ઈરાનનો ઇઝરાયલ પર હુમલો: ઇઝરાયલને મિસાઇલ હુમલાથી બચાવતી 'જાદુઈ લાકડી'

ઈરાન, ઇઝરાયલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલતા જંગમાં જે ટેક્નૉલૉજી અને શસ્ત્રોનો ઉપયોગ થયો છે તે પણ અભૂતપૂર્વ છે
    • લેેખક, ઉમૈમા અલશાઝલી
    • પદ, બીબીસી અરબી, કાહિરા

મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલતા જંગમાં જે ટેક્નૉલૉજી અને શસ્ત્રોનો ઉપયોગ થયો છે તે પણ અભૂતપૂર્વ છે. ખાસ કરીને ઇઝરાયલની ટેક્નૉલૉજીનો કોઈની પાસે જવાબ નથી એવું લાગે છે.

ઈરાને મંગળવારે રાત્રે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, આ પહેલાં અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઈરાન તરફથી ઇઝરાયલ પર હુમલો થઈ શકે છે.

ઈરાનમાંથી ઇઝરાયલ પર સેંકડો મિસાઇલો છોડવામાં આવી હતી. ઇઝરાયલનું કહેવું હતું કે દેશભરમાં આ મિસાઇલો છોડવામાં આવી હતી.

ઇઝરાયલની સેનાએ લોકોને આદેશ આપ્યો હતો કે તેઓ સુરક્ષિત સ્થળોએ જતાં રહે અને નવી સૂચના ના મળે ત્યાં સુધી ત્યાં જ રહે.

તો બુધવારે ઇઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના તેલ અવિવમાં આવેલા હેડક્વાર્ટર પર હિઝબુલ્લાહ દ્વારા મિસાઇલ છોડવામાં આવી હતી જે ઈરાને વિકસાવેલી કાદિર-વન બૅલેસ્ટિક મિસાઇલ હતી તેવું માનવામાં આવે છે.

આ મિસાઇલ 700થી 1000 કિલોગ્રામ વિસ્ફોટકનું વહન કરી શકે છે અને તે આખી ઇમારતને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે એવું માનવામાં આવે છે.

ઇઝરાયલ સરકારના પ્રવક્તા ડેવિડ મેનસરે દાવો કર્યો કે ઇઝરાયલ હિઝબુલ્લાહના આ હુમલાને રોકવામાં સફળ રહ્યું હતું, કારણ કે તેમની પાસે 'ડૅવિડ્સ સ્લિંગ' નામની અત્યાધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમ છે.

'ડૅવિડ્સ સ્લિંગ' શું છે?

હમાસ અને હિઝબુલ્લાહ સહિતના ઉગ્રવાદી સંગઠનોની મિસાઇલોથી બચવા માટે ઇઝરાયલે અલગ-અલગ પ્રકારની સિસ્ટમો વિકસાવી છે જેમાં ડેવિડ્સ સ્લિંગની જેમ એક પ્રણાલી આયર્ન ડૉમ પણ છે
ઇમેજ કૅપ્શન, હમાસ અને હિઝબુલ્લાહ સહિતના ઉગ્રવાદી સંગઠનોની મિસાઇલોથી બચવા માટે ઇઝરાયલે અલગ-અલગ પ્રકારની સિસ્ટમો વિકસાવી છે જેમાં ડેવિડ્સ સ્લિંગની જેમ એક પ્રણાલી આયર્ન ડૉમ પણ છે

ડૅવિડ્સ સ્લિંગને શરૂઆતમાં ઇઝરાયલી પેટ્રિયેટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મધ્ય એશિયાની સૈન્ય બાબતો પર અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ સલાહકાર કર્નલ અબ્બાસ દોહકે બીબીસીને જણાવ્યું કે ડૅવિડ્સ સ્લિંગ સિસ્ટમની રેન્જ પેટ્રિયેટ સિસ્ટમ કરતાં 100 કિલોમીટર વધારે છે.

ઇઝરાયલમાં ટેક્નૉલૉજી પર નજર રાખતી 21સી વેબસાઇટ અનુસાર ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમ ત્રણ સ્તરો પર આધારિત છે.

ઇઝરાયલની ડિફેન્સ કંપની રાફેલના જણાવ્યા અનુસાર, ડૅવિડ્સ સ્લિંગ એ ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ્સમાં મધ્યમ રેન્જની વ્યવસ્થા છે. તેને આયર્ન ડોમ પછી સૌથી સફળ ડિફેન્સ હથિયાર માનવામાં આવે છે.

ડૅવિડ્સ સ્લિંગને 'સંપૂર્ણ મીડિયમથી લૉંગ રેન્જ ઍર ઍન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ' પણ માનવામાં આવે છે.

ટાઇમ્સ ઑફ ઇઝરાયલના અહેવાલ અનુસાર આ હથિયારનું નામ બાઇબલની એક વાર્તા પરથી રાખવામાં આવ્યું છે, જેમાં ડૅવિડ (દાઉદ)એ જાલૂત પર પથ્થરો વરસાવવા માટે એક ગોફણનો ઉપયોગ કર્યો હતો.

ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ, ડૅવિડ્સ સ્લિંગને બૅલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલના હુમલાને નિષ્ફળ બનાવવા માટે વિકસાવવામાં આવી છે. જ્યારે આયર્ન ડોમ સિસ્ટમ એ શોર્ટ રેન્જની મિસાઇલો અને તોપગોળાને નષ્ટ કરે છે.

ઇઝરાયલી આર્મીના જણાવ્યા પ્રમાણે ડૅવિડ્સ સ્લિંગ સિસ્ટમ ઇઝરાયલી કંપની રાફેલ અને અમેરિકન કંપની રેથિયોન દ્વારા બનાવવામાં આવી હતી અને તેને 2017માં ઉપયોગમાં લેવામાં આવી હતી.

ડૅવિડ્સ સ્લિંગને 'જાદુઈ લાકડી' પણ કહેવામાં આવે છે જે 40થી 300 કિલોમીટરના અંતર સુધી રૉકેટ અને મિસાઇલ હુમલાને રોકવાની ક્ષમતા ધરાવે છે.

મિસાઇલ થ્રૅટ નામની વેબસાઇટ અનુસાર ડૅવિડ્સ સ્લિંગમાં એક મિસાઇલ લૉન્ચર, ELM 2084 રડાર, ઑપરેટિંગ સિસ્ટમ અને સેટીનર ઇન્ટરસૅપ્ટર મિસાઇલ સામેલ છે. ડૅવિડ્સ સ્લિંગની એક લૉન્ચ સિસ્ટમમાં 12 મિસાઇલો સમાઈ શકે છે અને તેના તમામ પાર્ટ્સ અમેરિકામાં તૈયાર થાય છે.

સ્ટેનર મિસાઇલ

વીડિયો કૅપ્શન, ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના નેતા નસરલ્લાહ કોણ હતા?

સેન્ટર ફૉર સ્ટ્રૅટેજિક ઍન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝની વેબસાઇટ મિસાઇલ થ્રેટ અનુસાર, સ્ટેનર મિસાઇલ 4.6 મીટર લાંબી હોય છે અને તે 15 કિલોમીટરની ઊંચાઈથી આવતાં કોઈ પણ રૉકેટ અથવા મિસાઇલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

આ મિસાઇલનો આગળનો ભાગ ડોલ્ફિનના આકાર જેવો છે. તેના પર ઇલેક્ટ્રો ઑપ્ટિકલ ઇમેજરી સૅન્સર અને રડાર સિકર - એમ બે સૅન્સર લગાડવામાં આવે છે.

ડૅવિડ્સ સ્લિંગ સિસ્ટમ તેના લક્ષ્યને નિશાન બનાવવાની અને જામ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ટેનર મિસાઇલમાં સોલિડ ફ્યુઅલ સિસ્ટમ હોય છે અને તે હાઇ-સ્પીડ મિસાઇલ છે.

'હારેત્ઝ' ના જણાવ્યા મુજબ એક સ્ટેનર મિસાઇલ બનાવવા માટે 10 લાખ ડૉલરનો ખર્ચ થતો હોવાનો અંદાજ છે.

આયર્ન ડોમમાં ઉપયોગમાં લેવાતી મિસાઇલની તુલનામાં સ્ટેનર મિસાઇલમાં કોઈ વૉરહેડ નથી હોતું, પરંતુ તે સીધી જ તેના ટાર્ગેટ સાથે ટકરાય છે.

રડાર સિસ્ટમ

ડૅવિડ્સ સ્લિંગમાં ઈએલએમ 2084 મલ્ટી-મિશન રડાર પણ હોય છે જે ઍરક્રાફ્ટ અને બૅલેસ્ટિક લક્ષ્યોને ટ્રૅક કરવાની ક્ષમતા ધરાવે છે.

આ રડારનો ઉપયોગ ઍર સર્વેલન્સ અથવા ફાયર કંટ્રોલ મિશન બંને માટે થઈ શકે છે. આ રડાર 474 કિલોમીટરની રેન્જમાં લગભગ 1100 લક્ષ્યોને ટ્રૅક કરી શકે છે. આ રડાર તેની ઇલેક્ટ્રિકલ સિસ્ટમ દ્વારા દરેક વસ્તુને સ્કૅન કરે છે.

ફાયર કંટ્રોલ મિશનની વાત કરીએ તો તે 100 કિલોમીટરની રેન્જમાં એક મિનિટમાં 200 ટાર્ગેટને ટ્રૅક કરી શકે છે.

ડૅવિડ્સ સ્લિંગ ક્યારે બનાવવામાં આવી હતી?

ઇઝરાયલની મિસાઇલ્સ સિસ્ટમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2006માં ઇઝરાયલે ડૅવિડ્સ સ્લિંગ ઉપર કામ શરૂ કર્યું હતું

ઇઝરાયલે 2006માં ડૅવિડ્સ સ્લિંગ સિસ્ટમ પર કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારબાદ ઑગસ્ટ 2008માં આ સિસ્ટમ વિકસાવવા માટે અમેરિકા સાથે કરાર કર્યા હતા.

કૉંગ્રેસનલ રિસર્ચ સર્વિસના એક સંશોધન અનુસાર 2006થી 2020 વચ્ચે અમેરિકાએ ઇઝરાયલને ડૅવિડ્સ સ્લિંગ બનાવવા માટે બે અબજ ડૉલરની રકમ આપી છે.

ઇઝરાયલી કંપની રાફેલ ઍડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમે ઑક્ટોબર 2009માં આંતરરાષ્ટ્રીય મિસાઇલ અને લૉન્ચર બનાવવા માટે અમેરિકાની કંપની રેથિયોન સાથે 10 કરોડ ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.

સૈન્ય સરંજામ પર નજર રાખતી વેબસાઇટ ડિફેન્સ ન્યૂઝ અનુસાર, ઇઝરાયલની કંપની રાફેલે સૌપ્રથમ ડૅવિડ્સ સ્લિંગને 2013માં પેરિસ ઍર શોમાં પ્રદર્શનમાં દેખાડી હતી.

ટાઇમ્સ ઑફ ઇઝરાયલ અનુસાર 2012માં એક રણમાં ડૅવિડ્સ સ્લિંગનું પ્રથમ સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ડિફેન્સ ન્યૂઝ અંગે 2015ના અહેવાલ મુજબ ડૅવિડ્સ સ્લિંગમાં 302 એમએમના રૉકેટ અને ઈરાની ફતાહ 110 મિસાઇલને રોકવાની પણ ક્ષમતા છે.

ઇઝરાયલે આ સિસ્ટમનો ઉપયોગ ક્યારે કર્યો?

ઇઝરાયલ અને લેબનોનની સરહદ ઉપર તહેનાત યુએનની સેનાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હિઝબુલ્લાહના મિસાઇલ્સ તથા રૉકેટ હુમલા સામે ઇઝરાયલની સુરક્ષાપ્રણાલી અસરકારક હોવાનો મત

ઇઝરાયલી અખબારોએ 2018માં અહેવાલ છાપ્યા હતા કે જુલાઈ 2018માં પ્રથમ વખત ડૅવિડ્સ સ્લિંગનો ઉપયોગ ગોલાન હાઇટ્સમાંથી આવતી બૅલેસ્ટિક મિસાઇલોને અટકાવવા માટે કરવામાં આવ્યો હતો.

ડિફેન્સ ન્યૂઝ વેબસાઇટ મુજબ ઇઝરાયલે ડૅવિડ્સ સ્લિંગનો ઉપયોગ કરીને બે ઇન્ટરસૅપ્ટર મિસાઇલો છોડી હતી, જેનો હેતુ સીરિયા દ્વારા ફાયર કરવામાં આવેલી બે એસએસ-21 બૅલેસ્ટિક મિસાઇલોને અટકાવવાનો હતો.

સીરિયામાંથી છોડવામાં આવેલી મિસાઇલો સીરિયાની સરહદમાં પડી હતી, જ્યારે ઇઝરાયલની એક મિસાઇલ ગોલાન હાઇટ્સ પર જાતે નષ્ટ થઈ ગઈ હતી.

સીરિયાની સેનાએ ડૅવિડ્સ સ્લિંગમાંથી છોડેલી એક મિસાઇલને કબજામાં લીધી હતી અને તેને નિરીક્ષણ માટે રશિયા મોકલી હતી.

મે 2023માં પણ ઇઝરાયલે ડૅવિડ્સ સ્લિંગનો ઉપયોગ કરવાની માહિતી આપી હતી. આ વખતે આ ડિફેન્સ સિસ્ટમે ગાઝામાંથી છોડાયેલી મિસાઇલોને રોકી હતી જેને રોકવામાં આયર્ન ડોમ નિષ્ફળ રહી હતી.

હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે ગયા બુધવારે ઇઝરાયલ સરકારના પ્રવક્તા ડૅવિડ માનસેરે કહ્યું હતું કે તેનાં દળોએ હિઝબુલ્લાહ દ્વારા છોડવામાં આવેલી એક મિસાઇલને નષ્ટ કરી દીધી છે.

ડૅવિડ મેનસેરે કહ્યું કે, "ઇતિહાસમાં આ પ્રથમ વખત થયું છે જ્યારે હિઝબુલ્લાહના આતંકવાદીઓએ તેલ અવિવ પર મિસાઇલ છોડી હતી, પરંતુ ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમ ડૅવિડ્સ સ્લિંગે તેને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી હતી અને દક્ષિણ લેબનોનમાં તેના લૉન્ચિંગ પૅડ્સનો નાશ કર્યો હતો."

કર્નલ અબ્બાસ દોહકનું કહેવું છે કે હિઝબુલ્લાહના મિસાઇલ હુમલાઓ સામે ઇઝરાયલની ઍર ડિફેન્સ સિસ્ટમ ખૂબ અસરકારક સાબિત થઈ છે, જેમાં ડૅવિડ્સ સ્લિંગ પણ સામેલ છે.

તેમણે કહ્યું કે, "તેણે માત્ર કેટલાંય રૉકેટોને નષ્ટ નથી કર્યાં, પરંતુ વિવિધ દિશાઓ અને સ્થળોએથી છોડવામાં આવેલા ડ્રોન અને મિસાઇલોને પણ નિષ્ફળ બનાવી છે."

ઇઝરાયલની ડૅવિડ્સ સ્લિંગ વ્યવસ્થાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જૉર્ડનના સૈન્ય બાબતોના નિષ્ણાત બ્રિગેડિયર જનરલ મુસા અલ-કલ્બ પણ કર્નલ અબ્બાસ દોહકના અભિપ્રાય સાથે સહમત છે.

તેમનું કહેવું છે કે ડૅવિડ્સ સ્લિંગ સિસ્ટમના કારણે ઇઝરાયલે 2006ના યુદ્ધની સરખામણીમાં આ વખતે હિઝબુલ્લાહ પર સરસાઈ મેળવી છે.

તેમણે કહ્યું કે હિઝબુલ્લાહની કેટલીક મિસાઇલો કદાચ ડૅવિડ્સ સ્લિંગના સ્થાન સુધી પહોંચવામાં અને તેને નુકસાન પહોંચાડવામાં સફળ થઈ શકે છે, પરંતુ તેની અસર મર્યાદિત રહેશે.

કર્નલ અબ્બાસ દોહક કહે છે કે ડૅવિડ્સ સ્લિંગને કદાચ હાઇપરસોનિક મિસાઇલોને રોકવામાં મુશ્કેલી પડશે, કારણ કે તેની ઝડપ ઘણી વધારે હોય છે.

તેઓ કહે છે કે હિઝબુલ્લાહ પાસે આવી મિસાઇલ છે કે નહીં તે તેઓ નથી જાણતા.

પરંતુ મુસા અલ-કલ્બ કહે છે કે તેમને નથી લાગતું કે હિઝબુલ્લાહ પાસે રશિયાની મદદથી બનેલી જરકુન મિસાઇલ હોય. તેમનું કહેવું છે કે ઈરાને આમાંની થોડીક મિસાઇલો હિઝબુલ્લાહને આપી હોય તેવું ચોક્કસપણે શક્ય છે.

પરંતુ તેમને નથી લાગતું કે આવું થયું હશે, કારણ કે આ નિર્ણય ઈરાનમાં ઉચ્ચ સ્તરીય નેતૃત્વ દ્વારા લેવાય છે.

નવેમ્બર 2023માં ઇઝરાયલી સંરક્ષણ મંત્રાલયે ફિનલૅન્ડને ડૅવિડ્સ સ્લિંગ સપ્લાય કરવા માટે 35.5 કરોડ ડૉલરના કરાર પર હસ્તાક્ષર કર્યા.

તે સમયે સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે ડૅવિડ્સ સ્લિંગ એ બૅલેસ્ટિક, ક્રૂઝ મિસાઇલ, ડ્રોન અને ફાઇટર ઍરક્રાફ્ટને ટ્રૅક કરીને નષ્ટ કરવાની ક્ષમતા સાથે વિશ્વના સૌથી આધુનિક હથિયારોમાંથી એક છે.

નબળાઈઓ

મુસા અલ-કલ્બ માને છે કે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમમાં કેટલીક નબળાઈઓ પણ છે. જેમ કે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી મુશ્કેલ છે અને આ દરમિયાન કોઈ પણ પક્ષ તે હથિયારોને નિશાન બનાવીને ખતમ કરી શકે છે.

તેમનું કહેવું છે કે ડૅવિડ્સ સ્લિંગમાં લગાવવામાં આવેલી એક મિસાઇલની કિંમત 10 લાખ ડૉલર હોય છે. તેથી દુશ્મનોની મિસાઇલોના ઢગલાનો સામનો કરવો મુશ્કેલ છે.

મુસા અલ-કલ્બનો અભિપ્રાય છે કે ઇઝરાયલ ટેકનિકલ કારણસર આયર્ન ડોમની જેમ ડૅવિડ્સ સ્લિંગનો ઉપયોગ નહીં કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.