ઈરાને સંખ્યાબંધ મિસાઇલો ઇઝરાયલ પર છોડી, પણ નુકસાન કેટલું થયું?

Israel ઇઝરાયલ ઈરાન મિસાઇલ હુમલો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મંગળવારની રાત્રે ઈરાને ઇઝરાયલ પર સંખ્યાબંધ મિસાઇલોથી હુમલો કર્યો હતો
    • લેેખક, મૅટ મર્ફી
    • પદ, બીબીસી ન્યૂઝ

ઈરાને મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલને નિશાન બનાવીને સેંકડો મિસાઇલો છોડી હતી, જેમાંથી અમુક ઇઝરાયલના હદવિસ્તારમાં પડી હતી.

ઈરાને ચાલુ વર્ષે બીજી વખત ઇઝરાયલ પર હુમલો કર્યો છે. આ પહેલાં એપ્રિલ મહિનામાં ઇઝરાયલ પર ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા.

ઇઝરાયલના સૈન્ય અધિકારીઓના કહેવા પ્રમાણે, ઈરાન દ્વારા કરવામાં આવેલો હુમલો અટકી ગયો છે અને હાલ કોઈ જોખમ નથી.

આ હુમલામાં કેટલું નુકસાન થયું છે, તેના વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી થઈ.

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને કહ્યું હતું કે મંગળવારે રાત્રે ઈરાને 181 બૅલેસ્ટિક મિસાઇલો છોડી હતી, જેમાં એક પેલેસ્ટાઇનવાસીનું મૃત્યુ થયું છે. ઇઝરાયલે તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જેમાં રસ્તા પર જઈ રહેલી એક વ્યક્તિ હુમલાની ચપેટમાં આવી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આ વીડિયો ઇઝરાયલના તાબા હેઠળના વેસ્ટ બૅન્કમાં શૂટ કરવામાં આવ્યો હતો.

ઇઝરાયલનું કહેવું છે કે ઈરાની તંત્ર ખતરનાક છે અને દુનિયાની શાંતિ માટે પણ જોખમરૂપ છે.

ઈરાની હુમલો કેટલો ભયાનક?

તેલ અવીવ પર સંખ્યાબંધ મિસાઇલો છોડવામાં આવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેલ અવીવના આકાશમાં સંખ્યાબંધ મિસાઇલો જોવા મળી હતી

એપ્રિલ મહિનાની સરખામણીમાં આ હુમલો મોટો હતો. એ સમયે ઈરાને 110 બૅલેસ્ટિક અને 30 ક્રૂઝ મિસાઇલ્સ છોડી હતી.

ઇઝરાયલી ટેલિવિઝન પર દેખાડવામાં આવેલાં ફૂટેજ પ્રમાણે, સ્થાનિક સમય મુજબ સાત વાગ્યા અને 45 મિનિટ (ભારતીય સમય મુજબ રાત્રે સવા દસ વાગ્યે) થવામાં થોડી વાર હતી ત્યારે પાટનગર તેલ અવીવ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં મિસાઇલો જોવા મળી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સૈન્ય અધિકારીઓએ સ્વીકાર્યું હતું કે અમુક મિસાઇલો તેના નિર્ધારિત લક્ષ્યાંકો પર પડી હતી. સેનાના પ્રવક્તાના કહેવા પ્રમાણે, મધ્ય અને દક્ષિણ ઇઝરાયલમાં હુમલા થયા.

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરના (આઈઆરજીસી) કહેવા પ્રમાણે, તેમની સેનાએ પહેલી વખત હાયપરસૉનિક મિસાઇલોનો ઉપયોગ કર્યો, જેમાંથી 90 ટકા પ્રોજેક્ટાઇલ્સે (મિસાઇલ/ડ્રોન) તેના નિર્ધારિત લક્ષ્યાંક સાધ્યા હતા.

આઈઆરજીસીનાં સૂત્રોએ ઈરાનના સરકારી મીડિયાને જણાવ્યું હતું કે ઇઝરાયલનાં ત્રણ સૈન્યમથકને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલની સેનાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલ્સને "મોટી સંખ્યામાં" નષ્ટ કરી દેવામાં આવી હતી.

તેલ અવીવના આકાશમાં ચમકતી રોશની દેખાઈ રહી હતી, જે ઇઝરાયલ ઍર ડિફેન્સ સિસ્ટમ દ્વારા મિસાઇલોની સક્રિયતાની સૂચક હતી.

જેરુસલેમમાં કાર્યરત બીબીસી સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે તેમણે ઓછામાં ઓછી બે મિસાઇલ ઇન્ટરસૅપ્ટ થવાના અવાજ સાંભળ્યા હતા.

બીજી બાજુ, ઇઝરાયલના તબીબોનું કહેવું છે કે તેમણે અત્યાર સુધી ગંભીર રીતે ઘાયલ હોય એવા એક પણ દર્દી વિશે માહિતી નથી મળી. બે લોકોને છરા વાગ્યા હતા. સેનાએ પણ આ પ્રકારનો જ સંદેશ આપ્યો છે.

ઈરાને ઇઝરાયલ પર હુમલો કેમ કર્યો?

લૅબનોન પર ઇઝરાયનાં સુરક્ષાદળોએ કરેલા મિસાઇલ હુમલામાં હિઝબુલ્લાહના સર્વોચ્ચ વડા નસરલ્લાહનું મૃત્યુ થયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૅબનોન પર ઇઝરાયનાં સુરક્ષાદળોએ કરેલા મિસાઇલ હુમલામાં હિઝબુલ્લાહના સર્વોચ્ચ વડા નસરલ્લાહનું મૃત્યુ થયું હતું

આઈઆરજીસીના કહેવા પ્રમાણે, સંગઠનના ટોચના કમાન્ડર તથા ઈરાન સમર્થિક મિલિશિયા જૂથોના નેતાઓની હત્યાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા.

પોતાના નિવેદનમાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ તથા ગયા અઠવાડિયે બૈરુતમાં આઈઆરજીસીના કમાન્ડર અબ્બાસ નિલફોરોશના મૃત્યુનો ઉલ્લેખ કર્યો હતો.

હમાસની રાજકીય પાંખના વડા ઇસ્માઇલ હનિયાના મૃત્યુ વિશે પણ આ નિવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હનિયાનું મૃત્યુ જુલાઈ મહિનામાં થયું હતું, ત્યારે ઇઝરાયલે તેની જવાબદારી લીધી ન હતી. એવું માનવામાં આવે છે કે આ હુમલા પાછળ ઇઝરાયલનો હાથ હતો.

ઈરાનના ઉચ્ચ અધિકારીએ સમાચાર સંસ્થા રૉઇટર્સને જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખોમેનેઈએ વ્યક્તિગત રીતે આ હુમલાના આદેશ આપ્યા હતા.

બંને દેશો વચ્ચે લાંબા સમયથી અઘોષિત યુદ્ધ ચાલી રહ્યું હતું, જેમાં તાજેતરમાં તણાવ વધ્યો છે. ઈરાન દ્વારા ઇઝરાયલના અસ્તિત્વને નકારવામાં આવે છે તથા તેની સૈન્યનીતિના કેન્દ્રમાં ઇઝરાયલ હોય છે.

બીજી બાજુ, ઇઝરાયલ માને છે કે તેના અસ્તિત્વ પર ઈરાનરૂપે જોખમ તોળાઈ રહ્યું છે, એટલે તેની સામે ગુપ્ત અભિયાન ચલાવે છે.

શું આયર્ન ડૉમે મિસાઇલ હુમલા સામે રક્ષણ આપ્યું?

આર્યન ડોમ ઇઝરાયલ
ઇમેજ કૅપ્શન, મિસાઇલ હુમલાથી ઇઝરાયલને બચાવવા માટે ત્યાં આયર્ન ડૉમ તરીકે ઓળખાતી સુરક્ષા પ્રણાલી છે

ઓછા અંતરની મિસાઇલ્સ કે રૉકેટ છોડવામાં આવે તો તેનો પ્રતિકાર કરવા માટે આ સિસ્ટમને તૈયાર કરવામાં આવી છે.

ઈરાને એપ્રિલ મહિનામાં હુમલો કર્યો, ત્યારે ઍર ડિફેન્સનો આંશિક ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ મંગળવારના હુમલામાં તેનો પૂર્ણપણે ઉપયોગ કર્યો હતો.

જેમ કે, મંગળવારે અમેરિકા-ઇઝરાયલ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત 'ડૅવિડ્સ સ્લિંગ' એટલે કે ડૅવિડની (દાઉદ) ગોફણનો પણ સમાવેશ થાય છે. જેને 'જાદુઈ લાકડી' તરીકે ઓળખવામાં આવે છે. આ સિસ્ટમને મધ્યમથી લાંબા અંતરના રૉકેટ, ક્રૂઝ તથા બૅલેસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

જ્યારે લાંબા અંતરની મિસાઇલો પૃથ્વીના વાયુમંડળની બહાર હોય છે, ત્યારે ઇઝરાયલ દ્વારા ઍરો-2 અને ઍરો-3 જેવા ઇન્ટરસૅપ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ઇઝરાયલના સહયોગી દેશોએ શું કહ્યું?

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસની ફાઇલ તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસની ફાઇલ તસવીર

વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડને ક્ષેત્રમાં અગાઉથી તહેનાત અમેરિકન સેનાને આદેશ આપ્યો કે તેઓ ઈરાની હુમલાથી ઇઝરાયલની રક્ષા કરેૃ અને ઈરાની મિસાઇલોને તોડી પાડે.

અમેરિકન રક્ષા વિભાગના પ્રવક્તાએ કહ્યું કે અમેરિકન નૌસેનાએ ઇઝરાયલ તરફ છોડાયેલી અંદાજે એક ડઝન ઈરાની મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કરી નાખી છે.

બીબીસીએ એ વીડિયો પુષ્ટિ પણ કરી છે, જેમાં જૉર્ડનની રાજધાની અમ્માન ઉપર મિસાઇલોને ઇન્ટરસેપ્ટ થતી જોઈ છે. ગત એપ્રિલમાં ઈરાની હુમલા દરમિયાન પણ અનેક મિસાઇલોને તોડી પડાઈ હતી.

બ્રિટનના વડા પ્રધાન કિએર સ્ટાર્મરે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી છે અને સખત શબ્દોમાં આ હુમલાની નિંદા કરી છે.

બ્રિટનના વડા પ્રધાને ડાઉનિંગ સ્ટ્રીટમાં કહ્યું, "અમે ઇઝરાયલ સાથે છીએ અને અમે એ માનીએ છીએ કે આક્રમકતા સામે તેને પોતાની રક્ષા કરવાનો પૂરો હક છે. ઈરાને પોતાના સમર્થિત જૂથો, જેવા કે હિઝબુલ્લાહ સાથે મળીને હુમલાઓ બંધ કરવા પડશે."

બ્રિટને એ સંકેત આપ્યો છે કે "બ્રિટિશ દળોએ ટકરાવને વધુ વણસતો રોકવાના પ્રયાસોમાં પોતાની ભૂમિકા નિભાવી છે." જોકે તેમણે એ નથી જણાવ્યું કે બ્રિટને સૈન્ય તરીકે કયા તબક્કે પોતાની ભાગીદારી નિભાવી છે.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે હવે શું થશે?

ઈરાન ઇઝરાયલ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલે ઈરાને કરેલા મિસાઇલ હુમલાનો યોગ્ય સમયે પ્રત્યુત્તર આપવાની જાહેરાત કરી છે

ઇઝરાયલે ઈરાનને ચેતવણી આપી છે કે આ હુમલાનાં ગંભીર પરિણામો ભોગવવાં પડી શકે છે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને "મોટી ભૂલ" કરી છે, તેને "કિંમત ચૂકવવી પડશે."

તો ઇઝરાયલ સેનાએ પણ ગંભીર પરિણામોની ચેતવણી આપી છે.

ઇઝરાયલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું કે હુમલા "ગંભીર" હતા અને દેશ હાઈઍલર્ટ પર રહ્યો.

તેમણે કહ્યું, "આ હુમલાનાં ગંભીર પરિણામો હશે. અમારી પાસે યોજના છે અને અમે નક્કી સમયે અને જગ્યાએ અંજામ આપીશું."

અગાઉ અમેરિકન રક્ષા સચિવ લૉયડ ઑસ્ટિને ઇઝરાયલના રક્ષામંત્રી યોઆવ ગૅલેન્ટ સાથે થયેલી વાતચીત બાદ કહ્યું હતું કે જો ઈરાન ઇઝરાયલ પર હુમલો કરશે તો તેનાં "પરિણામ ભોગવવાં" પડશે."

તો એક નિવેદનમાં ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોરે કહ્યું હતું કે જો ઇઝરાયલ જવાબી કાર્યવાહી કરશે તો ઈરાનની પ્રતિક્રિયા "વધુ વિનાશકારી" હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.