ભારતની સોનાની સૌથી મોટી ખાણમાં ખાણિયાઓનું જીવન કેવું હતું અને સોનું કાઢવાના પૈસા કેટલા મળતા હતા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
- પદ, બીબીસી સંવાદદાતા
લગભગ 120 વર્ષો સુધી એશિયાની સોનાની સૌથી મહત્ત્વપૂર્ણ ખાણ ગણાતી કોલાર ગોલ્ડ ફિલ્ડ બંધ થયાને લગભગ 25 વર્ષ થઈ ગયાં છે. તેમાં કામ કરતા કામદારોનું શું થયું? આજે તેમની સ્થિતિ શું છે?
થંગાલન ફિલ્મ પ્રદર્શિત થયા પછી બહુચર્ચિત કોલાર ગોલ્ડ ફિલ્ડ એશિયાની સૌથી મોટી સોનાની ખાણો પૈકીની એક બની ગઈ છે. તે બેંગલુરુથી લગભગ 95 કિલોમીટર દૂર આવેલી છે.
દેશને સ્વાતંત્ર્ય મળ્યું તે પહેલાં સોનાની આ ખાણની માલિકી બ્રિટિશ કંપનીઓની હતી અને આઝાદી પછી જાહેર ક્ષેત્રની ભારત ગોલ્ડ માઇન્સ કૉર્પોરેશન દ્વારા તેને હસ્તગત કરવામાં આવી હતી.
આ ખાણ 121 વર્ષ સુધી ધમધમતી રહી હતી, પરંતુ ત્યાંથી સોનું મળવાનું પ્રમાણ ઘટ્યાને પગલે 2001ની 28 ફેબ્રુઆરીથી ખાણ બંધ કરવામાં આવી હતી.
એ વિસ્તારમાં રહેતા મુનુસામી હવે 77 વર્ષના છે. 29 વર્ષ પહેલાંની ઘટના, હજુ ગઈકાલે જ બની હોય એમ તેમને યાદ છે.
એ બાબતે વાત કરતાં મુનુસામી કહે છે, "1995ની ત્રીજી માર્ચનો દિવસ હતો. અમે સાયનાઇડ માઉન્ટેનની માટીને રિફાઇન કરતા હતા અને તેમાંથી સોનું કાઢતા હતા. એ માટીને બેલ્ટ દ્વારા બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હતી. તે બેલ્ટ અચાનક બંધ થઈ ગયો. તેમણે મને તેનું સમારકામ કરવા કહ્યું. હું સમારકામ કરતો હતો ત્યાં અચાનક ફોરમૅને બેલ્ટ ચાલુ કરી દીધો અને તેમાં મારો હાથ કપાઈ ગયો."
મુનુસામીના પિતા તામિલનાડુના તત્કાલીન ઉત્તર આર્કોટ જિલ્લાના વતની હતા. તેઓ કોલાર ગોલ્ડ ફિલ્ડમાં કામ કરવા આવ્યા હતા. તેમના પછી 1980માં મુનુસામી પણ ગોલ્ડ ફિલ્ડમાં જોડાયા હતા.
મુનુસામીને ગોલ્ડ ફિલ્ડમાં કામ કરવાનો કોઈ અનુભવ ન હતો. ત્યાં કામ કરતી વખતે એક અકસ્માતમાં મુનુસામીએ પોતાનો હાથ ગુમાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુનુસામી કહે છે, "અકસ્માત પછી મને ત્રણ મહિનાની રજા આપવામાં આવી હતી. પછી મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો, કારણ કે હાથ કપાઈ જવાથી હું કામ કરી શકતો ન હતો."
"ત્યાર બાદ મેં તેમને મારી પારિવારિક સમસ્યાઓ જણાવી પછી તેમણે મને નોકરીમાં પાછો લીધો હતો. મેં 2001માં કંપની બંધ થઈ ત્યાં સુધી કામ કર્યું હતું."
2001માં કંપની બંધ થઈ ત્યારે મુનુસામીને વળતર પેટે રૂ. 1.76 લાખ આપવામાં આવ્યા હતા. તેમાંથી થોડા દિવસ ગુજરાન ચાલ્યું હતું. એ પછીની જિંદગી મુશ્કેલ હતી."
તેમના બે પુત્રો પૈકીનો એક હવે બેંગલુરુમાં નોકરી કરે છે અને બીજો પુત્ર શારીરિક રીતે અક્ષમ છે. પરિવારનું ગુજરાન પહેલા પુત્રની કમાણીમાંથી ચાલે છે.
‘4,800 ફીટ ઊંડા ઊતરીને કામ કરવાનો પગાર 60 રૂપિયા’

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોલાર ગોલ્ડ ફિલ્ડ ભારતની સોનાની સૌથી મોટી ખાણ છે. 19મી સદીના ઉત્તરાર્ધમાં, 1880ની આસપાસ અહીંથી સોનાના મોટા પાયે ખાણકામના પ્રયાસ શરૂ થયા હતા. 2001માં ખાણકામ બંધ કરવામાં આવ્યું ત્યાં સુધીમાં અહીંથી લગભગ 800 ટન સોનું કાઢવામાં આવ્યું હતું. અગાઉ અહીંથી કેટલું સોનુ ખોદી કાઢવામાં આવ્યું હતું તે કોઈ જાણતું નથી. અહીં એક ટનલની લંબાઈ 1,360 કિલોમીટરની છે. એ વિશ્વમાં બીજા ક્રમની સૌથી ઊંડી ટનલ છે. અહીં એક ઊંડી ખાણ હતી.
ખાણકામ માટે નજીકના તામિલનાડુમાંથી મોટી સંખ્યામાં મજૂરો લાવવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના અનુસૂચિત જનજાતિના હતા. ખાણ હવે બંધ થઈ ગઈ છે, પરંતુ કામદારો અને તેમના પરિવારો અહીં જ રહે છે.
87 વર્ષની વયના કળાકાર સુંદરરાજને ગત સદીના મધ્યથી કોલાર ગોલ્ડ ફિલ્ડમાં કામ શરૂ કર્યું હતું.
તેઓ કહે છે, "ચાલો આપણે પાંજરા મારફત ખાણમાં જઈએ. 4,800 ફીટ નીચે ગયા પછી એક જંક્શન આવશે. તેને જંક્શન 48 કહેવામાં આવે છે. પાંજરું ત્યાંથી આગળ જતું નથી. બાજુની ટનલમાં જાય છે. ત્યાંથી પગથિયાં મારફત 200-300 ફીટ ઉપર ચડવું પડે છે."
"ફરી પાંજરા સુધી પહોંચવા માટે 200-330 ફીટ નીચે ઊતરવું પડે છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ એક કલાકથી વધુ કામ કરી શકતી નથી."
સુંદરરાજન ઉમેરે છે, "તેના વિશે વિચારવાથી હવે દુઃખ થાય છે. અમે એક દિવસમાં 600 ફીટ ચડ-ઊતર કરતા હતા. 300 ફીટ ઉપર અને 300 ફીટ નીચે. મેં ખાણમાં 16 વર્ષ કામ કર્યું હતું."
"બાદમાં મને ઉપરના માળે આવેલી ગોલ્ડ એસે લેબોરેટરીમાં કામ કરવા મોકલવામાં આવ્યો હતો. ત્યાં કડક સલામતી હતી. કામદારો કામ પરથી ઘરે પાછા જાય ત્યારે તેમના કપડા ઉતારીને તપાસ કરવામાં આવતી હતી. બધા ગાર્ડ્ઝ ઉત્તર ભારતીય હતા."
જોકે, સુંદરરાજને કામ શરૂ કર્યું ત્યાં સુધીમાં ખાણમાંથી સોનાનો પુરવઠો ઓછો થવા લાગ્યો હતો. એક ટન માટીમાંથી 4-5 ગ્રામ સોનું મળતું હતું, તે ઘટીને એક ગ્રામ થઈ ગયું હતું.
કલૈયારાસનના જણાવ્યા મુજબ, એ પ્રમાણ ખાણકામના ખર્ચની તુલનાએ અપૂરતું હતું. કલૈયારાસન ખાણમાં કામ કરતા હતા ત્યારે તેમનો માસિક પગાર 60 રૂપિયા હતો.
તેઓ કહે છે, "એટલા પગારમાં અમે અમારા પરિવારને કેવી રીતે સંભાળી શક્યા તે અદ્ભુત છે. ખાણના સંચાલકો અમારા રહેવા તથા ખાવા-પીવાની વ્યવસ્થા કરતા હતા. તેથી બીજો કોઈ મોટો ખર્ચ ન હતો."
‘ખાણમાંથી સોનું કાઢ્યું તેમણે પોતાની આંખે તેને જોયું ન હતું’

ઇમેજ સ્રોત, Getty Images
ખાણના સંચાલકોએ કામદારોને રહેવા માટે મકાન આપ્યાં હતાં. તેને ઘર કહેવામાં આવતા હતા, પરંતુ હકીકતમાં તે વાંસની બનેલી આઠ ફૂટ લાંબી અને આઠ ફૂટ પહોળી ઝૂંપડીઓ હતી. જે જગ્યાએ ઝૂંપડીઓ હતી ત્યાં હવે કામદારોએ પોતાની અનુકૂળતા મુજબ ઘર બનાવ્યાં છે, પરંતુ એ જગ્યાની માલિકી તેમની નથી.
કલૈયારાસન કહે છે, "સોનાનું ખાણકામ ચાલી રહ્યું હતું એ સમયગાળામાં બહુ ઓછી નોકરીઓ ઉપલબ્ધ હતી. તેથી તામિલનાડુના ઉત્તર આર્કોટ જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં અહીં કામ કરવા માટે આવતા હતા. તે સમયે પગાર બહુ ઓછો હતો, પરંતુ મોટાભાગના ખર્ચ ખાણના સંચાલકો પર નિર્ભર હતો. તેથી પૈસાની ભૂખ ન હતી."
83 વર્ષના એન. આનંદરાજ ગોલ્ડ ફિલ્ડમાં કામ કરીને નિવૃત્ત થયેલા કામદાર છે. આનંદરાજ 1961માં ખાણમાં જોડાયા હતા અને 1997માં નિવૃત્ત થયા હતા. તેમના જણાવ્યા મુજબ, કલૈયારાસનની વાત સાચી છે.
આનંદરાજ કહે છે, "એ સમયગાળામાં પગાર બહુ ઓછો હોવા છતાં કામદારોમાં સંતોષની લાગણી હતી. હવે બધા અલગ-અલગ જગ્યાએ કામ કરી રહ્યા છે અને વધારે કમાણી કરી રહ્યા છે. તેમ છતાં કોઈને રાહત નથી. કોલાર ગોલ્ડ ફિલ્ડ ટાઉન બહુ સ્વચ્છ હતું. એ સ્વચ્છતા હવે રહી નથી."
એક અન્ય રસપ્રદ વાત એ છે કે કોલાર ગોલ્ડ ફિલ્ડના ઘણા કામદારોએ ત્યાંથી કાઢવામાં આવેલું સોનું ક્યારેય જોયું ન હતું.
આનંદરાજ કહે છે,"અહીં જે પથરા પડ્યા છે તેના જેવા પથ્થરો અમે ખાણમાંથી કાઢતા હતા. તેમાંથી સોનું કાઢવામાં આવતું હતું. અહીં કામ કરનાર કામદારોએ અહીંથી કાઢવામાં આવેલું સોનું ક્યારેય જોયું નથી."
ભૂતપૂર્વ કામદારો હજુ પણ બેઘર

ખાણ બંધ થયાને હવે લગભગ 23 વર્ષ થઈ ગયાં છે. જોકે, ભૂતપૂર્વ કામદારો હજુ પણ વળતર માટે લડત ચલાવી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે તેઓ જે મકાનમાં રહે છે તેનો પ્લૉટ તેમને આપવામાં આવે.
કોર્ટે કામદારોની તરફેણમાં ચુકાદો આપ્યો હોવા છતાં સરકાર તે ચુકાદાના અમલમાં વિલંબ કરી રહી છે, એમ ઍડવોકેટ અને ભારતીય સામ્યવાદી પક્ષનાં સભ્ય આર. જ્યોતિ બસુ જણાવે છે.
તેઓ કહે છે, "2001માં સોનાની ખાણ બંધ કરવાના નિર્ણયને શ્રમિકોએ કોર્ટમાં પડકાર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ખાણને બંધ કરવાનો નિર્ણય ખોટો હતો."
"વહીવટીતંત્ર અને કેન્દ્ર સરકારે તેની સામે અપીલ કરી હતી. એ કેસની સુનાવણી હાથ ધરનાર ડિવિઝન બૅન્ચે 2003માં ચુકાદો આપ્યો હતો કે ખાણને બંધ કરવાનો નિર્ણય યોગ્ય હતો, પરંતુ કામદારો ત્યાં 10 ચોરસ ફૂટ જગ્યામાં જ રહેતા હતા. કામદારોને તેમણે કામ કર્યું હોય એટલા સમયગાળા મુજબ વળતર આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો હતો."

"કેન્દ્રીય કેબિનેટની ઑગસ્ટ, 2006ની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી કે સરકારે કોર્ટની ભલામણ સ્વીકારી છે. પહેલાં વળતરની અડધી રકમ ચૂકવવામાં આવશે. પછી બાકીનો હિસ્સો ચૂકવાશે. મકાનોની માલિકી કામદારોની હશે."
"એ પછી કામદારો સ્વૈચ્છિક નિવૃત્તિ માટે સંમત થયા હતા અને મેનેજમેન્ટ સાથે કરાર કર્યા હતા. 3,500 કામદારોને હાઉસિંગ સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હતા."
"50 ટકા વળતર ચૂકવવામાં આવ્યું હતું, પરંતુ બાકીના 50 ટકા હિસ્સાની ચૂકવણી બાકી છે,” એમ આર. જ્યોતિ બસુ જણાવે છે.
તેઓ ઉમેરે છે, "એ પછી કામદારોએ 2020માં ફરી અદાલતનો સંપર્ક કર્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે 2024ની 9, મેના રોજ આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે કામદારોને બાકીનો 50 ટકા હિસ્સો, 2001થી છ ટકા વ્યાજ સાથે ચૂકવવામાં આવે. એ ચુકાદાને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં નાણા ચૂકવાયા નથી. મકાનોની માલિકી પણ કામદારોને આપવામાં આવી નથી."
આર. જ્યોતિ બસુના કહેવા મુજબ, "સોનાની ખાણ બંધ થયા પછી કોલાર ક્ષેત્રમાં કોઈ રોજગાર નથી. અહીંથી ટ્રેનમાં એક કલાક પ્રવાસ કરીને બેંગલુરુ જવું શક્ય છે."
"તેથી અહીંના રહેવાસીઓ બેંગલુરુ જાય છે અને પોતાના ઘર સાથે જોડાયેલા રહે છે. તેથી કામદારો હાલ જે ઘરમાં રહે છે, તેની માલિકી તેમને આપવામાં આવે તો અનુકૂળતા થશે. સરકાર બાકીનું 50 ટકા વળતર વહેલી તકે ચૂકવે તેવી કામદારોની અપેક્ષા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












