જ્યાંથી 800 ટન સોનું નીકળ્યું હતું તે ભારતની કોલાર ગોલ્ડ ફિલ્ડ કેવી રીતે શોધાઈ હતી?

કહેવાય છે કે ભારતમાં કોલાર ગોલ્ડ માઇન્સમાંથી એક વિશેષ સમયગાળામાં 800 ટન સોનું કાઢવામાં આવ્યું (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાય છે કે ભારતમાં કોલાર ગોલ્ડ માઇન્સમાંથી એક વિશેષ સમયગાળામાં 800 ટન સોનું કાઢવામાં આવ્યું (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, મુરલીધરન કાશી વિશ્વનાથન
    • પદ, બીબીસી તામીલ

તામિલનાડુનાં સિનેમાગૃહોમાં ફિલ્મ 'થંગાલન' રજૂ થઈ ત્યારે તેણે વિશ્વભરમાંથી 26 કરોડ 50 લાખ જેટલું ટર્નઑવર કર્યું હતું. તે ફિલ્મ અભિનેતા વિક્રમની કોઈ પણ ફિલ્મનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ ઓપનિંગ ગણાઈ હતી.

ફિલ્મની કથાવસ્તુના કેન્દ્રમાં કોલાર ગોલ્ડ ફિલ્ડ, તેમાંથી નીકળતું સોનું તથા તેની સાથે જોડાયેલા જનસમુદાયની વાત છે. આ પહેલાં કેજીએફ : ચૅપ્ટર-1 તથા કેજીએફ : ચૅપ્ટર-2 રજૂ થઈ હતી, જેના કેન્દ્રમાં પણ કર્ણાટકની આ સોનાની ખાણ હતી.

19મી સદીના અંતભાગમાં આ ખાણમાંથી સોનું કાઢવાની શરૂઆત થઈ હતી, પરંતુ તેની સાથે જોડાયેલી માન્યતાઓ અને કિવદંતીઓ સદીઓ પુરાણી છે.

શું કારણ છે કે આ બંધ થઈ ગઈ હોવા છતાં ખાણની કહાણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આકર્ષે છે. શા માટે અહીં સોનાનું ખાણકામ બંધ થઈ ગયું?

દેશની સૌથી મોટી સોનાની ખાણ

કોલાર ગોલ્ડ ફિલ્ડમાં બિસ્માર ઇમારતોની તસવીર
ઇમેજ કૅપ્શન, એક સમયે કોલાર ગોલ્ડ માઇન્સ દેશની સૌથી મોટી સોનાની ખાણ હતી

કોલારની ખાણ ભારતની સૌથી મોટી સોનાની ખાણ છે, જે બેંગલુરુથી લગભગ 90 કિલોમીટરના અંતરે કોલાર જિલ્લાના બ્રાઉરિંગપૅટ તાલુકામાં આવેલી છે. કોલારમાં ઔદ્યોગિક રીતે વર્ષ 1880થી સોનાનું ખાણકામ ચાલુ થયું અને વર્ષ 2001માં આ ખાણને બંધ કરી દેવામાં આવી.

આ ગાળા દરમિયાન ખાણમાંથી 800 ટન કરતાં વધુ સોનું કાઢવામાં આવ્યું હતું. એ પહેલાં ત્યાંથી કેટલું સોનું કાઢવામાં આવ્યું હતું, તેના વિશે કોઈ નથી જાણતું. છતાં વિશ્વના સોનાનાં ઉત્પાદનમાં કોલારનો ફાળો માત્ર બે ટકા જેટલો હતો.

ધરતીના પેટાળમાંથી કિંમતી ધાતુને કાઢવા માટે એક હજાર 360 કિલોમીટર જેટલી ટનલો ખોદવામાં આવી હતી. જમીનથી લગભગ ત્રણ કિલોમીટર નીચે સુધી સૂરંગ ખોદવામાં આવી હતી, જે વિશ્વની બીજી સૌથી ઊંડી ટનલ છે.

'અલ દોરાદો'ની શોધમાં

ફિલ્મ થંગલનમાં વિક્રમની તસવીર

ઇમેજ સ્રોત, Neelam Productions/X

ઇમેજ કૅપ્શન, વિક્રમની ફિલ્મને રેકૉર્ડ ઑપનિંગ મળ્યું

પશ્ચિમી સમાજમાં 'અલ દોરાદો' વિશે એવી કિવદંતી પ્રચલિત છે કે આ નામથી એક સોનાનું શહેર હતું, જેથી લોકોમાં તેના વિશે આકર્ષણ રહ્યું છે. એવી જ રીતે ભારતમાં પણ કોલાર ગોલ્ડ ફીલ્ડ વિશે અનેક માન્યતાઓ પ્રચલિત છે.

બ્રિજૅટ વ્હાઇટ તેમનાં પુસ્તક 'કોલાર ગોલ્ડ ફિલ્ડ ડાઉન મૅમરી લૅન'માં લખે છે કે પાંચમી સદીમાં ગુપ્તકાળ દરમિયાન પણ આ ખાણમાંથી સોનું કાઢવામાં આવતું.

વેંકટસ્વામીએ 'કોલાર ગોલ્ડ માઇન્સ' નામથી પુસ્તક લખ્યું છે, જેને ઇન્ડિયન જિયોલૉજિકલ સરવે દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં વેંકટસ્વામી લખે છે કે સિંધુ ખીણની સભ્યતા દ્વારા પણ આ ખાણનો ઉપયોગ થતો.

એક સમયે તે ગંગા, ચૌલ, હોયસલ તથા વિજયનગર શાસકોને આધીન હતી. એ પછી તે બીજાપુરની સલ્તનતના તાબામાં આવી, આગળ જતાં મૈસુરના હૈદર અલી અને ટીપુ સુલતાનનો કબજા થયો.

મૈસુરની ચોથી લડાઈમાં ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. એ પછી મૈસુરનો સરવે કરવા માટે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ જોન વૉરન નામના સૈન્યઅધિકારીની નિમણૂક કરી.

જ્યારે તેઓ ઇરાકૉન્ડાના ટેકરીવાળા વિસ્તારમાં પહોંચ્યા ત્યારે ઉરગાંવ તથા મારિકુપ્પમ જેવા વિસ્તારોમાંથી સોનું મળતું હોવાની વાત સાંભળી. આ વિસ્તારના લોકો માટી અને પથ્થરમાંથી સોનું અલગ કરવાની વિદ્યામાં પારંગત હતા.

ફિલ્મ કેજીએફમાં અભિનેતા યશની તસવીર

ઇમેજ સ્રોત, KGF/Facebook

ઇમેજ કૅપ્શન, યશઅભિનિત કેજીએફ ચૅપ્ટર-1 તથા કેજીએફ ચૅપ્ટર-2માં કોલારની ખાણો કેન્દ્રમાં હતી

વૉરને એ વિસ્તારની જમીન અને માટીનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. કોલાર ગોલ્ડ માઇન્સ પુસ્તકના વિવરણ પ્રમાણે, થેરુ તથા ડેડુ સમાજના 12 લોકો આ કામમાં સાથ આપવા તૈયાર થયા, જેમાંથી ત્રણ શ્રમિકને રોજનો એક ચાંદીનો સિક્કો આપવાનું નક્કી થયું હતું.

સોના વિશેની વાતો સાંભળીને અનેક લોકો રોકાણ કરવા તૈયાર થયા, ત્યારે જોન વૉરને જાહેરાત કરી કે જે કોઈ સોનાની ખાણની જગ્યા દેખાડશે તેને પુરસ્કાર આપવામાં આવશે.

વૉરિંગમની એક વ્યક્તિએ ખાણકામ માટેની પ્રાચીન જગ્યા દેખાડવાની તૈયારી દાખવી અને ત્યાંની જમીનમાંથી પ્રચૂર માત્રામાં સોનું મળી આવ્યું હતું.

વૉરને તે સોનાને ગુણવત્તાની ચકાસણી માટે મદ્રાસ (હાલનું ચેન્નાઈ) મોકલ્યું. પરીક્ષણ દરમિયાન તે સોનું ઉચ્ચ ગણવત્તાનું માલૂમ પડ્યું હતું, પરંતુ એ સમયે સરકારને સોનું કાઢવામાં રસ ન હતો.

સોનાની શોધમાં સાહસિકો

વીડિયો કૅપ્શન, ભરૂચમાં રસ્તા પર સોનાનો પથ્થર કોણે મૂક્યો?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માઇકલ લાવૅલી તત્કાલીન બેંગ્લોરમાં સૈનિક તરીકે કામ કરતા. તેમને સોનાની શોધ વિશે માહિતી મળી, એટલે તેમણે મૈસુરની સરકાર પાસે કોલારમાં સોના માટે ખાણકામની મંજૂરી માગતી અરજી કરી. ભારે મુશ્કેલી પછી વર્ષ 1875માં માઇકલને મંજૂરી મળી ગઈ. જોકે, બીજા જ વર્ષે તેમણે આ લાઇસન્સ અન્ય કોઈને ટ્રાન્સફર કરી દીધું.

અનેક લોકોએ મળીને એ સમયમાં પાંચ હજાર પાઉન્ડ જેવી માતબર રકમનું રોકાણ કર્યું અને તેને 'કોલાર કન્સૅસનિયનાર' એવું નામ આપ્યું. શરૂઆતમાં બહુ થોડું સોનું મળ્યું, પરંતુ ધીમે-ધીમે તેનું પ્રમાણ વધવા લાગ્યું.

આ પછી ચેન્નાઈ તથા ઉરિગમ કંપનીએ 10 હજાર પાઉન્ડનું રોકાણ કર્યું. ત્યારબાદ મૈસૂર માઇન્સ કંપની અને નંદીદુર્ગએ પણ પૈસા રોક્યા. એ પછી ખરા અર્થમાં કોલારમાં માઇનિંગની શરૂઆત થઈ.

1885 આસપાસ પોતાના ખોજઅભિયાન દરમિયાન કૅપ્ટન પ્લમરે મારિકુપ્પમની જૂની ખાણમાં પ્રવેશ કર્યો. તેમણે એ જ દિશામાંથી આગળ વધવાને બદલે વિરુદ્ધની દિશામાંથી સારકામ શરૂ કર્યું અને સોનાની સાથે કિસ્મત પણ ચમકવા લાગી. એક જ જગ્યાએથી લગભગ છ હજાર ઔંસ સોનું મળી આવ્યું હતું.

વર્ષ 1894માં બેંગ્લોરથી કોલારની વચ્ચે મીટરગૅજ રેલવેટ્રૅક નાખવામાં આવ્યો હતો. શરૂઆતનાં વર્ષોમાં ફાનસ અને મશાલથી ખાણકામ થતું, પરંતુ આ ઝડપ વધારવા માટે પાસેના શીવસમુદ્રમ ડૅમમાંથી પાણી અને વીજળી (વર્ષ 1902) અહીં પહોંચાડવામાં આવ્યા. કોલાર એ દક્ષિણ ભારતનું પહેલું શહેર હતું કે જ્યાં વીજળી સુલભ બની હતી.

કોલાર ગોલ્ડ માઇનની 'ચમક'

કેજીએફ ખાણમાં બીસ્માર ઇમારતોની તસવીર
ઇમેજ કૅપ્શન, બીજા વિશ્વયુદ્ધ સમયે કેજીએફમાં 32 હજાર જેટલા મજૂર કામ કરતા

ટૂંક સમયમાં કોલાર ખાતે ખાણકામની પ્રવૃત્તિ વધવા લાગી. વર્ષ 1888-89 સુધીમાં અહીં લગભગ 48 શાફ્ટ ગાળવામાં આવ્યા હતા અને તેમાંથી સોનું કાઢવામાં આવતું.

તામિલનાડુના જનજાતીય લોકોને અહીં મોટાપાયે મજૂર તરીકે લાવવામાં આવ્યા. શરૂઆતના સમયમાં સલામતીવ્યવસ્થા નહીંવત્ હતી તથા અકસ્માતે અનેક મજૂર મૃત્યુ પામતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અહીં 32 હજાર મજૂર કામ કરતા. એ પછી અહીંથી મળતું સોનું ઘટવા લાગ્યું હતું અને માઇનિંગ કંપનીઓને નુકસાન થવા લાગ્યું હતું.

સ્વતંત્રતા પછી મૈસુરના રાજવી પરિવારે ભારત સાથે જોડાવાનો નિર્ણય કર્યો. જ્યારે કે. હનુમંતૈયા મૈસુર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા, ત્યારે તેમણે સોનાની ખાણનું રાષ્ટ્રીયકરણ કરવાની માગ જોશભેર ઉઠાવી.

એસ. નિજલિંગપ્પાના સમયમાં આ ખાણની ઉપર રાજ્ય સરકારનું પ્રભુત્વ પ્રસ્થાપિત થયું. તા. 28 નવેમ્બર 1956ના જોન ટૅલર ઍન્ડ કંપનીએ ખાણનો કબજો રાજ્ય સરકારને સોંપી દીધો. કોલાર ગોલ્ડ માઇનિંગ અંડરટૅકિંગ્સ નામના જાહેરસાહસે ખાણકામ શરૂ કર્યું. એજ વર્ષે તત્કાલીન મૈસુર સ્ટેટમાંથી અલગ કર્ણાટક રાજ્યની સ્થાપના થઈ.

રાજ્ય સરકાર દ્વારા કોલારમાં ખૂબ ઊંડી ખાણો ખોદવામાં આવી, છતાં બહુ થોડું સોનું મળ્યું. જાહેરસાહસની કંપની બન્યા પછી માઇનમાંથી સોનું નીકળવાનો દર સતત ઘટતો રહ્યો. વર્ષ 1956થી 1962 દરમિયાન રૂ. 20 કરોડનું સોનું મળ્યું હતું.

કર્ણાટક સરકારને લાગતું હતું કે કંપનીને ચલાવવાથી નુકસાન થઈ રહ્યું છે, એટલે તેનો કબજો ભારત સરકારને સોંપી દેવામાં આવ્યો. કેન્દ્ર સરકારના ખાણ અને ખનીજ વિભાગે વર્ષ 1972માં 'ભારત ગોલ્ડ માઇન્સ'ની સ્થાપના કરી.

KGFનું 'ચૅપ્ટર-2'

શ્રમિકના હાથમાં સોનાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્ર સરકારનું ઉપક્રમ બનવા છતાં ખાણમાંથી નીકળતા સોનાની ઉત્પાદકતા વધી નહોતી.

સોનું મેળવવા માટે કેજીએફમાં ચૅમ્પિયન રીફને લગભગ ત્રણ હજાર 200 મીટર ઊંડે સુધી સારકામ કરવામાં આવ્યું હતું. એક તબક્કે એક ટન માટીમાંથી 14 ગ્રામ સોનું મળતું હતું, જે ધીમે-ધીમે ઘટીને ચાર ગ્રામ થઈ ગયું હતું.

વિદેશમાં સોનું જે ભાવે ઉપલબ્ધ હતું, તેના કરતાં આ લગભગ 10 ગણી કિંમત હતી. વર્ષ 1998માં કોલાર ગોલ્ડ ફિલ્ડના સોનાના ભંડાર ખૂટી ગયા. એટલે વર્ષ 2001માં કંપનીને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. લગભગ ત્રણ હજાર 800 શ્રમિકોએ તેનો વિરોધ કર્યો, પરંતુ સમય તેમની સાથે ન હતો.

એક સમયે માઇનિંગને કારણે ધમધમતા કોલારમાં આજે બહુ થોડી વસતી રહે છે. સ્થાનિકો રોજગાર માટે બેંગ્લોર તથા અન્ય શહેરોમાં હિજરત કરી ગયા છે. ખાણની બિસ્માર મશીનરી અને ઇમારતોમાં ઝાડીઝાંકરા ઊગી નીકળ્યાં છે. છતાં તે એક સમયની કોલાર ગોલ્ડ ફિલ્ડની ભવ્યતાની સાક્ષી પૂરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.