ઇઝરાયલમાં રોજગાર માટે ગયેલા ભારતીય મજૂરોના સંબંધીઓની ચિંતા

નોકરી માટે ઇઝરાયલ ગયેલા દિનેશ સિંહનાં પત્ની અનિતા
ઇમેજ કૅપ્શન, નોકરી માટે ઇઝરાયલ ગયેલા દિનેશસિંહનાં પત્ની અનિતા
    • લેેખક, સૈયદ મોઝેજ ઇમામ
    • પદ, બીબીસી સંવાદદાતા, યુપીમાં બારાબંકીથી

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવના કારણે ઘણા ભારતીયોની મુશ્કેલી વધી ગઈ છે.

મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયલ પર મિસાઇલથી હુમલો કર્યો, ત્યારે ઇઝરાયેલમાં કામ કરતા ભારતીયોના પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી.

લોકો દિવસમાં અનેક વખત વીડિયો કૉલ કરીને પોતાના પરિવારના સભ્યો ત્યાં કેવી હાલતમાં છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જો કે, ઇઝરાયલમાં રહેતા ભારતીયો તેમના પરિવારને આશ્વાસન આપી રહ્યા છે કે ત્યાં બધું બરાબર છે.

અમે ઉત્તર પ્રદેશના આવા જ કેટલાક પરિવારો સાથે વાત કરી જેમના ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ ઇઝરાયલમાં કામ કરે છે.

ઈરાનના મિસાઈલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે ઇઝરાયલમાં રહેતા ભારતીય નાગરિકોને બહાર ન નીકળવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાની સલાહ આપી હતી.

ભારતના લગભગ 24 હજાર લોકો હાલમાં ઇઝરાયલમાં રહે છે. તેમાંથી અડધાથી વધુ એવા લોકો છે જેઓ છેલ્લા એક વર્ષમાં કામદાર તરીકે ઇઝરાયલ ગયા છે.

ઇઝરાયલમાં કામદારોની અછતને પહોંચી વળવા માટે ત્યાંની સરકારે પહેલ કરી હતી. હમાસ અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધને કારણે ત્યાં કામદારોની સંખ્યામાં ઘટાડો થયો હતો. ત્યાર પછી ભારતીય કામદારોને ત્યાં લઈ જવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

બેવડી મુસીબત

જે પરિવારોના સભ્યો ઇઝરાયેલમાં છે તેમનાં માટે છેલ્લા બે દિવસ ખૂબ જ મુશ્કેલભર્યા રહ્યાં છે
ઇમેજ કૅપ્શન, જે પરિવારોના સભ્યો ઇઝરાયલમાં છે તેમની ચિંતા વધી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઉત્તર પ્રદેશના ફતેહપુરના સાલેહનગરની નવી વસાહતમાં એક મંદિરમાં રંગરોગાનનું કામ ચાલે છે કારણ કે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે.

આ મંદિરથી થોડે દૂર દિનેશસિંહના ઘરની સામે લોકો એકઠા થાય છે અને ઈરાન દ્વારા ઇઝરાયલ પરના હુમલાની વાતો કરી રહ્યા છે. દિનેશસિંહ હાલમાં ઇઝરાયલમાં રહે છે.

દિનેશનાં પત્ની અનિતા કહે છે કે, "સવારે વીડિયો કૉલ પર વાતચીત થઈ હતી. રાત્રે પણ હુમલા બાદ દિનેશે ફોન કર્યો હતો. જોકે, મેં ફરીથી ફોન ડાયલ કર્યો, તો નેટવર્ક ન મળવાના કારણે વાતચીત નહોતી થઈ. થોડા સમય પછી સામેથી ફોન આવ્યો અને અમે વાત કરી અને અમારી ચિંતા વ્યક્ત કરી."

અનિતાએ જણાવ્યું કે, "અમે કહ્યું હતું કે વધુ તકલીફ પડે તો પાછા આવી જજો. તેઓ પૈસા તો મોકલે પણ મનમાં શંકા રહે છે."

દિનેશસિંહના ભાઈ કેસરસિંહે કહ્યું, "અમે નથી ઇચ્છતા કે યુદ્ધ થાય. આ બંધ થવું જોઈએ. તે કોઈના માટે સારું નથી. માત્ર મારા ભાઈ જ નહીં, પરંતુ દરેકને મુશ્કેલી પડી રહી છે. અહીં કોઈ કામ નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે સમસ્યા વધુ ગંભીર બને તો સરકારે પોતાના લોકોને પાછા લાવવા જોઈએ."

લખનઉમાં આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઇઝરાયલ જવા માટે લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. હાલમાં પાંચ હજારથી વધુ ભારતીય કામદારો ઇઝરાયલમાં છે.

ઈઝરાયેલમાં કામ કરી રહેલા ભારતીયોના સંબંધીઓ યુદ્ધની શક્યતાને લઈને ચિંતિત છે
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં કામ કરી રહેલા ભારતીયોના સંબંધીઓ યુદ્ધની શક્યતાને લઈને ચિંતિત છે

સરકારી આંકડા મુજબ અગાઉ 4800 લોકો ગયા હતા. ત્યારબાદ ગયા મહિને લગભગ 1500 લોકો ગયા હતા.

આ પૈકી ભંવરસિંહના ભાઈ રાકેશસિંહ પણ ઇઝરાયલના તેલ અવીવ શહેર પાસે રહે છે. તેઓ તેમના ભાઈની ખબર પૂછવા માટે નિયમિત વીડિયો કૉલ કરે છે.

તેમણે કહ્યું, "ભાઈએ કહ્યું છે કે ઘણા બૉમ્બ પડ્યા હતા અને ઘણા હવામાં જ નષ્ટ થયા હતા. પરંતુ જ્યારે સાઇરન વાગે ત્યારે અમારે બધાએ બંકરમાં છુપાઈ જવું પડે છે."

આ ગામ અને આસપાસના વિસ્તારોના લગભગ બે ડઝન લોકો ઇઝરાયેલમાં છે અને કેટલાક લોકો ત્યાં જવાની તૈયારી પણ કરી રહ્યા છે.

ગામમાં કરિયાણાની દુકાન ચલાવતા રાજુસિંહ સતત ટીવી પર નજર રાખે છે, અને ગ્રામજનોને ઇઝરાયલ-ઈરાન સંઘર્ષ વિશે જણાવતા રહે છે.

રાજુસિંહે કહ્યું કે, "ગામના 20થી 25 લોકો ત્યાં છે. બે લોકો પાછા ફર્યા છે, પરંતુ તેઓ અંગત કારણોસર પાછા આવ્યા છે. ગામના વધુ લોકો જવાની તૈયારી કરી રહ્યા છે. તેમને ત્યાં વધુ પૈસા મળી રહ્યા છે તેથી લોકો જવા માંગે છે. શક્ય છે કે લડાઈને કારણે કેટલાક લોકો હમણા નહીં જાય."

વધતી બેરોજગારી અને ઇઝરાયલ જવાની મજબૂરી

ઇઝરાયેલ ગયેલા રાકેશ સિંહના પિતા વિનોદ સિંહે જણાવ્યું કે બેરોજગારીના કારણે યુવાનો ત્યાં જવા મજબૂર છે
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલ ગયેલા રાકેશસિંહના પિતા વિનોદસિંહે જણાવ્યું કે બેરોજગારીના કારણે યુવાનો ત્યાં જવા મજબૂર છે

મહેન્દ્રસિંહે કહ્યું, "ભાઈએ કહ્યું કે ત્રણ મિનિટ પહેલાં સાઇરન વાગવા લાગે છે અને અમે બધા બંકરમાં જતા રહીએ છીએ. મારા ભાઈને ભારતીય રૂપિયામાં 1.85 લાખનો પગાર મળે છે."

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઇઝરાયલમાં લગભગ 10 હજાર વધુ લોકોની જરૂર છે. આ માટે ભારતીય યુવાનોને તાલીમ આપવાનું કામ ચાલી રહ્યું છે.

સપ્ટેમ્બરમાં આ કામ માટે ઇઝરાયલના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ ભારત આવ્યું હતું અને ત્યાર બાદ પૂણેની ઓંધ આઇટીઆઇમાં લોકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

દરમિયાન લખનઉની અલીગંજ આઈટીઆઈમાં ઇઝરાયલ જવા માટે લોકોની તાલીમ ચાલી રહી છે. અહીંથી તાલીમબદ્ધ યુવાનો ટૂંક સમયમાં ઇઝરાયલ જવાના છે. તેમાંથી એક ચંદ્રશેખરસિંહનું કહેવું છે કે બેરોજગારીને કારણે તે ત્યાં જવા માટે મજબૂર છે.

ચંદ્રશેખરસિંહ કહે છે, "બીજી ઑક્ટોબરે રજા હોય છે, પરંતુ આઈટીઆઈમાં તાલીમ આપવામાં આવી રહી છે. અહીં બેરોજગારી એટલી વધી ગઈ છે કે કામ મળવું મુશ્કેલ છે. લોકો પાસે કોઈ વિકલ્પ નથી. અમારી ટ્રેનિંગ ચાલી રહી છે. પરંતુ સરકારે ક્યારે જવું તે હજુ સુધી જણાવ્યું નથી."

સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર જૂન 2024માં ભારતમાં બેરોજગારીનો દર 9.2 ટકા હતો. જેમાં ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર 9.3 ટકા અને શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 8.9 ટકા હતો.

બીબીસીએ જે પરિવારોની મુલાકાત લીધી, તે બધાએ કહ્યું કે તેમને ઇઝરાયલમાં વધુ રૂપિયા મળી રહ્યા છે અને લોકો દર મહિને એકથી બે લાખ રૂપિયા કમાઈ રહ્યા છે.

ઇઝરાયલમાં રહેતા ભારતીયો ભારતમાં તેમના પરિવારજનોને આશ્વાસન આપી રહ્યા છે કે તેમને ત્યાં કોઈ ખતરો નથી.

ઇઝરાયલમાં રહેતા લોકોનું કહેવું છે કે તેમની રહેવાની જગ્યાએ લગભગ દરરોજ સાઇરન વાગે છે, મોબાઇલ ફોન પર ઍલર્ટ પણ આવે છે, ત્યારબાદ તેમને ભાગીને બંકરમાં જવું પડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.