લેબનોન: 'અમે જીવ બચાવવા ઘર છોડ્યાની મિનિટોમાં ઘર પર બૉમ્બ પડ્યા'

લેબનોનના સેંકડો પરિવારો આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લેબનોનના સેંકડો પરિવારો આશ્રયસ્થાનોમાં રહેવા મજબૂર
    • લેેખક, નફિસે કોહ્નાવર્ડ
    • પદ, મધ્ય-પૂર્વના સંવાદદાતા, બીબીસી પર્શિયન, લેબનોનથી

અહીં લેબનોનમાં ડર અને ચિંતા છે કે શુક્રવારના જંગી ઇઝરાયલી હવાઈહુમલામાં હિઝબુલ્લાહના નેતા અને આતંકવાદી જૂથના અન્ય અગ્રણી સભ્યો માર્યા ગયા પછી શું થશે?

પોતાના ઘર છોડીને ભાગી નીકળેલા અને એક સ્કૂલમાં આશ્રય લઈ રહેલા ઘણા પરિવારો સાથે અમે છેલ્લા કેટલાક દિવસ પસાર કર્યા છે.

એ પૈકીની એક સ્કૂલમાં લગભગ 2,000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને ભીડવાળા વર્ગખંડોમાં જગ્યા શોધી ન શકતા સેંકડો પરિવારો આંગણામાં સૂઈ રહ્યા છે.

પોતાના બે મનોવિકલાંગ પુત્રોની સંભાળ રાખી રહેલા એક પરિવારે બાળકોને શાંત કરવા માટે સંઘર્ષની વાત અમારી સાથે કરી હતી.

‘હું મારા બંને પૌત્રને પકડીને ભાગી હતી’

શાળાના વર્ગખંડની તસવીર
ઇમેજ કૅપ્શન, શાળાના વર્ગખંડ જ લોકો માટે ઘર બની ગયા

ઉમ અહમદ નામનાં દાદીમા જણાવે છે કે તેમના ઘરની બાજુમાં જ આવેલી એક ઇમારત ઇઝરાયલના હવાઈહુમલાનું નિશાન બની હતી અને તેમનો તથા તેમના પરિવારનો 'ચમત્કારિક' રીતે બચાવ થયો હતો.

તેઓ કહે છે, "મને ખબર નથી કે અમે કેવી રીતે ભાગ્યાં હતાં. હું મારા બંને પૌત્રને પકડીને ભાગી હતી. અમારા ઘરનો એક હિસ્સો આગની ઝપેટમાં આવી ગયો હતો."

તેમની શેરીમાં વધુ ઇમારતો પર બૉમ્બ ફેંકવામાં આવી રહ્યા હતા ત્યારે તેઓ કારમાં કૂદી પડ્યા હતા. એ કાર તેમના પતિ જેમતેમ ચલાવીને બહાર નીકળી શક્યા હતા.

ઉમ અહમદે પાછું વળીને જોયું ત્યારે તેમનું ઘર પણ સમતળ થઈ ગયું હતું. આંસુ રોકવાનો પ્રયાસ કરતાં તેઓ કહે છે, "અમને કમસે કમ ખાતરી થઈ ગઈ હતી કે અમારી પાસે પાછા ફરવા માટે ઘર નહીં હોય."

"મારે રડવું નથી. હવે રડવા જેવું કશું રહ્યું નથી. અમે બધું ગુમાવ્યું છે, પણ ઇશ્વરનો આભાર કે અમે બચી ગયા."

તેઓ નિરાશ અને ગુસ્સામાં હોય તેવું લાગે છેઃ "હું ગાઝાનાં બાળકો માટે દુઃખી છું, પણ અમારાં બાળકોનો શું વાંક છે?"

ઉમ-અહમદની તસવીર
ઇમેજ કૅપ્શન, ઉમ-અહમદની તસવીર

અમે વાત કરી રહ્યા હતા અને ઇમર્જન્સી ટીમો બહારની પરસાળમાં અમુક પુરવઠો ઉતારી રહી હતી ત્યારે એક જોરદાર ધડાકો સંભળાય છે.

એવામાં તેમનો નાનો પૌત્ર રડવા લાગ્યો.

"જુઓ, બાળક કેટલું ડરેલું છે. કોઈ મોટો અવાજ થાય કે દરવાજો બંધ થવાનો અવાજ સંભળાય ત્યારે એ રડવાનું અને ચીસો પાડવાનું શરૂ કરી દે છે."

દાદીમા જણાવે છે કે તેમના પૌત્રો રાતે ઊંઘી શકતા નથી. તેથી તેઓ કે તેમના પતિએ પણ જાગતા રહેવું પડે છે. "માત્ર મારા પૌત્રો જ નહીં, અહીંનાં તમામ બાળકો કોઈ પણ મોટા અવાજ સામે પ્રતિક્રિયા આપે છે. તેમને લાગે છે કે હવાઈહુમલો થયો છે."

વીડિયો કૅપ્શન, Israel નો દાવો નસરલ્લાહનું મોત, હિઝબુલ્લાહના આ વડા કોણ છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ દક્ષિણ લેબનોનના ટાયર પાસેના એક નાનકડા ગામમાંથી નાસી છૂટ્યા હતા. એક સ્કૂલનો વર્ગખંડ તેમનું આશ્રયસ્થાન છે. દક્ષિણ લેબનોનમાંથી બૈરુત તરફ ભાગેલા સેંકડો લોકોને એ સ્કૂલમાં આશ્રય મળી શક્યો નથી.

રૂમની દીવાલો, સફેદ બોર્ડ, ખુરશીઓ અને બીજી તમામ જગ્યાએ લોકોને કપડાં લટકે છે. ભોંય પર થોડાં ગાદલાં છે. ક્લાસરૂમની ખુરશીઓ ઉમ અહેમદના પરિવારનું ફર્નિચર બની ગઈ છે. શિક્ષકના ટેબલ પર રાંધવાના વાસણો તથા તવા દેખાય છે.

હું અમ સાથે બેઠો હતો ત્યાં તેમના પતિ બરકત આવી પહોંચ્યા. તેઓએ હિઝબુલ્લાહ વિશે એક પણ શબ્દ બોલ્યા વિના રાજકારણીઓને જવાબદાર ઠેરવ્યા. તેઓ કહે છે, "આપણે ગાઝાના લોકોને સમર્થન આપવું જોઈએ, એ હું જાણું છું, પરંતુ એ અમારી લડાઈ ન હતી. અમે અમારી જમીનનું નિશ્ચિત રીતે રક્ષણ કરવા ઇચ્છીએ છીએ, પરંતુ માત્ર અમારા માટે, લેબનોનના લોકો માટે. આપણે આપણા માટે લડવું જોઈએ."

અહીં આવેલા ઘણા પરિવારોની માફક તેમના માટે પણ વિસ્થાપિત થયાની આ પહેલી ઘટના નથી. તેમણે 2006 અને 1982માં પણ તેમનાં ઘરો ગુમાવ્યાં હતાં. આ ત્રીજી વખત વિસ્થાપિત થયાની ઘટના પણ નથી.

બરકતના કહેવા મુજબ, તેમનો પરિવાર થાકી ગયો છે. તેઓ યુદ્ધ ઇચ્છતા નથી. "અમારાં બાળકો કે ઇઝરાયલનાં બાળકો મરી જાય તેવું અમે ઇચ્છતા નથી. આપણે શાંતિથી જીવવું જોઈએ."

હું તેમને પૂછ્યું કે ભવિષ્યમાં ક્યારેય શાંતિ સ્થપાશે? તેઓ કહે છે, "મને એવું નથી લાગતું. નેતન્યાહૂ શાંતિ ઇચ્છતા નથી. કશું સ્પષ્ટ નથી અને આ યુદ્ધ નિશ્ચિતપણે 2006 કરતાં વધારે મુશ્કેલ હશે."

અમ કહે છે, "અમે ગાઝામાંનાં બાળકો માટે વિલાપ કરીએ છીએ તેમ અમારાં પોતાનાં બાળકો માટે પણ રડીએ છીએ. ઇઝરાયલીઓ તેમનાં બાળકો માટે રડે છે અને ડરે છે. એવું જ અમારું પણ છે."

ઇઝરાયલી સૈન્ય તરફથી સંદેશા

ઇઝરાયલી ડ્રોનની ઘરઘરાટીથી ચોંકી ગયેલા લોકોની તસવીર
ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી ડ્રોનની ઘરઘરાટીથી ચોંકી ગયેલા લોકો

65 વર્ષના કમલ મોહસેન કહે છે, "અમને બહુ ઓછો સમય આપવામાં આવ્યો હતો. ઇઝરાયલી સૈન્ય તરફથી અમારા ફોન પર એક મૅસેજ મોકલવામાં આવ્યો હતો. તેમાં અમને અમારાં ઘર છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું."

કમલ મોહસેન સહિતના અનેક લોકોને શનિવારે બપોરે એ મૅસેજ મળ્યો હતો. તેમના કહેવા મુજબ, "માત્ર 30-40 મિનિટ" પછી તેમના પાડોશમાં શ્રેણીબદ્ધ હવાઈહુમલા કરવામાં આવ્યા હતા.

"અમે કશું કરી શક્યા નહીં. મેં મારી કારની ચાવી લીધી અને પરિવાર સાથે નીકળી પડ્યો."

તેમણે ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેર્યાં છે. "હવે અમારી પાસે આટલું જ છે. તમે જુઓ છો તે અમે પહેરેલા કપડાં."

તેઓ તેમની પુત્રી, પૌત્ર અને બે પાડોશીઓ સાથે શાળાના પ્રાંગણમાં બેઠા છે. તેમણે આ સ્કૂલમાં આશરો લીધો છે.

"અહીં જરાય જગ્યા નથી. અહીં દક્ષિણથી ભાગી આવેલા લોકોની ભીડ છે."

લેબનોનમાં ઇઝરાયલના હુમલામાં લાખો લોકો વિસ્થાપિત થયા છે

ઇમેજ સ્રોત, Reuters/BBC

તેમણે પહેલી રાતે બહાર સૂવું પડ્યું હતું, પરંતુ આજે તેમને જાણવા મળ્યું છે કે દક્ષિણમાંથી ભાગી આવેલા તેમના સંબંધીઓ પણ અહીં જ છે. તેથી તેઓ એમની સાથે એક રૂમમાં સાંકડમૂકડ ગોઠવાઈ ગયા.

કમલનાં દીકરી નાદા કહે છે, "અમે એક રૂમમાં રહેતા 16 લોકો પૈકીના છીએ. 2006માં હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વખતે પણ અમે અહીં આવ્યા હતા."

નાદા માને છે કે આ યુદ્ધ વધારે મુશ્કેલ હશે. "ઇઝરાયલે હિઝબુલ્લાહના નેતાને મારી નાખ્યા છે. તે દર્શાવે છે કે આ વખતે અલગ પરિસ્થિતિ છે."

અમે વાત કરી રહ્યા હતા, ત્યારે ઇઝરાયલી ડ્રોન્સની ઘરઘરાટી સંભળાઈ. અમે તેને નિહાળી શક્યા, કારણ કે તે ખૂબ ઓછી ઉંચાઈએ ચક્રાકારે ઉડી રહ્યું હતું.

થોડીવાર પછી અમને પાછળ ધડાકા સંભળાય છે. આ સ્કૂલની નજીક આવેલા દાહિયામાં ઇઝરાયલે હવાઈહુમલો કર્યો હતો.

નાદાના કહેવા મુજબ, તેઓ ખુદને તથા તેમના બાળકોને એ હકીકત સ્વીકારવા માનસિક રીતે તૈયાર કરી રહ્યા છે કે તેઓ પાછા ફરી શકે એવું કોઈ ઘર નહીં હોય.

અમને જણાવવામાં આવ્યું કે સ્કૂલના બાથરૂમમાં પાણી પુરવઠો સવારે ખતમ થઈ ગયો. કર્મચારીઓ તેને દુરસ્ત કરવાના પ્રયાસ હાથ ધર્યા.

સહાય આવવાની શરૂઆત

ટ્રકમાંથી ગાદલા ઉતારી રહેલા સ્વયંસેવકોની તસવીર
ઇમેજ કૅપ્શન, બેઘર બનેલા લોકો માટે ગાદલાં અને ખોરાકની ઠેર-ઠેરથી સહાય પહોંચી રહી છે

એવામાં એક ટ્રક આવી અને કામદારો તેમાંથી ગાદલાં ઉતારવાનું શરૂ કર્યું. કમસે કમ કેટલાક લોકોએ આજે રાજે સખત કૉંક્રિટ ઉપર નહીં સૂવું પડે, પરંતુ મૅનેજર મને જણાવ્યું કે તેઓ લોકોને ક્યાં સુધી મદદ કરી શકશે અને કેટલા લોકોને અહીં સમાવી શકશે એ જાણતા નથી.

ઘણા સ્વયંસેવકો અહીં આવી રહ્યા છે. તેઓ બેઘર બનેલા લોકો માટે જરૂરી વસ્તુઓ પણ લાવી રહ્યા છે.

લેબનોનના અન્ય ભાગો અથવા બૈરુતના અન્ય વિસ્તારોમાંથી પણ લોકો અહીં પહોંચી રહ્યા છે.

તેઓ સાથે કપડાં અને ખોરાક લાવી રહ્યા છે, પરંતુ મૅનેજર જણાવે છે કે એ બધું અહીંના તમામ લોકો માટે પૂરતું નથી, કારણ કે માત્ર બૈરુત જ નહીં, પરંતુ લેબનોનના અન્ય ભાગોને પણ ઇઝરાયલ નિશાન બનાવી રહ્યું હોવાથી વધુને વધુ લોકો અહીં આવતા રહે છે.

સીરિયા મારફત પલાયન

શાળામાં આશ્રય લઈ રહેલા પરિવારની તસવીર
ઇમેજ કૅપ્શન, પહેર્યે લૂગડે નાસી છૂટેલા અનેક લોકો શાળાઓમાં આશ્રય લેવા માટે મજબૂર

અન્ય લોકો માટે ઇઝરાયલી હુમલામાંથી બચવા માટે યુદ્ધગ્રસ્ત સીરિયા મારફત દેશ છોડવો તે વધારે સારો વિકલ્પ છે.

34 વર્ષનાં લેબનીઝ પત્રકાર સારા તોહમાઝ પખવાડિયા પહેલાના શુક્રવારે દક્ષિણ બૈરુતના ઉપનગરમાંના તેમના ઘરેથી તેમનાં માતા તથા બે ભાઈ-બહેન સાથે નાસી છૂટ્યાં હતાં.

તેમના કહેવા મુજબ, તેઓ ઇઝરાયલ દ્વારા હિઝબુલ્લાહના નેતાની હત્યા કરવામાં આવે તે પહેલાં દેશ છોડવાનો નિર્ણય કર્યો એ વાતથી તેઓ રાહત અનુભવે છે.

આ પરિવારને કાર દ્વારા સીરિયા થઈને જોર્ડન પહોંચતા લગભગ દસ કલાક થયા હતા.

તેઓ કહે છે, "અમે સદભાગી છીએ કે અમને જોર્ડનમાં રહેવાનું ઠેકાણું મળ્યું. અહીં મારાં માતાનાં સગાં રહે છે."

"અમને ખબર નથી કે આગળ શું થશે અને અમે ક્યારે પાછા ફરીશું તે પણ નથી જાણતા."

"અમારા અન્ય સંબંધીઓ દેશ છોડી શક્યા નથી અને કેટલાકને સીરિયા થઈને લેબનોન આવવામાં 24 કલાક થયા હતા."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.