'ઘા પર મરચું ચોપડ્યું, ભીખ મગાવી અને જીભ કાપી નાખી', કેવી રીતે નિરાધારોને ગુલામ બનાવતી ટોળકીથી છોડાવાયા?

ઇમેજ સ્રોત, PRAVIN THACKERAY/BBC
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં માનવ તસ્કરીની જે સ્વરૂપ સામે આવ્યું છે તેને સ્થાનિક પોલીસને પણ મૂંઝવણમાં મૂકી દીધી છે.
પોલીસે અત્યાર સુધીમાં 21 ભીખારીઓને બચાવ્યા છે. બેલવંડીના સ્થાનિક ગુંડાઓ આ લોકોને ભીખ માગવા માટે મજબૂર કરતા અને તેમને ભયાનક ત્રાસ પણ આપતા.
આ 21 લોકોમાંથી મોટા ભાગના લોકો તેમનું નામ કે ગામનું નામ પણ યાદ નથી અને તેઓની માનસિક સ્થિતિ પણ સારી નથી.
આ કેસમાં પોલીસે 11 લોકોની માનવ તસ્કરી અને લૂંટ વિરોધી ગુનાના કાયદા હેઠળ ધરપકડ કરી છે, જયારે અન્ય સાત લોકો ફરાર છે.
બેલવંડી પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં અહેમદનગરના શ્રીગોંદ્યા તાલુકાનાં 48 ગામડાંનો સમાવેશ થાય છે. પોલીસને 30 નવેમ્બર 2022ના રોજ સુરેગાંવ શિવરામાં એક નિરાધાર વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.
અન્ય એક અજાણ્યા અપંગ વ્યક્તિનો મૃતદેહ મે 2023માં ધલગાંવમાં કૂવામાંથી મળી આવ્યો હતો. ત્યાર પછી આવી જ એક ઘટના સપ્ટેમ્બર 2023માં પણ બની.
પોલીસ આ રહસ્યમય હત્યાઓની તપાસ છેલ્લા એક વર્ષથી કરી રહી હતી. પોલીસે શકમંદોની પૂછપરછ કરીને પુરાવા મેળવ્યા પછી આખરે ડિસેમ્બર 2023માં આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે 18 ડિસેમ્બરના રોજ દરોડા પાડ્યા અને આરોપીની ધરપકડ કરી.
બેલવંડીના પોલીસ ઇન્સપેક્ટર સંજય ઠેંગેએ કહ્યું, "આ વિસ્તારમાં 2011થી અત્યાર સુધી 71 નિરાધાર લોકોની લાશ આ વિસ્તારમાં મળી છે. આ વિસ્તારમાં કોઈ ઔદ્યોગીક વસાહત પણ ન હતી એટલે કેટલા લોકો બહારથી કામ કરવા માટે આવ્યાં છે તે વિશે પણ શંકા હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેલવંડી પોલીસને આ ધટનાઓની તપાસ દરમિયાન એક સમાચારના આધારે જાણકારી મળી કે આ તાલુકાના અમુક સ્થાનિક ગુંડાઓએ કેટલાક લોકોને પોતાના ઘરના કામ અને ખેત મજૂરી કરાવવા માટે ગુલામ બનાવીને રાખ્યા હતા. આ ઉપરાંત આ લોકોને અલગ-અલગ રેલવે સ્ટેશનો પર ભીખ માગવા માટે પણ મોકલવામાં આવતા હતા. આ લોકોના મૃત્યુ પછી તેમની લાશને પાણીમાં કે બોરીઓમાં ફેકી દેવામાં આવતી હતી.
સંજય ઠેંગેએ આ વિશે વાત કરતા કહ્યું કે તેમને એક વિશ્વાસપાત્ર બાતમી મળી કે બંધકોમાંથી કેટલાક લોકો પાસેથી ઈંટના ભઠ્ઠા અને ખેતરોમાં કામ કરાવવામાં આવે છે. ત્યારબાદ પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને બેલવંડી વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
લાશોની તપાસ કરવામાં આવી

ઇમેજ સ્રોત, PRAVIN THACKERAY/BBC
પોલીસે બેલવંડી વિસ્તારમાં આઠ જગ્યાએ દરોડા પાડી અને 13 લોકોને બચાવ્યા જેમાં 12 પુરૂષ અને એક મહિલા સામેલ છે. પોલીસ આ ઘટનના 11 આરોપીઓમાંથી પાંચની ધરપકડ પણ કરી હતી.
પોલીસે આ સર્ચ ઑપરેશન દરમિયાન માત્ર ઘરો પર જ નહીં પરંતુ ખેતરો પર પણ દરોડા પાડ્યા હતા. આ દરોડાઓ દરમિયાન ખાતારવાડીના એક ઘરમાંથી સલમાન ઉર્ફે કિરણ કુમારને બચાવવામાં આવ્યા હતા.
પીલાજી ભોસલે નામની વ્યક્તિએ તેમને ગુલામ બનાવ્યા હતા. ઘોટવી શિવારાનાં બોડખે માલા વિસ્તારમાં અમોલ ગિરિરાજ ભોસલેએ બિહારના લલ્લન સુખદેવ ચોપાલને બંદી બનાવ્યા હતા. તેમને છોડાવામાં પણ પોલીસ સફળ રહી.
બચાવી લેવાયેલા નિરાધાર લોકોની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. તેમની કહાણીઓ મનને વિચલિત કરી દે તેવી છે.
આ ઘટનાના પીડિત બબલુ, નરશીમ, કલ્લુ, સિદ્ધિશ્વર, પ્રકાશ ભોસલે, વસીમ, જન્સૂર અલી, ગણેશ, પ્રવીણ, વીર સિંહ વિશે વધુ માહિતી મેળવવાનું કામ ચાલી રહ્યું છે. તેઓ પોતાનું પૂરું નામ અને સરનામું કહી શકતા નથી. બચાવાયેલા પીડિતોમાંથી માત્ર ત્રણ લોકો જ તેમનું પૂરું નામ અને સરનામું જણાવી શક્યા હતા.
'પીલાજી આવશે અને મને લઈ જશે' પીડિતોના મનમાં ડર છે

ઇમેજ સ્રોત, PRAVIN THACKERAY/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કરણ મૂળ છત્તીસગઢના રહેવાસી છે. તેમના ગામથી થોડાં વર્ષો પહેલાં ભટકી ગયા પછી તેમણે હૈદરાબાદ રેલ્વે સ્ટેશન પર નિરાધાર રહેવાનું શરૂ કર્યું. તેઓ ભીખ માગીનો પોતાનું ગુજરાન ચલાવતા. તે સ્પષ્ટ હતું કે તેમને આઘાત લાગ્યો હતો. પીલાજી ભોસલે નામનો આરોપી તેમને ભોજન અને કપડાંની લાલચ આપીને શ્રીગોંદ્યા લાવ્યો અને તેમને ગુલામ બનાવ્યા.
પીલાજીને ત્યાં તેઓ ખેતરમાં પાણી પાતા, છાણ એકત્રિત કરતા અને પશુઓની સંભાળ રાખતા. કરણે કહ્યું કે માલિક તેમને ઇલેક્ટ્રિક વાયરથી મારતો. તેમની આંખ પર એક મોટા ઘાનું નિશાન હતું. સવારે નાસ્તામાં તેમને મરચાં આપવામાં આવતાં. ક્યારેજ ઘા વાગ્યો હોય ત્યાં મરતું ચોપડી દેવાતું.
પીલાજીએ કરણને માત્ર થોડું ભોજન આપ્યું પણ એક પણ રૂપિયો ન આપ્યો. કરણે ત્યાંથી ભાગવાની કોશિશ કરી પરંતુ તેમને મોટરસાઇકલ વડે પીછો કરીને પકડી લેવામાં આવ્યા અને પાછા ખેતરે લવાયા.
કરણને તેમનું સરનામું કે સંબંધીઓનાં નામ યાદ નથી. તેમને તેમના ભાઈનું નામ બબલુ અસ્પષ્ટપણે યાદ છે. તેઓ કહે છે ભાઈ દિલ્હીમાં બસમાં કામ કરે છે.
કરણ એકસાથે આખું વાક્ય પણ બોલી શકતા નથી અને અન્ય કોઈ જગ્યાએ જતા ડરે છે. તેમણે પોલીસને વિનંતી કરી છે તેમને પોલીસની સાથે અહેમદનગરમાં જ રહેવા મળે. જો તે ક્યાંય બીજે રહેશે તો પીલાજી આવીને પકડી જશે, આ ડર હજી પણ તેમના મનમાં છે. પોલીસ જ્યારે સર્ચ ઑપરેશન દરમિયાન દરેક ઘરની તપાસ કરી રહી હતી ત્યારે પીલાજીએ કરણને ખેતરમાં જવા માટે કહ્યું હતું. જો કે કરણ ખેતરે જવાની બદલે પોલીસ પાસે જ આવ્યા અને તેથી જ તેમને પીલાજીથી છુટકારો મળ્યો.
મુંબઈ સ્ટેશન પર ભીખ ગતો

ઇમેજ સ્રોત, PRAVIN THACKERAY/BBC
બિહારના સમસ્તીપુરના લલ્લન કહે છે કે તે ગુજરાતમાં એક ચોખાની મિલમાં કામ કરતા હતા. સાબરમતી ટ્રેનમાં બિહારથી ગુજરાત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં સ્ટેશન પર તેમને બળજબરીથી નીચે ઉતારવામાં આવ્યા હતા.
તેમને ખેતરનું કામ, રસોઈ બનાવવા અને બાળકોને શાળાએ મોકલવાની ફરજ પડાવામાં આવી હતી. તેઓ જ્યારે બીમાર રહેતા ત્યારે પણ તેમને કામ કરવા માટે મજબૂર કરવામાં આવતા હતા. તેમના માલિક અમોલ ભોસલેએ 10-12 લોકોને તેમની પાસેથી ભીખ મગાવવા માટે તેમને લીંબુના બગીચામાં સંતાડ્યા હતા.
લલ્લને ત્યાંથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તેમને શોધીને પાછા લાવવામાં આવ્યા અને તેમના પગ તોડી નાખવાની ધમકી આપી હતી.
પોલીસના અનુમાન પ્રમાણે લલ્લનની ઉંમર 45 વર્ષની આસપાસ છે.
લલ્લન પર કોઈની સાથે બોલવા પર રોક હતી. તેમણે કહ્યું, "અમોલ ભોસલે બહારથી લોકોને લાવતા અને 20-25 દિવસ માટે તેમને બગીચામાં રાખતા અને તેમની પાસે બળજબરીથી કામ કરાવતા હતા. સૌથી પહેલાં મને તેમણે એક માણસ સાથે મુંબઈના બોરીવલીમાં ભીખ માગવા માટે મોકલાયો હતો."
"અમે અંધેરીમાં રહેતા અને બોરીવલીના બ્રિજ નીચે આખો દિવસ ભીખ માગતા. અમારા દ્વારા ભેગી કરેલી રકમ તે પાતાની પાસે રાખતો અને દારૂ પીતો."
લલ્લન જલદી જ ઘરે પાછા ફરશે. તેમના પરિવારમાં એક પત્ની અને એક દીકરો છે.
ભાઉસાહેબ મોરે અંબેજોગાઈના ચણાઈ ગામના શેરડીના મજૂર છે. કામની શોધમાં તેઓ સ્ટેશન પર આવ્યા હતા. પીલાજી ભોસલે તેમને છેતરીને શ્રીગોંદ્યા લઈ આવ્યો. તેમને ખેતરમાં કામ કરાવતો અને માર મારતો.
ગુલામોને ખેતરામાં છુપાવવામાં આવતા

ઇમેજ સ્રોત, PRAVIN THACKERAY/BBC
દરેક પીડિતોને ભારતના અલગ-અલગ રેલવે સ્ટેશનો પરથી ગુલામ બનાવવા માટે લાવવામાં આવ્યા હતા.
પીડિતોને મુંબઈ, દિલ્હી અને હૈદરાબાદથી છેતરીને અહીં લાવવામાં આવ્યા અને તેમને એટલી હદે ત્રાસ આપ્યો કે તેમની માનસિક સ્થિતી નબળી પડી ગઈ. પોલીસના મત અનુસાર ગૅંગના લોકોએ માત્ર માનસિક રીતે અસ્થિર લોકોને જ નિશાનો બનાવ્યા.
પોલીસનું કહેવું છે કે લોકો સાથે ગુલામ જેવું વર્તન કરનાર આરોપી ગામમાં રહેતો ન હતો. તે બતાવી રહ્યો હતો કે તેમનો મુખ્ય વ્યવસાય બકરી પાળવાનો છે તેથી અન્ય ગ્રામજનો તેમના વિશે વધુ જાણતા નથી. જ્યારે આરોપી એરવી તેની ગુનાહિત પ્રવૃતિઓ કરતો હતો અને ઘરમાં પશુઓની સંભાળ રાખતો હતો.
પોલીસ જ્યારે આરોપીઓના ઘરની ઘોટાવી અને કોલગાંવમાં તપાસ કરી રહી હતી ત્યારે બીબીસીએ પણ આ ઘરોની મુલાકાત લીધી.
બેઘર લોકોને કેટલાંક સ્થળોએ પ્રાણીઓ માટેના શેડમાં રાખવામાં આવ્યા હતા. તેમનો ખોરાક પણ અલગ હતો. બીજી જગ્યાએ પીડિતોને જુવારના ખેતરમાં છુપાવવામાં આવ્યા હતા. એક ઘરમાં માલિક ખાટલા પર સૂતો હતો અને નોકર નીચે જમીન પર પલંગ કે ધાબળા વગર સૂતો હતો.
વિકલાંગ મહિલાની જીભ કાપી નાખી હતી
આ બચાવાયેલા બેઘર પીડિતો હાલમાં અહમદનગરમાં શ્રી અમૃતવાહિની ગ્રામ વિકાસ મંડળના અરનગાંવ ખાતે ચાલી રહેલા માનવ સેવા પ્રોજેક્ટમાં છે. આ સેવાભાવી સંસ્થામાં મનોચિકિત્સકો દ્વારા તેમનું કાઉન્સેલિંગ અને સારવાર કરવામાં આવે છે.
બીબીસીએ પોલીસ સાથે અરનગાંવ સંસ્થાની મુલાકાત લીધી હતી.
પીડિતોએ જ્યારે તેમને બચાવનાર પોલીસ અધિકારીઓના ચહેરા જોયા તો તેઓ ખુશ થઈ ગયા.
એક મૂંગાં મહિલા તેમની સાથે શું થયું તે કહેવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. પોલીસને આશંકા છે કે બળજબરીપૂર્વક કામ કરાવવા માટે આ લોકોની જીભ કાપી નાખી હતી.
પોલીસ હવે પીડિતોના પરિવારોને શોધી રહી છે. "આમાંના કેટલાક 4-5 વર્ષથી કામ કરી રહ્યા છે. તેથી તેમના ગુમ થવાની ફરિયાદો શોધી કાઢવી મુશ્કેલ કામ છે. વધુમાં, તેમના ચહેરાના અને શારીરિક ફેરફારોને કારણે શોધવાનું કામ વધારે મુશ્કેલ છે."
આ સંસ્થાના મેનેજર શિરાજ શેખે કહ્યું, "તેમને કદાચ બોલવામાં પણ છ મહિના જેટલો સમય લાગશે. તેમને છોડાવ્યા પછી તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. લાંબા સમયથી તેમનું શોષણ થતું હોવાથી તેમને બોલવા માટે તૈયાર કરવા એ એક મોટો પડકાર છે."
ગુનેગારો પોલીસને કેવી રીતે ચકમો આપતા રહ્યાં?
પોલીસ ઇન્સપેક્ટર સંજય ઠેંગેએ કહ્યું કે સ્થાનિક ગુનેગારોની ટુકડીઓ માનવ તસ્કરીના આ રેકેટમાં કાર્યરત છે.
તેમણે ઉમેર્યુ, “જો આ પીડિતોમાંથી કોઈનું મૃત્યુ થાય, તો તેઓ મૃતદેહને કોથળામાં મુકી દેતા અને નિકાલ માટે નિર્જન જગ્યાએ રાખતા. તેઓ જાણી જોઈને આવું કરે છે. પોલીસ તંત્ર હત્યાની તપાસમાં વ્યસ્ત હતું, જેથી ટોળકીના ગુનેગારો મુશ્કેલીમાં મુકાતા હતા. પોલીસ માત્ર ગુનેગારો દ્વારા કરવામાં આવતી ઘરફોડ ચોરીઓમાં આર્થિક શોષણના ગુનાઓની તપાસ કરતી નથી. આ કારણે જ ગુનેગારોએ તેમની કામ કરવાની પદ્ધતિમાં આ પ્રકારની ચાલનો ઉપયોગ કર્યો હતો.”
પોલીસને તપાસ દરમિયાન માહિતી મળી કે અમુક ગુનેગારો દેશના અન્ય ભાગોમાંથી લોકોને ખેત મજૂર તરીકે શ્રીગોંદ્યામાં લાવી રહ્યા છે. આ ગુનેગારો પીડિતોને મારતા, અર્ધ-ભૂખ્યા રાખતા અને તેમના ખોરાકમાં ગાંજો નાખતા જેથી તેઓ મજૂરી કરી શકે.
પોલીસે અત્યાર સુધીમાં ચારુશિલા રઘુનાથ ચવ્હાણ, રઘુનાથ રાઈફલ ચવ્હાણ, ઝીલુર રાઈફલ ચવ્હાણ, અમોલ ગિરિરાજ ભોસલે, આબા જાલિન્દર કાલે, દાલખુશ મુકીંદા કાલે, નંદુ કિલચંદ ગવાણે, સાગર સુદામ ગવાણે, અબ્બાસ સંભાજી ગવાણે, સચિન જયસિંહ ગવાનણે અને કાલુરામ પાટીલબા પવાર વિરૂદ્ધ કેસ નોંધ્યા છે.
તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 367, 370, 342, 323, 504, 506, 34 અને માનવ તસ્કરી અને ગુલામી સંબંધિત કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપીઓ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવે છે અને તેમની સામે પહેલાં પણ ગુનાહિત કેસ નોંધાયેલા છે.
પોલીસે બીબીસીને જણાવ્યું કે તેઓ કાયદાથી સારી રીતે વાકેફ હોવાથી કોઈ કબૂલાત આપી રહ્યા નથી.












