અમદાવાદ: “ફૂલ જેવા મારા દીકરાને ચાકૂના ઘા મારી દીધા” – પ્રિયાંશુનાં માતાની વેદના

- લેેખક, કલ્પેશ ચાવડા અને પ્રીત ગરાલા
- પદ, બીબીસી ગુજરાતી, મેરઠથી
‘મારા દીકરાને જ્યારે ચાકૂના ઘા વાગ્યા હશે તો તેને કેવું દર્દ થયું હશે, આ વિશે વિચારીને પણ મારો આત્મા ધ્રૂજી ઉઠે છે.’
આ શબ્દો પ્રિયાંશુનાં માતા રીનૂ જૈનના છે. તેમના પુત્રની અમદાવાદમાં ચાકૂના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી.
અમદાવાદના પોશ ગણાતા બોપલ વિસ્તારમાં પ્રિયાંશુ અને તેમના મિત્ર 10 નવેમ્બરના રોજ રાતે સાડા દસ વાગ્યાની આસપાસ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કાળી કારના ચાલકે તેમની સાથે બોલાચાલી કરી હતી.
પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, એ ચાલક ગાડીમાંથી ઊતર્યા અને છરી મારીને પ્રિયાંશુની હત્યા કરી નાખી હતી.
મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી પ્રિયાંશુ જૈન અમદાવાદની પ્રતિષ્ઠિત માઈકામાં (મુદ્રા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશન, અમદાવાદ) એમબીએનો અભ્યાસ કરતા હતા.
પોલીસે કારચાલકની ધરપકડ કરી છે અને વધુ તપાસમાં એ સામે આવ્યું હતું કે એ કારચાલક સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા કૉન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયા હતા.
પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ

આ કેસ અંગે વધુ માહિતી મેળવવા અને મૃતક પ્રિયાંશુના પરિવારજનો સાથે વાતચીત કરવા માટે બીબીસી ગુજરાતીની ટીમ મેરઠ પહોંચી હતી.
જ્યારે અમે મેરઠમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ત્યાં સન્નાટો છવાયેલો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એકના એક પુત્રને ગુમાવ્યા બાદ દુ:ખમાં સરી પડેલા પ્રિયાંશુનાં માતાપિતા તેમજ બહેન અને બનેવીએ અમારી સાથે પ્રિયાંશુના બાળપણથી લઈને તેમની અમદાવાદ પહોંચવા સુધીની સફર વિશે વાત કરી હતી.
બીબીસી સાથે વાત કરતા પ્રિયાંશુ જૈનના પિતા પંકજ જૈન જણાવે છે કે, “10 તારીખે લગભગ 10:30 વાગ્યાની આસપાસ જ્યાંરે હું મારા રૂમમાં ઊંઘી રહ્યો હતો ત્યારે મારા મોબાઈલમાં પ્રિયાંશુના મિત્રનો કૉલ આવ્યો અને તેણે જણાવ્યું કે પ્રિયાંશુ ઇજાગ્રસ્ત છે અને અમે તેને હૉસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ.”
“પરંતુ મારા પગ નીચેથી ત્યારે જમીન ખસી ગઈ જ્યારે મને લગભગ 1:30 વાગ્યા આસપાસ માઈકામાંથી ફોન આવ્યો. તેમણે મને જણાવ્યું કે અમે તમારા દીકરાનો જીવ બચાવવા બહુ પ્રયાસ કર્યા, બે હૉસ્પિટલો પણ બદલાવી પરંતુ તેનો જીવ નથી બચી શક્યો હવે પ્રિયાંશુ આ દુનિયામાં નથી. પછી મેં જેટલું બને તેટલું વહેલા અમદાવાદ પહોંચવાનો પ્રયાસ કર્યો પણ બીજા દિવસે હું સવારે અમદાવાદ પહોંચી શક્યો.”
“હવે મારો છોકરો આ દુનિયામાં નથી. પ્રિયાંશુ ખૂબ જ પ્રેમાળ છોકરો હતો તે પોતાનામાં જ મગ્ન રહેતો હતો અને અન્યની ખુશીને પણ પોતાની ખુશી માનીને ખુશ રહેતો હતો. માઈકામાં ઍડમિશન લેવું એ તેના માટે એક સપનું હતું અને માઈકામાં ઍડમિશન મળ્યા બાદ તે ખૂબ જ ખુશ હતો.”
થોડા દિવસ પછી જ નોકરી મળવાની હતી

પ્રિયાંશુનાં બહેન ગીતિકાએ ગળગળા થઈને કહ્યું, “એક જ ક્ષણમાં બધું જ જાણે ખતમ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે.
તેઓ કહે છે, “પ્રિયાંશુ સ્વભાવે મસ્તીખોર હતો અને હસમુખા સ્વભાવનો હતો.”
“મારા ભાઈ પ્રિયાંશુનું એક સપનું હતું કે તે અમારાં માતાબાપને એકવાર જરૂરથી વિદેશ ફરવા લઈ જવા માંગતો હતો. તે દિવાળીના વૅકેશનમાં અમારા ઘરે આવ્યો હતો અને સાથે મળીને દિવાળી ઉજવી હતી. જ્યારે છેલ્લે તે ઘરેથી ગયો ત્યારે ડિસેમ્બરમાં મળવા આવીશ તેમ કહીને ગયો હતો.”
તેમણે છેલ્લે પોતાના ભાઈ સાથે કરેલી વાતને યાદ કરતાં કહે છે, “આ ઘટના પહેલાં છેલ્લે જ્યારે મારી પ્રિયાંશુ સાથે વાત થઈ તો તે પોતાની કૉલેજનું એક ફંક્શન હોવાને લીધે સ્યૂટ સીવડાવવા માટે આવ્યો હતો. ફૉનમાં વાત કરતી વખતે તે ખૂબ ખુશ લાગતો હતો કારણ કે થોડા જ દિવસો પછી તેનું પ્લૅસમેન્ટ થવાનું હતું અને તે માર્કેટિંગ સેક્ટરમાં નોકરી કરવા માંગતો હતો. તેને પરિવાર સાથે જ રહેવું હતું, વિદેશ જવાની તેને કોઈ મોટી ઇચ્છા ન હતી.”
‘મારા દીકરાને ચાકૂના ઘા માર્યા, એ સાંભળીને મારો આત્મા ઘ્રૂજી ઉઠે છે’

બીબીસી સાથે વાત કરતા પ્રિયાંશુનાં માતા રડતી આંખે કહે છે કે, "મારો દીકરો ફૂલ જેવો હતો. અમે તેને જીવનમાં એક સોય પણ વાગવા દીધી ન હતી, અને આ આરોપીએ મારા ફૂલ જેવા દીકરાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો."
"મારા દીકરાને જ્યારે ચાકૂના ઘા વાગ્યા હશે તો તેને કેવું દર્દ થયું, હશે એ વિશે વિચારીને પણ મારો આત્મા ધ્રૂજી ઉઠે છે.”
તેઓ કહે છે કે, “પ્રિયાંશુ ખૂબ જ ખુશ મિજાજી છોકરો હતો. તેને ફિલ્મો જોવાનો, ગેઇમ રમવાનો તેમજ સ્પૉર્ટ્સમાં પણ ખૂબ જ રસ હતો. તે ફૂટબૉલ પ્લેયર મેસ્સીનો બહુ મોટો ફૅન હતો.”
માતાની વેદના સાંભળી પ્રિયાંશુનાં બહેન અને બનેવીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.
તેઓ અશ્રુભીની આંખે પ્રિયાંશુની તસ્વીર સામે આંગળી ચીંધી કહે છે કે, “જુઓ આ છે મારો દીકરો, કેટલો સુંદર છે. મને થાય છે કે હમણાં જ મમ્મી... મમ્મી કરતા મારી સામે દોડી આવશે.”
તેઓ પ્રિયાંશુની તસવીરને ચુંબન કરી કહે છે કે "મારા ફૂલ જેવા દીકરાએ કોઈનું શું બગાડ્યું હતું?"
પરિવારની માગ શું છે?
પ્રિયાંશુના પિતા કહે છે, “આરોપી પોતે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ કૉન્સ્ટેબલ હોવાથી પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે અને તે કાર્યવાહીમાંથી કઈ રીતે છટકી શકાય તેની તેને જાણ હશે. આથી અમને શંકા છે કે તે છૂટી ના જાય.”
પ્રિયાંશુનાં માતાની એક જ માગ છે કે, તેમના દીકરાની હત્યા કરનારા આરોપીને ઓછામાં ઓછી ફાંસીની સજા થવી જોઈએ અને તેનો કેસ ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચાલવો જોઈએ.
હાલમાં આ ઘટનાના આરોપી વિરેન્દ્રસિંહ 10 દિવસના રિમાન્ડ પર છે, આ કેસમાં આગળ શું વળાંક આવે છે કે તપાસમાં શું સામે આવે છે, અને આરોપીને કેટલી ઝડપથી સજા થાય છે તેના પર સૌની નજર રહેશે.
આ સમગ્ર બનાવ બાદ બીબીસી ગુજરાતીની ટીમે સમગ્ર ઘટના અને આરોપીની ધરપકડ કઈ રીતે કરી તે અંગેનો વીડિયો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે તમે ક્લિક કરી વાંચી શકો છો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













