ગાઝાના યુદ્ધથી પ્રભાવિત માસૂમ બાળકોને વિદેશમાં સારવાર માટે રાહ જોવી પડે છે

ઝૈનાની તસવીર
ઇમેજ કૅપ્શન, ઝૈના
    • લેેખક, કૅરોલિન હાવલે
    • પદ, બીબીસી ન્યૂઝ, ઇટાલી

ચેતવણીઃ એ અહેવાલમાંની કેટલીક વિગતો કેટલાક વાચકોને વિચલીત કરી શકે છે.

"ઉપર," એક નાની છોકરી કહી રહી છે. તેની આંખો ઉત્તેજનાથી ચળકે છે. એ કહે છે, “ઉપર, વધારે ઉપર.”

ઉત્તર ઇટાલીના શહેર પદુઆનાના એક ઉપનગરના નાનકડા રમતના મેદાનમાં ઝૈના નામની એ છોકરીને હિંચકે ઝુલાવવામાં આવી રહી છે.

આ દૃશ્ય વિશ્વમાં ગમે ત્યાં એક સામાન્ય દૃશ્ય છે, પરંતુ બે વર્ષની ઝૈના તેનું માથું યોગ્ય રીતે હલાવી શકતી નથી. તેનાં ચહેરા, ગરદન અને ખોપરી ઉપરની ચામડીની જમણી બાજુ હજુ પણ ઊંડા, ન રૂઝાયેલા ઘા દેખાય છે.

જોકે, અત્યારે ઝૈના સલામત છે અને તેની સારસંભાળ લેવામાં આવી રહી છે. ઝૈનાને લાગે છે કે તે ઊડી રહી છે.

સાતમી ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલમાં હમાસના હુમલા પછી યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારથી જે 5,000 લોકોને વિદેશમાં નિષ્ણાત પાસે સારવાર લેવા માટે ગાઝા છોડવાની મંજૂરી આપવામાં આવી છે એ લોકોમાં ઝૈનાનો સમાવેશ થાય છે.

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશન જણાવે છે કે યુદ્ધના પરિણામે ગાઝાના 22,000 લોકોને તેમનું જીવન બદલી નાખે તેવી ઈજાઓ થઈ છે, પરંતુ મે મહિનામાં ઇજિપ્ત સાથેનું રફાહ બૉર્ડર ક્રૉસિંગ બંધ કરવામાં આવ્યું પછી બહુ ઓછા લોકોને ગાઝા છોડવાની મંજૂરી આપવામાં આવી છે.

માતા શાઇમા સાથે ઝૈનાની તસવીર
ઇમેજ કૅપ્શન, માતા શાઇમા સાથે ઝૈના

દક્ષિણ ગાઝાના અલ-મવાસી ખાતેના પોતાના પરિવારના તંબુમાં રમી રહેલી પોતાની દીકરી જ્યારે 17 માર્ચે કેવી રીતે ઘવાઈ તેનું વર્ણન કરતાં ઝૈનાની માતા શાઇમા કહે છે, “એ દુઃસ્વપ્ન જેવો દિવસ હતો.”

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શાઈનાનો પરિવાર અગાઉ બે વખત ખાન યુનિસમાંનું તેમનું ઘર છોડીને ભાગ્યો હતો. પહેલી વખત તેઓ રફાહ ગયા હતા અને પછી અલ-મવાસીમાંના વિશાળ ‘હ્યુમૅનિટેરિયન ઝોન’માં ગયા હતા. તેમણે વિચાર્યું હતું કે અલ-મવાસીમાં તેઓ સલામત રહેશે.

એ દિવસને યાદ કરતાં શાઇમા જણાવે છે, ઝૈના અને તેની ચાર વર્ષની બહેન લાના રમતાં હતાં. એકબીજાને આલિંગન આપતાં હતાં અને કહેતાં હતાં, “હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું.” બરાબર એ જ સમયે નજીકમાં મોટો હવાઈહુમલો થયો હતો.

ઝૈના ગભરાઈને તેની માતાને વળગી પડી હતી. માતાના હાથમાં ઉકળતો સૂપ ભરેલું વાસણ હતું. એ સૂપ છલકાઈને દીકરીના શરીર પર ફરી વળ્યો હતો.

શાઇમા કહે છે, “તેનો ચહેરો અને ત્વચા મારી નજર સામે પીગળી રહ્યાં હતાં. હું તેને ઉપાડીને શેરીમાં દોડી ગઈ હતી.”

શાઇમાના કહેવા મુજબ, તબીબી સેવાઓ પર મોટું ભારણ હતું, પરંતુ ઝૈનાની યુરોપિયન હૉસ્પિટલમાં રેડક્રૉસના ડૉક્ટર્સે સારવાર કરી હતી. તેમણે ઝૈનાના પગ પર સ્કીન ગ્રાફટિંગ કર્યું હતું અને ત્યાર બાદ ઇજિપ્ત પહોંચ્યા પછી ઝૈનાના પોતાના પગની ચામડીમાંથી સફળ ગ્રાફટિંગ સર્જરી કરવામાં આવી હતી.

વિશિષ્ટ સારવાર માટે આ મહિનાની શરૂઆતમાં ઝૈનાને ઇજિપ્તથી ઇટાલી લાવવામાં આવ્યાં.

આલાની તસવીર
ઇમેજ કૅપ્શન, 17 વર્ષીય આલાને તરત જ ઝૈના પ્રત્યે માયા બંધાઈ ગઈ હતી

ઝૈનાની સાથે 17 વર્ષની અલા પણ આવ્યાં હતાં. ગયા વર્ષના અંતમાં ગાઝા શહેરમાંના તેના ઘર પર થયેલા હવાઈહુમલામાં અલા ગંભીર રીતે ઘવાયાં હતાં. બંને છોકરીઓ મળી કે તરત તેમની વચ્ચે મજબૂત સંબંધ બંધાઈ ગયો હતો.

આલા કહે છે, “હું તરત જ તેની પાસે ગઈ હતી. નાનકડી બાળકી ઝૈનાએ પારાવાર પીડા સહન કરી હતી. હું મોટી છું અને ક્યારેક મને પણ બહુ પીડા થતી હતી, પણ તેની પીડાનું શું?”

આલા 16 કલાક સુધી કાટમાળ હેઠળ ફસાયેલાં રહ્યાં હતાં. તેમને બચાવવામાં આવ્યા ત્યારે તેને ખબર પડી હતી કે તેના દરજીકામ કરતા પિતા મૃત્યુ પામ્યાં છે. એવી જ રીતે ભાઈ નાએલ અને વાએલ પણ મૃત્યુ પામ્યાં છે. નાએલ યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ હતાં, જ્યારે વાએલ નર્સ તરીકે કામ કરતાં હતાં.

ચાર માળની ઇમારતના ખંડેરમાંથી એમનો મૃતદેહ ક્યારેય ન મળ્યો.

આલા કહે છે, “હું કાટમાળ હેઠળ સતત જાગતી રહી હતી.”

“મારી છાતી અને શરીર પરના ભારને કારણે હું યોગ્ય રીતે શ્વાસ લઈ શકતી ન હતી. હું જરાય હલીચલી શકતી ન હતી. હું મારા પરિવારના બાકીના સભ્યો વિશે અને તેમનું શું થયું હશે તે સતત વિચારતી હતી.”

વીડિયો કૅપ્શન, Pakistan માં હૉસ્પિટલ, મહિલા ડૉક્ટર્સ અને નર્સ માટે કેટલાં સુરક્ષિત છે?

પિતા અને ભાઈઓની સાથે આલાએ તેનાં દાદા-દાદી અને કાકાને પણ ગુમાવ્યાં હતાં. આલાના જણાવ્યા મુજબ, એ બધાને હમાસ સાથે કોઈ લેવાદેવા ન હતી.

“મેં મારા હૃદય માટે સૌથી વધુ કિંમતી લોકો ગુમાવ્યા છે,” એમ જણાવતાં આલા ઉમેરે છે, “હું સારવાર માટે ઇટાલી આવીને ખુશ છું, પરંતુ અંદરથી હું ગાઝા અને તેના લોકો માટે ઉદાસ છું.”

અલબત, બીબીસીને આપેલા એક નિવેદનમાં ઇઝરાયલના સંરક્ષણ દળોએ નાગરિકોને નિશાન બનાવ્યા હોવાનો ઇન્કાર કર્યો છે અને જણાવ્યું છે કે “નાગરિકોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે પૂરતી સાવચેતી રાખવામાં આવે છે.”

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, લગભગ એક વર્ષ પહેલાં સંઘર્ષ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં ગાઝામાં 41,000થી વધુ લોકો માર્યા ગયા છે.

વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશને પેલેસ્ટાઇનના ઘાયલ નાગરિકો માટે “મલ્ટીપલ મેડિકલ ઇવૅક્યુએશન કૉરિડૉર” બનાવવાની હાકલ વારંવાર કરી છે, પરંતુ મે મહિના પછી માત્ર 219 દર્દીઓને પરદેશ જવાની મંજૂરી આપવામાં આવી છે.

બ્રિટન સ્થિત સખાવતી સંસ્થા સેવ અ ચાઇલ્ડ અને અમેરિકા સ્થિત કિન્ડર રિલીફના સતત પ્રયાસોને કારણે ઝૈના અને આલાને ગાઝાની બહાર લાવી શકાયાં છે. તેમણે મદદ માટે મહિનાઓ સુધી કામ કર્યું હતું. ઇઝરાયલ, ઇજિપ્ત અને અમેરિકાના વિદેશ વિભાગને અરજીઓ કરી હતી.

ઝૈના સાથે છૂટા પડતી વખતે પિતાની તસવીર
ઇમેજ કૅપ્શન, શાઇમાના પતિને ગાઝાપટ્ટી છોડીને વિદેશ જવાની મંજૂરી નથી

કિન્ડર રિલીફનાં નાદિયા અલી કહે છે, “પ્રમાણિકપણે કહું તો ઝૈના અને આલા એ ભાગ્યશાળી છે, જેમને ગાઝામાંથી બહાર કાઢી શકાયા છે.” છોકરીઓને ઇજિપ્તથી ઇટાલી લાવતી વખતે નાદિયા અલી તેમની સાથે હતાં. તેઓ કહે છે, “અમને ઘણાં બાળકો રીફર કરવામાં આવ્યાં હતાં, પરંતુ દેશ છોડવામાં વિલંબ થવાને કારણે મૃત્યુ પામ્યાં હતાં.”

તેમની ઈજાઓના પરિણામ બાબતે વિચારીએ ત્યારે તેમના નસીબ બાબતે વાત કરવી શક્ય નથી.

બંને છોકરીઓએ મહિનાઓ સુધી પીડાદાયક ફિઝીયોથેરપી લેવી પડશે અને એ પછી તેમના પર અનેક સર્જરી થશે.

ઝૈના અને આલા બંનેની સારવાર ઇટાલીના ટોચના બર્ન નિષ્ણાતો કરી રહ્યા છે.

ડૉ. બ્રુનો અઝે એ બન્ને પ્રત્યે દયાળુ અને નમ્ર છે, પરંતુ તેમણે બાળકીઓને અત્યંત ભયાનક વાત જણાવવી પડશે કે આલાના પગ એટલી ખરાબ રીતે દાઝી ગયા છે કે તે ફરી ક્યારેય સામાન્ય રીતે ચાલી શકશે નહીં. ઝૈનાની ઊંડા ઘાવાળી ખોપરી પર વાળ ક્યારેય ઉગશે નહીં.

ઝૈનાનાં માતા શાઇમાનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે. તેમણે ચમત્કારની આશામાં ગાઝા છોડ્યું હતું.

ઝૈનાને સમજાવા લાગ્યું છે કે એ તેની બહેનોથી અલગ છે અને એ અન્ય છોકરીઓની માફક પોતાના વાળનો ચોટલો વાળવાનું શાઇમાને કહે છે ત્યારે શાઇમાને ખબર નથી પડતી કે ઝૈનાને શું કહેવું?

શાઇમાના પતિને તેમની સાથે પરદેશ જવાની મંજૂરી આપવામાં આવી નથી. શાઇમાએ એકલા હાથે છોકરીઓની સંભાળ રાખવાની છે. એ શારીરિક અને ભાવનાત્મક એમ બન્ને રીતે મુશ્કેલ છે, પરંતુ શાઇમા ઝૈનાને બહુ વહાલ કરે છે. પોતાનાં આંસુને તથા ભવિષ્યના ડરને છૂપાવીને તેને “રાજકુમારી” કહીને બોલાવે છે.

શાઇમા કૅન્સરને લીધે મૃત્યુ પામેલાં તેમનાં માતા માટે પણ શોક વ્યક્ત કરે છે. યુદ્ધ પછીના મહિનાઓમાં સારવાર કે તપાસના અભાવે કૅન્સર તેમની માતાના શરીરમાં ફેલાઈ ગયું હતું.

તેઓ કહે છે, “આ યુદ્ધ મને બહુ મોંઘું પડ્યું છે. ભગવાનનો આભાર માનો કે અમે ગાઝાપટ્ટીને છોડી શક્યા. તે એક ચમત્કાર જ હતો. ઘાયલ થયેલા પેલેસ્ટાઈનના અન્ય લોકો પણ ત્યાંથી બહાર નીકળી શકશે એવી હું આશા રાખું છું. હું ભગવાનને કાયમ પ્રાર્થના કરું છું કે તેઓ તેમની રક્ષા કરે અને યુદ્ધ બંધ થાય.”

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.