્થિતિમાં ભારત સામે ખાડીના દેશોમાં રહેતા ભારતીયોને બહાર કાઢવાનો મોટો પડકાર રહેશે. તેમનો દેશમાં પુનર્વસવાટ પણ કરવાનો રહેશે, આ કામ સરળ નથી.”

ભારતની સુરક્ષાને ખતરો

ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ભારતની સુરક્ષા પર પણ અસર પડી શકે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન-ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય તો ભારતની સુરક્ષા પર પણ અસર પડી શકે છે

જાણકારો કહે છે કે યુદ્ધ જેવી સ્થિતિમાં ભારતના સુરક્ષાના પડકારો પણ વધશે.

ફઝ્જુર્રહમાન કહે છે, “જ્યારે સત્તાની ગૅપ વધે છે ત્યારે કેટલાંક તત્ત્વો તેની જગ્યા બનાવવાના પ્રયાસો કરે છે. ખાડી દેશોમાં જંગ થાય છે તો ત્યાં સૌથી મોટો ફાયદો ચરમપંથીઓ ઉઠાવે છે.”

તેઓ કહે છે, “આરબ સ્પ્રિંગ થઈ તો આઈએસઆઈએસ સામે આવ્યું. પછી ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન બન્યું. ત્યારબાદ તેઓ અફઘાનિસ્તાન તરફ વધ્યા. પાકિસ્તાનને સુરક્ષાના પડકારો આપ્યા.”

“અહીં સુધી કે આ પ્રકારનાં સંગઠનો ભારત તરફ પણ વધી શકે છે. એવામાં ઈરાન-ઇઝરાયલ વચ્ચેનો તણાવ ભારતને તમામ પ્રકારે પ્રભાવિત કરી શકે છે.”

તેઓ કહે છે, “હાલ આઈએસ જેવાં સંગઠનો દબાયેલાં છે. પરંતુ યુદ્ધ જેવી સ્થિતિમાં તેઓ બહાર આવીને પોતાને મજબૂત કરે તેવા સંજોગો ઊભા થશે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.