અંકલેશ્વર : 'હું અપહરણકારને આપવા પૈસાની સગવડ કરતો હતો અને મારા દીકરાની લાશ મળી'

ઇમેજ સ્રોત, Dinesh Makwana
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ચાંપતા સુરક્ષા બંદોબસ્તને કારણે દિવાળીના તહેવાર સુખરૂપ પતી ગયા હતા એટલે અંકલેશ્વર પોલીસને રાહત હતી.
છતાં હજુ છઠપૂજાનો તહેવાર બાકી હતો. અંકલેશ્વરની ફૅક્ટરીઓમાં કામ કરતા ઉત્તર ભારતીયો માટે આ મહત્ત્વપૂર્ણ તહેવાર હોવાથી આ વિસ્તારમાં ધામધૂમથી ઉજવાય છે.
પોલીસને લાગતું હતું કે છઠઘાટ પર પૂજા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એટલે તેમના માટે બધું 'રાબેતા મુજબ' ચાલુ થઈ જશે.
જોકે, બંદોબસ્ત દરમિયાન જ પોલીસને માહિતી મળી હતી કે આઠ વર્ષના બાળકનું કિડનૅપિંગ થયું છે અને અપહરણકર્તાએ રૂ. પાંચ લાખની માગ કરી છે.
અંકલેશ્વર પોલીસે તપાસ હાથ ધરી હતી. શરૂઆતમાં તો તપાસકર્તાઓને કોઈ મહત્ત્વપૂર્ણ લીડ નહોતી મળી રહી, ત્યારે ખંડણી માગવા માટે વપરાયેલો એક શબ્દ મહત્ત્વપૂર્ણ બની ગયો હતો, જેના આધારે પોલીસ કિડનૅપર સુધી પહોંચી ગઈ હતી. જોકે, તે પહેલાં જ અપહૃત બાળકનું મૃત્યુ થઈ ગયું હતું.
કહેવાય છે કે 'પહેલો સગો પાડોશી', પરંતુ આ કિસ્સામાં આરોપી તરીકે સોસાયટીના જ રહીશનો ચહેરો સામે આવ્યો, જેણે પોતાનું દેવું ઉતારવા માટે અપહરણનું ત્રાગું રચ્યું હતું.
પિતા નહીં, માતા પાસેથી ખંડણીની માગ

ઇમેજ સ્રોત, Dinesh Makwana
કેસ વિશે માહિતી મળતા જ પોલીસે અપહરણકર્તાના વ્યક્તિત્વ વિશેની રૂપરેખા દોરવાનું શરૂ કર્યું હતું, જેમાં તે વુમન સાઇકૉલૉજીનો જાણકાર અને કોઈ જાણભેદુ હોવાનું અનુમાન કર્યું હતું.
અંકલેશ્વરના ડીવાયએસપી (ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) ડૉ. કુશલ ઓઝાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ મામલો ગંભીર હતો, કારણ કે અપહરણકારે પિતાને નહીં, પરંતુ માતાને બાળક જીવતું જોઈતું હોય તો રૂ. 5 લાખ ચૂકવવાની ખંડણીનો મૅસેજ કર્યો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એનો સીધો અર્થ એ થાય કે તે વુમન સાઇકૉલૉજીનો જાણકાર હોવો જોઈએ. જો તે મહિલાને મૅસેજ કરે, તો તે પતિ ઉપર નાણાં આપવાં માટે દબાણ કરે અને પોલીસમાં ફરિયાદ કરવાનું ટાળે. આમ છતાં બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી."
મળેલી ફરિયાદના આધારે જે નંબર પરથી વૉટ્સઍપ મૅસેજ આવ્યો હતો, તેને ટ્રૅસ કરવાનું શરૂ કર્યું, તો તે બંધ આવતો હતો. છતાં તેનું છેલ્લું લૉકેશન ડ્રિમ સિટી સોસાયટી આસપાસનું દેખાડતું હતું અને અહીંથી જ બાળકનું અપહરણ થયું હતું.
ડૉ. ઓઝા કહે છે, "આ અમારા માટે નવાઈની વાત હતી. કેમ કે આ સોસાયટી અંકલેશ્વર પાસે દઢાલ ગામમાં આવેલી છે અને આ ગામમાં કોઈ મોટા ક્રાઇમ નથી થતા. વળી અપહરણકર્તાના બધા મૅસેજ અલ્તાફના નામથી આવ્યા હતા."
"અમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો, તો માલૂમ પડ્યું હતું કે આસપાસમાં અલ્તાફ નામનો કોઈ શખ્સ રહેતો નથી. અલ્તાફ એ ખૂબ જ કૉમન નામ છે. એટલે અમને પહેલા દિવસથી જ શંકા હતી કે અપહરણકર્તા કોઈ જાણભેદુ વ્યક્તિ જ હોવી જોઈએ."
જેમ-જેમ તપાસ આગળ વધતી ગઈ અને આરોપીનો ચહેરો સામે આવ્યો, ત્યારે આ વાત ખરી સાબિત થઈ હતી.
સંદિગ્ધ પણ શોધખોળમાં સામેલ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બાળકનું અપહરણ થયું હોવાની વાત સોસાયટી અને નાનકડા ગામમાં વાયુવેગે ફેલાઈ ગઈ હતી. પાડોશીઓ અને ગ્રામજનો પણ આઠ વર્ષીય બાળકને શોધવાની કવાયતમાં જોડાયા હતા.
મૃત બાળકના પિતા ભીષ્મ રાજભરે બીબીસી સાથે વાત કરતા કહ્યું, "છઠ હોવાને કારણે મારાં પત્ની ઘાટ પર પૂજા કરવા માટે ગયાં હતાં. હું નોકરી ઉપર ગયો હતો. પરત ફર્યો ત્યારે અમારી સોસાયટીના લોકો મારા દીકરાને શોધી રહ્યા હતા. ક્યાંય ન મળ્યો એટલે અમે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરી."
"પોલીસ સ્ટેશનેથી પરત આવ્યા એટલે મારી પત્નીએ તેના ફોનમાં આવેલા અપહરણ તથા ખંડણીના મૅસેજ દેખાડ્યા. તે ઘરેણાં વેચીને રૂ. પાંચ લાખ આપવા તૈયાર હતી."
રાજભર ઉમેરે છે, "હું પણ જો મારું બાળક હેમખેમ પરત મળતું હોય તો પૈસા આપવા તૈયાર હતો. મેં કહ્યું કે મારું બાળક સલામત છે એની ખાતરી માટે ફોટો મોકલો."
"જવાબમાં અપહરણકારે વીડિયો મોકલવાની વાત કહી. હું પૈસાની જોગવાઈ કરી રહ્યો હતો, ત્યાં પોલીસે અમને મારા દીકરાની લાશ બતાવી."
બાળકને શોધવાની કવાયતમાં જોડાનારા પાડોશીઓમાં સીઆરપીએફના કૉન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ રાજપૂતનો પણ સમાવેશ થતો હતો. જેઓ રજા ઉપર ગામ આવ્યા હતા અને તેનાં પત્ની-સંતાનો છઠપૂજા માટે ગામ ગયાં હતાં.
શૈલેન્દ્રસિંહે બાળકના અપહરણની શંકા તેના ઉપર ન જાય તે માટે પૂરતી કાળજી લીધી હતી, પરંતુ એક શબ્દ તેમને કાયદાના શિકંજા સુધી લઈ ગયો હતો.
એક શબ્દથી થયો પર્દાફાશ

ઇમેજ સ્રોત, Dinesh Makwana
પોલીસે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી કેસને ઉકેલવા માટે તજવીજ હાથ ધરી હતી. નંબરની શરૂઆત '7490'થી થતી હતી એટલે આંધ્ર પ્રદેશ કે ગુજરાતની ટેલિકૉમ કંપનીએ શરૂ કરેલી નવી સિરીઝનો નંબર હશે એમ માનીને પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી.
ડીવાયએસપી ડૉ. ઓઝાના કહેવા પ્રમાણે, "જ્યારે બાળકનું અપહરણ થયું અને ખંડણીની માગ થઈ, ત્યારે તે અમારા માટે બ્લાઇન્ડ કેસ હતો. જે ફોન પરથી ખંડણી માટેનો વૉટ્સઍપ મૅસેજ આવ્યો હતો, એ બંધ રહેતો હતો. વધુમાં એ ફોનનું છેલ્લું લૉકેશન બાળકના ઘર પાસેનું જ હતું."
એવામાં બીજા દિવસે અપહરકારનો વધુ એક મૅસેજ આવ્યો. જેમાં તેણે ચોક્કસ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પોલીસે તેના આધારે તપાસ હાથ ધરતા કોયડો ઉકેલાઈ ગયો હતો.
ડૉ. ઓઝા કહે છે, "બીજા દિવસે જે મૅસેજ આવ્યો, તેમાં એક શબ્દ હતો કે 'જ્યાદા તેજ મત હોના.' સામાન્ય રીતે પોલીસ, અર્ધલશ્કરી દળ કે સશસ્ત્ર દળોમાં કામ કરતા લોકો આવા શબ્દનો ઉપયોગ વધુ કરે છે."
"અમે તાત્કાલિક હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો કે નજીકમાં કોઈ પોલીસ, અર્ધલશ્કરી દળ કે નૉન-સિવિલિયન રહે છે કે કેમ? તપાસ કરતા માલૂમ પડ્યું કે જે બાળકનું અપહરણ થયું તેના ઘરથી ત્રણ મકાન પછી સીઆરપીએફ જવાન રહે છે. જે દિવાળીની રજા ગાળવા માટે હાલ દઢાલમાં જ છે."
"અમારી શંકા મજબૂત થઈ. અમે તાત્કાલિક એમના ઘરમાં સર્ચ કર્યું, તો અર્ધ લશ્કરી દળ દ્વારા ઉપયોગમાં લેવાતી લોખંડની પેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો."
પોલીસે તાત્કાલિક શૈલેન્દ્રસિંહની ધરપકડ કરી, જેમાં તેણે કેવી રીતે અને શા માટે બાળકનું અપહરણ કર્યું તેના વિશેની વાતો જણાવી.
શૅરબજારથી શરૂઆત, સળિયા પાછળ અંત

ઇમેજ સ્રોત, Dinesh Makwana
પોલીસ તપાસમાં શૈલેન્દ્રસિંહના કહેવા પ્રમાણે, તેણે શૅરબજારનું ઑનલાઇન ટ્રૅડિંગ કર્યું હતું અને તેમાં નુકસાન થતાં, રકમ મેળવવા માટે અપહરણ અને ખંડણીનું ત્રાગું રચ્યું હતું.
આરોપીએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાતને ટાંકતા ડીવાયએસપી ડૉ. ઓઝા કહે છે, "આઠ વર્ષનું બાળક સાઇકલ ચલાવી રહ્યું હતું, ત્યારે આરોપી (શૈલેન્દ્રસિંહ) તેને ફોસલાવીને ઘરે લઈ ગયા હતા. જ્યાં બાળકે બૂમાબૂમ કરતા તેના મોઢા ઉપર ટૅપ ચોંટાડી દીધી અને હાથપગ બાંધી દીધા હતા."
"બાળક અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં આરોપીએ વધુ પડતું જોર કર્યું હતું, જેના કારણે બાળક બેભાન થઈ ગયું હતું. આથી એણે બાળકને પોતાની લોખંડની પેટીમાં પૂરી દીધું હતું. જ્યાં ગૂંગળામણ થવાથી તેનું મૃત્યુ થયું હોવાનું પ્રથમદૃષ્ટિએ જણાય છે."
પોલીસ તપાસમાં પાડોશીએ જ બાળકનું અપહરણ કર્યું હોવાની તથા તેનું મૃત્યુ થયું હોવાની વાત બહાર આવતા રાજભર પરિવાર અને ડ્રિમ સિટી સોસાયટીના રહીશોને પણ આઘાત લાગ્યો હતો.
ભીષ્મ રાજભરે કહ્યું, "શૈલેન્દ્રસિંહ અમારા ઘરથી ત્રીજા ઘરમાં રહેતો. રાત્રે તો એ અમારી સાથે મારા દીકરાને શોધવા આવ્યો હતો. એ આવું કરશે એવી અમે કલ્પના નહોતી કરી."
આરોપી કેન્દ્રીય અર્ધલશ્કરી દળ સીઆરપીએફમાં (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ) ફરજ બજાવે છે, ત્યારે તેણે પૈસા મેળવવા માટે અપહરણ જેવો ગેરકાયદેસર માર્ગ કેમ અપનાવ્યો તે બાબત ઘણા પાડોશીઓ માટે ચોંકાવનારી છે.
ડ્રિમ સિટી સોસાયટીમાં રહેતા રામમણિ પાંડેએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "શૈલેન્દ્રના પિતા એસઆરપીમાં (સ્ટેટ રિઝર્વ પોલીસ) હતા. અમને પહેલાંથી જ શૈલેન્દ્ર શિસ્તબદ્ધ લાગતો હતો. એનું ખુદનું મકાન છે, એને ગીરવી મૂકીને પણ રૂ. પાંચ લાખ લઈ શક્યો હોત. છતાં તેણે ખૂન શા માટે કર્યું, એ સમજાતું નથી."
રાજભર પરિવાર પાસેથી પૈસા મળશે એવી શક્યતા હોવા છતાં શા માટે તેણે હત્યા કરી અને શા માટે પૈસાની જરૂરિયાત હતી, તેના વિશે શૈલેન્દ્રસિંહે પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા.

ઇમેજ સ્રોત, Dinesh Makwana
ડીવાયએસપી ડૉ. ઓઝાના કહેવા પ્રમાણે, "શૈલેન્દ્રસિંહને શૅરબજારના ઑનલાઇન સટ્ટામાં ભારે નુકસાન થયું હતું. એ પૈસા ચૂકવવા તેણે લોન લીધી હતી. શૈલેન્દ્રસિંહને એ લોનનાં નાણાં ભરવાં માટે તાત્કાલિક રૂ. પાંચ લાખની જરૂર હતી."
"બાળકની માતાને ફોન કરવામાં આવે તો તે ઘરેણાં વેચીને પણ રૂ. પાંચ લાખ આપી શકે એ હેતુસર શૈલેન્દ્રસિંહ માતાને ખંડણી માટેના મૅસેજ મોકલ્યા હતા."
"આરોપીને ખબર પડી કે પોલીસ ફરિયાદ થઈ છે એટલે તેણે ડરાવવા માટે બીજો મૅસેજ કર્યો કે એમા ઘરના તમામ સભ્યો ઉપર એની નજર છે. શૈલેન્દ્રસિંહે બીજા મૅસેજમાં તેજ શબ્દનો ઉપયોગ કર્યો, જેના આધારે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલાઈ ગયો હતો, પણ એણે ખંડણીનો મૅસેજ કર્યો, એ પહેલાં જ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું."
મૅસેજ મોકલવા માટે ઉપયોગમાં લેવાયેલો મોબાઇલ ચોરીનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
જાણીતા મનોચિકિત્સક ડૉ. પ્રશાંત ભીમાણીએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "સર્વિસિઝમાં કામ કરતા લોકો ક્રિમિનલ સાઇકૉલૉજીથી વાકેફ હોય છે. તેઓ પોલીસને ગેરમાર્ગે દોરવાની યુક્તિઓ જાણતા હોવાથી આવા કામ કરવા માટે પ્રેરાય છે."
"આરોપી વુમન સાઇકૉલૉજીથી વાકેફ હતો. જો તે 25 કે 50 લાખ રૂપિયા જેવી મોટી રકમ માગે તો પરિવારના પુરુષો સુધી વાત પહોંચે. એના બદલે જો રૂ. પાંચ લાખ જેવી રકમ માગે અને માતાને ધમકી આપે તો આ રકમ વહેલી મળી જાય. મહિલા ડરના માર્યા વિના કોઈને કહ્યા વગર રકમ આપી દેશે એવી તેની ગણતરી હોઈ શકે છે."
આરોપી શૈલેન્દ્રસિંહે પોલીસે કહ્યું કે તક મળ્યે મૃતદહેને નજીકના કોઈ ખેતરમાં સગેવગે કરી દેવાની તેની ગણતરી હતી. જોકે, એ પહેલાં જ પોલીસ તેના દરવાજા સુધી પહોંચી ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













