ભારતીય ગુલામોનો વેપાર કરનાર એક ક્રૂર અને લોભી દાતાની કહાણી

- લેેખક, ગીતા પાંડે
- પદ, બીબીસી ન્યૂઝ, દિલ્હી
અમેરિકાની યેલ યુનિવર્સિટીએ તેના પ્રારંભિક નેતાઓ અને દાતાઓ ગુલામી સાથે સંકળાયેલા હોવા બદલ ગયા મહિને ઔપચારિક માફી માગી હતી.
એ પછી ભારતમાં એલિહુ યેલ બાબતે વ્યાપક ચર્ચા થઈ રહી છે. એલિહુ યેલના નામ પરથી આ આઈવી લીગ યુનિવર્સિટીનું નામ રાખવામાં આવ્યું છે.
એલિહુ યેલે 17મી સદીમાં દક્ષિણ ભારતના મદ્રાસ (હાલના ચેન્નાઈ)માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સર્વશક્તિમાન ગવર્નર-પ્રૅસિડેન્ટ તરીકે સેવા આપી હતી. તેમણે આપેલા 1,162 પાઉન્ડના દાનને લીધે યુનિવર્સિટીને તેમનું નામ આપીને સન્માન કર્યું હતું.
બર્મિંઘમની એસ્ટન યુનિવર્સિટીમાં આધુનિક ઇતિહાસ ભણાવતા અને હિંદ મહાસાગરમાં ગુલામોના વેપાર સાથે યેલના સંબંધનો અભ્યાસ કરનાર ઇતિહાસકાર જોસેફ યાનીએલીએ બીબીસીને કહ્યું હતું, "આજના ફુગાવાના સંદર્ભમાં ગણતરી કરો તો તે દાન 2,06,000 પાઉન્ડની સમકક્ષ થાય."
આજના સંદર્ભમાં તે બહુ મોટી રકમ નથી, પરંતુ એ નાણાંને લીધે કૉલેજને સંપૂર્ણ નવી ઇમારત બાંધવામાં મદદ મળી હતી.
ઘણી વાર સારી વસ્તુઓના ગુણગ્રાહક તથા સંગ્રહકર્તા તેમજ ચર્ચ અને સખાવતી સંસ્થાઓને ઉદારતાથી દાન આપનાર તરીકે એલિહુ યેલને ઓળખાવવામાં આવે છે. હવે એલિહુ યેલની ચર્ચા એક એવા સંસ્થાનવાદી તરીકે કરાઈ રહી છે, જેણે ભારતને લૂંટ્યું હતું અને તેનાથી પણ વધુ ખરાબ વાત એ કે તેમણે ગુલામોનો વેપાર કર્યો હતો.
યુનિવર્સિટીએ તેના કાળા ભૂતકાળ બાબતે ત્રણ વર્ષથી વધુ સમય સુધી તપાસ કરી એ પછી માફી માગી છે. યુનિવર્સિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે યેલના ઇતિહાસકાર ડેવિડ બ્લાઇટની આગેવાની હેઠળના સંશોધકોની એક ટીમે "ગુલામી સંદર્ભે યુનિવર્સિટીના ઇતિહાસ, યેલ બિલ્ડિંગના નિર્માણમાં ગુલામોની ભૂમિકા અથવા જેમના શ્રમને લીધે અગ્રણી નેતાઓ સમૃદ્ધ બન્યા, જેમણે યેલને ભેટ આપી હતી" તેના વિશે સંશોધન કર્યું હતું.
આ માફીની સાથે પ્રોફેસર બ્લાઇટલિખિત પુસ્તક "યેલ ઍન્ડ સ્લેવરીઃ એ હિસ્ટ્રી"નું પ્રકાશન પણ કરવામાં આવ્યું હતું. એલિહુ યેલને ગુલામીમાંથી કેટલો ફાયદો થયો હતો તેની માહિતી આ પુસ્તકમાં આપવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રોફેસર બ્લાઇટે લખ્યું છે, "હિંદ મહાસાગરનો ગુલામોનો વેપાર કદ અને અવકાશની બાબતમાં ઍટલાન્ટિકના ગુલામોના વેપાર સાથે મેળ ખાતો હતો. તે 19મી સદી સુધી એટલો વ્યાપક બન્યો ન હતો, પરંતુ ભારતીય ઉપમહાદ્વીપ પર તેના દરિયાકાંઠે તેમજ અંતરિયાળ અને અંદરના પ્રદેશોમાં બહૂ જૂનો હતો.”
તેઓ ઉમેરે છે, "એલિહુ યેલ ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે ગુલામ બનાવવામાં આવેલા લોકોના વેચાણ, નિર્ણયનો અને હિસાબની દેખરેખ રાખતા હતા."
પ્રોફેસર યાનીએલીના કહેવા મુજબ, ઍટલાન્ટિકમાં 400 વર્ષમાં 1.20 કરોડ ગુલામોનું વેચાણ થયું હતું.
હિંદ મહાસાગરમાં એવો વેપાર બહુ મોટો હતો, કારણ કે તે ઘણા મોટા ભૌગૌલિક વિસ્તારને આવરી લેતો હતો. તે દક્ષિણ પૂર્વ એશિયાને મધ્ય પૂર્વ તથા આફ્રિકા સાથે જોડતો હતો. તે લાંબા સમય સુધી ચાલ્યો હતો.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભૂતકાળની આ તપાસ મહત્ત્વની છે. કનેક્ટિકટના ન્યૂ હેવનમાં 1707માં સ્થાપવામાં આવેલી યેલ યુનિવર્સિટી અમેરિકામાં ઉચ્ચ શિક્ષણની ત્રીજી સૌથી જૂની સંસ્થા છે અને તેમાં ભણેલા લોકોમાં અમેરિકાના સંખ્યાબંધ પ્રમુખો તથા પ્રતિષ્ઠિત લોકોનો સમાવેશ થાય છે.
બધી માહિતી સારી રીતે નોંધાયેલી છે. એલિહુ યેલે 1713માં ધર્મશાસ્ત્ર, સાહિત્ય, ઔષધ, ઇતિહાસ અને સ્થાપત્ય વિશેના સેંકડો પુસ્તકો, કિંગ જ્યૉર્જ પ્રથમનું પોટ્રેટ, ઉત્તમ કાપડ તેમજ અન્ય મૂલ્યવાન ચીજો કૉલેજિયેટ સ્કૂલ ઑફ કનેક્ટિકટને મોકલી હતી. એ વસ્તુઓને વેચીને એકત્ર કરાયેલાં નાણાંનો ઉપયોગ ત્રણ માળની નવી ઇમારત બનાવવા માટે કરવામાં આવ્યો હતો. એલિહુના માનમાં તેનું નામ યેલ કૉલેજ રાખવામાં આવ્યું હતું.
ઇતિહાસકાર, પરિવારના સભ્ય અને 19મી સદીમાં એલિહુ યેલનું જીવનચરિત્ર લખી ચૂકેલા રોડની હોરેસ યેલના કહેવા મુજબ, "એલિહુ યેલે આપેલા દાનને લીધે યેલ કૉલેજના અનિશ્ચિત ભાવિને કાયમી નિશ્ચિતતા મળી હતી."
તેમને યેલે અમરત્વ પણ આપ્યું હતું. એલિહુ યેલના કોઈ સીધા વંશજો ન હોવા છતાં યેલ યુનિવર્સિટીએ તેમના નામને જાળવી રાખ્યું છે.
યુનિવર્સિટીએ માફીપત્રમાં જણાવ્યું હતું, “તે વૈવિધ્ય વધારવા, સમાનતાને સમર્થન આપવા અને આવકાર, સમાવેશ તથા આદરના વાતાવરણને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે તેમજ ન્યૂ હેવનમાં વ્યાપક આર્થિક વૃદ્ધિને આગળ વધારશે.”
ન્યૂ હેવનમાં કુલ વસ્તીના 30 ટકા લોકો અશ્વેત છે. નામ બદલવાની વિચારણા બાબતે યુનિવર્સિટીએ કશું જણાવ્યું નથી. નામ બદલવાના સૂચનને તેણે ભૂતકાળમાં નકારી કાઢ્યા છે.
યેલની ક્રૂરતા

એપ્રિલ, 1649માં બોસ્ટનમાં જન્મેલા એલિહુ યેલ ત્રણ વર્ષના હતા ત્યારે પરિવાર સાથે ઇંગ્લૅન્ડ ગયા હતા. તેઓ યુવા વયે ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં કારકૂન તરીકે કામ કરવા મદ્રાસની વ્હાઈટ કૉલોની ફોર્ટ સેન્ટ જ્યૉર્જ ખાતે પહોંચ્યા હતા.
રોડની હોરેસ યેલે લખ્યું હતું કે કંપની દ્વારા ઑફર કરવામાં આવેલો પગાર "હાસ્યાસ્પદ રીતે ઓછો હતો. ગવર્નરને દર વર્ષે 100 પાઉન્ડ આપવામાં આવતા હતા, જ્યારે એપ્રેન્ટિસને પાંચ પાઉન્ડ આપવામાં આવતા હતા." તેઓ અને અન્ય ઇતિહાસકારો કહે છે તેમ, કંપનીના તમામ કર્મચારીઓ પોતાના નફા માટે તમામ પ્રકારનો વેપાર કરતા હતા.
એ પછીનાં વર્ષોમાં યેલની રેન્ક વધી હતી અને આખરે 1687માં તેમને ગવર્નર-પ્રૅસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ નોકરી તેમણે 1692 સુધી કરી હતી. "ખાનગી સોદા માટે કંપનીના ભંડોળના ઉપયોગ, મનસ્વી વહીવટ અને ફરજના અવગણના કરવા બદલ" 1962માં તેમને પાણીચું આપવામાં આવ્યું હતું.
1699માં 51 વર્ષની વયે તેઓ ઇંગ્લૅન્ડ પાછા ફર્યા ત્યારે ખૂબ જ શ્રીમંત માણસ હતા. તેમણે ગ્રેટ ઓરમંડ સ્ટ્રીટ ખાતેના ક્વીન્સ સ્ક્વેરમાં એક ભવ્ય ઘર બનાવ્યું હતું અને તેને કળા તથા અત્યંત મૂલ્યવાન કળાકૃતિઓથી સજાવ્યું હતું.
જુલાઈ, 1721માં તેમનું મૃત્યુ થયું ત્યારે બ્રિટિશ અખબારોએ તેમને “વ્યાપક સખાવત માટે જાણીતા સજ્જન” ગણાવ્યા હતા, પરંતુ ઇતિહાસકારો કહે છે કે તેઓ મદ્રાસમાં હતા ત્યારે તેમની ક્રૂરતા અને લોભ માટે પણ જાણીતા હતા.
તેમના અનુગામીઓએ યેલના ગવર્નરના કાર્યકાળ દરમિયાન તેમના પર ભ્રષ્ટાચાર અને કાઉન્સિલના ઘણા સભ્યોના અસાધારણ સંજોગોમાં થયેલા મૃત્યુનો આરોપ મૂક્યો હતો.
તેમણે "તેમની પરવાનગી વિના તેમના મનપસંદ અશ્વ પર સવારી કરવા બદલ" તેમના ઘોડાના એક રખેવાળને ફાંસીની સજાનો આદેશ આપ્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, એમ રોડની હોરેસ યેલે નોંધ્યું છે.
ભારતીય ગુલામોનો વેપાર

ઇતિહાસકારના જણાવ્યા મુજબ, આ કેસમાં પુરાવા વિશે થોડી શંકા છે, પરંતુ "એ તેમની પ્રકૃતિથી અલગ નથી."
રોડની હોરેસ યેલે લખ્યું છે, "તેઓ મદ્રાસમાં સત્તા પર હતા ત્યારે ઘમંડ, ક્રૂરતા, વિષયાસક્ત અને લોભ માટે જાણીતા હતા. તેમની આજુબાજુનું વાતાવરણ આ બધા માટે નિશ્ચિતપણે ઉપકારક હશે."
જોકે, રોડની હોરેસ યેલે ગુલામોના વેપારમાં તેમના પૂર્વજની ભૂમિકાને નજરઅંદાજ કરી દીધી છે. આવું જ કંઈક એલિહુ યેલના અન્ય જીવનચરિત્ર લેખકોએ તથા તાજેતરના ઇતિહાસકારોએ કર્યું હોવાના આક્ષેપ પણ થયા છે.
ફોર્ટ સેન્ટ જ્યૉર્જના કૉલોનિયલ રેકૉર્ડ્ઝનો અભ્યાસ કરી ચૂકેલા પ્રોફેસર યાનીએલી કહે છે, "બધું એકદમ સ્પષ્ટ છે અને એલિહુ યેલ ગુલામોના એક સક્રિય અને સફળ વેપારી હતા," એ વાતને નકારી શકાય નહીં.
એલિહુ યેલ ગુલામોના વેપારમાંથી કેટલા પૈસા કમાયા હતા તેનું અનુમાન લગાવવાનું જોખમ પ્રોફેસર યાનીએલી લેવા માગતા નથી, કારણ કે તેમાં વધારો-ઘટાડો થતો રહેતો હતો. બીજું કારણ એ છે કે યેલે હીરા અને કાપડનો વેપાર પણ કર્યો હતો."દરેક વેપારમાંથી કેટલી કમાણી કરી હતી તેનો તાગ મેળવવાનું મુશ્કેલ છે," પરંતુ તેમાં તેમના નસીબે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો.
પ્રોફેસર યાનીએલીએ મને કહ્યું હતું, "તેમની પૈસા કમાવવાની ક્ષમતા પ્રચંડ હતી એ હું કહી શકું. તેઓ હિંદ મહાસાગરમાં ગુલામોના વેપારનો હવાલો સંભાળતા હતા. 1680ના દાયકામાં દક્ષિણ ભારતમાં વિનાશક દુષ્કાળને કારણે મજૂરો વધી પડ્યા હતા અને યેલ તથા ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અન્ય અધિકારીઓએ તેનો બરાબર લાભ લીધો હતો. તેમણે સેંકડો ગુલામો ખરીદ્યા હતા અને તેમને સેન્ટ હેલેના પરની અંગ્રેજી વસાહતમાં મોકલ્યા હતા."
તેમણે ઉમેર્યું હતું, "દરેક આઉટબાઉન્ડ યુરોપિયન જહાજમાં ઓછામાં ઓછા 10 ગુલામો મોકલવાનો આદેશ એક મીટિંગમાં આપવામાં આવ્યો હતો. એ મીટિંગમાં યેલે ભાગ લીધો હતો."
"1687માં માત્ર એક મહિનામાં ફોર્ટ સેન્ટ જ્યૉર્જ ખાતેથી ઓછામાં ઓછા 665 ગુલામોની નિકાસ કરવામાં આવી હતી. મદ્રાસ સેટલમેન્ટના ગવર્નર-પ્રૅસિડેન્ટ તરીકે યેલે પ્રતિ જહાજ 10 ગુલામ મોકલવાના નિયમનો અમલ કર્યો હતો."
યેલના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રોફેસર યાનીએલીએ ગુલામોના વેપારમાં એલિહુ યેલના ભૂમિકા બાબતે તપાસ એક દાયકા પહેલાં ગુલામની રાહ જોઈ રહેલા ગવર્નરનું ચિત્ર તેમણે જોયું ત્યારથી શરૂ કરી હતી.
તેમણે કહ્યું હતું, તે પૅઇન્ટિંગ યેલને ગુલામી સાથે સાંકળતા સૌથી નક્કર પુરાવા પૈકીનું એક છે. તે પૅઇન્ટિંગ 1719થી 1721 વચ્ચેનું છે. તેમાં યેલ અને ત્રણ અન્ય શ્વેત પુરુષોની સેવા કરી રહેલા એક ગુલામનું ચિત્રણ છે.
"એ સમયે ઇંગ્લૅન્ડમાં ગુલામી સર્વવ્યાપી હતી. તેઓ પોતે ગુલામના માલિક હતા કે તે તેમના પરિવારનો સભ્ય માલિક હતો તે સ્પષ્ટ નથી, પરંતુ ચિત્રમાં તેમને અને અન્યોને વાઈન પીરસી રહેલા બાળકની હાજરી દર્શાવે છે કે ગુલામી તેમના રોજિંદા જીવનમાં વણાઈ ગઈ હતી."
પ્રોફેસર યાનીએલી જણાવ્યા મુજબ, "યેલના અગાઉના જીવનચરિત્રકારોએ ગુલામી સાથેના તેમના જોડાણને ઓછું દર્શાવ્યું હોવાનું કારણ ભૂતકાળમાં ઐતિહાસિક સામગ્રીનો અભાવ હોઈ શકે છે, પરંતુ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મીટિંગ્ઝની વિગતવાર નોંધ હવે ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ છે."
"તાજેતરના વિદ્વાનોએ પુરાવાઓને અવગણવાનું પસંદ કર્યું છે, કારણ કે કાં તો તેઓ એ ધ્યાનમાં લેવા માગતા નથી અથવા તો બ્લેક લાઇવ્ઝ મેટર આંદોલન પૂર્વેના સમયગાળાને મહત્ત્વનો ગણવામાં આવતો નથી."
યેલ ગવર્નર હતા ત્યારે તેમણે મદ્રાસમાં ગુલામોના વેપાર પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હોવાના દાવાને પણ પ્રોફેસર યાનીએલી નકારી કાઢે છે.
"યેલ ખરેખર ગુલામીનો અંત લાવ્યા હતા, એમ કહેવું એ તો તેમની ઇમેજને ચમકાવવાનો પ્રયાસ છે. તમે ઓરિજિનલ દસ્તાવેજ પર નજર નાખશો તો સમજાશે કે કંપનીને ગુલામોનો વેપાર બંધ કરવાનું વાસ્તવમાં ભારતના મુઘલ શાસકોએ કહ્યું હતું, પરંતુ યેલ ફરીથી ગુલામોનો વેપાર કરવા લાગ્યા હતા. તેમણે એક વર્ષ પછી ગુલામોને માડાગાસ્કરથી ઇન્ડોનેશિયા લઈ જવાનો આદેશ આપ્યો હતો."
"ગુલામી અને સામ્રાજ્યવાદ સામેનો પ્રતિકાર 15મી સદીમાં શરૂ થયો હતો અને ત્યારે ગુલામી નાબૂદીવાદીઓ હતા, પરંતુ તેમાં યેલનો સમાવેશ નિશ્ચિત રીતે થતો ન હતો."












